Bhayank safar (afrikana jangaloni) - 27 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 27

Featured Books
Categories
Share

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 27

કાળા જ્વાળામુખી પહાડો.
મેરી બની ગર્ભવતી.
***************



"રોબર્ટ રોબર્ટ ઉઠને. જો દિવસ કેટલો ચડી ગયો છે.' મેરી ઊંઘી રહેલા રોબર્ટનો હાથ જોરથી ખેંચતા બોલી.


મેરી રોબર્ટનો હાથ ખેંચીને ઉઠાડી રહી હતી.પણ આગળની રાતે થાકેલો રોબર્ટ ઉઠી રહ્યો નહોંતો. એ આંખો ખોલીને ફરી પડખું ફેરવીને સૂઈ જતો હતો. આ બાજુ મેરી સામે રહેલા પેલા કાળા પહાડો જોઈને ખુબ જ ડરી રહી હતી. સામે ફક્ત બે જ વિશાળ પહાડો હતા પણ બન્ને એકદમ કાળા હતા. બન્ને પહાડની ટોચ ઉપરથી કંઈક વરાળ જેવું નીકળતું હતું જે ઊંચે આકાશમાં ચડતું હતું.


"રોબર્ટ ઉઠને મને બહુજ તરસ લાગી છે.' મેરીએ રોબર્ટના બન્ને કાન પકડીને રોબર્ટનું માથું જોરથી હચમચાવ્યું.


"થોડીકવાર સુવા દે ને વ્હાલી.' મોટુ બગાસું ખાઈને રોબર્ટ આળસના કારણે પોતાનું આખું શરીર મરોડતા બોલ્યો.


"શું થોડીકવાર સુવા દે. તું સામે તો આ કાળા પહાડો જોઈને મને ખુબડર લાગી રહ્યો છે.' મેરી પોતાના ચહેરા ઉપર ગુસ્સાનો અને ડરનો ભાવ ઉપસાવતા બોલી.


"શું કહ્યું કાળા પહાડો.!! રોબર્ટ આશ્ચર્ય પામતો બોલી ઉઠ્યો અને એકદમ બેઠો થઈ ગયો.


રોબર્ટ બેઠો થઈને ચારેય બાજુ જોવા લાગ્યો ડાબી તરફ દક્ષિણમાં આવેલા કાળા પહાડો ઉપર એની નજર સ્થિર થઈ. એ નવાઈ ભરી નજરે એ કાળા પહાડોને તાકી રહ્યો.
અચાનક એના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ ઉદ્દભવવા લાગી અને એ ચિંતાની રેખાઓ ગાઢ બનવા લાગી. મેરી રોબર્ટના ચહેરાના બદલાતા ભાવો જોઈ રહી.


"રોબર્ટ શું થયું ? તું એકાએક ચિંતામાં કેમ આવી ગયો ? ચિંતાથી ઘેરાયેલો રોબર્ટનો ચહેરો જોઈને મેરીએ નિદોષ સવાલ કર્યો.


"મેરી વ્હાલી આપણે આ જગ્યાએથી જલ્દી દૂર જવા નીકળવું પડશે.' રોબર્ટ બોલ્યો. રોબર્ટની આંખો હજુ પણ એ કાળા પહાડો ઉપર મંડાયેલી હતી.


"કેમ શું થયું ? કંઈ ભય જેવું છે અહીંયા ? મેરીએ ફરીથી પૂછ્યું.


"હા જો તને દેખાતું નથી.આ જ્વાળામુખી પર્વતો છે.પર્વતના ગર્ભમાંથી નીકળતો કાળો ડામર જેવો લાવારસ પહાડની ચારેય તરફ ફેલાઈ રહ્યો છે અને આકાશમાં જો લાવારસમાંથી નીકળતી વરાળો આકાશમાં જઈ રહી છે.' પહાડમાંથી નીકળતી વરાળ આકાશમાં જઈ રહી હતી એને જોતાં રોબર્ટ બોલ્યો.


"ઓહહ.! આ તો જ્વાળામુખી પર્વત છે.!! રોબર્ટની વાત સાંભળીને મેરી સરખી રીતે પહાડો તરફ જોતાં બોલી.


"આવી જગ્યાએ વધારે રોકાવું સારું નથી કારણ કે જ્યાં જ્વાળામુખી પર્વતો હોય છે ત્યાં ધરતીકંપનો ભય વધારે રહે છે.' આટલું કહીને રોબર્ટ બેઠો હતો ત્યાંથી ઉભો થયો.


"તો હવે ? રોબર્ટ ઉભો થયો એટલે મેરી પણ ઉભી થતાં બોલી.


"હવે આપણે અહીંયાથી ક્યાંક દૂર ચાલ્યા જવુ પડશે.' રોબર્ટ બોલ્યો.


"દૂર..' મેરી આટલું બોલી ત્યાં તો એને જોરદાર ઉલટી થઈ. મેરી ત્યાંજ બેસી ગઈ.


"વ્હાલી તું ઠીક તો છે ને.' મેરીનો હાથ પકડીને રોબર્ટ ચિંતિત અવાજે બોલ્યો.


"હા હું ઠીક છું.' મેરી ધીમું હસતા બોલી.


"શું છે તું આટલી ખુશ કેમ દેખાય છે ? મેરીના મોંઢા ઉપર ઉપસી આવેલી ખુશીની રેખાઓ જોઈ રોબર્ટે મેરીને પૂછ્યું.


"રોબર્ટ હું મા બનવાની છું.' ઉભી થઈને શરમથી લાલ થઈ ગયેલું પોતાનું મોઢું રોબર્ટની છાતીમાં છુપાવતા મેરી બોલી ઉઠી.


"શું કહ્યું ? સાચેજ.!! રોબર્ટ આનંદિત અવાજે બોલી ઉઠ્યો.


"હા.' આટલું બોલીને મેરી વહાલભરી નજરે રોબર્ટના મુખ સામે જોઈ રહી. આનંદિત થયેલો રોબર્ટ મેરીના ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યો.


રોબર્ટ અને મેરી લગભગ ચારેક મહિનાથી એકબીજાની સાથે હતા. આફ્રિકાના આ ખુંખાર જંગલોમાં મેરીની સાથે ચાર મહિના કેવીરીતે વીતી ગયા એ વાતની રોબર્ટને પણ જરાય ખબર પડી નહોતી. મેરી અને રોબર્ટે લગ્ન નહોતા કર્યા કારણ કે અલગ જ પ્રકારની પરિસ્થિતિમાં એમનું મિલન થયું હતું. ત્યારબાદ પ્રેમ થયો. જંગલોમાં અનેક આફતો સામે ઝઝૂમતા મેરી અને રોબર્ટ એકબીજાને પ્રાણથી પણ વધારે ઝંખતા હતા. અને પતિ-પત્ની કરતા પણ વધારે પ્રેમ કરતા હતા.


(ક્રમશ)



**********************************




એલિસે કર્યો વૃદ્વ હાથીનો બચાવ.
**********************


માયરા અને એલિસ સાથે આવેલા ગર્ગ અને એના સાથીદારોએ હાથીના એક વિશાળ ઝુંડમાંથી છુટા પડેલા વૃદ્વ હાથીને ઘેરી લીધો. હાથી બિચારો આ બધાના ઘેરામાંથી ભાગી છૂટવા માટે આમતેમ ભાગી રહ્યો હતો પણ બધાએ એને ચારેય તરફથી ઘેરી લીધો હતો એટલે ભાગવામાં સફળતા મળતી નહોતી. હાથી વૃદ્વ હતો એટલે થોડીકવારમાં તો એ હાંફી ગયો. અને ત્યાંજ બેસી પડ્યો. નીચે બેસી ગયેલા હાથીના શરીર ઉપર ભાલાનો પ્રહાર કરવા માટે માર્ટિને ભાલો ઉંચો કર્યો.


"ખબરદાર જો કોઈએ હાથીને જરાય પણ ઇજા પહોંચાડી છે તો.' હાથી જેવો નીચે બેઠો એવો જ માર્ટિન પોતાનો ભાલો ઊંચો કરીને વૃદ્વ હાથીના શરીર ઉપર પ્રહાર કરવા જતો હતો ત્યાં તો એલિસનો અવાજ સાંભળીને એનો હાથ ભાલા સાથે હવામાં જ અઘ્ધર રહી ગયો.


"એલિસ શું છે ? કેટલી મહેનત કરી ત્યારે એક હાથી માંડ આપણા કબજામાં આવ્યો છે અને તું એને પણ મારવાની ના પાડે છે.! માયરા એલિસના નજીક આવતા બોલી.


"હા.. હું ના પાડુ છું કે હાથીને મારવાનો નથી.!' એલિસ ચીસ જેવા અવાજે બોલી.


"પણ શા માટે ? માયરાએ ચીડાયેલા અવાજે એલિસને પૂછ્યું.


"અરે યાર આ બિચારો વૃદ્વ હાથી બચવા માટે કેટલા બધા તરફડીયા મારી રહ્યો છે અને તમે એને મારવા માટે તૈયાર થઈ ગયા છો. થોડીક તો દયા કરો એના ઉપર.' બધા સામે જોઈને એલિસ વિનંતીના સૂરમાં બોલી.


"પણ એલિસ હાર્ડીને મસાઈ લોકોના કબજામાંથી છોડાવવા માટે હાથીદાંત તો લઈ જ જવા પડશે. જો આપણે હમણાં હાથીનો શિકાર નહીં કરીએ તો આપણને હાથીદાંત ક્યાંથી મળશે ? અને હાથીદાંત લીધા વગર આપણે પાછા ગયા તો સદાય માટે આપણે હાર્ડીને ગુમાવવો પડશે.' ગર્ગ મુંજાયેલા અવાજે બોલ્યો.


"તમે લોકો સાવ પાગલ છો.' આટલું કહીને એલિસ બધા સામે જોઈને હસી પડી.


"કેમ પાગલ ?? ચૂપ ઉભેલા એન્થોલી બોલી ઉઠ્યા.


"પાગલ નહિ તો શું કહું તમને.! બધાને ખબર છે કે આ જંગલમાં ઘણાબધા હાથીઓ વસવાટ કરે છે. અને આટલા બધા હાથીઓ આ જંગલમાં રહે છે તો પછી ક્યારેક મરતા પણ હશે. આપણે હવે આ હાથીને છોડીને મરેલા હાથીનું હાડપિંજર શોધવાનું છે. જેનાથી આપણે જીવતો હાથી પણ મારવો નહિ પડે અને આપણને હાથીદાંત પણ મળી જશે.' એલિસે પોતાની વાત બધાને સમજાવી.


"હા તારી વાત તો સાચી છે એલિસ.' માયરા થોડુંક વિચારતા બોલી.


"એલિસ તે અમને સમજાવ્યા ના હોત તો આજે સાચે જ અમે લોકો આ બિચારા વૃદ્વ હાથીને મારી નાખત.' ગર્ગ એલિસ તરફ માનભરી નજરે જોતાં બોલ્યો.


"કંઈ નહિ હવે જે થયું એ વિચારવાનુ રહેવા દો અને ચાલો આગળ વધીએ આપણે હજુ હાથીઓના હાડપિંજરો શોધવાના છે.' એલિસ ગર્ગ તરફ જોઈને હસતા બોલી.


"હા.. કોઈને મૂંગા પ્રાણીને મારીને મારે પણ મારા પ્રેમીનો જીવ નથી બચાવવો.' માયરા એલિસને ભેંટી પડતા બોલી.


સાંજ ઢળી ચુકી હતી. સૂર્ય પશ્ચિમ તરફ ઝડપથી ભાગી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. અમૂક છુટાછવાયા વાદળાઓ સૂર્યની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા હતા. માયરા, એલિસ, ગર્ગ, જ્હોન, માર્ટિન અને એન્થોલી હાથીના હાડપિંજરને શોધવા માટે હાથીઓના જંગલમાં આગળ વધી રહ્યા હતા. ગર્ગના દિલમાં આજે પણ એલિસે એક નવું જ આકર્ષણ ઉત્પન્ન કર્યું હતું. એલિસની સમજદારી ઉપર ગર્ગ આજે ફિદા થઈ ગયો હતો.


(ક્રમશ)