અધૂરાં પ્રેમ (Season 2) ના પહેલા અંકમાં આપણે જોયુ કે વાર્ષિક દિવસ વખતે તારા અને અર્જુનના પ્રમોશન અને મુંબઇ ટ્રાન્સફર, આમ બે જાહેરાત થઇ હતી. આ વાતથી તારા પાર્ટીમાં અપસેટ થઈ ગઈ હતી.
હવે આગળ....
પાર્ટીમાંથી ઘેર પહોંચ્યા પછી તારા થોડી ડિસ્ટર્બ હતી. સિતારા ને સુવડાવ્યા પછી એ પોતાના માટે આદુવાળી ચા બનાવીને બહાર બાલ્કનીમાં આવી. કઠેડા પાસે ઉભા ઉભા એ વિચારી રહી કે એને શેનો ડર છે? એવું શુ છે જે એને પરેશાન કરી રહયુ છે? હજી તો સિતારા ઘણી નાની છે એટલે એને બીજી સ્કૂલમાં મૂકી દેવાશે. અને મમ્મી પપ્પાની તબિયત પણ હજુ ઘણી સારી છે એટલે એમને પણ શિફ્ટ થવામાં વાંધો નહિ આવે. તો એવું શું છે જે એને પરેશાન કરી રહ્યું છે? જો સિદ્ધાર્થ હોત તો એની સાથે આ બધી વસ્તુની ચર્ચા કરી શકાત પણ હવે તો એની પાસે વાત કરવાવાળું કોઈ નથી. એને અત્યારે સિદ્ધાર્થની સૌથી વધારે જરૂર છે. ઘડીક વાર એમજ બેઠા પછી તારા, સિતારા પાસે જઈને સુઈ ગઈ.
કેટલાય માઈલ દૂર રહેલો સિદ્ધાર્થ આજે પણ ઉદાસ હતો. આમ તો જ્યારથી તારા એના જીવનમાંથી આમ અચાનક જતી રહી એ પછી ઉદાસી એના માટે નવી વાત ન હતી પણ હવે એની ઉદાસી હતાશામાં બદલાતી જતી હતી. એ વારે વારે વિચારતો કે શું તારા સાચી હતી? માણસ પોતે ખુશ ના હોય તો ખરેખર એની આસપાસ બીજાને ખુશ નથી રાખી શકતો?
કેટલીય વાર પાસા બદલ્યા છત્તા આજે પણ ઉંઘ વેરણ બની ગઈ હતી. ના છૂટકે મીરા તરફ નજર નાખીને, એને વ્યવસ્થિત બ્લેન્કેટ ઓઢાઢીને એ ઉભો થયો અને બાલ્કનીમાં જઈને સિગારેટ જલાવી. તારા ના વિચારોમાં ખોવાયેલો રહેતો સિદ્ધાર્થ અનિંદ્રાથી પીડાવા લાગ્યો હતો અને ઘણી વાર રાત્રે સિગારેટ પીતો. હા એ સિવાય એ સિગારેટને હાથ પણ ન લગાવતો." શુ તારા એને સિગારેટ પીતો રોકત? હા પણ એની સ્ટાઇલમાં. ચાલ મને પણ આપ એમ કહીને! એને એ વિચાર માત્રથી હસવું આવી ગયું. તારા ને મળ્યા પછી અને એના આમ જતા રહ્યા પછી હવે સિદ્ધાર્થ જાણી ગયો હતો કે તારા ને મળ્યા પહેલાં જે વર્ષો એણે ગાળ્યા એતો ફક્ત પસાર કર્યા હતા એ જીવતા તો તારા સાથે જ શીખ્યો હતો . પણ હવે તારાના ગયા પછી એ જીવવાનું તો છોડો કદાચ હસવાનું પણ ભૂલી ગયો હતો. એણે પરિવાર સાથે બહાર જવાનું લગભગ બંધ કરી દીધું હતું. પોતાની જાતને કામમાં જોતરી દીધી હતી. રજાના દિવસોમાં એ એકલો પડ્યો રહેતો કે પછી હોમથિએટરમાં ફિલ્મ જોયા કરતો.
હા એ મીરા અને બાળકોની બધી જરૂરિયાતનો સંપૂર્ણ ખ્યાલ રાખતો. મીરા અને બાળકોને કંઈ પણ નાની મોટી મેડિકલ જરૂરિયાત વખતે એ પોતે એમને ડૉક્ટર પાસે લઈ જતો. એ સિવાય મીરા અને બાળકો માટે શોફર સાથેની કાર હતી.
બાળકોની દરેક PTM અટેન કરતો. પોતાની કોઈ ફરજ પુરી કરવામાં ચૂકતો નહીં. પણ પોતે અંદરથી વધુ ને વધુ એકલો અને ખોખલો થતો ચાલ્યો. આ પાંચ વર્ષમાં, એક પણ એવી ક્ષણ નહતી જયારે એણે એવું ના વિચાર્યું હોય કે તારા એના માટે જરૂરી, નહીં અત્યંત જરૂરી છે.
શું તારાની સાથે ના રહીને એણે ભૂલ કરી છે? શું એ પોતે ખુશ છે? શું મીરા અને બાળકો ખુશ છે ? પોતે એક ATM મશીન સિવાય કંઈ બીજું બની શક્યો છે ? આવું તો કેટકેટલું અને કેટલીવાર એનાલિસિસ કરી ચુક્યો હતો સિદ્ધાર્થ. એને તારાને જોવી હતી. તારા ની સાથે વાત કરવી હતી. તારાં ને સ્પર્શવી હતી. તારાનો હાથ પકડવો હતો. તારાને મન ભરીને હગ કરવું હતું. ફરી એક વાર જીવવું હતું. સિદ્ધાર્થ ને ઘણી વાર ચીસો પાડીને પોતાની અંદર રહેલી વ્યથા બહાર કાઢવાનું મન થતું પણ દરેક વખતે એ પોતાની અંદર રહેલા પ્રેમીને દબાવી દેતો. આમ ને આમ ક્યાં સુધી ચાલશે એની તો એને પોતાને પણ ખબર ન હતી. સિગારેટ પુરી થતા પોતાના સતત તારાને ઝંખતા મનને લઈને એ ફરી એકવાર સુવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા રૂમમાં આવે છે. પડખા ઘસતાં ઊંઘ ક્યારે આવી ગઈ એની એને ખબર ના રહી. આવું તો લગભગ રોજ થતું. સવારે એ કાર લઈને ઓફિસ જવા નીકળ્યો. આજ કલ એ સ્ટાફ બસમાં પણ ભાગ્યેજ જતો. એને ઘણી વાર વિચાર આવતો કે તારાતો બધું છોડીને જતી રહી પણ પોતે તો અહીંયાજ છે. એજ કંપનીમાં, એજ શહેરમાં અને એજ કૅફેટેરિયામાં જ્યાં ઠેર ઠેર એની અને તારાની યાદ જોડાયેલી છે. બધું એમને એમ છે ફક્ત તારા જ નથી. એને ઘણી વાર વિચાર આવતો કે શું તારા ક્યારેય વિચારતી હશે કે એજ જગ્યાએ, જ્યાં ક્યારેક અમે બંને જોડે હતા એ જગ્યા પર હું કેવી રીતે એના વગર રહેતો હોઈશ.એ કેટલીય વાર ઓફીસથી નીકળીને એ પિકઅપ પોઇન્ટ પર જઈને ઉભી રહેતો જ્યાં એ અને એની તારા પહેલી વાર સાથે હતા. હજી આજે પણ તારા એને હસાવી અને રડાવી શકતી.
સિધ્ધાર્થની આ તકલીફ, આ એકલતા હવે મીરા પણ સમજતી હતી. એ ઘણી વાર સિધ્ધાર્થ ને પૂછતી, "કે તું ખુશ છે? "સિદ્ધાર્થ દરેક વાર કોઈક નવો જવાબ આપતો, કોઈક વાર ચૂપ થઈ જતો અને કેટલીક વાર ગુસ્સામાં " હા" પણ કહી દેતો. પણ દરેક વખત એ આ પ્રશ્નથી તરરડાઈ જતો.
ઓફીસ પહોંચીને એ ફરી વાર પોતાના કામમાં જોતરાઈ જતો. આ એકજ એવી વાત હતી જે તારા પહેલા તારા સાથે અને તારા પછી પણ બદલાઈ ન હતી. કદાચ તારા ને ભૂલવા એ પોતાને વધારે ને વધારે કામમાં ડુબાડતો ગયો. ત્યાંજ એની સેક્રેટરી રાધા આવી, આજના શિડયુલ વિશે માહિતી આપવા. સિધ્ધાર્થને જોઈને બોલી, "સર, આજે આ બ્લુ ચેકસ શર્ટમાં તમે હેન્ડસમ લાગો છો. સિદ્ધાર્થે એને થેન્ક્સ કહ્યું અને પાછો લેપટોપ તરફ જોવા લાગ્યો." રાધા સમજી ગઈ અને મિટિંગના સમય વિશે જાણકારી આપી કેબિનની બહાર જતી રહી. એના જતા સાથે સિદ્ધાર્થ ઉભો થયો અને પોતાના વોશરૂમમાં જઈને મીરરની સામે પોતાને જોવા લાગ્યો. એને મીરરમાં પોતાની પાછળ તારા દેખાઈ જે એને ચિઢવી રહી હતી. તારા સિદ્ધાર્થને " My handsome man" એમ કહીને ઇતરાતી અને સિદ્ધાર્થ તારાને "my beautiful woman" કહેતો. સિદ્ધાર્થને તારાના અવાજમાં એજ વાક્ય સંભળાયું. એણે જોરથી આંખ બંધ કરી દીધી અને પછી આંખ ધોઈને પાછો કામ પર લાગી ગયો.
સાંજે નીકળતી વખતે એને બોસે ઇન્ટરકોમ પર ફોન કરીને પોતાના કેબિનમાં બોલાવ્યો. એને બધાઈ આપતા વીપીની પોસ્ટ માટે અભિનંદન આપ્યા અને મુંબઇની ટ્રાન્સફર વિશે જણાવ્યું. સિદ્ધાર્થ ખુશ થયો. કદાચ એને આ જગ્યા, આ શહેર હવે છોડી દેવું હતું.
હા એ પહેલાં પણ આવું કરી શક્યો હોત પણ તારાના ગયાના થોડા સમય સુધીતો એ તારા ને શોધવા એ કંપનીમાં, એ શહેરમાં રહેવા માંગતો હતો અને પછી આ જગ્યા, આ કંપની જ્યાં એની અને તારાની યાદો જોડાયેલ છે એને છોડવા માંગતો ન હતો. પણ હવે આ બધું જ એને ડંખતું હતું. એને ક્યાંક દૂર જતા રહેવું હતું. એટલે એ આ સમાચારથી ખુશ થઈ ગયો .
શુ કિસ્મત તારા અને સિધ્ધાર્થ ને ફરી એક વાર મળાવવા માંગે છે? શું એમના રસ્તા ફરી એક વાર એક બીજાને ક્રોસ કરશે? વાંચો આગળના ભાગમાં.
© ✍️CA આનલ ગોસ્વામી વર્મા