કાળી નો એક્કો... વાર્તા.. દિનેશ પરમાર 'નજર '
*************************************
પથ્થરો બસ પથ્થરો. છે પંથ પર ચોપાસમાં
હું સતત ચાલ્યા કરું છું આંધળા વિશ્વાસમાં
સ્પષ્ટ ચહેરા વાંચવામાં આંખ ઝાંખી થઈ ગઈ
એટલા જોયા કરું છું ધુમ્મસી આભાસમાં
-બકુલ રાવલ
*************************************
શહેરના મધ્ય ગીચ વિસ્તારમાં જ્યાં પચાસથી સો વર્ષ જુની પેઢી દર પેઢી ચાલી આવતી દુકાનોની હારબંધ શૃંખલા આવેલી છે. તેમાં જુની અને પ્રખ્યાત શ્રીજી માવાવાળાની એક નાની છ ફૂટ બાય આંઠ ફૂટની અને બીજી અડીને આંઠ ફૂટ બાય દસ ફૂટની દુકાનો આવેલી છે.
આ દુકાનના માલિક મનસુખલાલ જીવણલાલ દુધિયા , પણ તે ઓળખાય મનસુખ લાલ માવાવાળા તરીકે ...
એક તો તાલુકા લેવલનું શહેર, અને આ ઐતિહાસિક શહેરની મધ્યે દુકાન, આજુબાજુના ગામડાવાળા અને નાના નગરવાળા પોતાની દુકાનો માટે મીઠાઈ બનાવવા માટે અહીંથી જ માવો ખરીદે.
પહેલા નાની દુકાન હતી પણ ધંધો સારો ચાલતા, બાજુની દુકાન પાંચેક વર્ષ પહેલાં ખરીદી હતી...
દસ વર્ષ પહેલાં વિધુર થયેલા મનસુખલાલને ત્રણ દીકરા મોટો યશવંત, વચેટ મુકેશ અને નાનો પરેશ. ત્રણેની ઉંમર થતા તેઓના પોતાના સમાજમાં લગ્ન કરાવેલા મોટાની પત્ની સુરેખા જે સહેજ શ્યામ વર્ણ પણ ઘાટીલી હોઈ સુંદર લાગતી હતી. તેમને કોઈ બાળક નહોતું વચેટની ભાવના તેઓને બે પુત્ર રોકી અને મોનું, નાનાની પત્ની કુસુમ તેઓને એક પુત્ર જેનું નામ રશ્મિ હતુ.
મનસુખલાલ પણ ત્રણ વર્ષ અગાઉ ગુજરી જતા બંને દુકાન ત્રણે ભાઈ સંપીને ચલાવતા હતા.
મનસુખલાલ જીવતા હતા ત્યારે જ વિકસિત થતા વિસ્તારમાં સળંગ ત્રણ રો હાઉસ ત્રણે ભાઈ માટે ખરીદેલ ત્યાં ત્રણે સંપીને રહેતા હતા.
*********
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો. લોકો દરરોજ શિવાલય દર્શન કરવા જતા.
આજે ત્રણે ભાઈ અને તેમની પત્નીઓ દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.
આ દરમિયાન મોટા યશવંતની પત્ની પોતાના રો હાઉસની પાછળ વરંડામાં હાથપગ ધોવા જતી હતી. બાજુના રો હાઉસમાં રહેતા દિયર મુકેશ અને તેની પત્ની ભાવના ગુસપુસ કરતા હોય તેવું તેને લાગ્યું. આમતો પતિ-પત્નીની વાતમાં કશું ખાસ હોય નઈ પણ પોતાના પતિનું નામ સાંભળી તે ચમકી અને કોમન કમ્પાઉન્ડવોલમાં કાન ધરી સાંભળવાનો પ્રયત્ન કર્યો અને જે વાત સાંભળી તે સાંભળીને તે સડક થઈ ગઈ.
તેની દેરાણી અને દિયર વાતો કરતા હતા કે, આ વખતની જન્માષ્ટમીમાં મોટા ભાઈ પત્તા રમવા જાય ત્યારે પોલીસને ખાનગીમાં જાણ કરી છાપો પડાવશું અને પછી તેમને પોલીસ સ્ટેશનમાં જઈને છોડાવીશું, તેમના સંવેદનશીલ સ્વભાવ પરથી લાગે છે કે ભાઈ આવી શરમજનક સ્થિતિમાં, ઈજ્જતના માર્યા બીજા શહેરમાં રહેવા જશે જ, આ સંજોગોમાં, આ મકાન સસ્તામાં આપણે લઈ લઈશું જેથી આપણા બંને દીકરા સચવાય જાય.
************
દર વર્ષેની જેમ આ વખતે પણ દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ ખુલ્લી રહેતી તેમની દુકાનો જન્માષ્ટમી તથા તેની આગળ પાછળના દિવસે બંધ હતી.
દર વર્ષે જન્માષ્ટમીને આગલે દિવસે મોટા ભાઈ તેમના ગ્રુપમાં પત્તા રમવા જતા અને નોમની બપોર સુધી રમતા. જ્યારે ઘરમાં સમય પસાર કરવા બે ભાઈ તેમની પત્નીઓ તથા ભાભી ભાવના નાના ભાઈના ઘરે પત્તા રમતા.
આજે ભાઈ તો ગ્રુપમાં પત્તા રમવા ગયા હશે પણ ભાવના ભાભી પણ દેખાતા નહોતા. ઘરે તાળું હતું.
તે દિવસે તેઓ પત્તા રમવા ના બેઠા પરંતુ નોમના દિવસે પણ મોટા ભાઈના ઘરે તાળું હતું. બંને ભાઈઓને નવાઈ તો લાગી પણ પછી તેઓ રાહ જોઈ પત્તા રમવા બેઠા, પત્તા વહેંચવામાં આવ્યા ત્યારે એકના ભાગે એક પત્તુ ઓછું હતું. બધા પત્તા ભેગા કરી ચેક કરતા જણાયું કે કાળીનો એક્કો ખૂટે છે. આમ કેમ થયું હશે? એમ વિચારીને તેમણે જોકર વિકલ્પ તરીકે મૂકી રમત ચાલુ કરી.
લગભગ એકાદ કલાક રમ્યા હશે ત્યાં બહારના ભાગે લોકો મોટેથી ચર્ચા કરતા હોય તેવો અવાજ આવતો હતો.
ચારે જણ બહાર ગયા, પેલા લોકો કહેતા હતા કે, જુની શેરીની પાછળ આવેલા લલ્લુ ટોકરના મકાનમાં પોલીસે છાપો મારી કેટલાક જુગારીઓને પકડયા છે.
ભાવના અને મુકેશે એકબીજા સામે સાંકેતિક જોયું અને મુકેશ નાના ભાઈ પરેશ તરફ ફરી ધીરેથી કાનમાં બોલ્યો, "ભાઈ, મોટાભાઈ ત્યાંજ રમવા જતા હોય છે, આપણે અત્યારે જ પોલીસ સ્ટેશનમાં જવું પડશે."
પરેશ પણ પડી ગયેલા ચહેરે સાંકેતિક હકારમાં ઈશારો કર્યો, બંને જેવા પરેશના ઘરેથી બહાર નિકળ્યા ત્યાં સામેથી...
મોટા ભાઈ યશવંત અને ભાભી સુરેખાને આવતા જોઈ ત્યાં જ થંભી ગયા.
સુરેખા ભાભીના હાથમાં નાનું બાળક હતું. નાના બંને ભાઈઓ અને તેમની પત્નીઓની આંખો વિસ્ફારિત થઈ જોતી જ રહી ગઈ.
નજીક આવી સુરેખા બોલી, " આ પવિત્ર મહિનાની શરૂઆતમાં એક બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું. આજે પ્રભુ ક્રિષ્નના જન્મના પારણાનો પવિત્ર દિવસ હોઈ તમને લોકોને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું."
સુમ્મ થઈ ગયેલ ચારે જણા આગળ કંઈ વિચારે તે પહેલા એક તરફ ઉભેલા યશવંત પાસે જઈ દીકરો તેમના હાથમાં આપી પોતાનું ઘર ખોલી તે અંદર ગઈ, આરતીની થાળી લાવી દીકરાની પૂજા કરી અંદર જઈ પલંગમાં સુવાડી બહાર આવી.
પછી પરેશ તરફ ફરી અને મુકેશ તથા ભાવના તરફ જોતા બોલી," માફ કરજો... તમને સરપ્રાઇઝ આપવાની વાતમાં ભૂલથી કળીનો એક્કો મારી પાસે આવી ગયો હતો, કદાચ વિકલ્પ તરીકે તમારે જોકરથી કામ ચલાવવું પડયું હશે." આટલું બોલી સુરેખા કાળીનો એક્કો પરેશને આપતા, મુકેશ તથા ભાવના તરફ મર્મભેદી હસતાં હસતાં " અંદર તો આવો ભત્રીજા ને જોવા ?" કહેતા ઘરમાં પ્રવેશી
પરેશ, કુસુમ, મુકેશ અને ભાવના પાછળ પાછળ અંદર પ્રવેશ્યા.
મુકેશ અને ભાવના અંદર પ્રવેશતાં એકબીજા સામે જોઈ જાણે મનમાં બોલી રહ્યા," આ કાળી, આખરે એક્કો લઈ આવી બાજી મારી ગઈ ખરી........."
****************************************