Rape of Karan's Career - 2 in Gujarati Love Stories by गौरांग प्रजापति ”चाह" books and stories PDF | કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૨

Featured Books
Categories
Share

કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૨

આગળ આપણે જોયું કે કરણ ને પૂજા નું નામ અને ગામ ખબર પડી જાય છે, અને પૂજા પણ વરઘોડા માંથી નીકળી જાય છે. હવે પૂજાના ખ્યાલમાં તલ્લીન એવો કરણ જેમતેમ કરીને વરઘોડો પતાવી રાત્રે ઘરે આવે છે. હજુ પણ તેના મગજમાં એ સ્મૃતિપટ તેને પૂજા વિશે વિચારવા મજબૂર કરી રહ્યું છે, એ વિચારે છે કે કોણ છે એ ! શું કરતી હશે ! ભણતી હશે ! જો હા તો ક્યાં ! અને ના તો કોલેજમાં હશે ! સિંગલ હશે કે નઈ ! આવા અનેક પ્રશ્નો વચ્ચે એક બીજો વિચાર કે આવતી કાલે જાનમાં આવશે ને !! અને કરણ ના ચહેરા પર પહેલ ક્યારેય ના આવેલું સ્મિત ઉભરી આવ્યું, હવે કરણ આવતીકાલ ની રાહ જોવા લાગ્યો.
આજ સુધી માત્ર ભણતરમાં રચ્યો પચ્યો રહેલો કરણ આજે આટલો ઉત્સુક જોઈ ઘરમાં બધા આશ્ચર્યચકિત હતા, અને કરણ એ તો મનમાં ને મનમાં એક રાતમાં તો ના જાણે કેટકેટલા સ્વપ્ન જોઈ લીધા હતા.. હવે એ વખત આવી ગયો હતો કે કરણ આજે ફરીથી પૂજા ને જોવાનો હતો, કરણ નું શરીર એકદમ સ્તબ્ધ થયું, મસ્તક થોડું ઊંચું થયું, સુદર્શનચક્ર જેવી ગોળ આંખો ચમકવા લાગી, કલમની સેવા કરતા એ હાથ આજે ફરીથી ભેગા થયા, અને માં સરસ્વતી ને વંદન કરતો એ કરણ આજે સમસ્થ દેવી દેવતાઓ ને વંદન કરી યાચના કરવા લાગ્યો, " હે પ્રભુ, આજ સુધી કાંઈ માગ્યું નથી, બસ આજે પૂજા જાનમાં આવે એવું કંઈક કરો.." અને જાણે ૨૧ વર્ષનો યુવાન પહેલા પ્રયાસ એ વર્ગ ૧ ની પરિક્ષા નું ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો હોય, બરાબર તૈયાર થઈ અને પહોંચી ગયો જાનમાં..
લગભગ ૧ કલાકની મહામહેનતે જાનમાં લોકોની વચ્ચે આમતેમ રખડતો કરણ એકદમ ઉભો રહી ગયો, થોડેક દૂર ડાબી તરફ નજર પળી અને છેવટે જાણે ભગવાન એ કરણની પ્રાર્થના સ્વીકારી.. હા, આ એ વરઘોડા વાળી જ છોકરી હતી. હવે કરણ એ મનોમન ભગવાનનો આભાર માન્યો અને ફરીથી જાણે ગામડાના કોઈ માણસને એફિલ ટાવર સામે ઉભો રાખી અને આંખની પટ્ટી ખોલીએ તેવીજ રીતે કરણ પણ પૂજાને નીચેથી ઉપર લાલ કલરના સેન્ડલ થી લઇ ચળકાટ વાળી ચશ્માની ફ્રેમ અને પહેલી નજરે મોહિત કરી દે તેવી કામણગારી આંખો અને આજે ના ઉખડેલી એ બિંદી સુધી ધીરે ધીરે જોવા લાગ્યો. હવે શરમ અને મર્યાદા રાખી ત્યાંથી નીકળી ગયો, પરંતુ એના સમુદ્રરૂપી દિલમાં પેલા પ્રેમરૂપી મોજાઓ વારંવાર કરણ ને પૂજા તરફ જવા માટે મજબૂર કરી રહ્યા હતા, અને એક તરફ શરમાળ પ્રકૃતિ અને સંસ્કાર કરણ ને ત્યાં જતાં અટકાવી રહ્યા હતા, ત્યારે એ દિવસે પણ જોતજોતામાં કન્યા વિદાય નો સમય આવી ગયો, અને એક તરફ પૂજા પણ લગ્ન માંથી ક્યારે જતી રહી કરણ ને કંઈ ખબર પણ ના પળી.
હવે કરણ એના ઘરે હતો અને પૂજા એના ઘરે, ધીરે ધીરે પરિક્ષા નજીક આવતી ગઈ અને કરણ પણ પૂજાની એ યાદને ભુલાવી અને ભણવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ હજુ પણ કોઈક વાર પેલા પાઠ્યપુસ્તકનાં પૂંઠા પર પૂજાનો ચહેરો તો ક્યાંક કોઈ છોકરીના કપાળ પર બિન્દી જોઈને કરણનું મન વિચલિત થઈ જતું. જેમતેમ કરી મનને માનવી કરણ એ સાયન્સ ની પરિક્ષા પણ આપી અને સારા એવા નંબર સાથે પાસ પણ થયો. હવે આગળ કઈ કોલેજ કરવી અને ક્યાં પ્રવેશ લેવો એ બધામાં વ્યસ્ત થઈ ગયો. સાથે સાથે કોઈક વાર પૂજા વિશે વિચાર પણ કરતો અને એના સુધી પહોંચવાના નિષ્ફળ પ્રયાસ પણ. આમ તો કોઈ પણ વ્યક્તિ ના ગામ , નામ ,, કે કામ આ ત્રણ માંથી કોઈ બે માહિતી મળે તો સહેલાઈથી એના સુધી પહોંચી શકાય અને કરણ પણ પહોંચી શકતો હતો પણ બીજા કોઈ વ્યક્તિ કે મિત્ર મારફત મદદ લેવા અને પૂજા વિશે જણાવવા કરણનું મન માનતું નહોતું, માટે જ હવે લગભગ એક વર્ષ થવાનું હતું અને હજી સુધી કરણ માત્ર પૂજાને યાદ કરીને મન મનાવી લેતો.
એક દિવસ અચાનક કરણની ખૂબ નજીકની મિત્ર નિત્યા સાથે વાતચીત દરમિયાન પૂજા વિશે વાત કરી બેઠો, નિત્યા એ એક સ્મિત આપ્યું અને ફોન કર્યો..
" હેલ્લો... કેમ છે ?"
"મજામાં છું નિત્યા.. તું કેમ છે ! બવ દિવસે યાદ કરી ને .."
"હા, બસ તારી યાદ આવી તો ફોન કરી દિધો.."
"ઠીક છે, બોલ કેમ છે મારા માસી ને માસા !"
"બધા મજામાં છે, ઘરે જઈને વાત કરાવીશ. ચાલ બાય"
"ઠીક છે"
નિત્યા ફોન મૂકે છે અને અહીંયા કરણ આશ્ચર્યચકિત થઈ જાય છે, એણે આ ફોન વાળો અવાજ પહેલા સાંભળેલો લાગે છે અને એટલામાં નિત્યા કહે છે કે "ભાઈ, તું જે પૂજાની વાત કરે છે તે મારા માસીની છોકરી છે.

કરણને જાણે મહાભારત ના યુદ્ધમાં શ્રી કૃષ્ણ મળી ગયા હોય તેમ ખૂબ ખુશ થઈ જાય છે અને પૂજા વિશે નિત્યાને બધી માહિતી પૂછે છે.. નિત્યા કહે છે કે એ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાયન્સ ભણે છે, અને મોર્ડન જમાનાની પૈસાવાળા બાપની છોકરી છે, આપણા આખા મહિનાનો ખર્ચો એના ચશ્માની ફ્રેમ બરાબર છે, કરણના ચહેરા પર જાણે ભમરો કરડી ગયો હોય, ફરીથી ચિંતામાં ખોવાઈ ગયો, આ જોઈ નિત્યા એ પણ કરણને સાંત્વના આપી અને પૂજાને કરણ વિશે વાત કરવા કહ્યું, અને બંને ત્યાંથી છૂટા પડ્યા. હવે કરણ ને થોડી હાશ થાય છે અને ફરી પાછો યાદોમાં ખોવાઈ જાય છે, પણ આ વખતે એક બીજો વિચાર એને ખૂબ હેરાન કરી રહ્યો છે કે શું હશે પૂજાનો પ્રત્યોત્તર ! શું નિત્યા એને સમજાવશે ! ક્યારે વાત કરશે ! આવા અનેક પ્રશ્નો વચ્ચે ઘેરાયેલા કરણને હજી ના જાણે કેટલી રાહ જોવાની હતી.

એક તરફ કરણ માટે ખુશીના ખબર આવ્યા, કરણને મોટા શહેરમાં નામાંકિત કોલેજમાં દાખલો મળી ગયો હતો, જ્યાં પ્રવેશ લેવા માટે લોકો બાધાઓ રાખે માનતાઓ માને, એવી કોલેજમાં યાંત્રિક ઇજનેરી શાખામાં કારણે પ્રવેશ મેળવ્યો સાંભળીને ચોતરફ ખુશીનો માહોલ હતો, બધાય પ્રશંસા ને શાબાશી આપી રહ્યા હતા અને હવે કરણ ઘરે થોડાક જ દિવસનો મહેમાન હતો, હવે હોસ્ટેલમાં રહેવાનું હતું, માધ્યમ વર્ગનો કરણ એક તરફ ખૂબ ખુશ હતો અને એક તરફ ખૂબ ચિંતિત, સરકારી સીટ પર પ્રવેશ મળ્યો હોવાથી ભણવાનો ખર્ચ તો ના બરાબર હતો, પરંતુ મોટા શહેરમાં રહેવું અને રોજનો ખાવા- પીવાનો ખર્ચ અને ભણવા માટે પુસ્તક, અન્ય ચીજ વસ્તુઓ આ બધાથી ચિંતિત કરણ લગભગ પોતાના શહેરની નાની કોલેજમાં ડિગ્રી મેળવવાનુ નક્કી કરી ચુક્યો હતો, અને કરણને આસાનીથી ત્યાં પણ સરકારી સીટ પર પ્રવેશ મળી ગયો, હવે કરણ પોતાના શહેરની કોલેજમાં જવા લાગ્યો, ત્યાં થોડાક દિવસ બાદ કોલેજના પ્રોફેસર સાહેબને ખબર પડે છે કે કરણ ને મોટી શહેરની નામાંકિત શ્રેષ્ઠ કોલેજમાં પણ પ્રવેશ મળ્યો છે પણ કરણ અહીંયા જ ભણવાનો છે, ત્યારે ખુદ એ કોલેજના ૩-૪ પ્રોફેસરે તેને બોલાવી સમજાવ્યો અને શહેરમાં ભણવા માટે પણ મનાવ્યો, અને આર્થિક મદદ માટે પણ કહ્યું પરંતુ કરણ એ ના પાડી દીધી અને મન મક્કમ કરી મોટી કોલેજમાં જવા તૈયાર થઈ ગયો.. આ બધામાં કરણ પેલી હાઈ પ્રોફેશનલ લાઇફ જીવતી અને મોર્ડન જમાનાની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી પૂજાને ક્યાંક ભૂલી જ ગયો હતો. હા, ક્યારેક એ સ્પર્શ તો ક્યારેક એ બીજના ચાંદ જેવી બિન્દી અને એ ચળકાટ વાળા ચશ્મા યાદ આવી જતા, પણ જેમતેમ કરી એ મનને મનાવી લેતો અને મોટી કોલેજમાં જઈ ખૂબ સફળ થઈ હવે માં - બાપ નું નામ રોશન કરવાના સપના જોવા લાગ્યો. જે છોકરી પાછળ કરણ ૬ મહિના સુધી પાગલની જેમ રાહ જોઈ રહ્યો અને પળે પળે પ્રત્યેક ક્ષણે તેનો જ વિચાર કરતો એ કરણ હવે ફરીથી જાણે પ્રેમની પાઠશાળા છોડી ઇજનેરી ની પાઠશાળામાં પ્રવેશ લેવા જઈ રહ્યો હતો..

ક્રમશઃ જોતા રહો : "કરણ નું ભવિષ્ય હરણ , ભાગ : ૩"

✍🏻 ચાહ" ગૌરાંગ પ્રજાપતિ.
( મહીસાગર )