"સાંજ ની દુખતી નસ આપણા હાથ લાગી ગઈ છે મોહન ભાઈ. એ છોકરીએ મારો ધંધો બંધ કરી નાખ્યો છે, અને તેની આ હરકત ની કિંમત શું છે એ હવે તેને ખબર પડશે." માધવર માં દારુ ની ભઠ્ઠી ચલાવતો અરજણ હસી પડ્યો.
"શાબાશ અરજણ શાબાશ, હવે તું તૈયારી કરી દે સાંજ ના જીવન માં પહેલો ધમાકો કરવાની." સામે છેડેથી ફોન મુકાઇ ગયો.
"તું જાણતી નથી સાંજ કે તે કોની સાથે બાથ ભીડી છે, તારી આ હરકત ની સજા તારા પરિવારને ચુકવવી પડશે." અરજણ એ અટ્ટહાસ્ય કર્યું.
શિવાની જતા પહેલા સાંજ ને મળવા આવી હતી પણ સાંજ ગામ લોકો ના કલ્યાણ માટે દેવજીભાઈ સાથે ચર્ચા માં વ્યસ્ત હતી. તેથી તે માત્ર નીરજ ને મળી અને તેમના લગ્ન બાબતે જલ્દી નિર્ણય લેવાની ટકોર કરી ને ઘરે પાછી આવી ગઈ હતી.
દર વર્ષે શિવાની નીરજ ને ન મળી શક્યા ના અફસોસ સાથે અહીં થી જતી હતી પણ આજે નીરજ થી અલગ થવાનું દુઃખ એને કોરી ખાતું હતું. સુરજ પણ આખા રસ્તે ચુપચાપ બેસી રહ્યો હતો, બન્ને ગુમસુમ અને ઉદાસ હતાં.
"તું ઠીક છે?" નીરજ ને ઉદાસ જોઈ ને સાંજ એ પુછ્યુ.
"હું ઠીક છું, ઈનફેક્ટ મારે તારી સાથે જ વાત કરવી હતી. જો તું ગુસ્સો ન કરતી, મારી વાત ધ્યાન થી સાંભળજે અને પછી નિર્ણય લેજે." નીરજ એ પુર્વ ભુમિકા બાંધી.
"તું એકદમ રિલેક્સ થઈ જા ભાઈ અને મને કે શું કેવું છે તારે." સાંજ વાત ની ગંભીરતા સમજી હતી.
નીરજ કંઈ બોલે એ પહેલાં જ આંગણામાંથી કોઈ સ્ત્રી નો રડવાનો અવાજ આવ્યો,"બેન બા અરે ઓ બેન બા..... મારી વાત સાંભળો અને મને ન્યાય આપો બેન બા...."
સાંજ અને નીરજ આંગણામાં આવ્યાં, તેમની પાછળ દેવજીભાઈ પણ આવ્યા.
વીસેક વર્ષ ની લાગતી એક યુવતી રડી રહી હતી, તેની સાથે અમુક પુરુષો, બે પ્રૌઢ સ્ત્રીઓ અને તેની જ ઉંમર નો એક યુવક હતો.
"બેન બા હું લુંટાઈ ગઇ બેન બા, મને ન્યાય જોવે છે બેન બા નઈ તો હું આપઘાત કરીશ." સાંજ ને જોતાં જ તે યુવતી જમીન ઉપર બેસી ને રડવા લાગી.
"રડવા નું બંધ કર અને મને જણાવ કે શું થયું છે." સાંજ એ પુછ્યુ.
"આ ધરમા એ મને લગ્ન નું વચન આપી ને મારી ઈજ્જત સાથે રમત કરી બેન બા અને હવે એમ કે છે કે એ મને પ્રેમ નથી કરતો. મારું કૌમાર્ય લુંટી ને હવે એ કો'ક પૈસાદાર બાપની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, તમે કાં એના લગ્ન મારી સાથે કરાવો બેન બા કાં એને સજા આપો." એ સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"ધરમા આ છોકરી શું કે છે?" સાંજ એ ગુસ્સામાં પુછ્યુ.
"બેન બા મારો કોઈ વાંક નથી, આ રતન મારી પાછળ પડી'તી કે એ મને ખુબ પ્રેમ કરે છે અને મારા માટે કંઈ પણ કરી શકે છે." ધરમો ધ્રુજવા લાગ્યો હતો.
"તો પ્રેમ ના નામે કોઈના શરીર સાથે રમત કરવાની? એ તને પ્રેમ કરતી હતી તો તું એ પ્રેમ નો ફાયદો ઉઠાવીશ? તારી કોઈ પણ દલીલ તારી ભુલ ને વાજબી ન ઠેરવી શકે, તે પાપ કર્યું છે. તારે રતન સાથે લગ્ન કરવા જ પડશે નહીં તો સજા માટે તૈયાર થઈ જા." સાંજ ગુસ્સામાં ઊકળી ઊઠી હતી.
"મારે આના સાથે લગ્ન નથી કરવાં બેન બા, તમે કે'શો એ સજા ભોગવવા હું તૈયાર છું." ધરમા એ નીચું મોઢું રાખીને જવાબ આપ્યો.
"ધરમા નું માથું ધડથી અલગ કરી દેવામાં આવે અથવા તેને હંમેશા માટે આ ગામમાંથી કાઢી નાખવામાં આવે, બોલ રતન કંઈ સજા આપવા માંગે છે તું આ નરાધમ ને?" સાંજ એ રતન તરફ જોયું.
"મારું મન તો થાય છે કે હું આ ધરમા ને મારી આંખો ની સામે મરાવી નાખું પણ હું જીવ હત્યા નું પાપ મારા માથે નથી ચડાવવા માંગતી. એટલે ધરમા ને હંમેશા માટે આ ગામમાંથી કાઢી નાંખો." રતન ઊભી થઈ ને બોલી.
"દેવજીકાકા ધરમા ને આજ સુરજ ઢળતા પહેલાં આ ગામમાંથી કાઢી નાખવા માં આવે, એના પરિવાર માંથી ક્યારેય કોઈ આ ગામમાં કે ગામની બાર એને મળી નહીં શકે. અને જો કોઈ ધરમા ને મળવા નો પ્રયત્ન કરે તો એનું માથું ધડથી અલગ કરી દેવું આ સાંજ સિંહ નો હુકમ છે." સાંજ એ તેનો નિર્ણય જણાવ્યો અને ત્યાંથી જતી રહી.
નીરજ નું મગજ સુન્ન પડી ગયું હતું, સાંજ નો નિર્ણય સાંભળી ને તેના ચહેરા નો રંગ ઉડી ગયો હતો.
એક પળ માટે તો નીરજ એ રતન ની જગ્યા એ શિવાની અને ધરમા ની જગ્યા એ પોતાની કલ્પના કરી લીધી, તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું.
આંસું ભરેલી આંખો લૂંછતી રતન ઉપર નીરજ ની નજર પડી અને એનું દિલ પળવાર માટે ધડકતું બંધ થઈ ગયું. આંસુને કારણે થોડી કાજળ આંખો ની આજુબાજુ ફેલાઈ હતી, એનો ચહેરો જાણે કે ક્ષણવાર પહેલાં ખીલેલું ગુલાબ, ગોરો ગુલાબી રંગ, પરવાળા જેવા હોઠ, પાતળો બાંધો અને લાંબા કાળા વાળ જાણે કે ભગવાન એ સમય લઈને પ્રેમથી તેને ઘડી હશે.
થોડી વાર પહેલા ની ઉદાસી અને ચિંતા ભૂલી ને નીરજ રતન ના રુપ માં ખોવાઈ ગયો હતો, રતન એ જતાં પહેલાં એક નજર નીરજ પર નાખી અને નીરજ પાણી પાણી થઇ ગયો.
રતન ના ગયા પછી નીરજ મનોમન બોલ્યો,"પહેલી વાર કોઈ સ્ત્રી માટે આવી લાગણી થઇ છે મને, આવું કેમ થયું? આ સવાલ નો જવાબ મેળવવા તને જ મળવું પડશે રતન, હું જલ્દી મળીશ તને મારી રતન."
ક્રમશ: