VEDH BHARAM - 42 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 42

Featured Books
Categories
Share

વેધ ભરમ - 42

કબીરને હવે સમજાઇ ગયુ હતુ કે આ રિષભના પ્રશ્નોના જવાબ આપ્યા વિના તેનો છુટકો થવાનો ન હતો. જો કે તેના વકીલે તેને કોઇ પણ પ્રશ્નના જવાબ આપવાની ના પાડી હતી અને સાથે સાથે એ પણ કહ્યું હતુ કે ચિંતા નહીં કરતા પોલીસ સ્ટેશનમાં આપેલા જવાબ કોર્ટમાં માન્ય ગણાતા નથી. રિષભને અત્યારે તો આ એક દિવસ પણ અહીં કાઢવો મુશ્કેલ પડી રહ્યો હતો. તેમા પણ રિષભ જો થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરે તો તેની હાલત એકદમ ખરાબ થઇ જશે. તે પોતે કેટલુ ટૉર્ચર સહન કરી શકશે તે સારી રીતે જાણતો હતો. તેને ખબર જ હતી કે જો ફીઝીકલી ટોર્ચરની શરુઆત કરશે તો તે થોડીવારમાં જ તે તુટી જશે અને પછી તો તેના મોઢામાંથી આ લોકો બધુ જ ઓકાવી લેશે તેના કરતા બેટર છે કે અત્યારે જ જવાબ આપુ જેથી સ્વસ્થતાથી જવાબ આપીશ તો બચવાની શક્યતા વધુ રહેશે. કબીરે ગણતરી કરી શરણાગતિ સ્વીકારતા કહ્યું “ઓકે હું તમારા બધા જ પ્રશ્નના જવાબ આપવા તૈયાર છું.”

આ સાંભળી રિષભ પણ સમજી ગયો કે આ તો તેણે થર્ડ ડીગ્રીથી બચવા માટે તૈયારી બતાવી છે. રિષભ પણ ઇન્ટરોગેશન સમયે સામેવાળાના વિચારો તેના હાવભાવ પરથી સમજવાની કોશિષ કરતો. આટલા વર્ષોના અનુભવ પરથી તેને ઘણીવાર તેમા સફળતા પણ મળતી. આજે પણ તેને કબીરની મનોદશા સમજાઇ ગઇ હતી એટલે તેણે કહ્યું “ઓકે, પણ એક વાત યાદ રાખજો કે આજે હવે તમારી પાસે કોઇ લાઇફલાઇન નથી. એક જ ખોટો અથવા અધૂરો જવાબ તમને શારીરિક રીતે તોડી શકે છે.” આ સાંભળી કબીર ડર્યો પણ તેણે કહ્યું “ઓકે મને મંજુર છે.”

આ સાંભળી કબીરે બોલ્યો “ઓકે, તો દર્શને જેના પર બળાત્કાર કર્યો હતો તે બીજી છોકરી વિશે તમે શું જાણો છો.” આ પ્રશ્ન સાંભળી કબીર થોડો ગુસ્સામાં બોલ્યો “મને લાગે છે કે તમને દર્શનના ખૂનીને પકડવા કરતા તે છોકરીઓના રેપ કેસમાં વધુ રસ છે.”

આ સાંભળી રિષભે કહ્યું “એ તમારે જોવાનુ નથી. છતા તમને જણાવી દઉ કે જો હું તે રેપ કેશ નહી ઉકેલુ તો તમારી હાલત પણ દર્શન જેવી જ થશે.” આ સાંભળી કબીર થોડો ડર્યો પણ અત્યારે તો તેને અહીંથી ગમે તેમ કરીને છુટવુ હતુ એટલે તે કંઇ બોલ્યો નહીં. આ જોઇ રિષભે કહ્યું “ચાલો હવે મે પૂછેલા પ્રશ્નનો કોઇ પણ જાતની દલીલ વિના જવાબ આપો.”

“એ છોકરી વિશે હું એટલુ બધુ નથી જાણતો પણ મને એટલી ખબર છે કે તે છોકરી બીજા રાજ્યની હતી અને તેનુ નામ પ્રિયા માથુર હતુ. દર્શને તે છોકરી પર રેપ કર્યો તે પછી તે છોકરીએ કોલેજ છોડી દીધી હતી.”

“કેમ તે છોકરીએ પોલીસ ફરીયાદ કેમ ના કરી? કમ સે કમ કોલેજમાં તો ફરીયાદ કરી શકી હોત ને?” રિષભે પૂછ્યું.

“અરે સાહેબ આ પોલીસને તો દર્શન પોતાના ગજવામાં લઇને ફરતો. કાવ્યાએ પણ ફરીયાદ કરી હતી ને.” આટલુ બોલાયા પછી અચાનક કબીરને તેની ભૂલ સમજાઇ ગઇ એટલે બોલતો ચૂપ થઇ ગયો.

આ જોઇ રિષભના મોં પર સ્મિત આવી ગયુ અને બોલ્યો “હા બોલો મિ. કબીર કાવ્યાએ પોલીસ ફરીયાદ કરી હતી તો શું થયું?”
“અરે ના એ તો મને એમ કે કાવ્યાએ પણ ફરીયાદ કરી જ હશે ને પણ દર્શનનો કોઇ વાળ વાંકો ના કરી શક્યુ.” આ સાંભળી રિષભ ઊભો થયો અને બોલ્યો “ઓકે, તો હવે તમે થર્ડ ડીગ્રી માટે તૈયાર થઇ જાવ.” એમ કહી રિષભ જવા લાગ્યો એ સાથે જ કબીર બોલ્યો “સોરી, ઓફિસર હું તમને કહું છું. પ્લીઝ બેસી જાવ.” આ સાંભળી રિષભ ખુરશીમાં બેસતા બોલ્યો “જો હવે હું ઊભો થયો તો સમજી લેજો કે તમે પછી ઊભા થવા જેવી હાલતમાં નહી રહો.”

“કાવ્યાએ પણ ફરીયાદ કરેલી પણ પોલીસે ફરીયાદ દબાવી દીધેલી. દર્શને પોલીસ ઓફિસરને ફોડી નાખેલા.” કબીરે કહ્યું.

“આ તો અમને ખબર જ છે તમે અટકી અટકીને નહી બોલો જે પણ હોય તે બોલવા માંડો. મારી પાસે હવે વધુ સમય નથી. જો હું ઊભો થયો તો પછી તમને તકલીફ થઇ જશે.” રિષભે ગુસ્સામાં કહ્યું.

“ઓકે, ઓફિસર મને લાગે છે કે તમને બધી ખબર છે પણ તમે મારી પાસેથી જાણવા માંગો છો.” કબીરે રિષભ સામે જોઇને કહ્યું.

“એ તમારે જે સમજવુ હોઇ તે પણ તમે આજે એક પણ વાત છુપાવી છે તો આજે હું તમને છોડીશ નહી પછી ભલે મારી નોકરી જતી રહે.” આ બોલતી વખતે રિષભની આંખમાં જે ખુન્નસ દેખાયુ તે જોઇ કબીર ડરી ગયો અને બોલ્યો “હા કાવ્યા પોલીસ ફરીયાદ કરવા ગયેલી પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે ફરીયાદ નોંધી નહી અને બીજા દિવસે આવવાનુ કહ્યું. કાવ્યાના ગયા પછી પોલીસ સ્ટેશનમાંથી દર્શનને જાણ કરી દેવામાં આવી. આ જાણ થતા દર્શન એકદમ ગુસ્સે થઇ ગયો. તેણે મને અને વિકાસને સાથે લીધા અને કાવ્યાની રુમ પર ગયા. ત્યારબાદ તેણે કાવ્યાને તેના રુમ પરથી ફરીથી ઉઠાવી લીધી અને ફરીથી તેના પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તે કાવ્યાને રુમ પર મુકી આવ્યો અને ધમકી આપી કે તે જો હવે પોલીસ પાસે જશે તો તેના વિડીઓ વાઇરલ કરી દેશે. ત્યારબાદ બીજા દિવસે અમને ખબર પડી કે કાવ્યાએ આત્મહત્યા કરી લીધી છે.” આખી વાત સાંભળી રિષભને ખૂબ જ ગુસ્સો આવતો હતો પણ તેણે તેના પર કાબુ રાખ્યો અને બોલ્યો “તે કે તારા બીજા મિત્રે તેને બચાવવાની કોશિષ ના કરી?”

“મે તેને ઘણા સમજાવ્યા પણ દર્શન અને વિકાસ મારુ માન્યા જ નહીં.” કબીરે અચકાતા અચકાતા કહ્યું. આ જોઇ રિષભે કહ્યું “હવે તુ ખોટુ બોલે છે મારી પાસે માહિતી છે કે તે પણ તેના પર રેપ કર્યો હતો.” રિષભે કબીરની હાલત જોઇને ગપ્પુ માર્યુ.

“અરે ના મે કંઇ નહોતુ કરેલુ. મે તો તે લોકોને રોકવા કોશિસ કરેલી” કબીરનો ડરતા ડરતા આપેલો જવાબ સાંભળી રિષભ ચોંકી ગયો. તેનો તુક્કો નિશાના પર જ લાગ્યો હતો એટલે તેણે આગળ કહ્યું “જો હવે તમે ખોટુ બોલી રહ્યા છો. જે હોય તે સાચુ બોલો.”

આ સાંભળી કબીરે કહ્યું “પણ હું સાચુ જ કહું છું. તમે મારો વિશ્વાસ કેમ નથી કરતા.” કબીરની તકલાદી કાકલૂદી અને તેની પાછળની તેની લુચ્ચાઇ હવે રિષભને સમજાઇ ગઇ હતી. રિષભે બેલ મારી પ્યુનને બોલાવ્યો અને કહ્યું “હેમલ અને અભયને મોકલ અને આપણો પેલો થર્ડ ડીગ્રી માટેનો રુમ તૈયાર કર.”

“ઓકે સર” કહી પ્યુન જતો રહ્યો. પણ આ બાજુ કબીરની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ હતી.

“સાહેબ, હું ખરેખર સાચુ બોલુ છું. પ્લીઝ તમે મારો વિશ્વાસ કરો. મે કાવ્યા પર રેપ નથી કર્યો.” કબીરે કાકલૂદી કરતા કહ્યું.

રિષભ કંઇ બોલવા જતો હતો ત્યાં અભય અને હેમલ રુમમાં દાખલ થયા એટલે રિષભે તે લોકોને કહ્યું “આ સાહેબને થોડી ટ્રીટમેન્ટની જરુર છે. તમે તેને ટ્રીટમેન્ટ આપો ત્યાં સુધીમાં હું આવ્યો.” એમ કહી રિષભ ઊભો થવા જતો હતો ત્યાં કબીર બોલ્યો “સર, સર, તમે નહી જાવ હું તમને સાચી વાત કહેવા માટે તૈયાર છું.” આ સાંભળી રિષભ બોલ્યો “તે તો તમે આમ પણ કહેવાના જ છો પણ મને હવે આ રીતે સમય બગાડવામાં રસ નથી. મારા આ બે યુવાન મિત્રો દશ મિનિટમાં જ તમારી પાસેથી બધી માહિતી કઢાવી લેશે. મારે ખોટો સમય હવે બગાડવો નથી. કેમકે તમે કોઇ માહિતી સાચી આપતા જ નથી.” આટલુ બોલી રિષભે હેમલને કહ્યું “લઇ જાવ આ સાહેબને.”

આ સાંભળી કબીર ઊભો થઇ રિષભના પગમાં પડી ગયો અને બોલ્યો “પ્લીઝ હવે હું કોઇ વાત નહી છુપાવુ પ્લીઝ તમે મને એક ચાન્સ આપો.”

“ઓકે પણ આ બંને હવે અહી જ રહેશે તમે એક વાત ખોટી કરી એટલે સીધા જ તમને ઉઠાવી લેશે. ચાલો ઝડપથી બોલવા માંડો.”

આ સાંભળી કબીર બોલ્યો “હા મે પણ કાવ્યા પર રેપ કરેલો. તે રાતે તે પોલીસ ફરીયાદ કરવા ગયેલી આ સાંભળી અમને ગુસ્સો આવેલો. જો પોલીસ પૂછપરછ થાય તો હું પણ ફસાઇ જાવ એટલે જ્યારે કાવ્યાને ફરીથી ઉઠાવી લાવેલા ત્યારે મે પણ તેના પર રેપ કરેલો.”

“આ કાવ્યાની કોઇ બહેનને તમે ઓળખતા હતા?” રિષભે પૂછ્યું.

“ના.” કબીરે એકાક્ષરી જવાબ આપ્યો.

“પણ તમે દર્શનનું ખુન શા માટે કર્યુ?” રિષભે સીધો જ બીજો એટેક કર્યો.

કબીર પર અણધાર્યો હુમલો હતો તે આના માટે સહેજ પણ તૈયાર નહોતો.

“સર, પ્લીઝ બીલીવ મી મે દર્શનને નથી માર્યો. મારે શું જરુર હતી કે હું દર્શનને મારુ?” કબીરે ગળગળા થતા કહ્યું.

“કેમ જરુર નહોતી? દર્શનની ઘરવાળી સાથે તમારુ ચક્કર ચાલતુ હતુ અને તે તમારા રસ્તામાં આવતો હતો.” રિષભે સામે દલીલ કરી.

“ના, સર એ તો મને શિવાનીએ પહેલાથી જ કહી દીધુ હતુ કે દર્શન તેને રોકી શકશે નહી. કેમકે તેની પાસે દર્શનના ઘણા લફડાના પૂરાવા હતા.” કબીરે કહ્યું.

“તો પછી તમે તે રાત્રે ફાર્મ હાઉસ પર કેમ ગયા હતા?”

“મે તમને આ પહેલા પણ કહેલુ કે હું મારા અને શિવાનીના સંબંધ બાબતે દર્શન સાથે વાત કરી લેવા માંગતો હતો.” કબીરે થોડી ચીડ સાથે કહ્યું.

“તો શું તમારા અને દર્શન વચ્ચે આ બાબતે ક્યારેય ચર્ચા જ નહોતી થઇ?” રિષભે શકને આગળ લઇ જતા કહ્યું. આજે રિષભ તેના બધા જ તુક્કા ઉપયોગ કરી લેવા માંગતો હતો.

આ સાંભળી કબીર થોડો રોકાયો અને પછી બોલ્યો “એકવાર વાત થઇ હતી પણ ત્યારે દર્શન માનતો નહોતો એટલે બીજી વખત તેની સાથે વાત કરવા ગયો હતો.” આ તુક્કો નિશાના પર લાગતા જ રિષભે બીજો તુક્કો માર્યો “ તમે વાત કરવા નહી. દર્શનને ધમકીથી મનાવવા અને જો ના માને તો તેને ઉડાવી દેવા જ ગયા હતા.” આ સાંભળી કબીર ચોંકી ગયો અને બોલ્યો “આ કોણે શિવાનીએ તમને કહ્યું છે?”

આ પ્રશ્ન સાંભળતા જ રિષભ ખુશ થઇ ગયો કેમકે હવે આગળનો રસ્તો સાફ હતો.

“હા, શિવાનીએ જ કહ્યુ છે કે તમે દર્શનને મળવા ગયા ત્યારે ગુસ્સામાં હતા અને દર્શનને મારી નાખો તેટલા ગુસ્સામાં હતા.” કબીર સામેથી જ રિષભની જાળમાં આવી ગયો હતો.

“એ ખોટુ બોલે છે તેણે જ મને કહેલુ કે તુ જઇને વાત કર. મે તેને ના પાડી હતી કે મારે ગન નથી લઇ જવી તો પણ તેણે જ મને ગન આપેલી.” આટલુ બોલાઇ ગયા પછી કબીરને સમજાયુ કે તે હવે રિષભની જાળમાં ફસાઇ ગયો છે. પણ હવે મોડુ થઇ ગયુ હતુ. અસલામતી એક એવી લાગણી છે જે માણસને ગમે તેના પર શક કરવા પ્રેરે છે અને તેને લીધે જ તે વધુ અસલામત થતો જાય છે. કબીર સાથે પણ આ જ થયુ હતુ તેને શિવાની પર શક ગયો હતો અને તેને લીધે તે હવે ફસાઇ ગયો હતો. પણ હવે કંઇ થઇ શકે એમ નહોતુ.

“ગન તમે કયાંથી લાવ્યા હતા. તમારી પાસે ગનનું લાઇસન્સ છે?” રિષભે થોડી કડકાઇથી પૂછ્યું.

“ના, ગન તો શિવાની લાવી હતી. તે ગન દર્શનની જ હતી. તે મને કહે કે આ ગનથી તેને મારી નાખજે અને તેના હાથમા ગન મુકી દેજે જેથી સુસાઇડનો કેસ બને. બેવકુફ સ્ત્રી.” કબીરે કહ્યું.

“ તો પછી તમે દર્શનને સુટ કેમ ન કર્યો. તેને મોં પર ઓશિકુ દબાવી કેમ માર્યો?” રિષભ જાણી જોઇને કબીર ફસાઇ જાય તેવા સવાલ પૂછતો હતો.

“મે તેને માર્યો જ નથી. હાથમાં ગન હોય તો પછી હું તેને ઓશિકુ દબાવીને શું કામ મારુ? હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તો દર્શનનુ મોત થઇ ગયુ હતુ. આ જોઇ હું ગભરાઇ ગયો અને ત્યાંથી નીકળી ગયો.”

રિષભને લાગ્યુ કે હવે કબીર પાસેથી વધુ માહિતી નીકળે એમ નથી પણ આ માહિતી શિવાની પાસેથી માહિતી કઢાવવા માટે ઊપયોગી છે. ત્યારબાદ રિષભે કબીરને ત્યાંથી બહાર મોકલી શિવાનીને પૂછપરછ માટે બોલાવી. રિષભ ગમે તેમ કરી આ લોકોની રીમાઇન્ડ લંબાવવા માંગતો હતો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM