anamika - 3 in Gujarati Fiction Stories by Bachubhai vyas books and stories PDF | અનામિકા - ભાગ ૩

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

અનામિકા - ભાગ ૩

રાત્રે જમ્યા પછી પત્ની સાથે ઉપર અગાશીની ખુલ્લી છત પર જઈને બેઠો. જ્યાં ઠંડો પ્રહોર હોવાથી પવન આવી રહ્યો હતો અને ઊંઘ ન આવે ત્યાં સુધી સજોડે બેસીને હસી મજાક સાથે આનંદ-પ્રમોદની વાતો કરી રહ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચાઓ કરી રહ્યા હતા. તે દરમ્યાન અનામિકા પણ જાણે ક્યાંક સંતાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. તેની નબળાઈ એ જ હતી કે તે જ્યારે એકલો પડતો ત્યારે જ તેને અનામિકા સતત યાદ આવ્યા કરતી. છત પર બેઠા હતા તે સમયે સુરભી અમિટ દ્રષ્ટીએ આસમાન તરફ નિહાળી રહી હોવાથી અને પોતાના ધ્યાનમાં આવી જતા સહજભાવે પૂછી લીધું, “સુરભી. તું ક્યારની આસમાન સામે શું જોઈ રહી છે? તને કંઈ નવું દેખાય છે?”
“મને આસમાનમાં ચમકતા સિતારાઓ જોવાનું બહુ ગમે છે.” સુરભીએ તેનો હાથ સુભાષના હાથમાં પરોવતા કહ્યું.
“તું સિતારાઓ ગણી તો નથી રહીને?” સુભાષે મજાક કરતા પૂછ્યું.
“આ સિતારાઓ વિષે તમારું શું માનવું છે?” સુરભીએ સામો પ્રશ્ન કર્યો.
“એમાં માનવાનું શું હોય? સિતારાઓ બસ સિતારા છે. તું જ કહે તારું શું માનવું છે?”
“ઝગમગી રહ્યા છે ગગનમાં... અંધકારના ઓથે... કોઈના તૂટેલા દિલના... હજારો ટુકડા... સિતારા બની...” સુરભીએ કાવ્યાત્મક ઢબમાં જવાબ આપ્યો.
સુભાષને તેનો જવાબ ગમ્યો. ખુશ થઈને તે બોલ્યો, “અરે વાહ, તું કવિતા બનાવતા ક્યારથી શીખી ગઈ? સુરભી જ્યારે કોઈનું દિલ તૂટે છેને ત્યારે દિલ તૂટવાનો અવાજ નથી સંભળાતો પરંતુ તુટતાની સાથે જ એ ચૂરચૂર થયેલા દિલના ટુકડાઓ સિતારાઓ બનીને આસમાનમાં જડાઈ જતા હશે અને ત્યારે...” એટલું કહેતા જ તે ગંભીર થઇ ગયો. મનમાં વિચારવા લાગ્યો: કાલ ઉઠીને મારું દિલ પણ નહિ તૂટે એની શી ખાતરી? મારા દિલના ટુકડાઓ પણ સિતારા બની આસમાનમાં જડાય જશે! બિચારી સુરભીને ક્યાં ખબર છે કે દિલ તો હું પણ હારી બેઠો છું. એક અપરિચિત, અજાણી અને અનામી સુંદરતાની મૂર્તિમાં. એ કંઈ આગળ વિચારે ત્યાં અધવચ્ચે જ સુરભીએ તેને ઢંઢોળ્યો, “ઓ સાહેબ ક્યાં ખોવાઈ ગયા? શું થયું? મારી નાનકડી કવિતા સાંભળીને કેમ ગંભીર બની ગયા? મેં તમારું દિલ તો નથી દુભાવ્યુંને?”
“એવી નોબત હજી સુધી તો નથી આવી સુરભી.”
“અને આવશે પણ નહિ.”
“થેંક્યું સુરભી. થેંક્યું વેરી મચ. ચાલો હવે જઈશું? ઊંઘ આવી રહી છે.” કહીને તે અગાશી પરથી નીચે ઉતરવા લાગ્યો.
“એક મિનીટ ઉભા રહો. પ્લીઝ મને એક વાતનો જવાબ આપો. તમારું દિલ તો કોઈએ નથી તોડ્યુંને?”
“અરે ગાંડી. મારું દિલ કોણ તોડે? મારું દિલ તો તારા પાસે છે અને તું મારા દિલનું કાળજીપૂર્વક જતન કરતી રહે છે એ હું જાણું છું.”
“થેંક્યું... થેંક્યું. મારી વાતનું ખોટું તો નથી લાગ્યુંને?” સુરભીએ સુભાષનો હાથ પોતાના હાથમાં રાખી કહ્યું.
“અરે ગાંડી તારા પ્રત્યે મને કદાપી ખોટું ન લાગે. ચાલ હવે નીચે જઈએ.” કહીને તે સુરભી સાથે નીચે રૂમમાં આવ્યો અને સુરભીને ગુડનાઈટ કહી પથારીમાં આડે પડખે થયો.
શનિ-રવિની રજામાં નીરજ આવેલો હોવાથી સુભાષ સાથે તેની મુલાકાત થતા રવિવારની સાંજે દરિયા કિનારે ખુલ્લી હવામાં અને સાગરના ઉછળતા મોજાઓની મજા માણવા જવાનો સુભાષનો પ્રસ્તાવ માન્ય રાખતા બંને મિત્રો સાગરતટે પહોંચતા જ નીરજે સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો, “યાર. આજે તને સાગરતટે ફરવા આવવાની કેમ ઈચ્છા થઇ? એ મને નથી સમજાતુ કેમકે તારા લગભગ તો રવિવારના પ્રોગ્રામમાં પિક્ચર જોવા, હોટલમાં જવા અથવા ગાર્ડન કે મોલમાં જવાનાં પ્રોગ્રામ હોય છે.”
“હા નીરજ તું સાચું કહે છે. આજ એમ થયું કે સાગરતટે જે શાંતિ પ્રાપ્ત થશે. તેવી શાંતિ ક્યાંય નહિ મળે. અહીં શાંતિ સાથે નિરાંતે બેસીને મનની વાત પણ થઇ શકે.”
“ઓહ તો એમ વાત છે! ત્યારે ચાલ સામેની ટૂંકી દીવાલ પર બેસીએ પછી વાતચીત કરીએ. તું કંઇક મૂંઝવણમાં હો તેવું મને લાગે છે.” નીરજે કહ્યું.
બંને જણા કિનારાથી થોડે દૂર દીવાલ પર બેઠા. સુભાષે જ વાતનો પ્રારંભ કર્યો, “નીરજ આઈ એમ સોરી કેમકે ગયા રવિવારે આપણે ગાર્ડનમાં ગયેલા, ત્યારે મારે તને જે વાત કરવાની હતી તે ક્ષોભજનક સ્થિતિમાં હોવાથી તે વાત હું તને ન કહી શક્યો અને તારા સામે પૈસાની જરૂરતની ખોટી વાત તને જણાવી પરંતુ તારી સામે બનાવટ કરવા બદલ મને ખૂબ અફસોસ થયો. માફ કરજે યાર આજે તને સાચે સાચું કહી દેવું છે. તું જે પ્રત્યાઘાત આપીશ તે હું માન્ય રાખીશ.”
“અરે પાગલ તું મને નહીં કહે તો કોને કહીશ? તે દિવસે જ કહી નાખ્યું હોય તો આજ સુધીમાં તારી સમસ્યાનું સમાધાન પણ થઇ ચુક્યું હોત. બોલ આજે શું કહેવું છે? પેટ છૂટી વાત કરજે પ્લીઝ.”
“નીરજ પ્લીઝ ભૂલે ચુકે પણ મારી વાત જાણ્યા બાદ, તું આ વાત કોઈને કહીશ નહીં. તો સાંભળ...”
સુભાષે શરૂથી લઈને આજ સુધીની પુરેપુરી દાસ્તાન નીરજ સમક્ષ વ્યક્ત કરી. તે જાણ્યા બાદ નીરજ પણ આશ્ચર્યચકિત થઇ ગયો, “ઓહ તો મારો દોસ્ત એક અજાણી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો છે! જે યુવતીની ભૂલથી પણ એક દ્રષ્ટી પણ તારા ઉપર નથી પડી. ખરુંને? સિનેમાહોલમાં, બસમાં ગમે ત્યાં એને જોવા માટે તડપતો રહે છે. મારે તને શું કહેવું ખુદ મને નથી સમજાતું.” નીરજે ઠપકો આપતા કહ્યું.
“ના ના નીરજ હું તેના પ્રેમમાં નથી પડ્યો પરંતુ કોણ જાણે કેમ મારું મન એના સાથે દોસ્તી કરવા માટે તલસી રહ્યું છે. મારી લાઈફમાં આજસુધી કોઈને મેં ગર્લફ્રેન્ડ બનાવી જ નથી તેથી જ કદાચ...”
“સુભાષ તું આવું કંઈ વિચાર નહીં. હું તારી હાલત સમજી શકું છું. તું મારો મિત્ર જ નહીં ભાઈ કરતા પણ વિશેષ છે. ખોટું ન લગાવતો પરંતુ વાતને ગંભીરતાથી વિચારજે પ્લીઝ.” સુભાષની વાત વચ્ચેથી કાપતા નીરજે કહ્યું.
“મને ખોટું નહિ લાગે. તારું કહેવાનું શું થાય છે? તેના જોડે ફ્રેન્ડશીપ કરવા માટે મારે મારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ? શું તું મને હેલ્પ કરી શકે?” સુભાષે પોતાની મનોવ્યથા ઠાલવતા કહ્યું.
“સોરી હું તને હેલ્પ કરી ન શકું. સૌપ્રથમ તો હું એ કહીશ કે એ અજાણી યુવતી કોણ છે? ક્યાં રહે છે? એનું નામ શું છે? તું કંઈ જાણતો નથી. એને એ પણ ખબર નથી કે તને એના પ્રત્યે લગાવ થયો છે અને તારો ને એનો પરિચય તો ઠીક એની એક દ્રષ્ટિ પણ તારા પર પડી નથી અને છતાય તું એનો દિવાનો!”
“દિવાનો? પ્લીઝ નીરજ આવો શબ્દ મારા માટે ન બોલ. સાચું કહું તો મારા મનમાં એના પ્રત્યે કોણ જાણે કેમ લાગણીઓનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે. મારું મન કહે છે કે પુનર્જન્મમાં અમારો કંઇક પવિત્ર સંબંધ હશે.” સુભાષ ભાવુક થઇ કહી રહ્યો હતો.
“લાગણીઓના પ્રવાહમાં એટલું બધું ન તણાવું જોઈએ કે માણસ ખુદ તેમાં ડૂબી જાય. આ સચોટ વિધાન કોઈ મહાન લેખકે લખ્યું છે અને આજે આ સુવાક્યની વાસ્તવિકતા મારી સમજમાં આવી ગઈ છે.”
“તું જ કહે મારે શું કરવું?”
"તું એટલું તો વિચાર કે તું મેરીડ છે. સુરભીભાભી જેવી સમજદાર પત્નીનો પતિ છે અને ચોરીછૂપીથી જે કરી રહ્યો છે તે કારણે ભાભીનો ગુન્હેગાર છે પરંતુ જ્યારે આ ચોરી પકડાય જશે ત્યારે તેના પરિણામની ગંભીરતા વિષે કંઈ વિચાર્યું છે? તમારું સુખી દાંપત્યજીવન તારી આ ભૂલના કારણે નંદવાય જશે તો તારી શું હાલત થશે? ભાઈ તું આ કાંટાળી કેડીએથી આજે જ પાછો વળી જા નહીતર જિંદગીભર પસ્તાવું પડશે. પછી ગમે તેટલા પશ્ચાતાપના આંસુ સારવા લાગીશ તો આંસુઓ પણ ખૂટી જશે. મારે જે કહેવું હતું તે કહી નાખ્યું હવે આગળનું તારે વિચારવાનું છે. મારી સલાહ અનુચિત લાગી હોય તો સોરી.”
“ના ના નીરજ તારી વાતને ગંભીરતાથી સમજવાનો દિલથી પ્રયાસ કરીશ અને તેને ભૂલવાનો પણ પ્રયાસ કરીશ. હું પણ તેને મારા દિમાગમાંથી ડીલીટ કરવા માંગું છુ.”
“એને ભૂલી જા. એમાં જ તારી ભલાઈ છે.”
“થોડું અશક્ય લાગી રહ્યું છે છતાં પણ...”
“અશક્ય શક્યમાં બદલી શકાય છે. મન મક્કમ અને નિર્ધાર પાક્કો હોય તો માણસ કપરા સંજોગોમાંથી પણ બહાર નીકળી શકે છે. બાકી પડછાયા પાછળ દોડવાથી પડછાયા કદી પકડી નથી શકાતા.”
નીરજની વાતો સમજયા બાદ તે ઊંડા વિચારોમાં ગરકાવ થઇ ગયો. થોડીવાર પછી બંને મિત્રો એકબીજાને ગુડબાય અને ગુડનાઈટ કહી પોતપોતાના ઘેર તરફ ચાલતા થયા.

ક્રમશ: