"શ્વેતા મને લાગે છે કે કોઈ આપણો પીછો કરી રહ્યું છે." શ્વેતાની પાછળ ચાલી રહેલી એક છોકરી બોલી.
"હા મને પણ એવું જ લાગે છે.' બીજી છોકરીએ ચિંતાના સ્વરમાં કહ્યું.
સૌથી આગળ ચાલતી શ્વેતાએ તરત એક વાત એકદમ ધીમા અવાજે બોલી, "મને ખ્યાલ છે. તમે બંને બસ ચાલતા રહો. આપણે બસ પહોંચવાના જ છીએ."
કદાચ એમની સાથે રહેલ બેગને કારણે ચાલવાનું મુશ્કેલ બની રહ્યું હતું. આ ગડમથલ ચાલતી જ હતી કે એટલામાં સૌથી આગળ ચાલતી શ્વેતાના ગળા પર એક હાથ પાછળથી વીંટળાઈ ગયો. એના ચાલતા કદમો ત્યાં જ રોકાઈ ગયા. કોણ છે? એ જોવા માટે એક તીરછી નજર કરી. એક જીન્સ-ટોપ પહેરેલી સ્ત્રી એનું ગળું પકડી ઉભી રહી હતી. અને પાછળ બે પુરુષો અને એક સ્ત્રી જોવા મળ્યા. એ સ્ત્રીએ શ્વેતાની સાથે ચાલતી અને એની સૌથી વધુ ગભરાયેલી દોસ્ત અહાનાને પકડી લીધી હતી. અને એમાંથી એક પુરુષે મિશકાને. શ્વેતા ડરેલી હતી, પણ પોતાના હાવભાવ ન બતાવતા એણે પોતાની ગુસ્સાભરી નજરો એમની તરફ નાખી.
એક પુરુષ જે બિલકુલ ખાલી ઉભો હતો, એ શ્વેતાની નજીક આવીને બોલ્યો, "અરે.... મારી પરી તો નારાજ થઈ ગઈ. એ પણ એક સ્ત્રીના પકડવાથી. એવું હોય તો હું તને પકડી લઉં. આવ..." એણે જેવું આવું કહ્યું કે શ્વેતા ખૂબ ગુસ્સે થઈ ગઈ. એ પહેલા કે એ કંઈ બોલે, એ પુરુષ તરત બોલ્યો, "ઠીક છે ચલ નથી પકડતો. પણ તમને લોકોને એમ કઈ રીતે લાગ્યું કે આટલી રાત્રે અહીં આવા ગાઢ જંગલમાં આવી, તમે આટલી આસાનીથી જતા રહેશો. કેટલા બધા મૂર્ખા છો તમે!!!"
"લુક અમને જવા દો નહિતર તમે મુસીબતમાં આવશો..." અહાના ખૂબ ડરેલી હોવા છતાં આ બોલી શકી. શ્વેતા હજી પણ કંઈક વિચારી રહી હતી.
એટલામાં એ વ્યક્તિ હસવા લાગ્યો. અને અહાના તરફ આગળ વધ્યો, "નહિ મુકાઈએ. અમે એવા કોઈ નિશાન જ નહીં છોડીએ ને...."
"ઑકે..." છેક હવે શ્વેતા એની સામે જોઈ બોલી, "ઇટ્સ ઓલરાઇટ. તમે નિશાન નહિ મુકો. પણ મારા મુકેલ નિશાનનું શુ કરશો????"
"મતલબ..." પેલો પુરુષ હવે એની નજીક આવી ગયો અને બોલવા લાગ્યો. પણ શ્વેતાએ કોઈ જ જવાબ ન આપ્યો. થોડી રાહ જોયા બાદ અને પેલાની ચેતવણી બાદ પણ જ્યારે શ્વેતા કઈ ન બોલી. ત્યારે એ ખૂબ ગુસ્સામાં શ્વેતા તરફ આગળ વધ્યો અને એ પહેલાં કે એ શ્વેતાને હાથ લગાવે શ્વેતા બોલી, "મને હાથ લગાવવાની કોશિશ પણ ન કરતો. નહિતર તું નહિ બચે..."
હવે પેલો વધુ ગુસ્સે થયો અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી શ્વેતાને ડરાવવા લાગ્યો, "સીધી રીતે બોલ શુ કર્યું છે તે? નહિતર તમારા ત્રણેયનું ગળું કાપી દઈશ..."
શ્વેતાએ પોતાના ડાબા હાથ તરફ એક નજર કરી અને કહ્યું, "જ્યારે તું આટલી આજીજી કરે જ છે તો કહી દઉ. મેં તમારા લોકોના મંદિરમાં લીધેલ ફોટા મારી ફેમિલીને મોકલી દીધા છે. તો હવે અમને કંઈપણ થશે, એ લોકો તરત તમને શોધશે."
એટલામાં મિશકાને પકડી રાખેલ પુરુષ બોલ્યો, "વીર તું એની ચિંતા ન કર. એ બધું હું જોઈ લઈશ...."
"અચ્છા તો આનું નામ આ છે..." શ્વેતાએ મનમાં વિચાર્યું. "તમે લોકો બધું નહિ જોઈ શકો. તો મિ. વીર બચવું હોય તો સીધી રીતે અમને જવા દો..."
અત્યાર સુધી શ્વેતાની ફોટાવાળી વાત કહ્યા બાદ જે સ્ત્રીઓની હાથની પકડ ઢીલી થઈ ગઈ હતી એ પાછી મજબૂત થઈ ગઈ. અને પાછો શ્વેતાનો દમ ઘૂંટાવા લાગ્યો, એટલી જોરથી એણે એનું ગળું પકડ્યું.
શ્વેતાએ ફરી પોતાના ડાબા હાથ સામે નજર કરી અને બોલી, "ઑકે મારા ફોનમાંથી તો તું ડીલીટ કરી દઈશ. પણ સોફ્ટવેરની મેમરીમાંથી કઈ રીતે ડીલીટ કરીશ. વોટ્સએપની સિસ્ટમમાં અને ફોનમાં એકવાર મૂકેલું હંમેશા સ્ટોર થઈ જાય છે. એ કોઈના ડીલીટ કરે ક્યારેય જતું નથી. અને જ્યારે પોલીસ આ મામલો સંભાળશે તો ઊંડાણપૂર્વક એની તપાસ કરશે. તમે લોકો અમને લૂંટીને અને અમને મારીને નહિ બચી શકો. ઉપરથી અત્યારની સાયબર સિક્યોરિટી કેટલી પાવરફુલ છે. અમારા લોકોનું લોકેશન શોધતા એમને વાર નહિ લાગે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મારા કાકા અહીંના ફોરેસ્ટ રેન્જર છે. તો તમે લોકો તો બચવાથી રહ્યા....."
એને બોલતી અટકાવી વીર બોલ્યો, "અમારું અમે લોકો જોઈ લઈશું. તું તારું જો." હવે વીર શ્વેતા પર ખૂબ ગુસ્સે થયો અને એને મારવા માટે એણે ચપ્પાની પકડ વ્યવસ્થિત કરી. ચપ્પુ એના ગળા પર મૂકી એ એના ગળાની નસો કાપવા જાય એ પહેલા જ 4 ફોરેસ્ટ રેન્જર ત્યાં આવી ગયા. "ઓયે... ઉભા રો..." કહી એમણે આ ચારને પકડી લીધા. એ સાથે જ વીરે પકડેલ ચપ્પુ નીચે સરકી ગયું.
એક રેન્જરે પૂછ્યું, "શુ છે આ બધું? અહીં આવવાની મનાઈ છે ખ્યાલ નથી. આ જગ્યા સાંજના 6 વાગ્યા પછી પ્રતિબંધિત છે. તમે લોકો અહીં શુ કરો છો? હવે બધા જેલની હવા ખાવા તૈયાર થઈ જાઓ."
શ્વેતા તરત બોલી, "સર આ લોકો અમને અહીં લઈ આવ્યા. અમે લોકો તો બહાર જ હતા ને આ લોકો અમને લૂંટવાના અથવા કદાચ બીજા કોઈ ઈરાદાથી અહીં લઈ આવ્યા. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ એણે મારુ ગળું કાપવાની કોશિશ કરી." એણે પોતાની આંગળીથી પોતાના ગળા તરફ ઈશારો કર્યો અને તરત રેન્જરને એના ગળા પરનો કાપો દેખાયો. કોની ભૂલ છે અને કોણ સાચું બોલે છે એ સમજી એ રેન્જરો એ ચારને લઈ ગયા, અને આ લોકોને તરત ત્યાંથી જવાની સૂચના આપી દીધી.
એ ત્રણ એ જગ્યાથી ભાગી 500 મીટરના અંતરે જે એમની ગાડી હતી, ત્યાં પહોંચ્યા અને તરત ત્યાંથી ગાડી ચલાવી નીકળી ગયા.
ગાડી મેઈન રોડ પર પહોંચતા જ બધાએ રાહતનો શ્વાસ લીધો અને જ્યારે ગાડી ચલાવતી શ્વેતાએ પાસે બેઠેલી મિશકા સામે જોયું તો બંને જોરજોરથી હસવા લાગ્યા. અને ગભરુ અહાના રડવા લાગી.
એ જોઈ શ્વેતા બોલી, "અરે યાર હવે તો રડવાનું બંધ કર. આપણે સુરક્ષિત છીએ."
"હા અને જો ભગવાન સાથે ન હોત તો આપણે કબરમાં હોત. આપણો જીવ જતો રહ્યો હોત. શુ જરૂર હતી આટલી વાર સુધી રોકાવાની??? એક સામાન્ય અસાઈમેન્ટ માટે જીવ જોખમમાં મુકવાની???"
"અરે યાર મને થોડી ખબર હતી કે આવું કઈ થશે??"
અહાના ખૂબ ગુસ્સે થઈને બોલી, "હા આ ખબર નહતી, પણ વોટ્સએપ અને ફોન વિશે ખબર હતી? શુ જરૂર હતી આ બધી બકવાસ કરવાની?? ગળું કાપી નાખ્યું હોત હમણાં એણે આપણું!!!"
શ્વેતા ધીમા અવાજે બોલી, "ગળું ના કપાય એટલે તો એવું બોલી!!!"
"મતલબ???" મિશકા હવે ચોંકી. એણે પૂછ્યું, "યાર મને પણ ન સમજાયું તે આ બકવાસ કેમ કર્યો? અને તારા વળી ક્યાં કાકા રેન્જર છે? અને એક ખાસ વાત, આ ચારને પહેલા કદી જોયા જ નથી, તો આપણે એમના કોઈ ફોટા કઈ રીતે મોકલવાના???"
"તમે લોકો આસપાસ કઈ જોતા જ નથી એટલે જ આ તકલીફ છે. મેં મંદિરના બોર્ડ પર રેન્જરનો આવવાનો સમય જોયો હતો, રાતના 9 વાગ્યે.. મેં સમય જોયો જ્યારે એ લોકોએ આપણને પકડ્યા ત્યારે 8:50 થયા હતા. જો બીજે ક્યાંક લઈ ગયા હોત તો આપણો પત્તો ના મળત, એમને ત્યાં જ રોકી રાખવા આ બકવાસ કરી. એમનુ બદનસીબ કે એમણે સમયનું અને ઘટનાઓનું ધ્યાન ન રાખ્યું. અને આપણું ખુશનસીબ કે આપણે મગજ શાંત રાખ્યું..."
મિશકા હસતા-હસતા બોલી, "આપણું સદનસીબ કે તારું મગજ આવા સમયે બે ગણી ઉર્જાથી કામ કરવા લાગ્યું. પણ આપણે ત્યાં રોકાઈ એમની વિરુદ્ધ કંમ્પ્લેઇન પણ કરી શકતા હતા ને..... "
"હા પણ એ કરવું ઠીક ન રહેત, આ ખૂબ સંવેદનશીલ જગ્યા છે. 6 વાગ્યા પછી અહીં જે કોઈ પણ રહે એને જેલની કોટડી જોવી જ પડે. અને જો રેન્જરને ખબર પડી જાત આ બાબત કે એ લોકોએ આપણને ખાલી 10 મિનિટ પહેલા જ પકડ્યા છે તો આપણે પણ ગુનેગારની કેટેગરીમાં આવી જાત.. એટલે જ તો એમના કોઈ પણ બયાન આપ્યા પહેલા આપણું અહીંથી જતા રહેવું ઠીક રહે. ઑકે હવે બસ. આ વિશે વધુ ન વિચારો. બધું જ જવા દો. આપણા બચવાની અને આપણને ડીગ્રી મળવાની ખુશીઓ મનાવો..."
અને મિશકા જોરથી બૂમ પાડવા લાગી, "યેએએ..." અને અહાના રડતા-રડતા હસવા લાગી.
ગાડી ચલાવતા ચલાવતા શ્વેતા આજની અને આ ઘટનાથી જોડાયેલ આગળના દિવસો વિશે વિચારવા લાગી. એ લોકો ફોટોગ્રાફીના કોર્સમાં ડિપ્લોમા કરી રહ્યા હતા, એમાં ત્રણેયને એક અલગ અને યુનિક ફોટોગ્રાફ પાડવા માટેનું અસાઈનમેન્ટ આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરની જાતજાતની જગ્યાઓ રિજેક્ટ કરી એ લોકોએ સૌરાષ્ટ્રના ગીરના એક મંદિર પર પસંદગી ઉતારી હતી. બે દિવસ અલરેલીના ધારીમાં રોકાઈ, મંદિર વિશે માહિતી મેળવ્યા બાદ એમને ખ્યાલ આવ્યો. એ મંદિરની આસપાસ કુદરતી નજારો સાંજના 7 થી 9 વચ્ચે એના ચરમ પર હોય છે. જ્યાં આસપાસના ગામની લાઈટ પણ બંધ હોય છે. જો એ જ વખતે ત્યાં ફોટોગ્રાફ લેવામાં આવે તો એ સૌથી યુનિક મળી શકે એમ હતા. બસ એક જ સમસ્યા હતી એ મંદિર સાંજના 6 વાગ્યે બંધ થઈ જતું હતું.
પ્રતિબંધિત વિસ્તાર હોઈ ત્યાં રોકાવા માટે પરમિશન લેવા પ્રયત્ન કર્યો પણ ન મળી. એટલે એ લોકો પોતાની ગાડી જંગલમાં સંતાડી ત્યાં 5 વાગ્યે પહોંચી ગયા. અને એવી જગ્યાએ સંતાઈ ગયા કે જ્યાં એમને કોઈ જોઈ ન શકે. પછી બધાના ગયા બાદ મંદિર બંધ થયાના અડધો કલાક બાદ એમની ફોટોગ્રાફી શરૂ થઈ.
એમણે આર્કિટેક્ચર ફોટોગ્રાફની સાથે નેચરના નાઈટ વિઝન ફોટોગ્રાફ, ટાઇમ-લેપ્સ ફોટોગ્રાફ લીધા. ત્રણેય પાસે કેમેરા હોઈ એ બાબત ખૂબ સરળ થઈ ગઈ. ત્યારબાદ 8:30 પછી જેવા એ લોકો પોતાના કેમેરા અને અન્ય ઈકવિપમેન્ટની પેક કરી પોતાની ગાડીના રસ્તે ચાલવા લાગ્યા કે એમને લાગ્યું કોઈ એમનો પીછો કરી રહ્યું છે. જાનવર હોત તો અત્યાર સુધી મારી ચૂક્યું હોત, અને ગામવાળો કોઈ અવાજ કરત. પણ એમને માત્ર જમીન પર પડેલી ડાળખી અને પત્તાઓનો જ અવાજ આવી રહ્યો હતો. શ્વેતાનું મન એને એ ચેતવણી આપી ચૂક્યું હતું કે આ જરૂર કોઈ લૂંટારા જ છે, જેમના હાથે એ લોકો ચઢી બેઠા.
એમની પાસે પૈસા, કેમેરા ઉપરાંત ગાડી પણ હતી જ. એટલે એણે એની બંને દોસ્તને ઉતાવળે ડગલાં ભરવાનું કહ્યું. જેથી ફટાફટ ગાડી સુધી પહોંચી ત્યાંથી નીકળી શકાય. પણ એ પહેલાં જ એ લોકોએ એ ત્રણેયને પકડી લીધા અને એમના ઇરાદાઓનો ખ્યાલ આવી ગયો. એણે ઘડિયાળ પર સમય જોવા માટે હાથ આગળ કર્યો ને તરત એનું મગજ આ પરિસ્થિતિમાંથી જીવતા બચીને બહાર નીકળવાના વિચારો કરવા લાગ્યું. પ્રતિકાર કરવા માટે અહાના ખૂબ નબળી હતી અને મિશકા પર એટલો ભરોસો ન કરી શકાય. પ્રતિકાર કરવા જતાં કંઈ પણ ઉંધુ થાય તો ત્રણેયનો જીવ જાય. એટલે એણે પોતાની શારીરિક તાકાત વાપરવા કરતા મગજની તાકાત વાપરવાનું નક્કી કર્યું અને બસ એ લૂંટારાઓ ફસાઈ ગયા એની આ જાળમાં..
એ લોકો બીજે દિવસે પોતાના ઘરે અમદાવાદ આવી ગયા ને ત્રીજા દિવસના છાપાના સમાચાર કંઈક આવા હતા, "ગીરના જંગલોમાં તશકરી કરતી અને લૂંટફાટ ચલાવતી ગેંગ પકડાઈ, એમની પાસેથી જંગલના પ્રતિબંધિત વેચાણ માટેના 5 લાખના લાકડા, જાનવરોની ચામડી તેમજ પ્રવાસીઓનો સામાન મળી આવ્યો છે. એ ગેંગ પર ચોરી, લૂંટફાટ, હત્યા અને ગેરકાયદેસર વેપારના ગુનાઓનો આરોપ મુકવામાં આવ્યો છે......." આ વાંચી શ્વેતા સમજી ગઈ કે એની મગજની કરામતને કારણે એ લોકો કેટલી મોટી મુસીબતમાંથી નીકળી આવ્યા. અને એ ખુશ થઈ ગઈ.
(જીવનની પરિસ્થિતિઓ સામે ત્રણ પ્રકારે લોકો વર્તે છે. એક કિસ્મતને દોષ આપી રડનાર - અહાના જેવા, બીજા પરિસ્થિતિ સમજવાનું નાટક કરનાર - મિશકાની જેમ, અને ત્રીજા સામે જે પણ પરિસ્થિતિ આવે એ અનુસાર વર્તી પ્રતિક્રિયા આપનાર લોકો એટલે કે શ્વેતા જેવા લોકો... આ પરિસ્થિતિ જોઈ ત્વરિત પ્રતિક્રિયા આપનાર લોકોને કારણે જ કદાચ ટકી રહી છે માનવપ્રવૃત્તિ અને માનવવૃત્તિ.....)
ટૂંકીવાર્તાઓ