Vartaviswa Kalam Pane - 1 - Sampadan Darshan Vyas in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 1 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 1 - સંપાદન - દર્શના વ્યાસ
















વાર્તા વિશ્વ- કલમનું ફલક ઇ -સમાયયિકનો પ્રથમ અંક  
આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ,વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.

રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.

સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓના

પ્રથમ આવૃત્તિ

'વાર્તા વિશ્વ-કલમનું ફલક'
સંપાદક:
દર્શના વ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@gmail.com


એડિટર ટીમ:
સેજલબેને શાહ
નિષ્ઠાબેન વચ્છરાજાની
શૈલીબેન પટેલ
ઝરણા રાજા
હીમાંશુભાઈ ભારતીય




ચેતવણી:
આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં.













વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા.






અર્પણ




આ સંપાદનના તમામ સર્જકોને આ અંક સાદર સમર્પિત.




સંપાદકની કલમે✍



નમસ્કાર મિત્રો,

વાર્તા વિશ્વ- કલમનું ફલક ઇ -સમાયયિકનો પ્રથમ અંક રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. વાર્તા વિશ્વ કલમનું ફલક જે નવી કલમથી કસાયેલી કલમનો સ્નેહાળ સમન્વય છે. અહીં દરમહીને આપેલાં વિષય ઉપર વાર્તા લખાય છે, વંચાય છે અને આકરી ટિપ્પણીઓની આંચ પર તપીને નિખરે છે. એક વિષય પર લખેલી વાર્તાઓનું શીર્ષક સામ્ય ધરાવતું હોવા છતાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે.ગ્રુપનાં દરેક લેખક- લેખિકાઓની કલમની નિયમિતતા અને મહેનતથી જ આ સામાયિક શક્ય બન્યું છે, અને આ માટે ગ્રુપનાં મિત્રોની આભારી છું. દરમહીને લખાતી વાર્તાને ગ્રુપ પૂરતી મર્યાદિત ન રાખતા વાચકના બહોળા ફલક સુધી પહોંચાડવાનો આ સામાયિક સ્વરૂપે મારો નમ્ર પ્રયાસ છે. ઉગતી કલમની ક્ષતિઓને દરગુજર કરતાં આપ સૌ વાચકો તેમની કોશિશને પ્રોત્સાહિત કરશો તેવી આશા રાખું છું.

આ તકે હું મારા ઈશ્વર, માતા-પિતા વિરલ,વિશદ અને શ્રેયાને કેમ ભૂલું?મારી કલમનું બળ જ તો તેઓ છે.

અસ્તુ...

દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
7405544547
Email: darshanavyas04@ gmail.com





પ્રસ્તાવના



બારાખડીના અક્ષરોને અર્થપૂર્ણ ગદ્યના તાંતણે પરોવીને વાંચક સમક્ષ પિરસાય એ સાહિત્ય અને એને ભાવપુર્ણ રીતે પિરસે એ સાહિત્યકાર.

આ સામાયિક, અભિવ્યક્તિની ચરમ સીમા ઊપર બિરાજમાન એવી ગુજરાતી ભાષાની ગરિમાને વધુ ઉજ્જવળ બનાવવાનો એક નમ્ર પ્રયત્ન છે.

પ્રખ્યાત અને નામાંકિત સાહિત્યકારોની વચ્ચે એવો પણ એક વર્ગ છે કે જે આપણા ગુજરાતી સાહિત્યની અવિરત સેવા કર્મનિષ્ઠતાથી કરે છે. એમાંના કેટલાક સાહિત્યરસિક સજ્જનો અને સન્નારીઓ દ્વારા રચિત વાર્તાઓ હ્રદયને સ્પર્શીને કાનમાં કાંઈક કહી જવા માટે તત્પર છે.

ગુજરાતી ભાષાને અંજલિ આપતો 'વાર્તા વિશ્વ-કલમનું ફલક' ઇ-સામયિકનો સૌપ્રથમ અંક પ્રગટ થઈ રહ્યો છે ત્યારે મા શારદાની કૃપા દરેક લેખક મિત્રો પર બની રહે એ જ ઇચ્છુ.




ચિરાગ બક્ષી



















વાર્તા જ જેમની ઓળખ છે તેવા મુંબઈના વાર્તાકાર રાજુ પટેલનો
વાર્તાકારોની કલમ જોગ સંદેશ.


તમારા પાત્રોને ઓળખો, સમજો. તે કેવા દેખાતા હશે એ કરતાં વધુ અગત્યનું છે કે તેઓ કઈ રીતે વર્તતા હશે એ તમને ખબર હોય. ભલે તમારી વારતામાં તમારું પાત્ર એના શાળાના સમયના મિત્રને નહીં મળતું હોય પણ જો મળે તો એ કેવી રીતે વર્તશે એની તમને જાણકારી હોવી જોઈએ નહિતો તમારી વારતામાં એનું વર્તન કેવું હશે એ તમને નહીં સમજાય. જો તમે તમારા પાત્રને ઓળખતા નહીં હોવ તો વાચકો કેવી રીતે ઓળખાશે? અને ઓળખશે નહીં તો વારતા જોડે કેમના બંધાશે? વારતામાં તેઓ શું કરે છે એથી અગત્યનું એ છે કે તેઓ શું વિચારે છે અને શું અનુભવે છે કેમકે તેઓ જે કઈ પણ કરશે તે એના વિચાર અને એની લાગણી અનુસાર જ કરશે.


છાપામાં આવતી વારતાઓમાથી ક્યારેય પ્રેરણા ન લો. એમાં મોટા ભાગની વારતાઓ નબળી અને કોલમની ખાનાપૂર્તિ માટે હોય છે. એ વાંચવાથી તમારું કળા સ્વાસ્થય જોખમમાં મુકાઇ શકે છે.


તમારા લખાણને ફાઇનલ કરતાં અગાઉ ઓછામાઓછા ત્રણ ડ્રાફ્ટ બનાવો. આંતરરાષ્ટ્રીય લેખનવિશ્વ પહેલા ડ્રાફ્ટને ઉલ્ટી સાથે સરખાવે છે! પહેલો ડ્રાફ્ટ અન્ય કોઈને ન બતાવાય. પહેલા ડ્રાફ્ટમાથી સત્વ અને મુખ્ય હિસ્સા વીણી બીજો ડ્રાફ્ટ લખવો. બીજો ડ્રાફ્ટ એટ્લે ૮૦ ટકા કામ થઈ ગયું અને હવે થોડા સુધારા વધારા કરીએ એટલે વારતા ફાઇનલ એમ બિલકુલ ન સમજશો. બીજો ડ્રાફ્ટ બનાવ્યા બાદ વારતાના બંધારણ વિષે કડવા અને નિર્મમ થઈ વિચારો. : શું શરૂઆત આમ જ થવી જોઈએ? શું અન્ય કોઈ છેડેથી વાત માંડવી વધુ ઉચિત રહેશે? શું વર્ણન હોવું જોઈએ એટલું છે કે વધારે છે? શું સંવાદો બરાબર છે? સ્પષ્ટ છે? પાત્રોચિત છે? વધુ પડતાં બોલકાં તો નથી? અંત વિખેરાયેલો છે? હોવો જોઈએ એટલો ધારદાર છે? વારતામાં કોઈ બિન જરૂરી પાત્રો તો નથી? જે પાત્રો છે તે શા માટે છે એવો પ્રશ્ન તો ઊભો નથી થઈ રહ્યો? આખી વાતમાથી જે કહેવું છે એ કહેવાઈ રહ્યું છે?
ઉક્ત સવાલોના જવાબને પ્રામાણિક રહી ત્રીજો ડ્રાફ્ટ લખો.
આ ત્રીજો ડ્રાફ્ટ હવે કોઈને બતાવી શકો, કોઈના મત, પ્રતિક્રિયા મેળવી એમાં સુધારા વધારા કરી શકો. અને પછી ફાઇનલ ડ્રાફ્ટ બનાવો.


છેલ્લે, લખવું અઘરું છે પણ ન લખવું વધુ અઘરું – એ સ્થિતિ જ લેખન માટે આવશ્યક હોઈ શકે.



-રાજુ.
૨૪ માર્ચ ૨૧.




શુભેચ્છા સંદેશ..



નમસ્કાર મિત્રો.

હું લીના વછરાજાની.
*વાર્તાવિશ્વ - કલમનું ફલક* ના ઈ-મેગેઝિનના વિશાળ ફલક પરના આગમનને મબલખ શુભકામનાઓ પાઠવું છું.
ગયે વર્ષે કપરા સમય દરમ્યાન દર્શનાબેને એક વાર્તાશિબિર કરી જે ધીરે ધીરે વાર્તાવિશ્વ - કલમનું ફલક ગ્રુપ બન્યું.
લોગ મિલતે ગયે, કારવાઁ બનતા ગયા..
કલમ અને કલમકારની ધગશ આજે ઈ મેગેઝિનના વિશ્વવ્યાપી ફલક પર આત્મવિશ્વાસભર્યાં ડગ ભરવા મક્કમ છે.
બસ, છેલ્લા કેટલાય સમયથી આપણે શુભ પ્રસંગ ભૂલી જ ગયાં છીએ તો વાર્તાવિશ્વ ગ્રુપને એક શુકનિયાળ શુભારંભ કરવા
ખોબલે ખોબલે શુભેચ્છાઓ પાઠવું છું.
સફળ થાવ.

લીના વછરાજાની.
Mobile:
9687280380
Mail ID:-
leens0901@yahoo.com





'વાર્તા-વિશ્વ કલમનું ફલક'ના તમામ લેખક મિત્રોને અંતરની શુભકામનાઓ. આપ સૌની કલમ વાચકોના હૃદયના ફલક પર છવાયેલી રહે તેવી શુભેચ્છાઓ.


વિરલ વ્યાસ

અનુક્રમણિકા

ક્રમ કૃતિ કર્તા
1 મમતાનો સ્પર્શ અમી પટેલ

2 પ્રેમપત્ર જ્યોતિ આચાર્ય

3 સ્પંદન ડૉ. વિનોદ ગૌડ

4 તું આવીશ ને? સેજલ શાહ ' સાંજ '

5 હા! હું આવું છું. દર્શના વ્યાસ 'દર્શ'

6 કાગળ વિધિ વણજારા "રાધિ"

7 સત્યનો સાક્ષાત્કાર કૌશિકા દેસાઈ

8 સ્પર્શ વૃંદા પંડ્યા

9 પસ્તાવો ભાવિકા પટેલ

10 વાયદો બિપીન ચૌહાણ ' બિપ્સ '
11 ચાતકની પ્રતીક્ષાનો અંત ઝરણા રાજા ' ઝારા '

12 અંત એક શરૂઆત ચિરાગ બક્ષી
13 શુભારંભ શૈલી પટેલ
14 પ્રેમનો પાંચમો રંગ - હરિત નંદિની શાહ મહેતા

15 પ્રેમનો પાંચમો રંગ - લાલ નિષ્ઠા વછરાજાની

16 ગુગલી હિમાંશુ ભારતીય

લેખન : અમી પટેલ
શિર્ષક : મમતાનો સ્પર્શ

'સ્પર્શ' શબ્દ સાંભળતાં જ એમ લાગે કે, કોઈક રોમેન્ટિક વિષય પર લખવામાં આવ્યું હશે, પણ આજે હું મારી માના સ્પર્શ વિષે લખવા માંગું છું. શાસ્ત્રોમાં કોઈ પણ વ્યક્તિના સ્પર્શને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સ્પર્શથી બંને વ્યક્તિ વચ્ચે અરસપરસ સારી કે ખરાબ ઊર્જાની આપ લે થાય છે. કોઈપણ અજાણી કે અંગત ન હોય એવી વ્યક્તિનો સ્પર્શ થવાથી તરત હાથ ધોઈ નાખતી હું, મારી માના ગંદા હાથને પણ સ્પર્શ કરી લેતી.

કૉલેજ પૂરી થયાં પછી, એક સારી નોકરી શોધવાની માથાકૂટ મેં શરૂ કરી. મારી માએ એમાં ઘણું પ્રોત્સાહન આપ્યું. પિતાજી એની વિરુધ્ધ હોવા છતાં, એ એના નિર્ણયમાં અડગ રહી. બીજી તરફ, હું જ્યાં સારૂં વાતાવરણ હોય અને સ્ટાફ પરિવાર જેવો સહજ હોય એવી નોકરી શોધવામાં પડી. મને કોઈપણ જાતની ઓળખાણ વગર નોકરી શોધવામાં ખૂબ મુશ્કેલી પડી. આખરે, મને પાસેના શહેરમાં એવી નોકરી મળી ગઈ. હું શહેરની ગર્લ્સ હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગઈ. ઘરથી ક્યારેય દૂર ન રહેલી મારા માટે આ ખાસ્સું અઘરું થઈ પડયું. હું ત્યાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કરી જ રહી હતી કે, એક દિવસ મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ અને મારા લીધે કંપનીને મોટું નુકસાન થઈ ગયું. હું ગભરાઈ ગઈ. મેનેજર તરફથી મને આખરી ચેતવણી આપવામાં આવી. ત્યાર પછી, હું બધું ખૂબ ચકાસીને કરતી. ઘણાં પ્રયત્નો છતાં, હું મેનેજરનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ રહી. ઉપરી અધિકારી તરફથી મને રાજીનામું આપી દેવાની સલાહ આપવામાં આવી. હું શું કરવું અને શું નહીં? એ નક્કી કરી શકતી ન હતી. રવિવારની રજામાં હું ઘરે ગઈ. ઘરે પહોંચતાં જ માને જોઈ હું રડી પડી.
માએ પૂછ્યું, "શું થયું? શું થયું?"
હું કંઈ ન બોલી શકી. હું એના ખોળામાં સુઈ ગઈ. મારા કંઈ પણ જણાવ્યા વગર એ બધું સમજી ગઈ. એ હળવે હળવે મારી પીઠ પર હાથ ફેરવતા બોલી, "આમ કેમ ચાલશે? મુશ્કેલીઓ તો જીવનમાં આવશે જ. એમાંથી જ શીખીને તો તું મજબૂત થઈશ. તું હંમેશા તો મારી પાસે રહેવાની નથી ને હું બધે તો તારી સાથે ન આવી શકું ને, પણ મારી વાત યાદ રાખ. જેમ શાળામાં મિત્રો બનાવી તું બધાંની પ્રિય થઈ ગઈ હતી તેમ અહીં પણ થઈ જઈશ. બસ, થોડો વધુ પ્રયત્ન કર. તારી કામ પ્રત્યેની પ્રામાણિકતા તેઓ પણ જલદી જોશે. કંઈ પણ થાય, તારે આ કરવું જ પડશે. જો આ પણ તેં દરવખતની જેમ છોડી દીધું ને તો હું તને ઘરમાં નહીં આવવા દઉં!" હસતાં હસતાં એ બોલી.
અન્ન જેમ સીધું આપણા શરીર પર અસર કરે છે એમ માના સ્પર્શે સીધી મારાં મન પર અસર કરી અને એ પછી કોઈ પણ નવી પ્રવૃતિ શરૂ કરતાં પહેલાં કે મુશ્કેલીમાં મેં ક્યારેય પાછું ફરી જોયું નથી. એ પછી મેં મારાં ઉપરી અધિકારીના નકારાત્મક વલણને ધ્યાનમાં ન લઈ માત્ર કામ પર જ ધ્યાન આપ્યું અને એક વર્ષમાં હું એમની સમકક્ષ બની ગ‌ઈ. માનો સ્પર્શ મારો આત્મવિશ્વાસ બન્યો. 'ખરેખર, મા તે મા, બીજા વગડાના વા'. ભૂતકાળમાં ભલે ને મેં માને કેટલીયે હેરાન કરી હોય તોપણ એ મને પ્રોત્સાહન આપવાનું ક્યારેય ચૂકી નથી.


લેખન : જ્યોતિ આચાર્ય acharyajyoti69@gmail.com
શિર્ષક : પ્રેમપત્ર

હું, સિયા...ના મને એક પત્નીવ્રત રામ મળ્યા, ના ચારિત્ર્યશીલ રાવણ. તોય હું આ સમાજના બંધનોને કેમ વળગી રહી છું? કેમ મારું ખુદનું અસ્તિત્વ જ નહિ? કેમ હું સ્વતંત્ર ના જીવી શકું? શું હું સ્ત્રી છું એટલે? કે પછી મા છું એટલે? આવું વિચારતી સિયા એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં તેના સળગતાં જીવનનાં સાક્ષી એવાં પતિના કાગળો, જે બીજી સ્ત્રીને પ્રેમથી લખાયેલા હતાં. એ લઈને ગરમાગરમ ચાની જેમ ધગધગતી છતાં, બેસ્વાદ જિંદગીને કોસતી બાલ્કનીમાં બેસી આંસુ વહાવી રહી હતી.
સિયા ખૂબ હરખભેર પરણીને સાસરે આવેલી. પતિ જ એનો પહેલો પ્રેમ હતો. સિયા ઓળઘોળ થઈ પતિમાં સમાઈ ગઈ હતી, પણ પતિ, રોહન કદી કોઈ સ્ત્રીમાં સમાયો જ નહિ. એના જીવનમાં તો સિયાનો કયો નંબર હતો એ કદાચ એય નહોતો જાણતો. એને મન તો પ્રેમ એટલે સ્ત્રી-પુરુષનું મિલન. બસ, બીજું કાંઈ નહિ.
સિયા રોહન કરતાં દસ વરસ નાની ને સીધાસાદા પરિવારની એટલે રોહનની કપટબુદ્ધિ અને હવસખોરીને સમજી ના શકી.
એક દિવસ રોહનના પ્રેમપત્રો, જે બીજી સ્ત્રી માટે લખેલાં એ સિયાનાં હાથમાં આવી ગયાં. સિયા તો એ જોતાં જ તૂટી ગઈ. કદી હરફ સુધ્ધાં નહિ ઉચ્ચારનાર સિયા તાડુકી ઉઠી, "રોહન આ શું ચાલે છે? તેં કેમ મને છેતરી? મારા પ્રેમમાં શું ખોટ રહી ગઈ?"
શરમનો ડોળ કરતો રોહન બોલ્યો, "ભૂલ થઈ ગઈ. સિયા, મને માફ કરી દે. હવેથી, કદી આવી ભૂલ નહિ થાય."
હૃદયભંગ થયેલી સિયાએ વિચાર્યું કે, મમ્મીજીને કહું. એક સ્ત્રી તરીકે મમ્મીજી સમજશે, પણ સાસુને મન તો એનો દીકરો જ સર્વસ્વ એટલે સાસુનો જવાબ હતો કે, "જો સિયા, પુરુષો તો આવા જ હોય એની ફરિયાદ ના કરવાની હોય." આ સાંભળતાં જ સિયા ભાંગી પડી.
સસરા શિક્ષિત હતાં એટલે સિયાએ વિચાર્યું કે, પપ્પાજીને કહી જોઉં. સસરાને કહ્યું તો સસરા કહે, "તમે બંને વિરુદ્ધ વિચારોવાળા છો એટલે આવું તો બનશે જ."
આથી, એણે દુ:ખી થઈ પોતાના પિતાને ફરિયાદ કરી, પણ તેના પિતાને સમાજમાં પોતાની પ્રતિષ્ઠાની ચિંતા હતી એટલે એમણે કહ્યું, "તારાથી પણ દુઃખી લોકો દુનિયામાં વસે છે. દુઃખમાંથી રસ્તો કરીને જીવે એને માણસ કહેવાય!"
ત્યારે, સિયાને પોતાની માની ખોટ ખૂબ વર્તાઈ. એકલી પડેલી સિયાએ ભગવાનને કોસ્યાં કે, 'તમને મારી જ મા વ્હાલી લાગી તેં એને આટલી જલદી કેમ બોલાવી લીધી?' આમ, સિયા પોતિકાઓએ જ રચેલાં વમળમાં ઘુમરાતી રહી. સિયાને તો કાંઈ સમજાયું નહિ કે, એ હવે શું કરે? ત્યાં જ એને જાણ થઈ કે, એ પોતે મા બનવાની છે.
સિયાને લાગ્યું કે, બાળકના આવવાથી એની જિંદગી બદલાઈ જશે, રોહન કદાચ સુધરી જશે. બીજી બાજુ, રોહન પણ ખુશ હતો કે, સિયા તો બાળકમાં રચીપચી રહેશે, જેથી હું વધુ મુક્ત જીવન જીવી શકીશ. હવે તો તે ખુલ્લે આમ ઠીઠોલી કરતા કહેતો, "સિયા, શિલાની કમર તો ખૂબ પાતળી અને નાજુક છે. કેવી સરસ લાગે છે નહીં? સોનિયાની આંખો તો કેવી મારકણી છે. હાયે રામ, રિયાનો લટકો!" આવી હલકટ મજાક સાંભળી સિયાનું તો હૈયું બળી જતું. રોહનને મન તો સિયા 'ઘરકી મુરગી દાલ બરાબર' જ હતી.
પોતાના બાળક માટે જીવતી સિયા ખૂબ મજબૂત બની. સારું એવું કમાવા લાગી. પોતાના મનને વ્યસ્ત રાખવા સતત કામને વળગેલી રહેતી. સિયાની આવક આવતાં રોહન આર્થિક જવાબદારીઓથી પણ ભાગવા લાગ્યો. રોહન બોલવામાં ભારે ચાલક, આસાનીથી જૂઠ પણ ગમે તેનાં ગળે ઊતારી દેતો. એટલે સમાજમાં રોહન સારો જ દેખાતો. પાછું, લોકોને દેખાય એવાં કોઈ વ્યસન પણ નહિ. બસ, આ નવી નવી સ્ત્રીઓનું વ્યસન, જે લોકો જાણે નહિ અને સિયાથી સહન થાય નહિ. સિયાની જિંદગી અસહનીય અને દોજખ બની ગઈ હતી.
હવે તો સિયાને રોહનનો સ્પર્શ પણ દાઝડતો હતો. તેનાં રોમેરોમમાં બળાત્કારનો ભોગ બન્યાની ભાવના ચિત્કારી ઊઠતી. ઘરમાં રોહનની નફ્ફટાઈભરી હાજરી અને હક સિયાને અંદર ને અંદર કોરી ખાતાં હતાં. સમય જતાં સિયા લાગણીવિહીન અને પુરુષ જાત પ્રત્યે નફરત ધરાવતી થઈ ગઈ.
મક્કમ મનથી સિયાએ રોહનનો ત્યાગ તો કર્યો, પણ એ કોઈ પુરુષનો વિશ્વાસ ના કરી શકી. એકલતાની આડશમાં એ પ્રેમપત્રોને જોઈ હંમેશા આંસુ વહાવતી રહી ને પોતાની જિંદગીને કોસતી રહી.
એક દિવસ થાકી હારીને સિયા જીવન ટૂંકાવી નાખવાના ઈરાદે પોતાના બાળકને લઈને કૂવો પૂરવા ચાલી નીકળી. અચાનક રસ્તામાં જોયું કે, એક ચીંથરામાં લપેટાયેલી સ્ત્રીએ બાળકીને જન્મ આપ્યો છે ને એ કણસી રહી છે. સિયાએ નજીક જઈને જોયું તો બાળકી હાથ-પગ ઉછાળતી પડી હતી અને એની મા અંતિમ શ્વાસ લઈ રહી હતી. સિયાને જોતાં એ સ્ત્રીએ રાહતનો શ્વાસ લીધો. પોતાની બાળકી સામે આંગળી ચીંધતાં એ ચિરનિદ્રામાં પોઢી ગઈ.
સ્વમાની સિયા હવે એ નરક જેવી જિંદગીમાં પાછી જવા માંગતી નહોતી અને પોતાનાં લીધે બે બાળકોના જીવન કેમ કરીને ટૂંકાવવાં? આવું વિચારતી એ આગળ ચાલી નીકળી. એક મંદિરમાં રાતવાસો કરવા રોકાઈ ત્યાં તેને એક સંતના આશ્રમની જાણ થઈ. સિયા બંને બાળકોને લઈ એ સંતના આશ્રમમાં ચાલી ગઈ. સંતના સાંનિધ્યમાં એને શાંતિ મળી.
ભણેલી, હોશિયાર અને મહેનતું તો હતી જ એટલે સંતના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી. અનાથ બાળકોને આશ્રમમાં રાખતી, ઉછેરતી અને સારું શિક્ષણ આપતી. ધીમે ધીમે સમાજમાંથી મદદ મળતી થઈ. સિયા સમય જતાં અનેક બાળકોની માતા બની ગઈ.
અનાથાશ્રમની ખૂબ પ્રગતિ થઈ. દેશભરમાં સિયાનું નામ "સિયામૈયા" તરીકે ગૂંજતું થઈ ગયું.
કાળની ગતિ ન્યારી!, એક વખત, એક સંસ્થાએ સિયાને પ્રવચન માટે આમંત્રણ આપેલું એટલે એ ત્યાં ગઈ હતી. એ સંસ્થાના દરવાજે એક ભિખારી ભીખ માંગી રહ્યો હતો. સિયાની નજર પડી. બંને એકબીજાને ઓળખી ગયાં. હા, એ રોહન જ હતો. રોહને ભીખમાં સિયા પાસે માફી માંગી. સિયાએ રોહનને એક અનાથ, બેસહારા માનવીના અર્થે માફ કરી પોતાના અનાથાશ્રમમાં સહારો આપી, માનવતાની સરવાણી પ્રસરાવી.

લેખન : ડૉ. વિનોદ ગૌડ dr_vbgaur@yahoo.com
શિર્ષક : સ્પર્શ

"અરે જુઓ તો! આ નાનકો મને જોઈને હસ્યો, લાગે છે એનાં નાનાને ઓળખવા મંડ્યો."
"તમે પણ શું ગાંડા જેવી વાત કરો છો, હજુ તો માત્ર એક મહીનાનો થયો ને તમને ઓળખી પણ લીધાં?"
"સાચું કહું છું, તે હમણાં હસતો'તો"
"સારું, હવે ઉઠો તેની પાસેથી અને ઓફિસે જવા માટે તૈયાર થાવ."
"આજે નહીં, કાલે જઈશ. આમપણ, આ કોરોનાના લીધે, અઠવાડિયામાં બે જ વાર જવાનું હોય છે, સોમવાર અને ગુરુવાર.
આ અઠવાડિયે સોમવારની બદલે મંગળવારે જઈશ."
"તમે પણ આ નાનકાની જેમ સાવ નાના કીકલા બની ગયા છો!"
"હાસ્તો, 'નાનો' તો બની જ ગયોને!" કમને હર્ષદરાય તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યા.

હર્ષદરાય મહેતા, રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટ અને ઉદ્યોગ જગતમાં એક મોટું નામ.
એમની રસાયણશાસ્ત્ર ઉપરની પકડ અને સ્વભાવના કડક, બન્નેની લોકોને ધાક લાગે. ચાર દશકની અવિરત સેવા આપ્યા પછી, નિવૃત્તિના સમયમાં પણ એક પ્રતિષ્ઠિત લેબોરેટરીના નિર્દેશક તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
તેમનાં પત્ની, જશોદાબેન, જેઓ વિજ્ઞાનના સ્નાતક, અર્થશાસ્ત્રના અનુસ્નાતક સાથે બી. એડ.ની ડિગ્રી પણ ખરી! શિક્ષણ જગતમાં સુજ્ઞ શિક્ષિકા તરીકેની તેમની છાપ. દીકરો નિલય અને વહુ નીલિમા પરદેશમાં રહે, દીકરી અર્પિતા અને જમાઈ અક્ષય મુંબઈ મહાનગરીમાં રહેતાં હતાં.

દીકરીના ઘરે પારણું બંધાવવાનું છે, એવાં શુભ સમાચાર સાંભળીને, થનાર નાના-નાનીને જાણે આકાશમાં ઉડવા નવી પાંખો મળી હોય એવું લાગ્યું!આવનાર પ્રસંગોના આયોજન અને બાળકના સ્વાગત માટેની તૈયારીઓ થવા લાગી. દીકરીના સીમંત પછી, જેમ જેમ, તેના પ્રસવના દિવસો નજીક આવતાં ગયાં તેમ તેમ, કોરોનામાં કેમ બધુ પાર પડશે તેવી થોડી ચિંતા પણ થવા લાગી. એમના બાળપણના મિત્ર ડૉ. શાહે તેમનાં મલ્ટિસ્પેશ્યાલિટી દવાખાનામાં બધું હેમખેમ પાર પાડ્યું. દીકરીએ કુંવરકનૈયા જેવા દીકરાને જન્મ આપ્યો. તે દિવસે, હર્ષદરાયનો હર્ષ તેમના અંગે અંગમાંથી નીતરતો દેખાતો હતો.

હર્ષદરાય જાણે નાનકામય બની ગયાં હતાં. તેમની દુનિયા નાનકામાં સમાઈ ગઈ હતી. સવારે ઉઠતાવેંત નાનકાની જ વાતો કરતા, નાનકો ઉઠ્યો? નાનકાએ દુધ પીધું? નાનકો કેમ રડે છે? નાનકાને લાવો મારી પાસે.
સવારે નાનકો ઉઠે ને તરત તેને પોતાની પાસે સુવડાવીને, કલાકો સુધી તેનો નાનકડો હાથ પોતાના હાથમાં પકડીને કોણ જાણે શું વાતો કર્યા કરે! અને નાનકો પણ, જાણે તેઓ જુના મિત્રો હોય તેમ એમની સાથે "હં, હૂં , અં ...."એવી એની આગવી ભાષામાં પ્રતિભાવો આપે.

જોતજોતાંમાં નાનકો આઠ મહીનાનો થઈ ગયો. દીકરી તેને લઈને પોતાને ઘરે ગઈ. થોડાં દિવસો માટે હર્ષદરાય જાણે સૂનમૂન થઈ ગયાં. રાત્રે ઉંઘમાં તેમના હાથ પથારીમાં જાણે કાંઈક શોધ્યા કરતાં.
જશોદાબેનની આંખ ખૂલે તો પૂછે પણ ખરાં,"શું શોધી રહ્યા છો?"
"કાંઈ નહીં!" કહીને હર્ષદરાય પાછાં સુઈ જતા.

સમય કયાં કોઈની રાહ જુવે? નાનકાનો પ્રથમ જન્મદિવસ આવવાને અઠવાડિયાની વાર હતી. હર્ષદરાય કોઈને કાંઈપણ કહ્યા વગર, નાનકા માટે કાંઈક ભેટ લેવા સ્કૂટર લઈને બહાર નીકળ્યા.
બપોરે ડૉ. શાહનો સહાયક કાર લઈને જશોદાબેનને તેડવા આવ્યો. દવાખાને પહોંચ્યા પછી તેમને ખબર પડી કે, હર્ષદરાયને અકસ્માત નડ્યો હતો. શરીર પર કોઈ ઇજા નહોતી દેખાતી, પણ માથામાં મૂઢમાર વાગવાને કારણે તેઓ આઈ. સી. યુ.માં હતા. શરીરમાં કોઈ પ્રકારની હલચલ નહોતી ને આંખો અપલક અવકાશમાં મંડાયેલી હતી.
ડૉ. શાહે જશોદાબેનને ધીરજ બંધાવતા કહ્યું "ભાભી! ચિંતા કરવા જેવું નથી છતાંય, મેં નિલયને સમાચાર આપી દીધા છે તે કાલે આવે છે."

નિલયને ડૉ. શાહે વાસ્તવિકતા જણાવી, "જો બેટા, તારા પપ્પા કૉમામાં જતાં રહ્યા છે, તને તો ખબર છે કે, કૉમાના દરદીની અભાનઅવસ્થા કેટલાં દિવસ ચાલે એ કાંઈ કહેવાય નહીં!"
ચોવીસ કલાક માટે નર્સની વ્યવસ્થા અને જરુરી સાધનો સાથે નિલય, હર્ષદરાયને ઘરે લઈ આવ્યો. બહેન અર્પિતાને પણ સમાચાર આપ્યાં. જમાઈ, નાનકા અને અર્પિતાને લઈને આવી પહોંચ્યાં. ભારે હૈયે , આંખમાં આંસુ સાથે, અર્પિતા હર્ષદરાયની પથારી પાસે ફસડાઈ પડી. થોડીવારે, વસ્તુસ્થિતીનો સ્વીકાર કરીને બધાં વાતોએ વળગ્યાં.
નાનકો જેને કાંઈપણ ખબર નહોતી પડતી તે, હર્ષદરાયને જોઈને હસ્યો. કોઈ પ્રતિભાવ ના મળતા તેમની નજીક ગયો. "નાના!.નાના!" અવાજ સાંભળીને બધાંની નજર, હર્ષદરાયની પથારી તરફ ગઈ. આશ્ચર્યથી બધાંની આંખો પહોળી થઈ ગઈ. નાનકાની ટચુકડી હથેળી હર્ષદરાયના કપાળ પર ફરી રહી હતી ને હર્ષદરાયની આંખોએ મટકું માર્યુ.

























૪ sejal2383@gmail.com
લેખન : સેજલ શાહ ' સાંજ '
વિષય : તું આવીશ ને?

"જો સાંભળ, મારે એક મિટિંગ માટે મુંબઈ તાત્કાલિક જવું પડે એમ છે એટલે આજે સાંજે મારાથી નહિ અવાય. બપોરે ફોન પણ કદાચ નહિ થાય એટલે તું જમી લેજે અને દવાઓ લઈ લેજે. તું સાંભળે છે ને આશુ?" અનુજ ક્યારનો કંઇક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ આશુનું ધ્યાન એની કોઈ વાતમાં નહોતું. ઘડીકમાં એ અનુજના શર્ટનાં બટન ખોલી રહી હતી, તો ઘડીકમાં એના માથાનાં વાળ ફેંદી રહી હતી, તો ઘડીક એ એકીટશે અનુજ સામે જોઈ રહી હતી.
"તું સાંભળે છે આશુ? હું ક્યારનો તને કંઈ કહી રહ્યો છું." અનુજે આશુનાં બે ગાલ હાથમાં લઈને કહ્યું.
કશું પણ બોલ્યા વગર આશુ અનુજને ભેટી પડી. પોતાની મસ્તીમાં મસ્ત આશુ અચાનક રડમસ થઈ ગઈ. કોઈ અજાણ્યો ડર એના ચહેરા પર સાફ વર્તાઈ રહ્યો હતો. અનુજે આશુના ચહેરા પરના ભાવ વાંચી લીધાં. એણે આશુને પ્રેમથી ગળે લગાડી ક્યાંય સુધી છાતીએ લગાડીને બેસી રહ્યો. એનાં માથાં પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો, "હું જલ્દી આવી જઈશ. ચિંતા ના કર, કાલે સવારે પાછો તારી પાસે."
એટલું કહી અનુજ એરપોર્ટ જવા નીકળ્યો. જતા જતા એણે ડોક્ટર સાથે બધી વાત કરી સમજાવી દીધું.
બપોરના ૨ વાગ્યા. જમવાની થાળી આવી ગઈ. આશુનું ધ્યાન સતત ફોન પર હતું. હોસ્પિટલની નર્સ એકવાર આવીને કહી ગઈ,"આશાબેન આજે જમી લેજો હોને! આજે ભાઈનો ફોન નહિ આવે, એ સવારે કહીને ગયા હતા તમને યાદ કરાવવાનું."
આશુએ થાળીને સહેજ દૂર કરી. ત્યાં જ એક મેસેજ આવ્યો. આશુએ તરત જ ફૉન હાથમાં લીધો, જોયું તો અનુજનો મેસેજ હતો. વોઇસ મેસેજ!
"હમમ.. ચલ આવીજા! મને ખબર છે, મારો અવાજ સાંભળ્યા વગર તો તું જમીશ નહિ."
આટલું સાંભળતાં જ આશુના ચહેરા પર હલકું સ્મિત આવી ગયું ને એણે થાળી પોતાની તરફ ખેંચી.
"ચલ, ખોલ મોઢું, આ... કર."
આશુએ મોઢું ખોલ્યું ને જાતે જ એક કોળિયો મોમાં મૂક્યો.
"લે... તું..તું....પણ ખોલ ..... મો.....મોઢું.....", આશુ બોલી.
" હમમ.. ચલ ખવડાવ, આ...આ.....", અનુજનો વોઇસ મેસેજ ચાલુ જ હતો.
આ એમનો રોજનો ક્રમ હતો. આશુ અનુજનો અવાજ સાંભળ્યા વગર જમતી જ નહોતી એટલે અનુજે પૂર્વતૈયારી રાખી હતી. આશુ શાંતિથી જમીને સુઈ ગઈ.

આ બાજુ અનુજને કંઈ ચેન નહોતું પડતું. એનું ધ્યાન સતત આશુના વિચારોમાં હતું. ફટાફટ મિટિંગ પતાવી હોટેલ પર આવ્યો. હજુ રાત્રે પાર્ટી હોવાથી રાત રોકવાનું હતું, પણ પાર્ટીમાં જવાની વાર હોવાથી થોડો આરામ કરવાના આશયથી એ બેડ પર આડો પડ્યો. બેડ પર આડા પડતા એને વિચાર આવ્યો કે, 'ચાલ, આશુ જોડે ફોન પર વાત કરું' પણ ઘડિયાળમાં જોયું તો ૩ વાગ્યા હતાં. અત્યારે તો એ સુઈ ગઈ હશે. 'પછી કરીશ.' એ વિચારે ફૉન મૂકી દીધો. એને થયું, 'હું પણ થોડી વાર આરામ કરી લઉં.' બેડ પર સૂતાં સૂતાં એનો હાથ છાતી પર ગયો. એના શર્ટનાં ખિસ્સામાં કંઇક હતું. એણે તપાસ્યું તો અંદરથી એક નાની ચિઠ્ઠી નીકળી. એ વાંચતા જ એ સફાળો ઊભો થઈ ગયો ને પહેલી જે મળી એ ફ્લાઇટ લઈને સીધો હોસ્પિટલ પહોંચ્યો. અહીં આવીને જોયું તો હોસ્પિટલમાં દોડાદોડ મચી ગઈ હતી. આશુનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એટલામાં એક નર્સનું ધ્યાન અનુજ પર ગયું. એ દોડતી અનુજ પાસે આવીને કહેવા લાગી,"સારું થયું તમે આવી ગયા. હું હમણાં તમને જ ફૉન કરવાની હતી."
અનુજ બધી જ પરિસ્થિતિ પામી ગયો ને સીધો દોડયો આશુના રૂમ તરફ.॥
રૂમમાં જતાં જ આશુને જોરથી બૂમ પાડીને છાતીએ લગાડી દીધી ને માફી માંગી,"સોરી! આશુ હું તને ક્યારેય રાહ નહીં જોવડાવું, મને માફ કરી દે."
આશુ પણ અનુજને વળગીને ક્યાંય સુધી બેસી રહી. લગભગ એકાદ કલાક પછી એ નોર્મલ થઈ એટલે અનુજ એને સૂવડાવીને ડોક્ટરને મળીને ઘરે આવ્યો. ઘરે આવીને કપડાં બદલતાં બદલતાં ફરી એ ચિઠ્ઠી હાથમાં આવી, જે આશુએ સવારે એના ખિસ્સામાં ક્યારે મૂકી એની એને પોતાનેય ખબર નહોતી..એમાં લખ્યું હતું. તું આવીશ ને?
કોણ હશે એ , કે જેની રાહ જોતાં જોતાં આશુની આ હાલત થઈ ગઈ? છેલ્લાં બે વર્ષથી આશુ અહીઁ છે, પણ આ બે વર્ષમાં કોઈ એને શોધતું આવ્યું નથી. જ્યારે જ્યારે અનુજ મિટિંગ માટે બહાર જતો ત્યારે આશુ કોઈને કોઈ રીતે આ ચિઠ્ઠી એની બેગમાં કે પર્સમાં મૂકી દેતી ને એમાં ફક્ત આટલું જ લખેલું હોય તું આવીશ ને?
ખબર નહિ, પણ આશુના આ શબ્દો અનુજને અંદરથી હચમચાવી મુકતાં. જાણે અજાણે એ આશુ તરફ આકર્ષાઈ રહ્યો હતો.





































૫ darshanavyas04@gmail.com
લેખન: દર્શના વ્યાસ 'દર્શ'
શિર્ષક : હા! હું આવું છું.

હાશ! ફ્લાઇટની સીટને ટેકો દેતાં વિદિત રાહત અનુભવી રહ્યો. તેણે આંખ બંધ કરતાં જ દિશા તેની નજર સામે ખડી થઈ. ખરી છોકરી છે! સવારે ફોન કરી કહે,"મને તારું દૂર રહેવું નથી ગમતું. મારે તને મળવું છે,પંખી જેમ તારી સાથે મારે સપનામાં ઉડવું છે. તું આવીશ ને?"

મેં હસતાં કહ્યું," તારે સપનામાં ઉડવું જ છે તો ઉડીને અહીં જ આવી જા ને મળી લે મને! આમ, દુબઈથી દિલ્હીની ટિકિટનો મારો ખર્ચો શું કામ વધારે છે?"

"એમ! હું ખર્ચો વધારું છું! સારું જા નહીં મળતો હવે સપનામાં પણ ન બોલાવું."

"અરે..! અરે આટલો ગુસ્સો! સારું ચાલ તું મને સ્પર્શથી ભીંજવી દેવાની હો તો હું આવું! બોલ છે મંજૂર? વિદિત આંખોમાં તોફાન ઉભરાવતો એવી રીતે બોલ્યો કે, દિશાએ શરમાઈને ફોન જ બંધ કરી દીધો.

વિદિત દિશાની ખુશી માટે કંઈ પણ કરી શકે તેટલો પ્રેમ કરતો હતો. તેણે તરત જ ટ્રાવેલ એજન્ટને કોલ કરી રાત્રે 12:45ની ઇન્ડિયા જતી એ દિવસની જે છેલ્લી ફ્લાઈટ હતી તે બુક કરી. આખા દિવસમાં પોતાનું કામ પતાવી અત્યારે ફ્લાઈટમાં બેસી આ યાદ કરતો રહ્યો. 'હા, દિશા હું આવું છું. તને મળવા, ભરપુર વ્હાલ વરસાવવા, તને નખશીખ તરબોળ કરવાં.' દિશાનાં વિચાર સાથે તેને સરપ્રાઈઝ આપવાની વિદિતની ઉત્સુકતા વધતી ગઈ.

દિલ્હી એરપોર્ટની બહાર તે હજુ ટેક્સી બોલાવે તે પહેલાં એક ટેક્સી ડ્રાઈવર એક કાગળ હાથમાં આપતાં બોલ્યો, "ચલીએ, સામનેવાલી ટેક્સી આપ હી કે લીયે હૈ. દિશા મૅમને ભેજી હૈ."
વિદિત આશ્ચર્ય પામતાં કાગળ ખોલી વાંચવા લાગ્યો, 'મને તારું દૂર રહેવું નથી ગમતું. મારે તને મળવું છે. પંખી જેમ તારી સાથે મારે સપનામાં ઉડવું છે. તું આવીશ ને?' અરે! આ તો દિશાએ મને કહેલું. તેને ક્યાંથી ખબર કે હું તેને મળવા આવું છું અને 12:45ની ફ્લાઈટમાં કે તે ફ્લાઈટના ટાઈમે તેણે ડ્રાઈવર મોકલ્યો? ઘરે જઈ પુછું છું તેને કે કૉલથી બ્રેનમેપિંગ તો નથી કરતી ને?' કાગળમાં દિશા સાથે સવારે થયેલી જ વાત હતી એટલે વધુ વિચાર્યા વિના વિદિત ટેક્સીમાં ગોઠવાયો. રાતના અંધકારને ચીરતી ટેક્સી એરપોર્ટની બહાર નીકળી મુખ્ય માર્ગ પર જઈ રોકાઈ. હજુ વિદિત ડ્રાઈવરને ટેક્સી અચાનક ઉભી રાખવા અંગે પૂછે ત્યાં ગાડીના બંને સાઈડનાં દરવાજા ખોલી બે વ્યક્તિ વિદિતને ભીંસતા ગાડીમાં ગોઠવાયા ને ડ્રાઈવરે ગાડી મારી મૂકી. વિદિત બૂમ પાડી ઉઠ્યો, "કોણ છો તમે? અને આ બધું શું ચાલી રહ્યું છે મને કહેશો...સ્ટોપ ધ કાર..આઈ સેઇડ સ્ટોપ ધ કાર!"

વિદિત પાસે બેઠેલા માણસે પોતાનું આઇડેન્ટિટી કાર્ડ બતાવતાં કહ્યું, "વી આર સીબીઆઈ ઑફિસર્સ. અમને એક બહુ મોટા સેક્સરેકેટ અને છોકરીઓના સ્મગલિંગ કેસમાં તમારી ગર્લફ્રેંડ દિશા ઉર્ફે શબનમની તલાશ છે. અમને મળેલી તમારી બાતમીના આધારે અમે દુબઈ પોલીસની મદદથી તમારા કોલ ટેપીંગ કરાવેલાં. આજના તમારા મળેલાં કૉલ ટેપિંગથી અમે અત્યારે તમારા સુધી પહોંચ્યા છીએ. શબનમના અહીં ઘણાં સાગરીત હોવાથી તેના સુધી પહોંચતાં પહેલાં તે ત્રણવાર ભાગી છૂટવામાં કામિયાબ રહી છે. ગુન્હા કરતાં કરતાં તે તમારા સુધી પહોંચી છે કે, તમેં તેની સાથે સંકળાયેલા છો કે પછી દુબઈમાં સેકસ રેકેટ ચલાવવામાં એ તમારો ઉપયોગ કરતી હતી. જે પણ હોય ઇન્વેસ્ટિગેશન થશે, પણ અત્યારે શબનમ ક્યાં છે? તે તમે જાણો છો તો અમને તેના સુધી ચુપચાપ લઈ જાઓ. નહી તો તમે જાણો છો! અમે તમારી સાથે શું કરી શકીએ છીએ."

વિદિતનાં મોઢાં પર સાફ ગભરાટ દેખાઈ રહ્યો હતો. અચાનક આવું કંઈ થશે તેની દિશા આવી નીકળશે એ વિચારતાં જ તે ધ્રુજી ઉઠતાં બોલ્યો "જુઓ ઓફિસર્સ, હું આ બધું જે તમે કહી રહ્યાં છો તે કંઈ જ જાણતો નથી હું તો સોશિયલ મીડિયાથી તેના સંપર્કમાં આવ્યો હતો. ધીમે ધીમે વાત કરતાં તેને ચાહવા લાગ્યો. મને તેના શબનમ હોવા વિશે કંઈ જ જાણ નથી હું તો અચાનક તેને મળી સરપ્રાઈઝ આપવા માંગતો હતો. લેટ મી ગો"

"જુઓ મિ.વિદિત, તમે અત્યારે તેને મળવા આવ્યા છો તો અમારી હાજરીમાં મળો. શબનમને પકડવામાં જેટલો સાથ આપશો તેટલું તમારા માટે સારું રહેશે. શબનમ ક્યાં રહે છે તમે જાણો છો કે આમ જ આવી ગયા?"

"મેં ગયા મહિને તેના જન્મદિનની ગિફ્ટ મોકલેલી તો એડ્રેસ મારી પાસે છે." વિદિત ગભરાટ સાથે બોલ્યો.

"સારું ચાલ તો જોઈએ તમારી છમીયા ત્યાં મળે છે કે નહીં. એ દુબે! ગાડી આ કહે ત્યાં લ‌ઈ લે."

ગાડી વિદિતના બતાવેલાં સરનામે જઈ ઉભી રહી. વિદિત તેને મળેલાં સૂચન મુજબ ડોર બેલ વગાડી એકલો ઉભો રહ્યો અને સીબીઆઈ ઓફિસર્સ થોડાં સંતાઈને ઉભા રહ્યા.

શબનમ અડધી ઊંઘમાં દરવાજો ખોલતાં બોલી, "ઇતની સુબહ સુબહ કૌન ભૂખા હો ગયા? મેરી નિંદ તુટને કે એક્સ્ટ્રા પૈસે લુંગી." કહેતી દરવાજો ખોલતાં સામે વિદિતને જોતાં તે સ્તબ્ધ થઈ ગઈ. એટલીવારમાં તો સીબીઆઈ ઓફિસર્સ શબનમ પાસે ઘસી આવ્યા.

દરવાજો ખોલતાં શબનમે જે બોલેલું તે પર આઘાત અનુભવતાં વિદિત એટલું જ બોલી શક્યો કે " હું તો તને સ્પર્શથી ભીંજવી દેવા આવેલો પણ તે તો સ્પર્શનું બજાર ભર્યું છે!" ને વિદિતની ભીની નજર સીબીઆઈ ઓફિસર્સ પર મંડાઈ...



લેખન : વિધિ વણજારા "રાધિ"
શિર્ષક : કાગળ

વર્ષોથી સંઘરેલા પટારાને તળિયેથી એક કાગળની સાથે ભીંતર ધબરાયેલી લાગણીઓ ધીરે ધીરે ખૂલી રહી. આજે પણ એ કાગળ એ જ માટીની મહેકથી મહેકી રહ્યો હતો. કાગળ ખૂલે એ પહેલાં જ એની આંખોનાં આંસુએ દગો આપી દીધો હતો. દડદડ વહેતાં આંસુઓની સંગાથે તે ભૂતકાળ પણ, હજુ કાલની જ ઘટના હોય એમ તાજો થઈ રહ્યો.

એક દિવસ હતો, જ્યારે કાજલ પોતાના પરિવારને મૂકીને વિકાસ સાથે સપનાંઓ પૂરા કરવા માટે બોમ્બે આવી હતી. પહેલો પ્રેમ અને વિકાસની મીઠી મીઠી વાતોમાં આવીને પોતાનું અસ્તિત્વ ભૂલી એની સાથે નવું જીવન શરૂ કર્યું. શરૂ શરૂમાં તો વિકાસ સાથે એટલી ખુશ હતી કે એને પોતાના પરિવારની જરા પણ યાદ ન આવી. એમાં પણ ગૌરવના જન્મ પછી તો જાણે એમનું જીવન ખુશીઓથી છલકાઈ ગયું, પણ ધીરે ધીરે વિકાસ કામમાં વધારે ને વધારે વ્યસ્ત થતો ગયો, ને કાજલની જવાબદારીઓ વધવા લાગી. કાજલને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આમ અચાનક વર્ષો પછી વિકાસ આ રીતે દગો કરશે. વિકાસે, કાજલની જાણ બહાર એનાં જ ક્લાસિસની એની જ કોઈ સ્ટુડન્ટ સાથે બીજું ઘર વસાવી લીધું હતું. કાજલને આ વાતની જાણ થતાં, પોતાના લીધેલા નિર્ણય પર પસ્તાઈ રહી હતી. એ મનોમન વિચારી રહી હતી કે શા માટે ત્યારે તેણે બીનામાસીની વાત ન માની? માસીએ ત્યારે કહ્યું હતું કે, 'કાજલ, આ પગલું યોગ્ય નથી છતાં પણ તારું મન રાજી હોય તો જા, સુખેથી સંસાર વસાવ. હું તને રોકીશ નહિ, પણ જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો એમ ના વિચારતી કે હું એકલી છું. તારી આ માસી કાયમ તારી પડખે ઊભી રહેશે. તારા માટે આ ઘરનાં દરવાજા હંમેશા ખૂલ્લાં છે અને રહેશે.'
કાજલને ફરીફરીને માસીના એ શબ્દો યાદ આવી રહ્યાં હતાં. આંખોના આંસુથી, માસીએ લખેલ એ પત્ર પણ ભીંજાઇ ગયો. પત્ર ફરી એકવાર ખોલ્યો ને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ જ મીઠાં વ્હાલથી ભરેલા, મધમધતી આત્મીયતાથી લખેલાં શબ્દો...

'દીકરી, તું ખૂબ સુખી થા. હમણાંથી તારા કોઈ જ સમાચાર નથી એટલે જરા ચિંતા થઈ. કોઈ મુશ્કેલી હોય તો તું નિશ્ચિંતપણે મને જણાવ. તારી મદદ કરવાનો હું પૂરતો પ્રયત્ન કરીશ અને યાદ રાખજે તારા માટે મારા અને આ વતનના દરવાજા કાયમ ખૂલ્લાં જ છે.'

કાગળને ફરી એ પટારામાં સાચવીને મૂક્યો અને એક થેલો લઈને કાજલ તરત જ ચાલી નિકળી વતનની વાટે...

લેખન : કૌશિકા દેસાઈ
શિર્ષક : સ્પર્શ/છેલ્લો સ્પર્શ //અજાયબ સવાર

ઘરમાં બહુ ઘોંઘાટ થતો હોય એવું લાગ્યું. ઊઠીને જોયું તો સવારના ૬ જ વાગ્યા હતા. આ સમયે તો રોજ હું જ ઉઠતી, બાકી બધા તો એય મજાથી મીઠી નીંદર માણતા હોય. આજે એવું તો શું છે? કે બધા ઉઠી ગયા ને હું જ ના ઉઠી. મને થયું કે લાવ જરાક બહાર જઈને જોઉં તો ખરી કે વાત શું છે? આખા ઘરમાં ફરી વળી, બધે જ જાણે ધમાલ હતી. મેં યાદ કરી જોયું કે કોઈ તહેવાર કે ખાસ દિવસ તો નથી ને? મને કંઈ યાદ ના આવ્યું. બધા એટલા વ્યસ્ત હતાં કે કોઈ મને જોઈને ઉભુ પણ ના રહ્યું. થયું કે જઇને પૂછું કોઈને, પણ જાણે કોઈ પકડમાં જ નહોતું આવતું. થોડીકવાર તો હું એક જગ્યાએ બેસી ગઈ અને બધી દોડધામ જોવા લાગી. મારા ઘરમાં હું જ અજાણી હોઉં એવું લાગ્યું. રોજ તો હું એકલી જ સવારે ઘરમાં ફરતી હોઉં, મારું જ રાજ હોય સવારમાં એવું કહું તો ખોટું નહીં એટલે જ આજે જરાક અટવાઈ ગઈ હું. પછી થયું બધાની વાતો સાંભળું કંઈ સમજણ પડે તો, ક્યારેક કોઈ કહે ફૂલ - હાર મંગાવો તો કોઈ કહે નવાં કપડાં લાવો, તો કોઈ કહે નાળિયેર લાવો. આજે કોઈ પૂજા છે? ના ના એવું તો કેવી રીતે બને કે મને ના ખબર હોય! થાકીને હું રસોડા તરફ ગઈ તો રસોડું તો આખું ભરેલું!! લોકો ઉભરાતાં હતાં. મને થયું ચાલો આજે રસોડાનો દાટ વળી જશે, પછી એને સાફ કરતા કરતા મારો દાટ નક્કી. હવે હું કોને પૂછું અને ક્યાં જાઉં? કોઈ મને કંઈ કહેતું નથી.
આટલા બધામાં જો કોઈ નહોતું દેખાતું તો એ મારો દીકરો. મને થોડો હાશકારો થયો કે ચાલ એ નહીં ઉઠ્યો હોય એને ઊઠાડું અને પછી અમે બંને આ બધા બખડજંતરની ખબર લઈએ. મારા ઉઠાડ્યા વગર તો એ ઉઠે જ નહિ ને! રોજ જ એના માથા પર હાથ ફેરવતા ફેરવતા એને ઉઠાડું, વ્હાલથી ગાલ પર સ્પર્શ કરું પછી જ એની સવાર પડે. હું તો ખુશ થતી એના રૂમમાં ગઈ, આ શું? એ તો ઊઠીને એક ખૂણામાં બેસી રડતો હતો. એ જોઈને મારા હૈયામાં તો જાણે ફાળ પડી, આને શું થયું! આ કેમ રડે છે? અને મને બોલાવે છે તો મને ઉઠાડવી જોઈએ ને! ચોકસ તાવ ચઢ્યો હશે ક્યાંક પેટમાં તો નહિ દુખતું હોય!. હું વહેલી વહેલી એની પાસે ગઈ અને હજી તો કંઈ પૂછું એ પહેલા તો એનો એક મિત્ર આવી એને લઈ ગયો નીચે ડ્રોઈંગ રૂમમાં. એનો મિત્ર અહી શું કરી રહ્યો હતો આટલી સવારે? હવે નીચે જઈ ને જ જોવું પડશે.
હું દોડતી દોડતી નીચે ગઈ, ત્યાં જોયું તો આ શું? આટલી બધી ભીડ શાની? મારા ધબકારા વધી રહ્યાં હતાં. મે કારણ જાણવાની કોશિશ કરી, કોને પૂછું એ વિચારે મેં ભીડ તરફ નજર કરી તો જણાયું કે ત્યાં તો સૌ કોઈ રડી રહ્યાં હતા અને બધા સફેદ કપડાંમાં હતાં. બધાના ચહેરા પર શોકની લાગણી હતી. સૌ દુઃખી થઈને કામ કરતાં હતાં. મેં ધીરેથી ભીડની આગળ જઈ જોયું તો કોઈ સુતું હતું અને બધા એને વળગીને રડતા હતા. હું બાવરી થઈને ગઈ ત્યાં જોવા કે કોણ છે અને જોઈને ત્યાં જ ફસડાઈ પડી. અરે! હું તો અહીં છું, તો પછી ત્યાં કેવી રીતે સૂઈ શકું! મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. મારા દીકરાને રડતો જોઈ થયું કે લાવ એને માથે હાથ ફેરવતાં કહું કે બેટા રડ નહીં હું તો અહીં જ છું, પણ મારો સ્પર્શ એને થયો જ નહિ, બહુ પ્રયત્ન કર્યો ત્યાં ઉભેલા બધાને પકડવાનો, પણ વ્યર્થ હતો. હવે સમજાયું કે સવારમાં દોડાદોડી શેની હતી!
મારાથી પ્રભુને કેહવાઇ ગયું "હે ભગવાન મારો વ્હાલો દીકરો બહુ રડે છે. મને ખબર છે કે હવે હું એના માથે કદી હાથ નહિ ફેરવી શકું, પણ આજે મને છેલ્લી વાર એટલો હક આપો, મારી અંતિમ ઈચ્છા સમજીને કે હું એને વળગીને બહુ બધી ચૂમીઓ આપી દઉં, બહુ બધું વ્હાલ આપી દઉં કે એને પછી ક્યારેય એની ખોટ ના વર્તાય. હે પ્રભુ છેલ્લીવાર મને મારા વ્હાલસોયા દીકરાને સ્પર્શ કરવા દો, બસ એટલું મને આપી દો, બીજું કંઈ નહીં માંગુ અને એટલામાં જાણે ચમત્કાર થયો, મારો દીકરો મને કહેતો હતો મમ્મી તું કેમ રડે છે? ઊંઘમાં કોઈ આટલું રડતું હશે? મેં જોયું તો ત્યાં કોઈ હતું જ નહિ બસ મારો દીકરો મને ઉઠાડતો હતો અને કહેતો કે, "આજે તો બહુ મોડે સુધી સૂતી ને તું. ચલ ઉઠ મને દૂધ અને નાસ્તો આપ બહુ ભૂખ લાગી છે."
ભગવાનનો આભાર માનતા હું મલકાઈ અને મારા દીકરાને ખૂબ પ્રેમ કર્યો.


















લેખન : વૃંદા પંડ્યા vrunda.pandya84@gmail.com
શિર્ષક: સ્પર્શ

શહેરની નામાંકિત શાળામાં અઠવાડિયામાં એક વખત દેશમાં ચાલતા મહત્વના મુદ્દા ઉપર કાઉન્સિલિંગ કરવામાં આવતું. શાળામાં આ વખતનો વિષય હતો સ્પર્શ. સર બાળકોને ખરાબ સ્પર્શ અને સારા સ્પર્શ વિશે માહિતી આપી રહ્યાં હતા. બધાં જ બાળકો શાંતિથી સાંભળી રહ્યા હતા. સર જણાવી રહ્યા હતા કે માતા-પિતા સિવાય બીજું અન્ય કોઈ પણ જો ખોટી રીતે ખોટી જગ્યાએ સ્પર્શ કરે તો એની જાણ માતા-પિતા અથવા શિક્ષક કે કોઈ પણ સમજદાર મોટી વ્યક્તિને કરવી જોઈએ. જ્યારે કોઈપણ વ્યક્તિ આમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે મોટા અવાજે નો....ના અથવા નહિં એમ કહેવું ને ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો. આટલું સાંભળતાની સાથે જ વ્યગ્ર, વ્યાકુળ ને પરસેવે રેબઝેબ થયેલી પિહુ બરાડી ઉઠી, “ નો.... નહિં.... સર! પ્લીઝ!” કહેતી ત્યાંથી દોડી ગઈ!
લેખન : ભાવિકા પટેલ bhavikapatel0777@gmail.com
શિર્ષક: કાગળ
એક ગામમાં બ્રાહ્મણ કુંટુંબ રહેતું હતું. નારાયણ અને મધુ. તેઓ ખૂબ ગરીબ હતાં. લગ્નના ઘણાં વર્ષો બાદ ભગવાનની કૃપાથી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. નારાયણ અને મધુ ખૂબ જ ખુશ હતા. તેમની જિંદગીમાં જાણે આશાનો નવો સૂરજ ઊગ્યો હોય તેમ તેનું નામ પણ આદિત્ય પાડ્યું. આદિત્ય દિવસે ને દિવસે મોટો થતો ગયો. ભણવામાં પણ ખૂબ હોશિયાર. નારાયણ દીકરાને ભણાવવા ખૂબ મહેનત કરવા લાગ્યો, પણ નસીબ આગળ કોનું ચાલ્યું! નારાયણ કોઈ અસાધ્ય બિમારીનો ભોગ બન્યો. આખરે નારાયણનું લાંબી બિમારી બાદ મૃત્યુ થયું. આદિત્ય ત્યારે ૧૦ વરસનો હતો. એ કુમળા બાળક પર એ વાતની ખૂબ અસર થઈ. તેણે મનોમન નક્કી કર્યું હું મોટો થઈને ડોક્ટર બનીશ. આ બાજુ મધુ, પતિના મૃત્યુનો આઘાત સહન ના કરી શકી. થોડા સમયમાં એ પણ મૃત્યુ પામી. આદિત્ય હવે એકલો હતો.
આદિત્ય પાસે ફક્ત પોતાનું નાનકડું ઘર હતું. માતા-પિતાએ આપેલા સંસ્કારોને યાદ કરીને આદિત્ય ભણવાનો વિચાર કર્યો. આદિત્યએ આશ્રમમાં જઈ ભણવાની શરૂઆત કરી. કોઈ પણ સુખ સગવડ વગર આદિત્યએ અભ્યાસ પૂર્ણ કર્યો. આદિત્યે ભણતા ભણતા વિનમ્રતાથી ગુરૂજીનો પ્રેમ મેળવ્યો. આદિત્ય ખૂબ જ બુદ્ધિમાન હતો. ટૂંક સમયમાં જ તે લોકપ્રિય ડૉક્ટર બની ગયો. પરંતુ આદિત્યની લોકપ્રિયતા ગામના વેપારીને ગમતી ન હતી. વેપારીની નજર આદિત્યના ઘર પર પડી. આદિત્યનું ઘર પડાવી લેવા તેણે યુક્તિ રચી. આદિત્યના પિતા ઉપરનું દેવુ બતાવ્યું અને આદિત્ય પાસેથી રકમ વસૂલ કરવા કાગળ પર ખોટી વિગતો રજૂ કરી. આદિત્ય પાસે ઘરની માંગણી કરી. ત્યારે આદિત્યએ નમ્રતાથી કહ્યું, "આટલા દિવસ તમે ઢીલ કેમ કરી?"
વેપારીએ આદિત્યને સહી કરવા કાગળ આપ્યો. આદિત્ય સહી કરવા જતો હતો એટલામાં વેપારીના ઘરેથી નોકર આવ્યો અને બોલ્યો, "શેઠજી જલદી ચાલો, શેઠાણીજીની તબિયત અચાનક બગડી છે.
આદિત્ય તરત જ વેપારી સાથે એના ઘરે ગયોઅને ઔષધિ આપી વેપારીની પત્નીને સારવાર આપી અને વેપારીની પત્ની ધીમે ધીમે સ્વસ્થ થઈ ગઈ. આદિત્યના આ વર્તનથી વેપારીને પસ્તાવો થયો. વેપારીએ ખોટા બનાવેલા ઘરનાં કાગળ ફાડી નાખ્યાં અને આદિત્યને પગે પડી માફી માંગી.





















૧૦
લેખન : બિપીન ચૌહાણ 'બિપ્સ' bipinc207@gmail.com
શિર્ષક : વાયદો

“તારા આપેલા વિશ્વાસે જ આ શ્વાસ ચાલે છે,
દૂર છે છતાં તારા પગરવ મારી આસપાસ ચાલે છે.”

"વાહ! વાહ!વાહ! વાહ!" આખો હોલ તાળીઓ અને વાહવાહીથી ગુંજી ઉઠ્યો.

નિલય થોડી ક્ષણ મૌન થઈ ગયો. ચશ્માંની અંદર આંખમાં ભરાઈ આવેલ એક આંસુ ડાયરીના પાનાં ઉપર ટપકી ગયું. જાણતો હતો કે બધાની નજર અત્યારે તેના ચહેરા ઉપર ટકેલી હતી , તો પણ ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખના ખુણા સાફ કરી આગળ બોલ્યો; "નામ સાંભળતા હજુ વધી જાય છે ધબકાર મારા, છુપાવી સફેદી વાળની જુવાન હોવાનો પ્રયાસ ચાલે છે."

શ્રોતાઓના અભિવાદનની રાહ જોયા વિના જ નિલય અંતરમાં ઉઠેલા તોફાનને કોઈ જાણી ન જાય તે માટે ફટાફટ સ્ટેજ પરથી ઉતરી ગયો. બહાર પાર્ક કરેલી ગાડીમાં બેસી ડેશબોર્ડમાં મુકેલ ડાયરીમાં રહેલો ફોટો જોતાં જ નીલાએ કહેલી વાત યાદમાં સળવળી ઉઠી.

‘નિલય, ભલે અત્યારે આપણે સાથે નથી રહી શક્યા પણ એક દિવસ દરિયાકિનારે બેસી, મારા હાથને તમારા હાથમાં પરોવી, જીવનના અંતિમ દિવસોને તમારી સાથે જ વિતાવીશ. શરીર ઉપરની ચામડીમાં કરચલી પડી હશે, કદાચ આ દાંતની જગ્યાએ ચોકઠાં પહેર્યા હશે, ક્યાંક બોલવાની શક્તિ ઓછી થઈ હશે કે ક્યાંક સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હશે છતાં પણ હું તમને આટલો જ પ્રેમ આપીશ આ મારો વાયદો છે.'

વીજળીના કડાકા સાથે જ યાદોમાંથી બહાર આવી નિલયે ગાડી સ્ટાર્ટ કરી અને રેડિયામાં ગીત વાગી ઉઠ્યુ, "તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ, કે જહાં મિલ ગયા….."



૧૧ zaranaraja@gmail.com
લેખન : ઝરણાં રાજા 'ઝારા'
શિર્ષક: ચાતકની પ્રતીક્ષાનો અંત

રહસ્યકથાઓ વાંચવાનો શોખીન સૂરજ આજે 'ચાતક' રહસ્યકથા વાંચી રહ્યો હતો. પ્રસ્તાવનામાં 'આ એક સત્યઘટના પર આધારિત વાર્તા છે', આ લીટી વાંચીને સૂરજને વાર્તા વાંચવાની તાલાવેલી જાગી અને એ તરત વાર્તા વાંચવા લાગ્યો.
અનાયાસે વાર્તાના નાયકનું નામ પણ સુરજસિંહ હતું. સૂરજ વાર્તા વાંચતા વાંચતા વાર્તાની હવેલીમાં પહોંચી ગયો. વાર્તાની દરેક ઘટના પોતે અનુભવવા લાગ્યો અને આખરે વાર્તાના અંત સુધી પહોંચ્યો.

વાર્તાના અંતમાં સુરજસિંહ અને એના જીગરજાન મિત્ર વીરસિંહ સાથે દગો થયો હતો અને બંનેનું કતલ થયેલું. બંને મિત્રોએ મૃત્યુ વખતે એકબીજાને વચન આપ્યું કે બદલો લેવા ફરી જન્મ લઈશું.

પુસ્તકના અંતિમ પાને લખ્યું હતું કે વીરસિંહનો જન્મ થઇ ચુક્યો છે અને એ ચાતકની જેમ સુરજસિંહની રાહ જોઈ રહ્યો છે, જયારે આ વાર્તા એના સુધી પહોંચશે ત્યારે વાર્તાના બીજા ભાગની શરૂઆત સુરજસિંહ દ્વારા જ થશે.

વાર્તામાં ગળાડૂબ થયેલા સૂરજે લેખકનું નામ ફરી વાંચ્યું 'ધર્મવીર જાડેજા'.તે મનોમન બોલ્યો,"આ તો મારી કોલેજનો વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ એટલે કે જી.એસ."

સૂરજે તરત ધર્મવીરને ફોન જોડી વાત કરી અને પછી એક ડાયરી અને પેન કાઢ્યા. પહેલા પાન ઉપર લખ્યું ,'ચાતકની પ્રતીક્ષાનો અંત'.



૧૨
લેખન : ચિરાગ બક્ષી aumchirag@gmail.com
શિર્ષક : અંત એક શરૂઆત

આજે પત્ની પ્રતીક્ષા એમ.બી.એ. માં ડિસ્ટીંકશન સાથે પાસ થઈ. એમ.બી.એ.માં એ પણ બે ભણતા બાળકો સાથે ડિસ્ટીંકશન સાથે પાસ થઈ એ વાતે પતિ યસીત ખુબ ખુશ હતો.

યસીત અને પ્રતીક્ષાના લગ્ન પ્રેમ લગ્ન નહોતા. એ વાતનો યસીત અને પ્રતીક્ષાને આનંદ હતો કે આજના સમયમાં પણ એરેન્જડ મેરેજ સફળ થાય છે. પ્રતીક્ષા બી.ફાર્મ. થયા પછી એની આગળ ભણવાની તીવ્ર ઈચ્છાને કારણે લગ્ન અને બે બાળકોના જન્મ પછી પણ એમ.બી.એ. થઇ. યસીત ફાર્મોકોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી એક એવી દવાની ફોર્મ્યુલા ઉપર કામ કરતો હતો કે જે આજ સુધી વિશ્વમાં ન આવી હોય.

એમ.બી.એ.ના સરસ પરિણામ પછી પ્રતીક્ષાની જૂની એક ઈચ્છાને યસીતે યાદ કરી. થોડા સમયમાં પ્રતીક્ષાની પણ એક નાની ફાર્માસૂટિકલ કંપની સ્થાપી અને એને નામ આપ્યું "બ્રાઈટ સન ફાર્માસ્યૂટિકલ". પ્રતીક્ષાની ઈચ્છા પ્રમાણે એમાં માનસિક રોગના દર્દીઓને સાજા કરે એવી દવા બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રતિક્ષાએ કહેલું,"મને ગમ્યું યસીત. . તમારી 'યલો મૂન લાઈફ સાયન્સિસ' અને મારી 'બ્રાઈટ સન ફાર્માસૂટિકલ'. તમે હંમેશા મારી વસ્તુઓને મુઠી ઊંચેરી સ્થાપી છે, એ તમારી એક પતિ તરીકેની ખૂબ વિશેષ વાત છે!"

જવાબમાં યસીતે કહેલું, "લગ્ન પછી એક વત્તા એક બરાબર એક જ થાય. તારા સ્વરૂપમાં સરસ જીવનસાથી મળી ગઈ એ ભગવાનનો ઉપકાર. વળી, આપણે બેવ એક જ ફિલ્ડના એટલે એક બીજાને સમજી પણ શકીએ, અને તું તારા વિષયમાં એટલી નિષ્ણાત છો કે તને તારી સ્વતંત્ર કંપની હોય એ જ ઉચિત હતું એટલે આ નિર્ણય લીધો છે."
“હાઉ સ્વીટ ઓફ યુ માય હબી!"
એક સાંજે યસીતનો ફોન આવ્યો.
"પ્રતીક્ષા, આજે રાત્રે ..."
"હા મને તમે કહ્યું હતું અને ખબર છે કે તમે આજે રાત્રે ક્લાયન્ટની સાથે ડિનર લઈને આવવાના છો."
"હા અને એની સાથે તને એ પણ કહેવાનું હતું કે હું મારા સુટનું માપ ફાઇનલ કરી આવીશ. મારે આવતે અઠવાડિયે ન્યૂ યોર્ક જવાનું ને!"
"હા, હા, હું તો ભૂલી જ ગઈ, તમારો બહુ અગત્યનો સેમિનાર છે જેમાં તમે તમારી નવા રિસર્ચનું પેપર આપવાના છો. ભલે તો હું,પાશ અને પ્રીત જમી લઈશું અને તમારી સાથે જ્યુસ પીશું.ઓકે?"
"ભલે, પ્રતીક્ષા"

રાત્રે જમીને પ્રતીક્ષા એના બાળકો પાશ અને પ્રીત સાથે ટીવી જોતાં હતાં. પાશ હવે આઈ.ટીના છેલ્લા વર્ષમાં હતો અને લાડકી દીકરી પ્રીત હોસ્પિટાલિટીના કોર્સમાં હતી. પ્રતીક્ષાની ઈચ્છા પ્રમાણે પ્રીત ડિસ્કવરી ચેનલ મૂકીને એના બેડરૂમમાં ચાલી ગઈ. પ્રતીક્ષા અને પાશ ટીવી જોતા બેઠા હતા. આજે વિષય બહુ રસપ્રદ હતો. બ્રાઝિલમાં ખસખસની ખેતી ઉપર ચર્ચા ચાલતી હતી. ત્યાં લાઈવ કવરેજ પણ કરતા હતા. પ્રતીક્ષાની ચકોર નજર એ લાઈવ કવરેજ ઉપર કેન્દ્રિત થયી. એ ખેતી જ્યાં થતી હતી એ માટીને એણે ખુબ ધ્યાનથી જોઈ. એને એ માટીમાં કઈક તો અલગ લાગ્યું. તરત એણે પાશને ટીવી બંધ કરીને એનું લેપટોપ ચાલુ કરવા કહ્યું અને પછી જે કહ્યું એ સાંભળીને તો પાશ પણ ડઘાઈ ગયો. પ્રતીક્ષાએ પાશને કહ્યું કે ગૂગલ મેપ અને સેટેલાઈટની મદદથી બ્રાઝિલનાં ખેતરો કે જ્યાં ખસખસની ખેતી થાય છે એને નજીકથી ફોકસ કરે અને એને બતાવે. પાશ હોંશિયાર હતો એટલે ફકત વિસ મિનિટના અંતે એ બ્રાઝિલનાં ખસખસની ખેતી કરતા ખેતરોમાં પહોંચી ગયો. પ્રતીક્ષાને જે જોવું હતું એ એણે ખુબ બારીકાઈથી જોયું અને જાણે કોઈ મોટું રહસ્ય શોધી નાખ્યું હોય તેમ એ ખુશ થઈ.
પાશે પૂછ્યું, "મમ્મી કહે તો ખરી, તે એવું તે શું જોયું કે તું આટલી બધી ખુશ થઈ ગઈ?"
પ્રતીક્ષા ઉછળી પડી અને બોલી, "પાશ, મેં જે ડિસ્કવરીમાં જોયું હતું અને કલ્પના કરી હતી એવું જ નીકળ્યું. બ્રાઝિલમાં ખસખસનાં ખેતરમાં એક એવી જીવાત પડી છે કે જે ખસખસના પાકને નુકસાન કરી શકે છે અને એની અસર બે ત્રણ મહિના પછી જ જોવા મળે છે."
"તો એનાથી તને કોઈ ફાયદો ખરો?" પાશે જિજ્ઞાસાથી પૂછ્યું.
"એ તો બે ત્રણ દિવસમાં જ ખબર પડશે. મારે ફકત મારી જાણકારી ટેક્નિકલી ચકાસવાની છે. જો એમાં હું ખરી ઉતરી તો આ જીવાત આપણને અઢળક પૈસા કમાવી આપશે." પ્રતિક્ષાએ ગર્વથી જવાબ આપ્યો.
"એ કઈ રીતે?"
પાશના પ્રશ્ન નો જવાબ આપવો પ્રતીક્ષાને ઠીક લાગ્યું એટલે એણે પાશને પાસે બેસાડીને સમજાવ્યું. આ જીવાત ખસખસના પાકને એ નુકસાન કરે છે કે જેનાથી એના ઉપયોગથી બનેલું મારાજુઆના કે જેને અફીણ પણ કહેવાય, એનું સેવન કરવાથી યાદશક્તિ ક્ષીણ થવા લાગે. હવે આ ખસખસના ઉપયોગથી બનેલું મારાજુઆનાનું સેવન બે ત્રણ મહિનામાં જ્યાં કરાશે ત્યાં આ દવાની ખુબ જરૂર પડશે. જો મારે ત્યાં આ સંજોગોમાં યાદશક્તિને ટકાવી રાખે એવી દવાનું ઉત્પાદન કરીએ તો આપણે એને ઊંચા ભાવથી વેચી શકીએ અને અઢળક પૈસા કમાવી શકીએ. હવે મારે એ જ ચકાસવાનું છે કે આ દવા બનાવવાની ફોર્મ્યુલા ક્યાંથી મળે, આપણા રિસર્ચ વિભાગમાં આનું રિસર્ચ શક્ય છે કે નહિ અને આપણી મશીનરી આ દવા બનાવવા માટે બરાબર છે કે કોઈ નવા મશીન લેવા પડે? બીજો દિવસ ધાર્યા પ્રમાણે ખુબ જ વ્યસ્ત ગયો. લૅબોરેટરી, કોન્ફરન્સ રૂમ, મિટિંગ, બોર્ડ રૂમ, એ બધાની વચ્ચે પ્રતીક્ષા આખો દિવસ આંટા મારતી રહી. રાત્રે રિવ્યૂ મિટિંગ થઈ અને એ નિષ્કર્ષ આવ્યો કે લગભગ સીતેર ટકા શક્યતા દેખાતી હતી કે પ્રતિક્ષાએ જે સ્વપ્નું જોયું હતું એ સાર્થક થાય. આવતી કાલે આ નિર્ણય લેવો જ પડે એ સૂચના સાથે મિટિંગ પ્રતીક્ષાએ પુરી કરી.
એક અદભૂત ઘટના જ્યારે બનવાની હોય ત્યારે થોડા કાંટામાંથી પસાર થવું પડે એ આદિકાળથી ચાલ્યો આવતો નિયમ છે. પ્રતીક્ષાએ બીજા આખા દિવસની રાહ જોવી પડી જ્યારે એની આંખમાં ખુશીનું એક આંસુ આવી ગયું. જીવાત પડેલી માટીમાં ઉગેલા ખસખસના ઉપયોગથી બનાવેલુ મારજુઆના લેવાથી એના બે ત્રણ મહિના પછી જે માનસિક મર્યાદા આવી શકે એની દવા ની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ અને એ પણ બહુ મોટા ખર્ચ કર્યા વગર. પ્રોડક્શન ચીફે બીજી એક મહત્વની વાત કહી જે સાંભળીને પ્રતીક્ષાના કાન સરવા થઈ ગયા. એમણે એવું કહ્યું કે જો આપણને યસીતની ફેક્ટરીમાંથી થોડા મશીન મળી જાય તો એમાં ખુબજ ઓછા ફેરફાર કરીને આ દવા બનાવવાનું શક્ય બની શકે. આ સાંભળીને પ્રતીક્ષા ખુશીથી નાચી ઉઠી. એણે પ્રોડક્શન ટીમને વિસ્તારથી એસ્ટીમેટ તૈયાર કરવા સૂચના આપી. પ્રોડ્ક્શન ટીમે આ કામ માટે ત્રણ દિવસ માંગ્યા. ત્રીજા દિવસે નવા મશીનના નકશા તૈયાર થઈ ગયા, હાજર મશીનમાં શું ફેરફાર કરવા પડશે અને ખર્ચની અલગ સ્લાઇડ બનાવીને પ્રતીક્ષાને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. પ્રતીક્ષાએ એક દિવસ એને સમજીને આખરે એનું સ્વપ્ન જોયાના બરાબર નવ દિવસ પછી એ નિર્ણય લઇ શકી કે એ એના સ્વપ્ન ને પૂરું કરવા તરફ આગળ વધશે.
"હા ડાર્લિંગ, હું ન્યૂ યોર્ક એરપોર્ટ ઉતારી ગયો છું અને ચાર કલાકની ઇમિગ્રેશન વિગેરે વિગેરે રીતરસમ પતાવીને હમણાં જ બ્લુ લગૂન હોટેલમાં પહોંચ્યો છું. મને એમ કે રૂમમાં જઈ, થોડી ફ્રેશ થઈને પછી તને નિરાંતે ફોન કરીશ પણ મારી સ્વીટહાર્ટ જાણે મારામાં કેમેરા મૂકીને મને જોતી જ રહેતી હોય એમ મારો પીછો કરે છે". યસીતે મીઠો ગુસ્સો કર્યો.
"ભલે, તમે થોડો આરામ કરી લ્યો, પછી હું તમને એક ખુશ ખબર આપવા માટે ફોન કરું છું. ત્રણ વાગે ચાલશે?" પ્રતીક્ષાએ પ્રેમથી અધીરતા સાથે પૂછ્યું.
યસીતે હા પાડી.
ત્રણ વાગે ચા રૂમમાં જ બનાવીને પીતા પીતા યસતે જ ફોન કર્યો.
" .... વાત ધ્યાનથી સાંભળજો....."
પ્રતીક્ષાએ આખી વાત યસતને કહી.
"આવું ના થાય પ્રતીક્ષા". યસીત ગંભીરતાથી બોલી ઉઠ્યો.
"શું? કેમ કોઈ કારણ? તમને ખબર છે,એ આનો કોમર્શિયલ ફાયદો આપણને કેટલો થશે? એ વખતે આ રોગની કોઈ જ દવા માર્કેટમાં નહિ હોય અને આપણી દવાનું ખુબ ખુબ વેચાણ થશે. તમે ના કેમ પાડો છો?" પ્રતીક્ષાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એણે ઉતાવળે ઉતાવળે પૂછ્યું.
"પ્રતીક્ષા, આવું જાસૂસી કામ આપણા સંસ્કારની મર્યાદામાં નથી આવતું. વળી આપણે એ દવાની વાત કરીએ છીએ કે જે મારજુઆનાના સેવન પછી આવનારી બીમારીના ઈલાજ માટે છે. આ તો પરોક્ષ રીતે આપણે મારજુઆનાનાં સેવનને પ્રોત્સાહન આપીયે છીએ એવું નહિ?" યસતે ખુલાસો કર્યો.
"તમને ખબર છે, મેં અને મારી આખી ટીમે અથાગ મહેનત કરીને આ કામ સફળ બનાવ્યું છે આમાં મને તો કોઈ અસામાજિક વાત નથી દેખાતી. તમે કેમ સમજતા નથી?" પ્રતીક્ષા હવે લડાયક મૂડમાં આવી ગઈ હતી.
"જો પ્રતીક્ષા, આપણી વચ્ચે હંમેશા નિખાલસતા રહી છે. મેં મારી વાત તને નિખાલસતાથી કહી. હવે નિર્ણય હું તારા ઉપર છોડું છું." યસીતે વાતનો અંત લાવતા કહ્યું. .
પ્રતીક્ષાએ એની લંડન સ્થિત મિત્ર કંપની "હ્યુમન લાઈફ સાયન્સિસ"નો સંપર્ક કર્યો અને એમને પોતાનો ખતરનાક પ્લાન સમજાવ્યો. થોડી આનાકાની પછી લંડનથી હા આવી ગઈ. આ કામ બે જ દિવસમાં કરવાનું હતું એટલે દર કલાકનો એક્શન પ્લાન તૈયાર થયો અને એ પ્રમાણે ઘટનાઓ ઘટતી રહી.
'યલો મૂન લાઈફ સાયન્સિસ'ના શેરના ભાવ ત્રણ કલાકમાં સાવ જમીન ઉપર આવી ગયા.
તળિયાના ભાવે 'યલો મૂન લાઈફ સાયન્સિસ' ખરીદવા માટે એકદમ સસ્તી કંપની થઇ ગઈ.
'યલો મૂન લાઈફ સાયન્સિસ' ના મુખ્ય શેર જે ફકત યસત પાસે જ હોય એ બહાર આવી ગયા.
બોતેર કલાકમાં 'યલો મૂન લાઈફ સાયન્સિસ' કંપનીના શેર 'હ્યુમન લાઈફ સાયન્સિસ' દ્વારા ખરીદાઈ ગયા.
'યલો મૂન લાઈફ સાયન્સિસ' વેચાઈ ગઈ.
વોલસ્ટ્રીટમાં જ સેમિનાર હતો એટલે યસીત લંચ સમયમાં એની જૂની ટેવ પ્રમાણે વોલસ્ટ્રીટમાં જ આવેલું ઇન્ડિયન બનાવટની ગટરનું ઢાંકણું જોતો ઉભો હતો ત્યારે એણે આ ઉથલપાથલ શેરમાર્કેટના બોર્ડ ઉપર જોઈ. જેમ કોઈ પણ ધીર ગંભીર વ્યક્તિ ડઘાઈ જાય એમ સ્થિતપ્રજ્ઞ યસીત પણ હક્કો બક્કો થઇ ગયો. યસીત કાંઈ વિચારે એ પહેલા એનો ફોન રણક્યો. એ ફોન પ્રતીક્ષાનો હતો.
"સોરી યસીત, તમે મને મારા ધ્યેયમાં આગળ વધવા માટે એ કારણથી ના પાડી જે મને મંજુર નહોતું અને મારે મારો ધ્યેય પામવો જ હતો એટલે તમે તમારી જીદને કારણે તમારી કંપની ખોઈ ચુક્યા છો. ઇટ્સ ઓલ ઓવર. આને હોસ્ટાઇલ ટેક ઓવેર કહેવાય. તમારી ઓફિસમાંથી તમારી માલિકીના શેર ક્યાં રાખ્યા છે એ મને તમે કહ્યું હતું એટલે એ પણ હું જ લઇ આવી અને મારું કામ સરળ કર્યું. હવે તમારી સોરી તમારી એક્સ કંપનીના જ મશીનમાં સુધારો કરીને મારી ફોર્મલા વાળી દવા બનશે અને મારું સ્વપ્નું સાકાર થશે."
યસીતે કોઈ જ જવાબ ના આપ્યો. પ્રતીક્ષાનો ફોન બંધ થયા પછી સેમિનારનાં લંચ પછીનાં સેશનમાં એ ના ગયો. હોટલમાં જઈને આગળ શું કરવું એ વિચાર્યું અને એણે પણ એક એક્શન પ્લાન તૈયાર કર્યો. એણે પ્રતીક્ષાને મેસેજ કર્યો કે એ થોડા મહિના ન્યૂ યોર્કમાં જ રોકાઈ જશે અને એનું કામ પૂરું થયા પછી એ પાછો આવશે.
યસીત પાસે એની રિસર્ચના પેપર તૈયાર જ હતા. એ લઈને એણે 'મેન-કાઈન્ડ વેલ્ફેર' નો સંપર્ક કર્યો. અહીં એને આખી મેનેજમેન્ટ ઓળખાતી હતી કારણકે યસત ને જ્યારે ફાર્માસુટીકલ વર્લ્ડના પરફેક્ટ બિઝનેસમેનનું સન્માન મળ્યું હતું ત્યારે આ જ કંપની એ ફંક્શનની હોસ્ટ હતી. યસત આમેય એની ઉદારતા, માનવતા અને પ્રામાણિકતા માટે દવાની દુનિયામાં પ્રખ્યાત એટલે એને 'મેન-કાઈન્ડ વેલ્ફેર' જોડે વાત કરવામાં સુગમતા રહી. એની રિસર્ચ ઉપર બોર્ડમાં વિસ્તારથી ચર્ચા થઈ અને સહર્ષ એનાં રિસર્ચનો સ્વીકાર થયો. 'મેન-કાઈન્ડ વેલ્ફર' નું બોર્ડ યસીતનાં રિસર્ચ પ્રમાણેની દવા બનાવવા માટે તૈયાર થઇ ગયું. ફેફસાં જ્યારે કોઈ પણ પ્રદુષણથી જામ થઇ જાય એને કાર્યરત કરવા માટે સ્ટીરોઈડ સિવાય કોઈ દવા નહોતી અને યસીત આ જ વિષય ઉપર રિસર્ચ કરીને એવી ફોર્મ્યૂલા સાથે તૈયાર હતો કે બનનારી દવા ઓછા ખર્ચે વધુ અસરકારક હતી. દવા બનતા ફકત એકસો એક દિવસ લાગ્યા. 'મેન-કાઈન્ડ વેલ્ફેર' ના મજબૂત માર્કેટિંગને કારણે આફ્રિકા અને યુરોપના કેટલાક દેશોમાં આ દવા ખુબ પ્રમાણમાં વેચાવા પામી અને બીજા ત્રણસો દિવસમાં તો યસીતને પણ કલ્પના નહોતી એવો નફો આ દવાએ કર્યો. યસીતે દવાના માર્કેટિંગના પ્રયત્નો હજુ વધારે મજબૂત કર્યા અને દવા બન્યાંનાં બરાબર એક વર્ષને અંતે દવાએ વિશ્વમાં અગ્રેસર સ્થાન મેળવી લીધું. કલ્પના અને ધાર્યા કરતાં કમાણી હદથી વધારે થઇ. એક વરસ પહેલાનો કંગાળ યસત આજે ધનાઢ્ય માં ગણાવા લાગ્યો.'મેન-કાઈન્ડ વેલ્ફેર' કંપનીનું બોર્ડ યસીત ને સન્માનિત કરવા માંગતું હતું. યસતે આ વાત સ્વીકારી અને સામે એક નાની વાત મૂકી. યસીતની વાત સાંભળીને 'મેન-કાઈન્ડ વેલ્ફેર' કંપની નું બોર્ડ આશ્ચર્ય પામી ગયું. આવું પણ હોય? આવો પણ માનવી હોય? પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તો આ બધી વાત ને કોઈ સ્થાન જ ના હોય પણ યસીત એની વાત ઉપર અડગ રહ્યો.
ઇતિહાસ ફરી એક વાર આળસ મરડીને બેઠો થયો. 'બ્રાઈટ સન ફાર્માસૂટિકલ'ની દવાઓ માર્કેટમાંથી રિજેક્ટ થવા લાગી. એમાં વપરાયેલા તત્વો ઉતારતી કક્ષાના હોવાનું વિશ્વના ઘણા બધા દેશોમાં પુરવાર થઈ ગયું. દવા પાછી મંગાવવાનો ખર્ચ પણ 'બ્રાઈટ સન ફાર્માસૂટિકલ' કંપનીએ જ કરવો પડ્યો. ફકત એક સો એક દિવસમાં કંપનીની આર્થિક અધોગતિ હકીકત બની ગઈ. શેરના ભાવ એનું નવું તળિયું શોધવા લાગ્યા. અને એક દિવસ 'બ્રાઈટ સન ફાર્માસૂટિકલ' એકદમ સસ્તા ભાવે વેચાઈ ગઈ. પ્રતીક્ષા સખત ડિપ્રેશનમાં ચાલી ગઈ. એને સમજ નહોતી પડતી કે એની કંપની આટલી ઉતારતી ગુણવત્તા વળી દવા બનાવતી હતી? એના અધિકારીઓ કોઈ ચાલ તો નહોતા રમતા ને? કોઈ ટેક્નિકલ કે ફાઇનૅન્શિયલ રમત તો નહોતી ને કે જે આ લોકો આટલા સમયથી રમતા હતા અને એને સાવ જ અંધારામાં રાખીને!
"મમ્મી આજે બે દિવસથી તમે આ રૂમમાં જ છો. જરા બહાર આવો, થોડું ટીવી જુઓ, આપણે થોડી વાતો કરીએ, તમારું મન થોડું શાંત થાય!."
પાશના સાંત્વનનો જવાબ આપવા માટે બે દિવસ પછી પ્રતિક્ષાએ પહેલી વાર મ્હોં ખોલ્યું. "આજે મને યસીત ખુબ યાદ આવે છે. યસીત તમે ક્યાં છો?"
દરવાજા ઉપર બેલ વાગી અને પ્રીત દરવાજો ખોલવા ગઈ. સામે ઉભેલી વ્યક્તિને જોઈને એના હોશ જ ઉડી ગયા. "પપ્પા આ આ આ ........ ! "
પ્રતીક્ષાના કાન ઉભા થઇ ગયા. એ પણ દોડી અને દરવાજા ઉપર જ યસીતને ભેટી પડી.
"કાંઈ જ કહેવાની જરૂર નથી પ્રતીક્ષા. મને બહુ જ દુઃખ છે છેલ્લા બે ત્રણ દિવસમાં જે પણ બન્યું એને માટે. જો આજે તારી બર્થડે છે ને! હું તારે માટે શું ગિફ્ટ લાવ્યો છું?"
"આજે મારી બર્થડે છે? હું તો બધું જ ભૂલી ગઈ છું. યસીત તમે આજે જ પાછા આવ્યા!"
પ્રતિક્ષાએ ગિફ્ટ ખોલી. એક કવરમાં થોડા સ્ટેમ્પ પેપર્સ હતા. એને એક પછી એક જોતા જ પ્રતીક્ષા જાણે મૂર્છિત થઇ ગઈ. થોડો હોશ આવ્યા પછી એણે ફરી એક વાર એ પેપર્સ જોયા. એ યસીતનાં પગમાં પડી ગઈ અને એની આંખમાંથી આંસુની ધાર વહી ચાલી.
"આ શું યસીત? આ તો 'બ્રાઇટ સન'ના પેપર્સ છે. મેં તો એ કંપની ક્યારની ગુમાવી દીધી છે. આ તમારી પાસે ક્યાંથી? અને એ પણ મારી માલિકી સાથે? આ શું ચમત્કાર છે? અને યસત, એક વાત તો કહો, તમે કઈ માટીના બનેલા છો?”
"પ્રતીક્ષા, હવે મારી વાત ધ્યાન થી સાંભળ. તે તારી પ્રબળ ઈચ્છા પુરી કરવા માટે મારા મતે જે ના લેવો જોઈએ એવો રસ્તો લીધો. તું કદાચ એમાં સફળ પણ થઇ હોઈશ. પણ અપને બંને જીવનસાથી છીએ. એટલે આપણી સારી વિચારસરણી એક જેવી હોવી જોઈએ એવું હું પણ પ્રબળપણે માનું છું. હું તૂટી ગયો અને પછી મારું આત્મબળ મને ઉભો થવામાં મદદરૂપ થયું. મારી ઓળખાણ મને પથદર્શક બની અને હું પણ બેઠો થઇ ગયો. આપણે બંનેએ એક જીવન જીવવાના સોગંદ લીધા હતા એટલે તારાથી દૂર રહેવું મારે માટે ખુબ અઘરું હતું, પણ તારી મનોદશાની દવા કરવું પણ જરૂરી હતી એટલે મેં આ ફુલપ્રુફ યોજના બનાવી. તારી કંપનીમાં બનતી હલકી ગુણવત્તાવાળી દવાઓને કારણે કંપનીની પડતી થઇ જે લોજીકલ છે. કંપની હાથમાંથી જતી રહે એ વાતનો તને પણ એક વાર અનુભવ થવો જરૂરી હતો એટલે મારે આ યોજનાને અમલમાં મુકવી પડી. તારી અને મારી યોજનામાં ફેર એટલો જ હતો કે તે જે કર્યું એ ટૂંકા ગાળાના લાભ માટે કર્યું અને એમાં તે મને ખાસ્સો દુઃખી પણ કર્યો. મેં જે કર્યું એ તારા લાંબા ગાળાના ફાયદા માટે કર્યું અને તારું દુઃખ ફક્ત થોડા દિવસનું જ રહ્યું. મેં તારી ડૂબતી કંપની ખરીદી લીધી છે અને એને તારા જ નામ ઉપર કરાવીને આજે તને તારી બર્થડે ઉપર ભેટ આપું છું. મને આશા અને ખાતરી પણ છે કે જ્યારે જ્યારે તું તારી કંપનીમાં કોઈ પણ નિર્ણય લઈશ ત્યારે તું ટૂંકા ગાળાના લાભને મહત્વ નહિ આપે અને કોઈ અસામાજિક કાર્યને પ્રોત્સાહન મળે એવું નહિ કરે.”
"પ્રતીક્ષા, આ જ અંતને એક શરૂઆત ના બનાવી શકીએ? આને મારા તરફથી એક સમજણભરી ભેટ પણ સમજજે. હેપ્પી બર્થડે પ્રતીક્ષા."

૧૩
લેખન : શૈલી shailipatel.3@gmail.com
શિર્ષક : અંત એક શરૂઆત
ત્રણ વર્ષનો અંશ સતત બારણું પછાડી રહ્યો હતો. બારણાંને દિવાલ સાથે જોરથી પછાડી ચીસ પાડી હસી રહયો હતો. લગભગ પંદર મિનિટ સુધી આ રમત ચાલું રહી. એક વર્ષની બીમાર અવંતિકા આ અવાજથી ઉંધી નહોતી શકતી, પણ દાદા-ડાહયાલાલને કંઈ અસર નહોતી. એમણે પોતાની ધૂનમાં છાપું વાંચ્યે રાખ્યું. વસુધાબહેનથી હવે ના રહેવાયું એમણે અંશને ટોકયો, "અંશ બેટા, રહેવા દે, નાની બહેન માંદી છે, તું અવાજ કરે એટલે ઉંઘી નથી શકતી. રહેવા દે બેટા, શાંતિ રાખ."
દાદા અને પૌત્રના પેટનું પાણી ય ના હાલ્યું. વસુધાબહેન અકળાઈને બોલ્યા,"આવું તો ના હોય અંશના દાદા, તમે આને આટલો માથે ચડાવો છો પણ આ કેવી રમત જેમાં ઘરનાં બધાં હેરાન થાય?"
ડાહયાલાલ હસ્યા, "મારા અંશને કોઈએ કંઈ કહેવાનું નહીં, એ જેમ કરે એમ કરવા દેવાનું." એમણે આગળ બોલ્યા; "તમે બધાં તો છોકરાને મારી જોડે મૂકી નોકરી-ધંધે જતાં રહો છો, પછી એ મને હેરાન ન કરે એટલે હું એને એ જેમ કરે એમ કરવા દઉં છું."
ઘરના બધા ચૂપચાપ સાંભળી રહ્યા પણ મનોમન જાણતાં કે ઘણું બધું અયોગ્ય થઈ રહ્યું છે. દિવસે દિવસે અંશના તોફાનો વધતાં ગયાં પણ દાદા કંઈ ટોકે નહીં. ખાઈપીને અલમસ્ત તંદુરસ્ત બનાવેલું અંશનું શરીર જોઈ દાદા હરખાયા કરે. ઘરમાં એના તોફાનોને ત્રાસ સમજવામાં આવતો પણ દાદા એકજ વાક્ય બોલ્યે રાખે, "મોટો થઈ મારો અંશ મારું નામ રોશન કરશે, બધાં કહેશે કે ડાહયાલાલની પરવરીશને કંઈ કહેવાપણું નથી, જો જો તમે બધાં!"
થોડા દિવસ પછી ઘરે મહેમાન આવ્યા. વસુધાબહેને આગ્રહ કરી જમવા રોકયા. મહેમાનો માટે થાળીઓ પીરસાઈ. મહેમાનો હજુ શરૂ કરે એ પહેલાં, બહારથી માટીમાં રમીને આવેલા અંશે મહેમાનની થાળીમાંથી મુઠ્ઠીમાં ફરસાણ લઈ મોંઢામાં ઠુંસવા માંડયું. મહેમાનો અને યજમાનો બધાં ચોંકી ગયા. ડાહયાલાલ ઝંખવાણા પડી ગયા પણ મહેમાને 'બાળક તો એવું કરે' કહી વાત વાળી. તે દિવસે ડાહયાલાલે અંશને સમજાવતાં કહયું કે બેટા, આવું ન કરાય. આ વખતે વસુધાબહેને ડાહયાલાલને આડે હાથ લીધા,"હજી ચડાવો માથે આને... જોયું? નાક કાપ્યું આણે..." ડાહયાલાલ સાંભળી રહ્યા.
આ ઘટનાને બે ત્રણ મહિના પછી વરસાદની સીઝન શરૂ થઈ. વરસતા વરસાદમાં અંશ કીચડમાં રમવા માંડયો ને જેવો વરસાદ બંધ થયો ત્યારે એવો જ કીચડવાળા શરીરે રસોડામાં જઇ જમવા માટે થાળી લઈ ખાવા બેઠો. હવે અંશની મમ્મી ગુસ્સે થઈ એને ઘસડીને હાથપગ ધોવડાવવા લઈ જઈ રહી હતી ને અંશે દાદા-દાદાના નામની ચીસો પાડવાનું શરૂ કર્યું. દાદાએ અંશની મમ્મીને ધમકાવી, "આમ ઘસડીને ના લઈ જવાય, ગુલામો જેવું વર્તન અંશ સાથે નહીં કરવાનું, ભલે એના હાથ કીચડવાળા હોય, એ તો હું એને મારા હાથે જમાડીશ" કહી એમણે અંશને જમાડયો. છ વર્ષનો અંશ સમજી ગયેલો કે દાદા દાદા નામની ચીસો મનમાની કરવાની જડીબુટ્ટી છે.
આ છ વર્ષમાં વસુધાબહેનથી કહેવાય નહીં, સહેવાય નહીં એવું થતું. એક દિવસ અંશના પપ્પાના ઓફિસ સ્ટાફ મેમ્બર્સ ઘેર આવેલા, અંશ થાળી લઈ રમી રહેલો ને અચાનક એણે બૂમ મારી, "દાદા પી પી..." દાદા કંઈ કહે એ પહેલાં એણે થાળીમાં જ પી પી કરી! ઉપસ્થિત સર્વેજનો ડઘાઈ ગયાં. સ્ટાફના ગયા પછી પહેલી વાર અંશના પપ્પાએ અંશને લાફો જડી દીધો. આ વખતે ડાહયાલાલ પાસે બોલવા જેવું કંઈ ન રહ્યું. તેમણે ખિન્ન થઈ ગયા, સમજી ગયા કે જેમ મોટો થાય છે તેમ અંશ બગડતો જાય છે. તેમણે ઘણાં પ્રયત્નો કર્યા પણ હવે પાણી માથા પરથી વહી ગયેલું. અંશ સુધરવાનું નામ જ ન લેતો. અંશ નવ વર્ષનો થયો ને દાદાનું અવસાન થયું.
ફરી વરસાદ પડયો ને અંશ કીચડમાં રમી ઘરે આવ્યો. કીચડવાળા કપડાં સાથે જ જમવાની જીદ કરવા માંડયો. ફરી એ જ દ્રશ્ય સર્જાયું એની મમ્મી એને ઢસડવા માંડી, અઆ વખતે અંશે દાદા ની જગ્યાએ દાદી દાદી બૂમો પાડી પણ એણે હાથપગ ધોવા જ પડયાં. જમીને આવી અંશ ચૂપચાપ દાદાના ફોટા સામે તાકી રહયો જાણે ફરિયાદ કરી રહ્યો કે "આ રીતે જતાં રહેવું હતું તો આટલા લાડ કેમ કરેલાં?"
અંવતિકા પણ હવે સાત વર્ષની થઈ ગયેલી પણ એ ત્રાસદાયક ન હોવાથી વસુધાબહેનને વધુ વહાલી લાગતી. દાદાના ગયાં પછી વસુધાબહેને અંશને સુધારવા ઘણાં પ્રયત્નો કર્યા પણ અંશ હજીય સુધર્યો નહીં. ઘરે કોઈ આવે કે કયાંય બહાર જવાનું હોય દરેક વખતે અંશના વર્તનને કારણે વસુધાબહેનને નીચા જોવાનું થતું. વસુધાબહેન બધો ગુસ્સો અંશની મમ્મી પર ઉતારતાં. ઘરમાં તંગદિલી છવાયેલી રહેતી. ઘરમાં બધાંને એમ લાગતું કે આ જન્મે તો અંશ સુધરે એવા કોઈ અણસાર નથી.
એવામાં અચાનક વસુધાબહેનનું અવસાન થયું. ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો નાના મોટા સૌના મન મગજ પર ઘેરી અસર થઈ ગયેલી. વસુધાબહેનના અવસાનને વીસમાં દિવસે ઉતરાયણનો તહેવાર આવ્યો. અંશ-અંવતિકાનું મન રાખવા મોટેરાઓ તેમને ધાબે લઈ ગયા. પણ બધાને દાદીની ગેરહાજરી ખલતી રહી. જેમતેમ દિવસ પસાર થઈ ગયો. તહેવાર જેવું કંઈ ન લાગ્યું. બાળકો જેમતેમ કરી દાદીની ગેરહાજરી ભૂલવા મથ્યાં. સાંજનો સમય થયો, બધાં ધાબેથી નીચે ઉતર્યા. બાળકોની મમ્મીઓ રસોડામાં ગઇ ને કામે વળગી અને પપ્પાઓ હિંચકે ચુપચાપ બેઠેલા.બાળકોનો કંઈ અવાજ આવ્યો નહીં. થોડીવારમાં અંશની મમ્મીનું ધ્યાન ગયું ને એણે પૂછ્યું,"અંશ-અંવતિકા કયાં છે? એમનો અવાજ જ નથી આવતો." બધા આમતેમ બાળકોને શોધવા માંડયા એવામાં અંવતિકાની મમ્મીને બાથરૂમ આગળ અવાજ સંભળાયો. તેણે બધાંને બૂમ પાડી. દ્રશ્ય જોઈ બધાં ચોંકી ગયાં. આજે અંશ જાતે ગરમ પાણી કરી પોતાના હાથપગ ધોઈ નાની બહેન અંવતિકાના હાથપગ ધોઈ રહયો હતો અને સાથે નાનકીને સ્વચ્છતાનું મહત્વ સમજાવી રહેલો.
ખરેખર, આજે દાદા-દાદીનો અંત અંશની જિંદગીમાં શિસ્તની નવી શરૂઆત કરી ગયેલો.































૧૪
લેખન : નંદિની શાહ મહેતા mehtanandini@rocketmail.com
શિર્ષક : પ્રેમનો પાંચમો રંગ - હરિત

ઇલેક્ટ્રિક ચીમનીના નાળચામાંથી નીકળતો ધુમાડો ઊર્ધ્વગતિના માર્ગે એક અનંતયાત્રાએ જાણે નીકળી રહ્યો હોય એવું હું અનુભવતી હતી. પપ્પા, છેલ્લાં છ વર્ષની લાંબી પથારીવશ અવસ્થામાંથી સીધા જ મોક્ષમાર્ગે નીકળી ચુક્યા. અસ્થિકુંભ લઈને બહાર આવી કારમાં બેસીને સીધી જ નદીકિનારે મહારાજને લઈને ગઈ. વિધીવત અસ્થિકુંભને નદીમાં પધરાવીને ઘરે આવી. પપ્પાના ઓરડામાં જઈને બેસી. પપ્પાનાં છેલ્લાં શબ્દો મારા કાનમાં પડઘાવા લાગ્યાં,
છેલ્લાં છ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું મારી જીંદગીમાં! મમ્મીતો ક્યારની તારો બનીને રાતે ચમકતી હતી. ને હવે પપ્પા પણ! ભૂતકાળનો હિસાબ માંડવો કે ભૂતકાળમાં છૂટી ગયેલાં સાથને જીવંત કરવો, કંઇ જ સમજ નહોતી પડતી મને. પપ્પાની માંદગીને કારણે મે ઘરને જ ઓફીસ બનાવી દીધી હતી. સૌપ્રથમ કામ તો ઓફીસ-ઘરની વ્યાખ્યા સુધારવી હતી. ઘર ને ઘર બનાવતાં છ મહિના જેટલો સમય લાગ્યો. જયારે પણ થોડી ઘણી નવરાશ અનુભવતી ત્યારે બસ મને પપ્પાનાં છેલ્લાં શબ્દો સંભળાતાં હતાં.

હરિત, હા, હરિત! એ એક માત્ર નામ નહતું, એક દુનિયા હતી મારી. આજે પણ એ નામ જ મારું ગમતીલું સરનામું હતું. કદાચ અંદરના અભાવને પૂરવાનો સમય આવી ગયો છે એ વિચારે હું વિચારતી રહી. બપોરે, પોતાના માટે લીલાં રંગનો ડ્રેસ લેવા ગઈ. હરિતને લીલો રંગ બહુ જ ગમતો, અલબત્ત એને રંગો જ બહુ જ ગમતાં. ફરીથી એક લીલોછમ આકાર ઘડાતો જતો હતો. વિચારોમાં વિહરતી હું ક્યારે ફરીથી મારા જ મૂળ પાસે કે પછી મૂળ વગરના માનવી સાથે આવી ગઈ. અંતરના અભાવની જગ્યાને પૂરવા એક નવા ઉઘાડ તરફ ડગ માંડવા, લીલાં રંગની મમત તરફ... હું પાછી ખેંચાઈ... વિચારોની દુનિયામાંથી બહાર નીકળી. પપ્પા તો મુક્તિ માર્ગે આગળ વધી ગયા. હું એક ઓળખીતાં જીવનમાં નવો આકાર આપવા કે એ સંબંધને સ્વાગત કરવાં મનની વાતને, આજે બહુ સમય પછી એણ એની ડાયરીમાં લખ્યું, ”બસ હરીતવર્ણ કે પછી હરિત-પૂર્ણ!” હરિત કાયમ કહેતો, 'પૂર્ણા, તું મળી ને હું પૂર્ણ થયો. હરિતપૂર્ણ!' ને હું શરમાઈને હસી પડતી.

‘રાતના અંધકારમાં અલગ થઇ રહેલાં બે પડછાયામાંથી દુર સરકતો એક પડછાયાને અલોપ થતાં, બારી પાસે ઊભીઊભી ક્યાંય સુધી જોતી રહી. ક્યાંય સુધી અશ્રુ વહેતાં રહ્યાં ખબર જ ના રહી. ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલી નિ:શબ્દ રાત્રીના આગોશમાં કદાચ બધાં ચિરનિદ્રામાં પોઢી ગયેલાં હશે! હું અહિયાં ઊભી ઊભી અકારણ તાક્યા કરતી હતી જિંદગીને! મન થયું જીંદગીમાં મળેલાં રંગોને પીંછીમાં ભરીને કેનવાસ પર ચિત્ર સમા લસરકા દોરું! પછી, હું જ હસવા લાગી. મને તો ક્યાં ચિત્ર દોરતાં જ આવડે છે? આડી-ઊભી લીટીઓ દોરવાથી થોડી મારી વ્યક્ત થવા ઈચ્છતી સંવેદનાઓને રંગો થકી વાચા આપી શકીશ? તો! રાત્રીના અંધકારમાં ઊગેલાં નિજ નભમાં મેઘઘનુષ સમો કાગઝી શબ્દધનુષ લખું તો કેવું? હા, કદાચ એ હું કરી શકું. ગમતીલાં કામ કરવામાં હોંશ બહુ જ હોય. હરિત માટે તો ઘણુબધું કરી શકું છું ને! જેટલું કરું એટલું ઓછું છે એના માટે! છતાં કશું જ ના કરી શકવાનો રંજ છે. માત્ર એને ચાહ્યા કરવાની જ મારી નિયતિ છે. એજ સત્ય છે . મનમાં જાગેલાં આવેગને આકાર આપવો જરૂરી છે. કદાચ આકાર નહિ આપું તો, હું વધુ ને વધુ ઘૂંટાઈ જઈશ. ઘૂંટાઈ ઘૂંટાઈને વિખેરાવા કરતાં શબ્દરૂપે કાગળ પર અજંપાને વહાવી દેવો વધુ સારો. હૃદયમાં ઉમટેલી લાગણીને ઝરણાંરૂપી વહેણ આપી મનને હળવું કરું.’
વિચારોને મમળાવતી હું બારી પાસે જ ક્યારે ચંદ્રમાના પ્રકાશમાં નિંદ્રાવશ થઇ એની ખબર જ ના રહી. અંતરના અંધકારમાં ક્યારે પરોઢ ઊગી નીકળી એનીય ક્યાં ખબર રહી. કદાચ એ ઉજાસ, હરિતની યાદો તો નઈ હોય! ડોરબેલનો અવાજ મને ઢંઢોળી રહ્યો હતો. અનિંદ્રામાં વીતેલી રાત પર કયારે પરોઢ થઇ? જાણે તે જ બારણાં પાસે આવીને ટકોરા દીધાં એવાં એહસાસથી લગભગ દોડતીજ દરવાજો ખોલવા ઊભી થઇ. ડોરબેલના અવાજે મુજ અંદરના વિચારોના ઘૂઘવતાં અવાજોને બાજુ પર મુકીને રોજીંદી ઘટમાળમાં ક્યારે જોતરાઈ ગઈ ખબર જ ના રહી. તોયે ભીતર ઉમટી આવેલાં લાગણીસભર વાદળો અને બહાર આકાશમાં ઉમટી આવેલાં વાદળો એકસરખાં જ લાગ્યા. કૉફીનો મગ લઈને બાલ્કનીમાં હીંચકા પર બેસી ત્યાં પાછું મન રંગબેરંગી પતંગિયાઓથી ઉડાઉડ કરવાં લાગ્યું. સામેની બાલ્કનીમાં મોગરાના છોડને પાણી પાતાં રતનબાને, “કેમ છો ? પૂછતાં પૂછતાં જાણે હું જ મોગરાનું ફૂલ બની ગઈ હોઉં એવી મહેકતી મને લાગવાં લાગી. શું આને જ પ્રેમની અવ્યક્ત અભિવ્યક્તિ કહું કે પછી આપણા બંને વચ્ચે રચાયેલો એક લય? ભીતરે મળેલી કોઈ યુગ્મ રેખા થકી રેલાતો એક સુર, એક સંવાદિતા કે પછી જીવતોજાગતો એક સંબંધ.ભીતર ને બહારના લયને કેવી રીતે બાંધવો? બંધન કહું કે પ્રેમની સીમા! હરિત તને તો ખબર જ છે ને, મને બંધન જરા પણ ગમતાં નથી. એટલે જ હું બહુ સાજશૃંગારમાં માનતી નથી. જેવાં છીએ એવા જ થઈને રહેવું વધુ ગમે છે. તું પણ એ જાણે છે! નાની નાની વાતોમાં બંધિયાર ન’તું થવું, એના કરતાં વહેચાઈ જવું વધુ સારું.
મને હજી પણ યાદ છે તું હમેશાં કહેતો, “ ખંડિત થવા કરતાં વૃક્ષની જેમ ફેલાવું વધુ સારું.” ને હસતાહસતા કહે પાછો, “હું તારા આકાશમાં ફેલાયેલું એક વૃક્ષ છું. હવામાં તારે જ માટે વેરાયેલું એક ફૂલ છું, વાદળ રૂપી એક આકાર છું, એકાકાર છું. તારી ભીતરના અંધકારને ગ્રહી લેતો એક ઉજાસ છું. વધુને વધુ સુંદર સંબંધનો એક ચહેરો છું. એક ખૂણામાં સાથે જ રહેતો એક સાથ છું”
ગુંજી ઉઠેલું આ ઉર ને રેતીની જેમ સરકતો આ સમય જાણે મને જ બોલાવી રહ્યો હોય એમ પડઘાયા કરે છે અવાજો. જોરથી કાન પર હાથ મૂકી દઉં છું. ઊભી થાઉં છું, અરીસા સામે ઊભી રહું છું ને, હૃદય પર હાથ રાખી ને બોલું છું, 'અહીંજ હા, અહીં જ એક હરિતવર્ણ ઘર છે.'
-તું નથી પણ એક ખાલીપો છે
રોજ એને સંસ્મરણોથી ઉછેરું છું.



૧૫
લેખન :- નિષ્ઠા વછરાજાની nishthav05@gmail.com
શિર્ષક : પ્રેમનો પાંચમો રંગ - લાલ

શહેરની નામાંકિત કોલેજ સૅન્ટ ઝેવિયર્સમાં ભણતાં ઈવા, દલજીત, સુમિત ને ધારા આ ચારેયનું એક ગ્રુપ હતું. એ ચારેય જણાં હંમેશા કોઈપણ પ્રોજેક્ટ કે એક્ઝામની તૈયારી સાથે મળીને જ કરતાં. એમાં પણ ઈવા અને દલજીત તો એકબીજાને પસંદ કરતાં હતાં ને એમના પ્રેમની ચર્ચાએ આખી કોલેજમાં ચકચાર મચાવી હતી. તેમની વચ્ચેનો પ્રેમ સંબંધ આખી કોલેજના તેમના સહાધ્યાયીઓ ને પ્રોફેસસૅ વચ્ચે ચચૉનો 'હોટ ટોપિક' હતો.

ઈવા ને દલજીત વચ્ચેના રિલેશનને જાણવા છતાં, સુમિત મનોમન ઈવાને ચાહતો હતો. સુમિત જાણતો હતો કે ઈવા તો દલજીતને ચાહે છે, પણ એ પોતાના મનથી મજબૂર હતો. એના મનમાં ઊંડે ઊંડે આશા હતી કે કોઈક દિવસ ઈવા એની થઈ જશે ને એના પ્રેમના રંગમાં રંગાઈ જશે. આ વાત માટે એની પાસે તકૅ પણ હતા કે હું ને ઈવા બંને 'પટેલ' હોવાથી એક જ નાતના છીએ. વળી, ઈવા ને સુમિતના પરિવારો પણ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. જ્યારે દલજીત તો પંજાબી હતો. સુમિત એ સારી રીતે જાણતો હતો કે ઈવાને એના ઘરમાંથી દલજીત સાથે લગ્ન કરવાની પરમિશન ક્યારેય પણ મળશે નહીં. આ વાત ઈવા પણ જાણતી હતી, પણ એ 'દિલ તો પાગલ હૈ, દિલ દિવાના હૈ' કહીને વાતને હસી પોતાના ડરને છુપાવવાની કોશિશ કરતી. દલજીત ને સુમિત બંનેથી આ વાત અજાણી ન હતી.

ધીરે ધીરે નવરાત્રી નજીક આવી રહી હતી. આ વખતે, ગરબા રમવા કયા ગ્રાઉન્ડ પર જવું? એ નક્કી કરવા માટે ચારેય મિત્રોએ કેન્ટિનમાં મળવાનું નક્કી કર્યું. રિસેસ દરમ્યાન કેન્ટિનમાં બેસીને ઈવા, સુમિત ને ધારા દલજીતની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યાં જ દલજીત દોડતો આવ્યો ને એણે ઉત્સાહથી કહ્યું, " 'યુનાઈટેડ વે'ના પાસીસની વ્યવસ્થા થઈ ગઈ છે ને આ વખતે 'ગરબા ક્વિન' ફાલ્ગુની પાઠક આવવાની છે." આ સાંભળીને બધાં ઉત્સાહથી ઉછળી પડ્યાં.
આ બાજુ, ઈવાના ભાઈ ઈશાનને ક્યાંકથી સમાચાર મળ્યા કે ઈવાને તો દલજીત નામના કોઈ પંજાબી છોકરા સાથે પ્રેમસંબંધ છે. એ આજે એની સાથે 'યુનાઈટેડ વે' ના ગ્રાઉન્ડ પર ગરબામાં જવાની છે. આ સાંભળીને ઈશાન ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો ને એણે જાતે જઈને ખાતરી કરવાનું નક્કી કર્યું. એણે હાથમાં મોટું 'રામપુરી' ચાકુ લીધુંને ગુસ્સામાં સ્વગત બબડ્યો, 'જો આ વાત સાચી હોય તો ઈવા તું મરી, તેં આપણા કુળ કે ખાનદાનનો જરાપણ વિચાર ના કર્યો ને એક પંજાબી છોકરા જોડે પ્રેમ કર્યો? આ હું જરાપણ સાંખી નહીં શકું!' ને એ નીકળી પડ્યો ઈવાને શોધવા.

આ બધી વાતોથી બેખબર ઈવા તો તૈયાર થઈને ગરબા ગ્રાઉન્ડ પર પ્હોંચી ત્યાં દલજીત, સુમિત ને ધારા એની રાહ જોતાં હતાં. ઈવા ને દલજીતને વાતો કરવા માટે થોડી સ્પેસ મળે એ માટે સુમિત ને ધારા નાસ્તો લેવાને બહાને ત્યાંથી સરકી ગયા. એ લોકો નાસ્તો લઈને પાછા ફરતાં હતાં ત્યાં જ સુમિતની નજર ઈશાન પર પડી એ ગુસ્સા ને ખુન્નસથી ઈવા ને દલજીતની તરફ જોઈ રહ્યો હતો ને એના હાથમાં રામપુરી ચાકુ જોઈને સુમિતને તેનો ઈરાદો શું હોઈ શકે તે સમજતા વાર ન લાગી. એ પળનોય વિલંબ કર્યા વગર દોડતો ઈવા તરફ ભાગ્યો. ઈશાને ઈવાને મારવા માટે ચાકુના ૫-૬ ઘા મારી દીધા. એ ગુસ્સામાં ને ગુસ્સામાં રીતસર બરાડતો હતો, "સાલી, કમજાત તેં કુટુંબની આબરૂનો પણ વિચાર ના કર્યો."

પણ, આ શું? એ સ્તબ્ધ થઈ ગયો. ઈવાને બદલે કોઈ પુરુષની મરણતોલ ચીસો સંભળાઈ. એણે અવાચક થઈને જોયું તો ખ્યાલ આવ્યો કે ઈવાને બચાવવા સુમિત વચ્ચે આવી ગયો હતો ને એણે સુમિતને ચાકુના ઘા મારી દીધા હતા! ને ત્યાં જ લોહીનો ફુવારો ઉડ્યો ને અસહ્ય દર્દથી તરફડતો સુમિત ભોંય પર પટકાયો. એણે તરત જ ઈવા અને દલજીતને ત્યાંથી ભાગી જવા ઈશારો કર્યો. મરતાં મરતાં પણ એને વિચાર આવી ગયો કે 'મારા પ્રેમનો રંગ તો લાલ..'




૧૬
લેખન : હિમાંશુ hemhimanshu001@gmail.com
શિર્ષક : ગુગલી

કેમ બોલાવ્યો હશે? અક્કીના મનમાં મૂંઝવણ હતી. ખબર નહીં સર તરફથી કેવી ગુગલી આવશે? ગઈ વખતે દ્રોણ સરે બોલાવ્યો હતો ત્યારે પણ એનું જીવન બદલાઈ જ ગયું હતું. એમનું કહેવું માનીને જ તો લોકલ ટુર્નામેન્ટમાં, બેટિંગ અને બોલિંગ બંનેમાં અવ્વલ પ્રદર્શન કર્યું હોવા છતાં એણે જમણા અંગુઠામાં ઇજાનું બહાનું કાઢી, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી નામ પાછું ખેંચ્યું હતું. એ ટુર્નામેન્ટ પછી અર્જુન ટીમનો કપ્તાન બની ગયો અને એ આજે પણ ટીમમાં સ્થાન મેળવવા મથતો સ્ટ્રગલર હતો. જો કે એનો એને કંઈ જ રંજ નહોતો.પરંતુ ગઈ વખતે દ્રોણ સરે એને આવી રીતે બોલાવીને જે કહ્યું હતું એ સાંભળીને એના પગ નીચેથી જાણે ધરતી સરી ગઈ હતી. સાવ નો-બોલમાં રન આઉટ થયો હોય એવું લાગ્યું હતું. ત્યારે એને થયું હતું કે આના કરતા તો સરે અંગૂઠો જ માંગી લીધો હોત તો સારું હતું. તેમ છતાં અંતરની વેદના અંતરમાં જ દફનાવીને સરની પુત્રી વિદ્યાના અર્જુન સાથેના લગ્નમાં ઉલટભેર ભાગ લીધો હતો. એટલું જ નહી પરંતુ બધાને પ્રેમથી રસગુલ્લા પણ ખવડાવેલા. એ ગળ્યા મોઢે ને રડતા હ્રદયે વિદ્યાને અર્જુનની થતાં જોઈ રહેલો. આવતી કાલે સીલેકશન હતું અને આજે દ્રોણ સરે એને બોલાવ્યો હતો. તેના માટે ટીમમાં સ્થાન મેળવવું બહુ જ અગત્યનું હતું. એને જોઈને દ્રોણ સર નજીક આવ્યા અને ભેટ્યા. સ્કોચની મીઠી ગંધથી પણ એને ઊબકા જેવું થઈ આવ્યું.
"બેટા! આવતી કાલે સિલેક્શન છે એ ખબર છે ને?"
"હા સર! શું મારે ફરી ઇજાગ્રસ્ત બની ટીમમાંથી બહાર થવાનું છે" એ કડવાશ છુપાવી ના શક્યો.
" અરે! હોતું હશે બેટા! તારા જેવો ઓલ રાઉન્ડર તો ક્યાંય મળે એમ નથી. અને હું જો તારી સાથે હોઉં તો કોઈની તાકાત નથી કે તને ટીમમાં સ્થાન ના આપે. તું ટીમમાં સ્થાન પણ મેળવીશ અને વાઈસ કેપ્ટન પણ બનીશ" સર હસ્યા અને અક્કીનો જમણો હાથ પકડી તેનો અંગૂઠો ચૂમ્યો. બંને હાથે તેનો હાથ દબાવ્યો અને લાઈટ બંધ કરી.