Salute to the sincere heroic soldiers of the society in Gujarati Motivational Stories by Milan Mehta books and stories PDF | સમાજના નિષ્ઠાવાન વીર જવાનોને વંદન..

Featured Books
Categories
Share

સમાજના નિષ્ઠાવાન વીર જવાનોને વંદન..


આજે આપણે ઘરમાં શાંતિથી સૂતા છીએ તેનું કારણ એ છે કે દેશભક્તિથી રંગાયેલા વીર જવાનો દેશના સીમાડા સાચવીને બેઠા છે અને સીમાડાની અંદર જે – તે રાજ્યના પોલીસના જવાનો આપણાં સૌનાં રક્ષણ કાજે હર હમેશાં તૈયાર જ હોય છે. હા,આજે મારે તમને વાત કરવી છે પોલીસના જવાનો વિશે.જેનું સૂત્ર જ સેવા – સુરક્ષા – શાંતિ છે.


પહેલાં ફિજીકલ પરીક્ષા અને પછી લેખિત પરિક્ષામાંથી પાસ થવું પડે છે અને ત્યાર બાદ પોતાના વતન થી દૂર દિવસ કે રાત જોયા વગર જ આ લોકો હુલ્લડ - કોમી રમખાણો – ચુંટણી બંદોબસ્ત – ગરીબ કલ્યાણ મેળા – વીવીઆઇપી સુરક્ષા – કોઈ મંત્રી આવવાના હોય – કોઈ પરિક્ષા હોય- ધાર્મિક તહેવાના બંદોબસ્ત – કડકડતી ઠંડી હોય – ધોધમાર વરસાદ હોય કે પછી કોરોના જેવી મહામારીમાં ભરબપોરે ઉનાળાની કાળજાળ ગરમીમાં રસ્તાની વચ્ચે ફરજ બજાવતાં વીર જવાનો માટે તો લખવું એ મારા માટે ગૌરવની ક્ષણ છે.


આપણે ત્યાં પોલીસના જવાનો વિશે ખૂબ જ અયોગ્ય ગેરમાન્યતા થઈ ગઈ છે.કે પોલીસને આવકના બીજા ઘણા સોર્સ છે. ખરેખર આપણે આવું ના જ બોલવું જોઈએ. કારણ કે આપણે જ્યારે વાત કરતાં હોઈએ છીએ ત્યારે સમગ્ર પોલીસ પરિવારને સંબોધીને વાત કરતાં હોઈએ છીએ.હા,આજે આપણે એવું જ વિચારીશું કે બે વ્યક્તિને હું ઓળખું છું અને તે અયોગ્ય કમાઈ છે તો હું એ લોકોને આજે એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ જ્ઞાતિમાં કે પરિવારમાં બે – પાંચ ખરાબ કે ખોટા હોય તો સમગ્ર જ્ઞાતિને તમે ખરાબ ના જ કહી શકો.બેલડાના બે ભાઈઓમાંથી એક ખોટું કામ કરે તો બીજાને તમે ખોટો ના કહી શકો.હું આજે કેટલાય નવયુવાન કે જે પોલીસમાં ફરજ બજાવે છે તેમાંથી અમુક નવયુવાનોના સારી રીતે પરિચયમાં છું.જે કોઈ ચાની દુકાન કે લારી પર ચા પણ ફ્રીમાં નથી પીતા અને હું પોલીસમાં ફરજ બજાવું છું તેવું પણ ક્યારેય ક્યાંય નથી કહેતા. તેવા જ મારા મિત્ર અજયભાઈ ઉપાધ્યાય કે જો ચા ની દુકાનવાળા ભાઈ પૈસા ન લે તો બીજીવાર ત્યાં ક્યારેય ચા નથી જ પીતા અને તેઓ હંમેશાં મને કહે છે કે “કુદરતે ઘણું બધુ આપ્યું છે શું કામ કોઇની મહેનતની ચા પણ મફત પીવી જોઈએ."વિક્રમ વાઘેલા કોઈ ફરિયાદી તેની પાસે આવે તો નિરાતે સાંભળે અને સમજે અને જો કદાચ ફરિયાદી પાસે પૈસા ન હોય તો અને ગરીબ પરિવારનો જણાય તો પોતાના ઘરના પૈસાનું જમાડી પણ દે. વિપુલભાઈ શિયાળ રસ્તા પર બેઠેલા અને નાસ્તાની લારી ચલાવતા ભાઈઓ પાસેથી વસ્તું ખરીદીને લારીવાળા ભાઇઓના છોકરાને ખવડાવતાં મેં જોયા છે. કોરોનાની મહામારીમાં મેડિકલ સ્ટાફ પછી કોઈએ આટલી સઘળી જવાબદારી સાથે કામ કર્યું હોય તો તે પોલીસના જવાનોએ છે. અને આ લોકો કોઈપણ સમય જોયા વગર કે ઋતુ જોયા વગર પોતાની ફરજ આટલી નિષ્ઠાથી અદા કરી રહ્યાં છે અને તે પણ રવિવારની રજા વગર. તહેવારમાં બધાને તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવી હોય છે પણ આ લોકોને આ દિવસોમાં જવાબદારી વધી જાય છે અને આપણાં માટે તે એક પણ તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતાં નથી. તો શું તે લોકોને પોતાનો પરિવાર કે બાળકો નથી ? શું તે લોકોને તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે નહીં કરવી હોય ?બીજી સરકારી કચેરીમાં સાંજે 6.15 પછી જે આપણને જવાબ મળે છે તેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ જ ને?


ક્યારેય એવું બન્યું છે કે એક પણ પોલીસ સ્ટેશન બંધ હોય ! મેં એવું પણ જોયું છે કે પોલીસનો વિરોધ કરતાં વ્યક્તિઓનું પોલીસ જ ખુદ રક્ષણ કરતી હોય. આપણે જાણતા કે અજાણતા આ લોકો વિશે આ બોલીએ છીએ જે ખરેખર અયોગ્ય છે.કેટલાય નવયુવાનો પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે અને જરૂર પડે પોતાનું બલિદાન પણ આપતાં સહેજ પણ અચકાતાં નથી તેવા પોલીસમાં ફરજ બજાવતા વીર જવાનોને વંદન અને આવા નિષ્ઠાવાન જવાનોને જન્મ આપનાર તેમના માતા-પિતાને કોટિ કોટિ વંદન.

- મિલન મહેતા - બુ ઢ ણા
98243 50942