અનુ ટીચર , અનુ ટીચર એટલે એવા ટીચર કે જેની હરેક શાળાને જરૂર હોય હરેક બાળક નો અધિકાર હોય અનુ ટીચર જેવા ટીચર મેળવવાનો . જેમના પીરીયડની બાળકો આતુરતાથી રાહ જોઈને બેઠેલા હોય . પંચતંત્રની વાર્તા કહે તો વર્ગખંડમાં વન લાવે ગુજરાતી પાઠ્ય પુસ્તક માંથી પાઠ ભણાવે તો આંખમાં આંસુ લાવી બતાવે . બાળક તોફાન કરે તોય એને પ્રેમ જ મળે અને એ પ્રેમની મીઠાશથી કુમળા છોડ જેવા બાળકો પરિવર્તન પામે . બાળકો મોટા થઈ શાળા માંથી નીકળે પણ અનુ ટીચર એમના હ્રદય માંથી ક્યારેય ન નીકળે .
આ વખતે છઠ્ઠા ધોરણમાં એક નવો છોકરો આવેલો એનું નામ રાજેશ પણ બધા એને રાજુ જ કહે . રાજુ એટલે અજબ તોફાની છોકરો . ટીખળ મસ્તી કરે આજુબાજુ બેસેલા બાળકોને હેરાન કરી મુકે . કોઈ શિક્ષક ને શાંતિથી પીરીયડ પૂરો ન કરવા દે . મહીના ભરમાં તો કોઈ શિક્ષક એવા નહીં હોય કે એને રાજુ પર હાથ ન ઉપાડ્યો હોય કોઈ બાળકો પણ એને બહુ બોલાવે નહીં . એને પણ જાણે દુનિયા સામે બળવો માંડ્યો હોય તેમ પાછો વળે નહીં ને રીઢા ગુનેગાર જેવું વર્તન કરે . ભણવાનું નામ નહીં તોય પચાસ-પંચાવન ટકા લાવી પાસ થાય .
અનુ ટીચર રાજુ માટે સતત ચિંતીત રહેતા . રાજુ ને વાળવાની કોશીશ કરે પણ રાજુ ન સુધરે નહીં . અનુ ટીચર ને રાજુના આવા વર્તન પાછળનુ કારણ ન સમજાતું . એક દિવસ અનુ ટિચરે રાજુના પપ્પાને શાળાએ બોલાવ્યા . રાજુના પપ્પા ડરતા ડરતા શાળાએ આવ્યા આવતા વેંત એમને કહ્યું " મેડમ રાજુએ કંઈ મોટું તોફાન કર્યું ? હું એને બરાબર સીધો કરીશ બહુ મારીશ પણ તમે એને શાળા માંથી ના કાઢતાં હો..." આટલું કહેતા એમના ગળે ડૂમો બાજી ગ્યો આગળ કંઈ બોલાય એવું રહ્યું નહીં . અનુ ટીચરે કહ્યું " અરે ના ના રાજુએ કંઈ નથી કર્યું , થોડો તોફાની છે પણ એતો બાળક હોય જ ને " આટલું સાંભળતા રાજુના પપ્પાને હૈયે થોડી હાશ થઈ . અનુ ટીચરે કહ્યું " મેં તમને એમ જ મળવા બોલાવ્યા છે , તમે શું કરો છો ? રાજુના મમ્મી શું કરે છે ? રાજુને શું ગમે છે એ ઘરે કેવું વર્તન કરે છે ..? " રાજુના પપ્પાએ કહ્યું " મેડમ હું તો મીલ મજૂર છું અને રાજુ સાત વર્ષનો હતો ત્યારે એના મમ્મી નું દેહાંત થયેલું મારે નોકરીએ રેવાનુ અને મા પણ નહીં એટલે રાજુ બગડ્યો છે સગા વ્હાલા તો પારકા છોકરાને કેવું રાખે..? " આટલી વાતમાં અનુ ટીચર બધું સમજી ગયા કે કેમ રાજુ આવું વર્તન કરે છે...અનુ ટિચરે એના પપ્પાને સાંત્વના આપી કે "બાળકો તો આવા જ હોય તમારે એની જરાય ચિંતા નહીં કરવાની..કેટલો ઉત્સાહી છોકરો છે એ બધું સરસ કરશે.." આજે પેલી વાર રાજુના પપ્પાએ રાજુ માટે કંઈ સારું સાંભળ્યું બાકી તો એમને રાજુની ફરિયાદ જ સાંભળેલી... આંખના ભીના ખુણા સાથે રાજુના પપ્પાએ અનુ ટીચર પાસેથી રજા લીધી...
રાત્રે અનુ ટિચરને નિંદર ન આવી એમના મગજમાં રાજુ જ ફરતો હતો . એમને રહી રહીને વીચાર આવતો કે જે ઉંમરમાં એને મા ની સૌથી વધુ જરૂર હતી એ ઉમરમાં એને માનો પ્રેમ કે ઠપકો કંઈ ન મળ્યા અને દુનિયાની ઠપકો આપવાની રીત તો બહું કઠોર હોય . આ વીચારો વારે ઘડીએ અનુ ટિચરની આંખના ખૂણા ભીના કરી દેતા હતા .
આમ જ થોડો સમય નીકળ્યો ને એક દિવસ રાજુ કોઈ બાળક સાથે ઝઘડી પડ્યો . જોગાનુજોગ એ બાળક અનુ ટિચરનો દિકરો અમન હતો . રાજુએ અમનને પત્થરો મારી દીધેલો . રાજુ માર ખાવા માટે તૈયાર જ હતો એને જરા પણ ડર કે અફસોસ ન્હોતો . અનુ ટીચર આવ્યા ત્યાં સુધી કારકુન કાકાએ અમનને પટી બાંધી દીધી હતી . અનુ ટિચરે અમનને કહ્યું બેટા બહું દુખતું નથી ને હમણાં મટી જશે હો . રાજુ બાજુમાં ઉભો રાહ જ જોતો હતો કે ક્યારે મેમ આવે એને સજા મળે . અનુ ટીચર રાજુની નજીક આવ્યા અને બધાના આશ્ચર્ય વચ્ચે એમને રાજુના માથા પર હાથ ફેરવી કહ્યું બેટા તને પણ ક્યાંય વાગ્યું નથી ને ? અરે તારો પણ ગોઠણ છોલાયો છે ચાલ ડેટોલ લગાવી લે... અને બન્ને એકબીજા સાથે હાથ મીલાવો હવેથી આપણે ફ્રેન્ડસ , ઝઘડવાનુ નહીં હો...અમને તરત મમ્મીનું કહ્યું માની હાથ મીલાવ્યો . રાજુ માટે કોઈનું આવું વર્તન નવીન હતું . એ એકલો બાથરૂમમાં જઈ ખુબ રળ્યો આજે પહેલી વાર એને કોઈને દુખ પહોંચાડ્યા નો અફસોસ થતો હતો આજે એને કોઈના ખોળે માથું રાખી રડવું હતું પણ શું કરે એ ખોળો તો એને મળેલો જ નહીં .
રાજુને અમન માટે કંઈ કરવું હતું એને સોરી કહેવું હતું પણ એ બોલી ન શક્યો એને કોઈ સાથે પ્રેમથી વાત કરવાનો મહાવરો જ ન્હોતો ને . બીજા દિવસે રાજુ પોતાના બચાવેલા પૈસા માંથી અમન માટે દસ રૂપિયાની કેડબરી લઈ આવ્યો . એ દસ રૂપિયા એટલે રાજુના દસ દિવસની ખીચ્ચાખર્ચી . રાજુએ અમનને કેડબરી આપી અમન દોડતો આવ્યો મમ્મી અનુ ટીચર પાસે . અનુ ટીચરે રાજુને બોલાવ્યો અમન અને રાજુ બન્નેને અડધી અડધી કેડબરી આપી . બંન્ને હવે મિત્રો બની ગયા...
અનુ ટીચર જાણી જોઈને રાજુને રમવા ઘરે બોલાવે અને અમનથી પણ વધારે પ્રેમે ભીંજવી દે એને નવું નવું જમાડે ભણાવે બધું જ ત્યાં થતું જાણે ઈશ્વર રાજુના ભાગનો પ્રેમ એને પાછો આપવા ન બેઠો હોય.... જોત જોતાંમાં રાજુ સાવ બદલાઈ ગયો હવે હરેક શિક્ષકને એ વ્હાલો લાગતો એ કોઈને હેરાન નથી કરતો જે બાળકો એનાથી દુર રહેતા એ બધા હવે એની સાથે રમે છે . માંડ માંડ પાસ થતો એ છોકરો એંશી-પંચ્યાશી ટકા લાવવા મંડ્યો . રાજુના પપ્પાએ ક્યારેય વીચારેલુ નહીં કે કોઈ દિવસ આવું કંઈ જોવા મળશે એ તો અનુ ટીચરને કોઈ દેવદૂત જ માનતા .
હવે રાજુને આ શાળામાં બે વર્ષ નીકળી ગયા છે . અમન અને રાજુ બંન્ને આઠમા ધોરણમાં છે . આજે વર્ગમાં એક પ્રવૃત્તિ ચાલી રહી છે . બધાએ બ્લેક બોર્ડ પર પોતાના રોલ મોડલ ના નામ લખવાના છે કે તેમને જેમના જેવું બનવું છે . બધા અલગ અલગ નામો લખી રહ્યાં છે કોઈ સચિન તેંડુલકર કોઈ નીકોલા ટેસ્લા કોઈ મેજર ધ્યાન ચંદ... અમનનો વારો આવ્યો એને લખ્યું સ્વામી વિવેકાનંદ છેલ્લે રાજુ ઉભો થયો અને એને બ્લેક બોર્ડની બરાબર વચ્ચે મોટા અક્ષરોમાં લખ્યું *અનુ ટીચર*