જીસ્મ કે લાખો રંગ’
અંતિમ પ્રકરણ- સોળમું/૧૬
કોલ રીસીવ કરતાં પહેલાં કામિની બોલી...
‘મોબાઈલ સ્પીકર કોલ પર રાખ.’
‘હેલ્લો... અંકલ..’
‘નીલિમા પેલી ડાયમંડ રીંગ વાળી વાત તને કેમ ખબર પડી ? અને જો આરુષી આવું કોઈ પગલું ભરવાની છે એવી ખબર હતી તો..અમારાંથી આવડી મોટી વાત શા માટે છુપાવી ? અને આ દેવ કોણ છે ? આ બધું શું ચાલી રહ્યું છે ?
આખી જિંદગી એક આરુષીનો બાપ તો બની ન શક્યો અને અત્યારે બીજાનો બાપ બનવાની કોશિષ કરી રૂઆબ કરતાં વિક્રમ પર ગુસ્સો આવતાં લાલચોળ થયેલી કામિનીનો પિત્તો ઊછળ્યો એટલે નીલિમાનો ફોન હાથમાં લેતા બોલી..
‘કામિની બોલું છું.... એક મિનીટ અંકલ સૌ પહેલાં મને તમારાં સિક્યોરીટી ગાર્ડ સાથે વાત કરાવો...પછી તમને તમારાં બધાં સવાલના જવાબ મળી જશે.’
‘અરે...પણ આ વાત અને મારા સિક્યોરીટી ગાર્ડને શું લેવા દેવા ?
‘એટલા માટે કે કોણે શું છુપાવ્યું અને શું ચાલી રહ્યું છે એ તમને ખબર પડે એટલા માટે અને આરુષીના મમ્મીને પણ જોઈન કરી સ્પીકર ઓન રાખજો.’
દાંત કચકચવાતા કામિનીએ જવાબ આપ્યો..
‘અચ્છા હું કરું કોલ બે મીનીટમાં ? અચરજ સાથે વિક્રમે કોલ કટ કર્યાના થોડીવાર પછી ફરી કોલ જોડ્યો એટલે કામિનીએ કોલ રીસીવ કરતાં વિક્રમ બોલ્યો..
‘સ્પીકર ઓન છે, અને સિક્યોરીટી ગાર્ડ અને રોમીલા બન્ને મારી સાથે છે... હવે બોલ.’ ફરી તેનો રૂઆબ છંટતા વિક્રમ બોલ્યો..
‘હા, સિક્યોરીટી ગાર્ડને પૂછો કે, ગઈકાલે રાત્રે આરુષી તમને મળવા આવી હતી એ વાત કોના કહેવાથી છુપાવી છે ? અને એ વાત જાણવાની આપણા કરતાં પોલિસને વધુ ઈચ્છા છે.’
આટલું સાંભળતા સિક્યોરીટી ગાર્ડ અને રોમીલાના પરસેવા સાથે છક્કા છુટી ગયા.
ચુપકીદી છવાઈ જતાં કામિની બોલી...
‘અંકલ, અમે તો દરેક જવાબથી વાકેફ છીએ. પણ વર્ષો પહેલાં આ વાત જાણવાની તમે જહેમત ઉઠાવી હોત તો...કદાચ આજે આરુષી જીવતી હોત... સમજી ગયાં ? ’
એમ કહી મનોમન ગાળ બોલી કામિની એ કોલ કટ કર્યો..
થોડા સમય માટે રૂમમાં ચુપકીદી છવાઈ ગઈ.
કોઈપણ હદનું પરિણામ દેવ માનસિક રીતે સ્વીકારી ચુક્યો હતો. પણ.. જયારે નીલિમાએ આખરી ભેદ પરથી પડદો ઉચક્યો.....એ પછી તો.. પારાવાર પશ્ચાતાપના પ્રચંડ પૂરમાં ત્રણેય કયાંય સુધી રડતાં અને તણાતાં રહ્યાં..
હવે નીલિમાએ આરુષી સાથેના અંતિમ સંવાદના સિલસિલાનો આરંભ કર્યો..
‘આરુષીએ જયારે મને પહેલો કોલ કર્યો ત્યારે.. કહ્યું હતું કે, તે તેના ડેડને સરપ્રાઈઝ આપવા તેમના બંગલે જઈ રહી છે... રીટર્નમાં આવી કોલ કરીશે.’
‘હું તેની ખુશીથી ખુબ રોમાંચિત હતી... હવે ઊંઘ આવવાનો સવાલ જ નહતો... હું તેના કોલની પ્રતીક્ષા કરતાં એક નોલેવ વાંચતા બેસી રહી...પણ છેક ત્રણ વાગ્યાં છતાં આરુષીનો કોલ ન આવતાં મને થયું કે તે થાકીને સુઈ ગઈ હશે...એટલે હું પણ લાઈટ ઓફ કરી બેડ પર આડી પડી.. દિવસભરના થાકના કારણે હું પણ નિદ્રામાં સરી ગઈ...
અચાનક.... મોબાઈલની રીંગ રણકી.. અને હું ઝબકીને જાગી ગઈ... સમય જોયો..
રાત્રીના ત્રણ અને પંદર મીનીટ...
ઊંઘમાં જ બંધ આંખોએ બોલી..
‘હા, બોલ આરુષી..’
સામે છેડેથી કોઈ રીપ્લાઈ ન આવ્યો... એટલે હું ફરી બોલી..
‘હેલ્લો....’
કોઈ જ પ્રત્યુતર નહીં....
‘હેલ્લો.... હેલ્લો.... આરુષી... હેલ્લો...’
‘હા...બોલ..’ સામા છેડેથી ધીમા અવાજમાં આરુષી બોલી ..
‘અરે... ક્યાં છે તું ? કેમ બોલતી નથી ? શું થયું ? મેં પૂછ્યું
‘ક્યાં છું ? એ જ નથી ખબર નીલિમા.’
આ સાંભળીને મને થયું કે, આ આરુષી બોલે છે કોઈ બીજું ? એટલે મેં ફરી પૂછ્યું..
‘આરુષી...આ શું બોલે છે તું ? તું તારા પપ્પાના ઘરે ગઈ હતી.. પપ્પાને વાત કરી ? શું કીધું તેમણે ?
‘ત્યાંથી તો રીટર્ન આવી તેને બે કલાક થઇ ગયા.. પપ્પા નથી.. આઉટ ઓફ ઇન્ડિયા છે. અને આજ સુધી મને જયારે ખરેખર તેમની જરૂર હોય ત્યારે એ મને ક્યાં મળ્યા છે ?... અને આજે તો ન મળ્યા એ પણ સારું જ થયું.’
આરુષીના શબ્દો અને સ્વરના તૂટતા તાલમેલના કારણે મારા માનસપટલ પર રહસ્યમય ચિત્ર ખડું થતાં સંવાદોનો અર્થ સમજવામાં હું અસર્થ હતી. એટલે મેં પૂછ્યું..
‘આરુષી..આ શું ગોળ ગોળ વાતો કરે છે ? કંઇક સમજાય એવું બોલને શું થયું ?’
‘અને કેમ આટલી ઢીલી છે ? કંઇ થયું ?’
‘થોડીવાર પહેલાં તો કેવી મસ્તીના મૂડમાં હતી ? અને અચાનક શું થઇ ગયું ?’
‘પળમાં જ પ્રારબ્ધ પલટી મારે... આજ સુધી હું એ વ્હેમમાં હતી કે, મેં બહુ દુનિયા જોઈ લીધી પણ...આજે જોયું એ...’
થોડીવાર ચુપ રહ્યાં બાદ... આરુષી આગળ બોલી..
‘અચ્છા એક વાત સાંભળ...તારે મારું એક કામ કરવાનું છે. હું એક કવર મારી સોસાયટીના સિક્યોરીટી ગાર્ડને આપુ છું.. તે કવર પર તારો મોબાઈલ નંબર લખેલો છે.. એ તું લઇ લે જે.’
અચંબિત થઈ નીલિમાએ પૂછ્યું..
‘પણ... સિક્યોરીટી ગાર્ડને કેમ ? તું ક્યાંય જાય છે.. ?
‘એટલા માટે કે તું આવીશ ત્યારે હું નહીં હોઉં. બાકી વિગત કવરમાં લખી છે.’
આરુષી બોલી..
એક અરસાથી આરુષી સાથે જોડાયેલી નીલિમાને આજે પહેલી વાર કંઇક અલગ આરુષીનો અહેસાસ થઇ રહ્યો હતો..આરુષી જે હદે અપસેટ હતી તે નીલિમા માટે માનવું અશકય હતું. છતાં નક્કી કંઇક અઘટિત બન્યું છે, યા બનવા જઈ રહ્યું છે એવો ધ્રાસકો પડ્યાં પછી...
ગર્ભિત વાર્તાલાપનું અનુમાન આંકતા નીલિમાને ભાસ થયો કે કોઈ ગંભીર અણબનાવ સંકેત મળી રહ્યાં છે... હવે પળનો પણ વિચાર કર્યા વગર અત્યારે જ આરુષી પાસે પહોંચી જવું જ યોગ્ય રહેશે..
એટલે સ્હેજ ગભરાતાં બોલી
‘એએ....એક મીનીટ આરુષી... હું..હું.. જસ્ટ હમણાં જ આવું છું.. તારા ફ્લેટ પર.. પ્લીઝ.. વેઇટ.’
‘વેઇટ....વેઇટ...વેઇટ...જ કરી નીલિમા મેં...પૂરી જિંદગી સૌની વેઇટ જ કરી.... પણ હવે લાગે છે કે.. વેઇટ કરવામાં પણ મેં વેઠ જ ઉતારી. મને વેઇટ કરતાં પણ નથી આવડતું. હે.... નીલિમા... વેઇટીંગની એક્સપાયર ડેટ ન હોય ?
વાક્ય પૂરું થતાં સુધીમાં આરુષીનો સ્વર ગળગળો થઇ ગયો..
‘પ્લીઝ આરુષી.. સ્ટોપ ધીઝ ઓલ નોનસેન્સ ટોક. હું નીકળું છું.’
એક પણ પળનો વ્યય કર્યા વગર ફોન બેડ પર મૂકી.. ફટાફટ ફેશ થઇ ચેન્જ કરી, કારની કી શોધવાં લાગી.. પછી યાદ આવ્યું કે, કાર તો ગઈકાલે સાંજે સર્વિસ સ્ટેશનમાં મૂકી આવી છે. ઝડપથી મોબાઈલ લઈ કાર રેન્ટ માટેની પ્રોસેસ કરી..
લીફ્ટમાં એન્ટર થઈ..ગ્રાઉન્ડ ફ્લોર પર આવતાં ટેક્ષી ચાલકનો કોલ આવ્યો..
‘મેડમ, મને પહોંચતા દસથી પંદર મિનીટ લાગશે.’
સમય હતો વહેલી સવારના સવા ચાર વાગ્યાનો... ને રાહ જોયા સિવાય મારી કોઈ ઉપાય પણ નહતો..
એક એક ક્ષણ સદીઓ જેવી લાગતી હતી... ફરી કોલ લગાવ્યો આરુષીને પણ...
જવાબ આરુષીએ નહીં પણ ઓટો અન્સરીંગ વોઈસ મેસેજે આપ્યો...
‘આઉટ ઓફ નેટવર્ક કવરેજ.’ ફરી.. ફરી... ફરીને... સતત પ્રયત્ન કર્યા પણ... એ એક જ ઉત્તર...
હવે નીલિમા સ્વનું સંતુલન ગુમાવી બેઠી...રડમસ ચહેરા સાથે હાથ પગ ધ્રુજવા લાગ્યા... ત્યાં જ કાર આવતાં ઝડપથી બેક સીટ પર ગોઠવાતાં બોલી..
‘પ્લીઝ ફાસ્ટ.’
ટેક્ષી ચાલકે સાવધાની અને સુરક્ષિત રીતે મહત્તમ સ્પીડમાં ડ્રાઈવ કરવાં છતાં આરુષીની સોસાયટીના ગેઈટ સુધી પહોંચતા પિસ્તાળીસ મિનીટ જેવો સમય નીકળી ગયો..
અનિયંત્રિત ધબકારા સાથે સોસાયટીમાં એન્ટર થતાં સિક્યોરીટી ગાર્ડે સુરક્ષાની ગાઈડ લાઈન મુજબ પૂછપરછ કરતાં પૂછ્યું કે,
‘આપકા નામ નીલિમા બક્ષી હૈ..?
‘હાં....કયું ?
એટલે તેની કેબીનમાં પડેલાં ડ્રોઅર માંથી એક કવર કાઢતાં નીલિમાના હાથમાં આપતાં બોલ્યો..
‘ઇસ કવર પે લિખા હુઆ મોબાઈલ નંબર આપકા હૈ ?
‘હાં.. હાં... પર યે આપ કો કબ દિયા ? ગભરાહટમાં નીલિમાએ પૂછ્યું
‘જી, આધે ઘંટે પહેલે.. આરુષી મેડમ દે કે એક ટેક્ષી મેં નિકલ ગઈ.. ઔર યે ઉનકે ફ્લેટ કી ચાબી ભી આપ કો દેની હૈ ઐસા બોલા થા.’
‘ફ્લેટ કી ચાબી ? પર વો કીસ તરફ ગઈ ?
હવે છુપા શત્રુ જેવો ડરનો દૈત્ય તર્ક-વિતર્કના બાણ છોડીને નીલિમાના દિમાગની વિચારશક્તિને ક્ષ્રીણ કરી રહ્યો હતો.
‘જી.. વો તો પતા નહીં, પર મુઝે ઐસા લગા કી ટેન્શન મેં થી... કુછ હુઆ હૈ કયા ?
સિક્યોરીટી ગાર્ડે પૂછ્યું...
‘ જી.. શાયદ..’
આટલું બોલ્યાં બાદ એક સેકંડ પણ ત્યાં થોભ્યા વગર ફરી એ જ ટેક્ષીમાં બેસી જ્યાં જ્યાં આરુષીના હાજરીની શક્યતા હતી ત્યાં ત્યાં નીલિમા આંધળાની માફક ટેક્ષી દોડાવી....બે-ચાર કોલ્સ પણ કર્યા પણ.... પરિણામ શૂન્ય..અંતે ધીરજ ખૂટતા નીલીમાનો અશ્રુબંધ તૂટી ગયો.
થકી હારી બે કલાક પછી પોતાના ફ્લેટ પર આવી બેડ પર પડતાં જ ચિત્કાર સાથે એક ચીસ નીકળી ગઈ..
કંઇક અમંગળ અણબનાવના ચિત્ર-વિચિત્ર વિચારો લાચાર નીલિમાના ટોળે વળી ગયા. પળે પળે ઘુંટાતા ગૂઢ રહસ્યના મૂઢ મારથી દિમાગ સૂન પડી ગયું.
થોડીવાર પછી... પર્સમાંથી સિક્યોરીટી ગાર્ડએ આપેલું આરુષીનું કવર કાઢી તેમાં મૂકેલાં ત્રણ અલગ અલગ પત્રો જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ....ધબકારાની ગતિ તેજ થઇ અને શ્વાસ રૂંધાવા લાગ્યો....પરસેવે રેબઝેબ થઇ ગઈ....ગળું સુકાવા લાગ્યું... હાથ ધ્રુજવા લાગ્યાં... હજુ બે પત્રો પુરા કરે એ પહેલાં...ન્યુઝ એલર્ટ એપના નોટીફિકેશ્ન્સ મોબાઈલ સ્ક્રીન પર ધડાધડ આવવાં લાગતાં જોયું ત્યાં તો....મોબાઈલ સાથે નીલિમા પણ પડી ગઈ...
આરુષીના મૃતદેહની તસ્વીરો સાથેની બ્રેકીંગ ન્યુઝની હેડલાઈન હતી...
‘થોડીવાર પહેલાં મુંબઈ મરીન લાઈન્સના દરિયા કિનારે મળી આવી એક જુવાન યુવતીની લાશ...’
એ પછી આરુષીએ તેના પત્રોમાં ટપકાવેલી ભારોભાર વ્યથા,વેદનાનું વૃતાંત, વ્યથિત નીલિમાએ તેની વાચા દ્વારા એક એક શબ્દમાં નિરૂપણ કર્યા પછી...એ સણસણતા શબ્દતીર દેવ અને કામિનીને ખુંચતા બન્નેનું સમગ્ર અસ્તિત્વ ઘાયલ અને કાયલ થઇ ગયુ...
ત્રણેયની આસપાસ એક વિરાટ સન્નટાની સુનામી છવાઈ ગઈ..
શૂળ ભોંકાયા સરીખું આત્મપીડન, પહાડ જેવડું પશ્ચાતાપ, સીમાંત વિનાના સંતાપ જેવા પરિતાપનો નીલિમા, દેવ અને કામિની ભોગ બન્યા હતા.
ચિતાની અગ્નિમાં સળગતા પહેલાં તેના ચિત્તદાહને દઝાડતી અંતિમ છતાં અંનત એષણાના સદમાને આરુષી એક એક શબ્દોમાં એ રીતે અંકિત કરતી ગઈ હતી જાણે કે, એ પત્રો હવે શોક સંદેશાનો સર્વોત્તમ શિલાલેખ બની ગયા.
એ પત્રોના શબ્દે શબ્દમાંથી ટપકતી આરુષીની અધુરી અભિલાષા વાંચતા વાંચતા દેવ અને કામિનીને અરેરાટી સાથે કંપારી છુટી ગઈ...
આરુષીનો પ્રથમ પત્ર...જે દેવને સંબોધીને લખ્યો હતો..
દેવ... આ પૂર્ણવિરામ નથી, પણ આઆ....આ તો આપણા વચ્ચે પ્રથમ મિલન પછીના અલ્પવિરામ જેવું છે, મને લાગ્યું કે, હજુ હું તારા પરિચયને પરિપૂર્ણ રીતે સમજવા માટે પરિપક્વ નથી. કોઈ રંજ નથી બસ જરા રિસાઈ ગઈ છું.... એટલે છુપાઈ ગઈ છું... હે, દેવ...મને રિસાઈ જવાનો હક્ક તો છે ને ? ખુદ કરતાં તારા પર વધુ ખાતરી.... ના ખાતરી નહીં.... શ્રધ્ધા છે કે તું મને શોધી જ લઈશ.
એ.. દેવ.. તને ખબર છે.. આજે મને સૌથી વધુ શું યાદ આવે છે ? કહું
તને મળ્યા પહેલાં હું દેવમાં નહતી માનતી... અને છેલ્લી મુલાકાત સુધીમાં..દેવને મળ્યા વગર નહતી માનતી... અને આજે.. એ જ દેવને માન્યા છતાં મળ્યાં વગર...મરવા.....
અને પહેલી મુલાકાતમાં તું આરુષીને મળ્યો... પણ છેલ્લી મુલાકાતમાં તને આરુષીનો અર્થ જ સમજાયો...
દેવ.....હું દુઃખથી એટલી ટેવાઈ ગઈ હતી કે દુઃખ મારા નામથી દુઃખી થઇ જતું....મેં જિંદગીમાં દુઃખને હરાવ્યું નહતું પણ રડાવ્યું હતું...
પપપપપણ...આજે આરુષીનું સ્વાર્થીપણું તેના માટે ઘાતકી સાબિત થયું તેનો ફાયદો દુઃખ એ ઉઠાવ્યો....અને...અને.. મારો સ્વાર્થ એટલો જ દેવ કે,... હું તારો પડછાયો પણ કોઈને શેર ન કરવા દઉં..અને તું.... બસ... અહીં જ દુઃખ બાજી જીતી ગયું....
‘સાચું કહું તો હું જ મૂરખ..... આટલી નાની વાત જાતને ન સમજાવી શકી કે... દેવ કોઈ એકનો ન હોય....? દેવની અમીદ્રષ્ટિના તો અનેક અભિલાષી હોય.. અને એ તો દેવની મૂળભૂત ફરજ પણ છે ને...દેવ તેના સાધકને નારાજ પણ કરી રીતે કરી શકે ?
‘પણ દેવ... એક વચન માંગું છું... આપણે આવતાં જન્મે ફરી મળીશું પણ... તારું નામ દેવ નહીં રાખવાનું.. પ્રોમિસ ? સિગરેટ તો વન એન્ડ ઓન્લી જ પીવાની..અને... અને.. તું સિગરેટ રાખજે મેચ બોક્ષ હું રાખીશ... દરિયા કિનારે જ ઘર બનાવીશું.... પણ રેતીના નહીં સાચુકલા..
આજે એક જ અફસોસ સાથે લઈને જાઉં છું...કે, મારા દેવની આરાધનામાં મારાથી ક્યા કમી રહી ગઈ.. ?’
આખરી મુલાકાતના કરાર મુજબ તું મને મળવા આવીશ...તારે આવવું જ પડશે... આને તું આરુષીનો આદેશ સમજે કે આજીજી....
અંતહીન પ્રતીક્ષા પ્રારબ્ધમાં લખાવીને આવી છું... પણ છેલ્લે એટલી નજીવી આશા લઈને જાઉં છું કે, કમ સે કમ તું તો મને રાહ નહીં જ જોવડાવે... મારો દેવ નારાજ થઇ શકે પણ નિષ્ઠુર તો નહીં જ.’
‘છેલ્લે.... એએ...એક વાત કહું...દેવ.... પેલા દરિયાના ઉછળતાં મોજાં તને પૂછને કે... આરુષી ક્યાં છે ? તો....વટથી સિગરેટનો કસ મારીને કહી દે જે કે..
‘આરુષી દેવ થઈ ગઈ.’
પત્રનું અંતિમ વાક્ય વાંચતાં..વાંચતા... સંસારના સાગર કરતાં...દેવની આંખોમાં ખારાશનો દરિયો ઉમટ્યો હતો....
બીજો પત્ર જે નીલિમા અને કામિનીને સંબોધીને લખ્યો હતો...
ખાતરી છે તમે મને માફ નહીં જ કરો... પણ.. મેં લાઈફમાં ક્યારેય પાછુ વળીને જોયું જ નથી, અને એ તો પ્રેમ છે....એ પણ બિનશરતી. રતિભાર ફરિયાદ નથી,, પણ બસ.. ભાગ્યમાં વિધાતાએ ટાંકેલું વ્હાલ અને વ્હાલાનું વિભાજન મને મંજૂર નહતું. અને ખંડિત દેવની પૂજા તો શાસ્ત્રમાં પણ વર્જિત છે. એટલે મારા ગજા મુજબ સ્વને જ વિસર્જિત કરી દઉં એ બહેતર લાગ્યું. તમે બન્નેએ મને જીવાડવા મારી અયોગ્ય જીદ સુદ્ધાં પૂરી કરી છે, તો હવે આરુષીને જીવંત રાખવા આજે એક છેલ્લી જીદ નહીં પણ અરજ છે કે.. દેવને એક શબ્દ પણ ન કહેશો... નહીં તો મારો અંતરાત્મા દુભાશે. દેવને શું કોઈને પણ કશું જ ન કહેશો. આમ પણ દેવની બધી જ ભૂલો ક્ષમ્ય જ હોય છે ને ? આપણે કઈ પણ કરીએ પણ દેવની બરોબરી તો ન જ કરી શકીએ ને ?
અને આ સાથે મારી તમામ મિલકત દેવના નામે કરી છે, તેવું કરારનામું પણ આ પત્ર સાથે જોડ્યું છે. અને મારું મરણોત્તર નિવેદન પણ લખ્યું છે કે.... કોઈ પણ પગલાના પરિણામ માટે હું સ્વયં આરુષી જ સંપૂર્ણ પણે જવાબદાર છું. મેં આત્મહત્યા નથી કરી... આત્મદાન કર્યું છે.’
ખુબ ખુશ છું... કેમકે....મારા નામ આગળ સ્વર્ગસ્થ લાગશે છતાં હું હંમેશ માટે જીવિત રહીશ કેમકે... કામિની જાગીરદાર અને નીલિમા બક્ષી જેવા દરીયાદિલ દોસ્તના દિલમાં હું હ્રદયસ્થ છું.’
બસ... એ જ દરિયાદિલીથી દેવને માફ કરશો એ જ અંતિમ ઈચ્છા લઈને....
અંતે દેવ અને કામિનીની અશ્રુ શ્રદ્ધાજલિથી પીગળેલા પત્રોના એક એક શબ્દમાંથી કયાંય સુધી આરુષીની અધુરી એષણાઓ નીતરતી રહી....
કોણ કોને સાંભળે કે સંભાળે ? મરતાં મરતાં પણ આરુષી તેનો એવો અવિસ્મરણીય પરિચય અંકિત કરતી ગઈ હતી કે, દેવને તેના ‘દેવ’ નામથી નફરત થઇ ગઈ.
ત્રણેયના મનોમન ચાલતાં સંવાદની પુર્ણાહુતીમાં એક જ શબ્દની સમાનતા હતી...
‘કાશ...’
રાત્રીના પ્રથમ ફરથી શરુ થયલો ઝંઝાવાત અંતિમ પ્રહારના પ્રારંભ સુધીમાં એક શાંત ઝરણું બની ગયો... સમય થયો... પ્રાતઃ કાળના પાંચ વાગ્યાનો...
ભીષણ યુદ્ધમાં ઘવાયેલા અને પરાજિત થયેલા યોદ્ધાની માફક માંડ માંડ સોફા પરથી ઉભાં થઇ, ખોંખારો ખાધા પછી ધીમા અને ગળગળા અવાજમાં દેવ કામિની તરફ જોઈ બોલ્યો..
‘મારે જવું છે, હું જઈ શકું ?
‘હવે, ક્યાં જઈશ ? કામિનીએ પૂછ્યું
‘આરુષીને મળવા.’ દેવ બોલ્યો.
છલકાતી આંખોએ બે હાથ જોડી, કશું જ બોલ્યાં વગર ઇશારાથી કામનીએ જવાની પરવાનગી આપી ...
ધીમે ધીમે ભારે પગલે દેવ બંગલાની બહાર આવી...ટેક્ષી કરી આવ્યો.. તેના અને આરુષીના હંમેશા નિર્ધારિત સ્થળે... દરિયા કિનારે ગોઠવેલાં બેન્ચ પર ભીની આંખે દરિયાની ભરતીના ધૂંધળા દ્રશ્યને તાકતો રહ્યો....
કયાંય સુધી એકીટસે શ્રિતિજની સપાટી પર ખોડેલી આંખો પર.... જયારે અરુણોદયની પહેલી કિરણ પડી ત્યાં જ.....
અચનાક ભૂતકાળનો એક સંવાદ દેવના કાને અથડાયો..
‘દેવવવવવવ,,,,એક દિવસ એક તમાચો એવો પડશે ને કે ... લાઈફ ટાઈમ તેના પડઘા પડતાં રહેશે એટલું યાદ રાખજે.’
‘તો.તો.સારુને...એ પડઘામાં હું તારા સાક્ષાત્કારના અનુભૂતિનો અહેસાસ કરી શકીશ.’
અને એ સાથે....
‘આઆઆ......આરુષીઈઈઈઈઈઈ........’ના નામની ચીસ સાથે દેવ બસ...ધ્રુસકે... ધ્રુસકે... રડ્યાં જ કર્યો...
તે દિવસ..... અને આજની ઘડી....
ત્રીસ વર્ષ બાદ...
આજે આરુષીની વિદાયને ત્રણ દાયકાનો સમય થઈ ગયો.... પણ એક દિવસ એવો નહતો ગયો કે...દેવ અને આરુષી ન મળ્યા હોય....
આરુષીના કરાર મુજબ આરુષીની તમામ સંપતિ દેવના નામે કરી આપવામાં આવી. ખાસ્સો સમય દેવે ગુમનામીમાં વિતાવ્યા પછી...સંસારિક જીવનમાંથી સંન્યાસ લઇ લીધો.. આરુષી તરફથી મળેલી રકમમાંથી ‘આરુષી ચેરીટેબલ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી તેના સહયોગથી એક અનાથાશ્રમ શરુ કરી દેવે તેનું સમગ્ર જીવન લોક ક્લાયણમાં ખર્ચી નાખતાં સેવા ધર્મ અપનાવી લીધો. ત્રીશ વર્ષમાં દેવે પળે પળ એટલાં પશ્ચાતાપમાં વિતાવ્યા કે એક સમયે કામિની અને નીલિમા બોલી ઉઠ્યાં હતા કે...
‘દેવ આરુષી થઈ ગયો.’
ત્રણ વર્ષ પૂર્વે કામિની અચાનક હ્રદયરોગના જીવલેણ હુમલાનો ભોગ બનતા નિધન થઇ ગયું ... અને આરુષીના મૃત્યુ પછીના સાત વર્ષ બાદ નીલિમા વિદશ સ્થાયી થઇ ગઈ હતી.
આજે આરુષીની જન્મજયંતી હતી....
સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો
અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સ્હેજ ડોક્યું કરતાં પડેલાં સૂર્યના પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને દેવ વાગોળે એ પહેલાં....
‘ચાચા.. આપકી ચાય.’
સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચા ની ટપરી પરથી
ચાય લઈને આવેલા ચાલીસ વર્ષના યુવકે ચાયનો ગ્લાસ દેવના હાથમાં આપતાં બોલ્યો.
ધ્રુજતાં હાથે ચાયનો ગ્લાસ ઝાલતા, સસ્મિત યુવકના ગાલે સ્હેજ વ્હાલથી ટપલી મારતાં દેવ કાંપતા સ્વરે બોલ્યો..
‘આઆ...આજ તીસ સાલ હો ગયે.. પર ફિરભી...સુરજ કી પહેલી કિરન સે પહેલે મેરે હાથોં મેં ચાય કા ગ્લાસ થમા દેને કી પરંપરા તુને કભી નહીં તૂટને દી.’
‘ક્યોં કી, ચાચા...ઇતને સાલો સે પરંપરા કી અસલી પરિભાષા મૈને આપ કો દેખ દેખ કે શીખી હૈ.’
હસતાં હસતાં દેવ બોલ્યો
‘અબ તો તુ કિતની બડી બડી બાતેં કરને લગા હૈ, અચ્છા સૂન...’
એમ કહીને ઓવરકોટના અંદરના પોટેટમાંથી વોલેટ હાથમાં લઇ, તેમાંથી પાંચસો પાંચસોની રૂપિયાની બે.. નોટ કાઢી પેલા યુવકના હાથમાં આપતાં દેવ બોલ્યો..
‘યે....લે, આજ સબ છોટે બચ્ચો મેં ચોકલેટ્સ બાંટ દેના.’
‘જી, ચાચા.. આજ કિસી કા જન્મદિન હૈ. ?’
‘હા, આજ ઉસ સુરજ કા જન્મદિન હૈ...જિસકા સિર્ફ પૂરબ હૈ, પશ્ચિમ નહીં....’
ચાયના આખરી ઘૂંટ સાથે વિષાદને ગળી, ચશ્માં ઉતારી, કાંપતા હાથે રૂમાલથી સજળનેત્રો લૂંછી......વોકિંગ સટીકના ટેકે ટેકે... દેવ તેના નિવાસ્થાન તરફ ચાલવાં લાગ્યો.
-સમાપ્ત
વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪