અલતાનો ભાસ*
શુભેન્દુંએ કલકત્તા છોડ્યું અને તે ગંગાસાગરના નજદીકના એક નાના શહેરમાં રહેવા આવી ગયો તેથી કે ગમે તે કારણે તેને હવે માનસિક શાંતિ લાગતી હતી.ઘરે રહ્યો હોત મહોલ્લાના બધાં જ તેની અને અંભીની વાતોને
છાપરે ચઢાવી જીવવાનું હરામ કરી દેત.
શહેર ખરેખર સુંદર અને રળિયામણું હતું .તેનું ઘર તો નાનો સરખો બંગલો હતો.સાથે સુંદર બગીચો, લીલા હરિયાળા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાનું ગમતું.
પેલો હિંચકો તો જાણે બાળપણમાં આંબા પર બાંધેલા ઝૂલાની યાદ અપાવી દેતો.અંભી નાની હતીને કહેતી હતી કે શુભેન્દુદા જરા મને મોટા ઝૂલા નાંખોને મારે તો પેલા નભને સ્પર્શવું છે. તે તો અંભીના માબાપ પર અવલંબીત
હતો..તેથી અંભી કહેતી અને પોતે કરતો. અંભીને ભણાવા આવતા શિક્ષક સોમેન્દ્રની પાસે પોતે પણ બેસતો અને ભણવામાં હોશિયાર તેથી સોમેન્દ્ર તેને રસથી ભણાવતા અને અંભીને ક્યારેક ગુસ્સો કરી લેતા.
અંભી આમે બીજા બધાં કામમાં ખૂબ જ હોશિયાર હતી, તેથી સોમુદાના આવવાના સમયે તે ક્યાંક છૂ થઈ જતી.અંભી આંબાના ઝાડ પર સડસડાટ ચઢી જતી, કાચી કેરી તોડી લેતી તેથી માતા કે દાદીની પણ ડાંટ પડતી.મારું ભણવાનું જોરશોરમાં ચાલતું.સોમુદા હમેશાં મને કહેતા તને શહેર ભણવા મોકલવો છે.તેઓ
મોતીકાકા ને કાકુને વાત કરતા ઘબરાતા અને હું પણ અંભી થી દૂર જ થવાનું વિચારી પણ ન શકતો.
ખરેખર એ દિવસ આવ્યો મારે શહેર મારી મા ના કોઈ સગાને ત્યાં ભણવાને નોકરી કરવા જવું જ પડ્યું.
એ રાત્રે અંભી જે હવે બેંગોલી સાડીમાં સુંદર અને સૌમ્ય દેખાતી ને શોભતી હતી .તે દરવાજાની બહાર આવી ઉભી રહી, પગના નખથી ધરાને જાણે ભાત પાડી રહી હોય એમ ખોતરી રહી હતી .
મે પૂછ્યું ,”કંઈ કહેવું છે ?તો શરમાઈને એક નાની ડાયરી આપી ચાલી ગઈ..દોડી ગઈ.ડાયરી આપતા તેની નાજુક આંગળીનો સ્પર્શ મને થયો .આમ તો હું આવું કેટલીય આપલેમાં અનુભવી ચૂક્યો હતો પણ..આજે એ સ્પર્શમાં કંપન હતું. જાણે બીજી જ પરિભાષા ! મે મન મનાવી લીધું હતું કે મારે જવાનું જ છે..તેથી એ ડાયરી એક ભેટમાની થેલામાં ખોસી દીધી. બીજે દિવસે સવારે ટાંગો આંગણે આવ્યો ત્યારે સોમુદા પણ મને તેમના મિત્રનું સરનામું આપવા આવ્યા હતા. સાથે એક પત્ર પણ આપ્યો હતો જે મારે પહોંચાડવાનો હતો.મે એ પત્ર થેલામાં મૂકવા માંડ્યો ત્યારે પેલી ડાયરી નજરે ચઢી. મે તે પત્ર જ ડાયરીમાં મૂકી સર્વેને નમસ્કાર ને પગે પડી વિદાય લીધી.મારી દ્રષ્ટિ અંભીને શોધી રહી હતી.તે ક્યાંય નજર ન આવી.ટાંગો વિદાય થયો બધા અંદર ગયા અને મે અંભીને ઘૂંટણિયે પડી સાડીનો પાલવ પાથરી નમન કરતા
જોઈ.હા,વિચાર આવ્યો ટાંગો પાછો વાળું પણ અટકી ગયો. કદાચ અંભી ત્યારે ખૂબ રડી હશે બાળપણનો સાથી ક્યારે મળશે હવે..એ વિચારે!
શહેર જઈ ભણવામાં પડી ગયો.દિવસો વિતવા લાગ્યા .સોમુદાના મિત્ર ખૂબ જ સારા હતા. માસ મછલી
અને ભાત ક્યારેક ક્યારેક આપી જતા. પેલી ડાયરી પણ પુસ્તકોમાં અટવાય ગઈ..કોને ખબર ક્યારેય એમાં શું છે
વાંચવાનો પ્રયત્ન પણ ન કર્યો મે..! કેમ એ નથી જાણતો. બે વરસમાં બેરિસ્ટરની ડીગ્રી મળી ગઈ . અચાનક એક દિવસ મોતીકાકા ને કાકુનાં સમાચાર મળ્યા કે ગંગામાં નાવડી ઊંધી પડતા તેઓ ન મળ્યા. સ્વાર્થી ન બનતા અંભીને મળવા ગયો.અંભી ઉદાસ બેઠી હતી ,સોમુદાદા
બધું સંભાળી રહ્યા હતા. અંભીની માંગ સિંદૂરથી ભરેલી હતી.ગળામાં મંગળસૂત્ર હતું ને આંખોમાં ઉદાસી! મારા આશ્ચર્યનો પાર નરહ્યો..! મારે સમજી જવું પડ્યું અંભીને બાર વર્ષ મોટા સોમુદા જોડે લગ્ન કરવા પડ્યા હતા.
એ દિવસે મારે માથે આભ પડ્યું હોય તેટલું દર્દ થયું. કેમ મને હવે એ લાગણી ઉદભવી જે મને અહીંથી જતા નહોતી દેખાય. હવે શું..?અંભીએ મને જમાડ્યો , પાન આપ્યું પણ એ આંગળીનો સ્પર્શ ન આપ્યો. જેને હું સાવ જ ભૂલી ગયો હતો.જેમ તેમ રાત વિતાવી હું ત્યાંથી નીકળી જાઉં એમ વિચારતો હતો..ત્યાં રાત્રીના બાર વાગે
મે અંભીની ચીસ સાંભળી એવો ભાસ થયો.ઊભો થઈ બારી બહાર નજર કરી તો સોમુદા તો વરંડામાં સૂતા હતાં .અંભી ક્યાં હતી..? ઓરડામાં ઝીણી બત્તીના પ્રકાશમાં જોયું તો કોઈ પડછાયો અંભીની આસપાસ ફરી
રહ્યો હતો. કોણ હતું એ જેને લીધે અંભી ડરી ગઈ હતી. ત્યાં એ પડછાયો બહાર નીકળ્યો તો એ સોમુદાના બનેવી
કાલીદા હતા.મને ઘૃણા થઈ અંભી પર..!
બીજે દિવસે મિત્ર ભુવનને મળી ગામ છોડી ફરી કદી ન આવવાનું પ્રણ લઈ લીધું.અંભીને મળ્યા વગર જ જલ્દી ઉઠી નીકળી ગયો..ભૂવન તો શહેર ગયો હતો.તેથી હું પણ નીકળી પડ્યો. આખા રસ્તે અંભીને નફરત કરતો
રહ્યો.ઘરે પહોંચી બધાં પુસ્તકોનાં ઘા કરી ગુસ્સો ઉતારી રહ્યો હતો ને પેલી ડાયરી પણ નીચે પડી..નજર જતાં ઉઠાવીને ન વાંચવા બદ્લ આનંદ પ્રગટ કર્યો..પણ આજે કેમ પણ તેને ખોલવાનું મન થયું અને ખોલતા જ નજર પડી બે શબ્દ પર...
*દેવ,નમન ને વંદન* તમે ક્યારે પાછા વળશો?ને એક નાના ગુલાબની પાંદડી ચોંટાડેલી હતી.
વધુ ઘૃણાથી મન ભડકી ગયું. ડાયરીનો ઘા કરી ફેંકી ત્યાંદરવાજે સાંકળ ખખડી.સામે ભૂવન હતો..ઓહ તું? કરી હું બેસી ગયો.ભૂવનને મે ગામની વાત કરી તે એટલું જ બોલ્યો જો બચાવી શકે તો કાલીદાની ચુંગલમાંથી બચાવી લે..અંભીને ! હું દિગ્મૂઢ ને અવાક રહી ગયો.. સોમુદાની નામર્દાઈ પર. બિચારી અંભી કાંઈ જ ન બોલી શકી.હું પણ નામર્દ કાયર પુરૂષ એનો જ વાંક કાઢતો રહ્યો. અંભીને મળવા પાછો ભૂવન સાથે નીકળી પડ્યો.
અંભીને છાનામાના વાડામાં ભૂવનની મદદથી મળવાનું નક્કી કરી રાતોરાત નદીમાં જ હોડી વાટે ભાગી
છૂટવાનું નક્કી કર્યું. સમય અને સંજોગોએ સાથ આપ્યો એ રાતે કાળીદાને ભૂવનના મિત્રોએ જુગાર રમવા રોકી દીધાં અને અંભી ડરતા ડરતા ઘરમાંથી જેટલાં પૈસા દાગીના હતા તે લઈ નીકળી પડી..નદીનાં ઘાટે પહોંચી તે ,કે હોડીવાળો અને હું તૈયાર જ હતા.
સીધા ગંગાસાગરના આ નાનકડાં શહેરમાં કલકત્તાની શોરબકોર વાળી જિંદગીથી દૂર કોઈ ઓળખી ન શકે તેવા શહેરમાં...ભૂવનને મારું કલકત્તાનું ઘર ખાલી કરવા નું સોંપી નિશ્ચિંત હતો..બે ત્રણ દિવસ
પછી વહેલી સવારે અંભીને ઘાટ પર નહાવા જતી જોઈ છાનામાના ગયો તો હર ડૂબકીએ પોતાના પાપ જે અજાણ્યાથી થયા હતા તે સાફ કરતી જોય મને ખૂબ જ અનુકંપા જાગી..એ રાત્રે મે નક્કી કર્યું કે મારી બાહુપાસમાં સમાવી તેના બધાં ડરને મારે ભગાડી દેવા જોઈએ.
આ ઝૂલા પર ઝૂલતા બધો ભૂતકાળ ખંખેરી નાંખી તે મનોબળ મજબૂત કરી રહ્યો હતો ,ત્યાં તેની દૃષ્ટિ નાહીને આવેલી અંભી જે સુંદર દેખાતી હતી ,વાળમાંથી ટપકતું પાણી તેની પવિત્રતાની સાક્ષી પુરતું હતું..સિંદૂર વગરની પાંથીમાં જાણે તરસ દેખાતી હતી..અલતા વગરના પગ જાણે ફરી લાલ થવા થનગની રહ્યાં હતાં.. તેની પર પડી. હું તેણીની નજીક ગયો તેને ઝૂલા પર બેસાડી એવો ધક્કો માર્યો ઝૂલાને કે એક બે ને ત્રીજે ધક્કે તે ગંભીર મૂર્તિ ખિલખિલાટ કરી ઉઠી મારે નભને સ્પર્શવું છે..પેલા નભને..!
વગર સિંદૂરે પાંથી કેસરીયાળી દિસતી હતી ,વગર અલતાએ પગની પાની લાલ ચટક ભાસતી હતી..જાણે *અલતાનો ભાસ*. નાની અંભી પાછી જીવીત થઈ હતી..તેના દેવને પામીને..!
જયશ્રી પટેલ
૫/૯/૨૦૨૦