Forgotten evening in Gujarati Moral Stories by Writer Unknown books and stories PDF | વિસરાયેલી સાંજે

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વિસરાયેલી સાંજે

મૌનમાં ચૈતન્યનો નાદ શોધતા શીખી લીધું..
તુટેલ‍ાં હ્રદયનાં ટુકડાઓને કવિતાઓમાં વણતાં શીખી લીધું..
વિસરાયેલ‍ાં સપન‍ઓને ધુમ્રની સેરોમાં ઉડાવતા શીખી લીધું...
કોશિશ તો કેટલીય કરી હશે અા જીંદગીએ મને હરાવવાની પણ સવાલ વટનો હતો...
મે જીરવાતાં દુ:ખોમાં હસતા શીખી લીધું...


ન‍વી લખેલી કવિતા ઉપર છેલ્લી નજર નાખીને મે ડાયરી બંધ કરી. ટુંક સમયમાં શરું થનારા મેટ્રો ટ્રેનનાં પ્રોજેકટમાં એટલું કામ રહેતું કે બીજી કોઇ વસ્તુ માટે ભાગ્યે જ સમય મળતો. પ્રોજેકટનાં મુખ્ય એન્જિનિયરિંગ હેડ હોવાનાં નાતે રુટ-પ્લાનિંગથી લઇને લેન્ડ એલોકેશનની બધી જવાબદારી મારા ઉપર જ હતી.

ઉંડો શ્વાસ લઇને હું બારી પાસે અાવ્યો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું તોફાની પવનમાં અથડાતી બારીઓને બંધ કરવા જતો જ હતો કે લાઇટ જતી રહી. હું ચિડાઇને મારો મોબાઇલ શોધવા લાગ્યો ત્યાં જ બાજુનાં ઓરડામાં પોતાનો સામાન સમેટી રહેલો મારો દિકરો ધ્રુવ અાવી ચડ્યો. એનાં મોબાઇલની રોશનીમાં મારો મોબાઇલ શોધી લેવાને બદલે હું ક્ષણભર એને જોઇ રહ્યો. જોઇ રહ્યો જાણે હું અાંખનાં પલકારા માટે પણ એને પોતાનાથી દુર થવા દેવા ના માંગતો હોઉં.

બારમાની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ ધ્રુવને દાખલો મળી ગયો હતો અમેરિકાની પ્રસિદ્ધ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભણવાનો. કેટલો ખુશ હતો હું એક પિતા તરીકે ! ઓફિસમાં વિતાવેલી એ રાતો, તન-મનને થકવી નાખતી અથાક મહેનત અને દસ વર્ષથી એક પણ રજા લીધા વિના કરેલી કર્મસાધના !! અાજે ધ્રુવની સફળતામાં જાણે સઘળું ફળસ્વરૂપે પાછું મળી ગયું હતું મને. મોંઘા કોચિંગ ક્લાસીસ, મોંઘામાં મોંઘી શાળા અને ઇત્તર પ્રવૃત્તિઓનાં નામે બાસ્કેટબોલનાં વર્ગમાં મોકલવાનો બીજો ખર્ચો - મે ધ્રુવને એ બધું જ અાપવાનો પ્રયત્ન કર્યો હતો જે મને જીવનમાં નહોતું મળ્યું. રેલ્વેમાં એક ટેસ્ટિંગ એન્જિનિયર તરીકે જોડાયેલો હું અાજે નવી બની રહેલી મેટ્રો લાઇનનો એન્જિનિયરિંગ હેડ નિમવામાં અાવ્યો હતો.

"મોબાઇલ હાથમાં જ રાખજો. મને નથી લાગતું હવે સવાર સુધી લાઇટ અાવે. બહાર વરસાદ વધતો જ જાય છે. લાગે છે તોફાન અાવવાનું છે." ધ્રુવ બોલી ઉઠ્યો અને મે હકારમાં માથું હલાવ્યું.

"બધું સરખી રીતે જોઇ લેજે બેટા. કશું પણ રહી ના જાય. રહી ગયું તો લેવા પાછું નહીં અવાય." મે અવાજમાં ગંભીરતા લાવીને કહ્યું અને એ હસી પડ્યો.

"અરે પપ્પા તમે એવી વાતો કરો છો જાણે હું હંમેશા માટે જતો હોઉં." ધ્રુવ હસીને બોલ્યો અને મારા ટેબલ ઉપર પડેલો એનો પાસપોર્ટ લઇને ચાલતો થયો. મે કાંઇક પણ બોલવાનું ટાળ્યું. એક વાર ઘરનો ઉંબરો ઓળંગી લીધા પછી પાછું અાવવું એટલું સહેલું નથી હોતું. હું વિચારી રહ્યો અને મારાથી એક નિસાસો નખાઇ ગયો.

શું હું ક્યારેય જઇ શક્યો હતો મારા ગામ પાછો ? મારું મન પુછી બેઠું અને હું મોબાઇલ બંધ કરીને બારી પાસે અાવ્યો.
અાવી જ વરસાદી સાંજ હતી અને અાવી જ મુંઝવણ. પાત્રો ભલે બદલાઇ ગયાં હતાં પણ પરિસ્થિતિ અા જ હતી..!!

કદાચ પચ્ચીસ વર્ષ પહેલાં ગામનાં સ્ટેશને મને વળાવવા અાવેલાં મારા બાપુજી પણ અા જ મુંઝવણ માંથી પસાર થઇ રહ્યાં હશે જે મુંઝવણ માંથી અાજે હું પસાર થઇ રહ્યો હતો. કદાચ ઘણું બધું કહેવા માંગતાં હતાં મને પણ મારા શહેર જવાનાં ઉત્સાહની સામે એમનાં શબ્દો ગળામાં જ રુંઘાઇ ગયાં હતાં. વીસ વર્ષની ઉંમરે મારામાં પણ ક્યાં એટલી સમજદારી હતી ? જ્યારે સમજદારી અાવી ત્યારે દુનિયાદારી એટલી ઉંડી ઉતરી ચુકી હતી મનમાં કે રજાનાં દિવસે ગામ અાવતા પહેલાં પણ હું થનારા નુક્શાનની અાગોતરી ગણતરી કરવા લાગ્યો હતો. ધીરે ધીરે સંબંધો બસ ઔપચારિકતા બની ગયાં હતાં અને પોતાનાં મુળીયાને દગો અાપવાનું દુ:ખ હું ઓફિસની ફાઇલોમાં છુપાવવા લાગ્યો હતો. બાપુજીએ મારા શહેરમાં વસવાનાં નિર્ણયનો પુરજોશ વિરોધ કર્યો હતો. બસો વીઘાની ધીકતી ખેતી છોડીને હું શહેરમાં સરકારનો નોકર કેમ બનવા માંગુ છું એ ના તો હું એમને સમજાવી શક્યો હતો અને ના એ સમજી શક્યા હતાં.

જોકે અા નવી મેટ્રો લાઇનનો પ્રોજેકટ મારી માટે અાશાનું કિરણ લઇને અાવ્યો હતો. અમદાવાદ અને મુંબઈની વચ્ચે દોડનારી અા મેટ્રો વાપી અને એની અાજુબાજુનાં ખેડુતોની જમીન ઉપર બનવાની હતી અને એમાં અમારું ખેતર પણ અાવી જતું હતું. કદાચ વર્ષો બાદ બાપુજી એમનાં અબોલા છોડીને મારી સાથે શહેરમાં રહેવા અાવી જશે એવી કાંઇક અાશા બંધાઇ હતી. પ્રોજેકટનાં હેડ તરીકે હું ઇચ્છું તો કન્સ્ટ્રક્શન પ્લાનમાં ફેરફાર કરીને રસ્તો બદલવાની ત્રેવડ રાખતો હતો પણ મે એવું કાંઇ પણ કરવાનું ટાળ્યું હતું. સારો ગણો કે ખરાબ, બાપુજીને શહેર લાવવાનો મને અા જ રસ્તો દેખાયો હતો. વિચારોમાં ખોવાયેલો હું ધ્રુવનાં દરવાજે અાવીને ઉભો રહ્યો.

"કાલે ગામ જઇ અાવીશું ?" એને જાગતો જોઇ હું પુછી બેઠો. મારો અા અનઅપેક્ષિત સવાલ સાંભળીને એ ઝંખવાયો.

"ગામ? અાટલાં કામની વચ્ચે ગામ કેમ જવું છે તમારે? હજું તો કાલે ડોક્યુમેન્ટ્સનું કામ બાકી છે, બેંકમાં જવાનું બાકી છે અને તમે પોતે અાજકાલ મેટ્રોનાં કામમાં વ્યસ્ત રહો છો. અા અચાનક ગામ જવાનું કેમનું વિચાર્યું ?"

હું કાંઇ ના બોલી શક્યો. મે કહી તો દીધું કે અમેરિકા જતાં પહેલાં એક વાર દાદાજી એને મળવા માંગતાં હતા પણ હકીકત જુદી જ હતી. અાટલા વર્ષો પછી હું મળવા માંગતો હતો બાપુજીને.

થોડી અાનાકાની બાદ અાખરે ધ્રુવ તૈયાર થઇ જ ગયો ગામ અાવવા માટે અને બીજા દિવસે હું વર્ષો બાદ અમદાવાદથી મારા ગામ જતાં ધુળિયા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યો હતો.

ગાડી ઘરનાં ઝાંપા અાગળ અાવીને ઉભી રહી અને હું ભારે હૈયે નીચે ઉતર્યો. માએ દરવાજો ખોલ્યો તો મને જોઇને ઝંખવાણી પડી ગઇ. હંમેશાની જેમ એક હાથમાં અડધો ટીપેલો રોટલો અને એક હાથમાં સાડીનો પાલવ પકડી રાખ્યો હતો. ધ્રુવ અાગળ અાવીને એમને પગે લાગ્યો પણ એમનું બધું જ ધ્યાન મારી ઉપર ચોંટ્યું હતું. હું સહેજ અચકાઇને અંદર અાવ્યો અને માને પગે લાગ્યો. માનો હાથ છ વર્ષ પછી મારા માથે ફરી વળ્યો અને મે અાંખો બંધ કરી દીધી. બાપુજીએ અમને અાવતાં જોઇ લીધા હતાં પણ એ હજું પણ અાંગણામાં બેઠા બેઠા પંચાયતની ઓફિસે અાવતું કોઇક સામયિક વાંચી રહ્યાં હતાં.

હું સામાન લઇને અંદર દાખલ થયો. વેરવિખેર ઓરડામાં ચારે તરફ શાંતિ પથરાયેલી હતી. સ્પષ્ટીકરણ માટે ચોખ્ખાઇની અાગ્રહી માની સામે જોવા લાગ્યો અને એમનાથી એક નિસાસો નખાઇ ગયો.

"તારા બાપુજી કહેતાં હતાં કે કોઇક રેલ્વેલાઇન અાવવાની છે અહિયાં. અાપણે અાપણું ખેતર ખાલી કરવું પડશે. બધા માની ગયાં છે. તારા બાપુજીએ એકલપંડે લડવાનાં કેટલાય પ્રયત્નો કર્યાં પણ હવે એમણે પણ હાર માની લીધી છે. અમે તને ફોન કરીને કહેવાનાં જ હતાં કે અમે તારી સાથે શહેરમાં રહેવા અાવી જવાનાં છે. સામાન પણ એટલે સરખો કરીને ગોઠવવા કાઢ્યો છે. બધું તો લઇને નહીં જઇ શકાય પણ જેટલું સમેટી લેવાય એટલું ખરું." કહીને મા અંદર નાસ્તાની વ્યવસ્થા કરવા જતી રહી. એમનાં અવાજમાં રહેલી નરમાશે મને હલાવી નાખ્યો. હું ઇચ્છતો હોત તો એમની અને ગામની સમસ્યા દુર કરી શક્તો હતો પણ વર્ષો પછી મા-બાપુજી સાથે રહેવાની લાલચે મને મજબૂર કરી નાખ્યો હતો.

ધ્રુવ બાપુજીની પાસે અાંગણામાં જઇને બેઠો અને એકલો પડેલો હું ઘરમાં ફરી વળ્યો. ચારે તરફ પડેલા સામાનનાં ઢગલાઓની વચ્ચે મારી નજર ખુણામાં પડેલી તિજોરી ઉપર પડી અને એ જર્જરિત તિજોરીને જોઇને મારા ચહેરા ઉપર સ્મિત અાવી ગયું. બાળપણમાં મારા મિત્રો મને હંમેશા કહેતાં કે અા તિજોરીને હરાજીમાં મુકી તો જો, એટલી પ્રાચીન છે કે ખજાનાનાં ભાવે વેચાશે અને હું હસી પડતો. અાટલા વર્ષોમાં મે પોતે પણ ક્યારેક જ અા તિજોરીને ખુલતી જોઇ હતી. અાનો ખાસ કોઇ ઉપયોગ નહોતો ઘરમાં પણ દિવાળીની પુજામાં જે શ્રીયંત્ર મંદિરમાં મુકાતું એ બાકીનાં દિવસોમાં અા જ તિજોરીમાં બંધ રહેતું એટલું યાદ છે. સંજોગોવશાત્ તિજોરીનો દરવાજો ખુલ્લો જોઇને હું અાગળ વધ્યો.

સાગનાં મજબુત લાકડાની બનેલી અા તિજોરી મારા પરદાદાજીએ એમની દેખરેખ હેઠળ બનાવી હતી જે મારા દાદાજી પછી બાપુજીને વિરાસતમાં મળી હતી અને હવે કદાચ અહિયાં જ છુટી જવાની હતી. અમદાવાદનાં એ ઘરમાં દરવાજો એટલો મોટો હતો જ નહીં કે અા તિજોરી અંદર જઇ શકે. મે હળવેકથી દરવાજો ખોલ્યો. જર્જરિત દરવાજો કર્કશ અવાજ કરતો ખુલ્યો.

તિજોરીમાં મારા દાદાજીનું પીળું પડી ગયેલું રામાયણ હતું, જુની તસવીરો હતી. પરદાદાજીની રંગ ગુમાવી ચુકેલી સોપારી મુકવાની ડબ્બી અને દાદીમાંનાં ઘરેણા મુકવા માટે લાકડાની નક્શીદાર જાળીવાળો ડબ્બો હતો. હું અાભો બનીને જોતો રહ્યો. શ્રાવણમાં ભગવદ્ ગીતાનાં પાઠ થતાં એ બાજઠ હતું અને એની ઉપર રંગબેરંગી નાના પથ્થરોથી સજાવેલી મસાલાની બરણી, હા એ જ બરણી જે મા પોતાની સાથે કરીયાવરમાં લાવ્યા હતાં.

મે મસાલાની બરણીને સહેજ ધક્કો મારીને દુર હટાવી ત્યાં જ મારા પગમાં એક છડી અાવીને પડી અને મારો અાંખો ભીની થઇ ગઇ. નેતરની અા છડીથી બાપુજી મને નાનપણમાં મેથીપાક અાપતા હતાં તેરનો ઘડીયો ના બોલવા માટે. અા જ છડી હતી જે બાપુજીએ ખુણામાં છુટ્ટી ફેંકી હતી જ્યારે મે એમને મારો શહેરમાં જવાનો નિર્ણય જણાવ્યો હતો. ગુસ્સામાં ફેંકેલી એ છડીનાં બે ટુકડા થઇ ગયાં હતાં અને એક ટુકડો હું અાજે વર્ષોનાં વહાણા બાદ મારા હાથમાં લઇને ઉભો હતો. મારા ગળે ડુમો બાઝ્યો. મારા જીવનમાં શું કરવું અને શું નહીં એ વાતને લઇને હું અને બાપુજી ક્યારેય એક નહોતા થઇ શક્યાં. એ વિસરાયેલી સાંજે પણ કદાચ અાવો જ સન્નાટો હતો અા ઓરડામાં. હું નીચે બેસી પડ્યો. કદાચ એ સાંજની કડવાશને બાપુજી અાજ સુધી નથી ભુલી શક્યા. તિજોરીનાં નીચેનાં ભાગમાં કાગળોની થપ્પી પડી હતી. મે હળવેકથી ઉઠાવી લીધી. મને એન્જિનિયરિંગ કોલેજમાં મળેલાં પુરસ્કારો અને ખિતાબોને સાચવીને કાગળમાં લપેટવામાં અાવ્યા હતાં. હું ક્યાંય સુધી એને હાથમાં લઇને બેસી રહ્યો.

"જમવાનું થઇ ગયું છે બેટા. બહાર જઇને હાથ-મો ધોઇ લે. હું પીરસું છું." માએ અાવીને કહ્યું તો હું કાગળની થપ્પીને લઇને ઉભો થયો. મે સઘળો સામાન તિજોરીમાં પાછો ગોઠવ્યો અને ક્ષણભર માટે તાકી રહ્યો. અાખરે મારી ત્રણ પેઢીઓની યાદો કેદ હતી અા તિજોરીમાં.

યાદો..!! ગામની યાદો, ઘરની યાદો, અાંગણાની યાદો, ખેતરમાં ઉગતાં મીઠા કોઠાનાં ફળની યાદો, વિસરાયેલી એ છેલ્લી સાંજની યાદો..!!

એ યાદો જેમની સાથેનો સંબંધ હું ધીમે ધીમે તોડી ચુક્યો હતો. હું ભરાઇ અાવેલી અાંખો લુંછીને બહાર અાવ્યો. ધ્રુવ બાપુજીની સાથે પીપળાની નીચે બેઠો હતો. મારા ચહેરા ઉપર બંનેને જોઇને સ્મિત અાવી ગયું.

"દાદાજી તમે અા જુની પધ્ધતિથી ખેતી કરવાને બદલે નવી પધ્ધતિ અપનાવશો તો પાક બમણો ઉતરશે અને જમીન પણ સુધરશે." ધ્રુવ અમારા ખેતરમાં લહેરાતા ઉભા પાકને જોઇને બોલી ઉઠ્યો. બાપુજીએ એક નજર મારી ઉપર નાખી અને ઉંડો શ્વાસ લીધો.

"ધ્રુવ અાગળ ભણવા માટે વિદેશ જાય છે. ખુબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. એક વખત નોકરી લાગી ગઇ તો લાખોનું પેકેજ હશે." મે બાપુજીની સામે જોઇને કહ્યું. એમણે કશું પણ બોલવાનું ટાળ્યું. કદાચ ખુશીનાં અાવરણ પાછળ છુપાયેલો મારો ડર એ જોઇ ચુક્યા હતાં. કદાચ અાજે મારી અાંખોમાં પણ એ જ અજંપો હતો જે વર્ષો પહેલાં એમની અાંખોમાં જોયો હતો.

"દાદાજી અહિયાંની હવામાં કેટલી ઠંડક છે. તમે અનાજની સાથે શાકભાજી પણ ઉગાડવાનું રાખશો તો સારું થશે." ધ્રુવ બોલી ઉઠ્યો અને અમે હસી પડ્યાં. બાપુજીએ હાથ ઉઠાવીને એનાં માથા ઉપર મુકી દીધો. હાથમાં પકડેલાં ચાનાં કપ માંથી નીકળતી વરાળને કારણે એમનાં ચશ્મા ધુંધળા પડી ચુક્યાં હતાં પણ હું એમની ભીની અાંખો જોઇ ગયો. મને લાગતું હતું કે સંબંધોની જેમ હું અે સાંજને પણ ગુમાવી ચુક્યો છું. પણ કદાચ એ વિસરાયેલી સાંજ અહિયાં જ હતી. એ સંબંધો અહિયા જ હતાં.

"હવે કશું પણ રોપવાની જરુર નહીં પડે દિકરા." બાપુજી બોલી ઉઠ્યાં. એમનો અવાજ તરડાઇ ગયો હતો અને હું વધારે સહન ના કરી શક્યો.

"રોપાશે બાપુજી. અા ગામના ક્યારેય કોઇ ખેતરમાં અનાજ રોપાતું બંધ નહીં થાય." મે ભીંજાયેલી પાંપણો લુંછીને મેટ્રો લાઇનનાં હેડ એન્જિનિયરનાં અવાજમાં કહ્યું અને બાપુજીને ભેટી પડ્યો.