# મોટીબેન #
આ લેખ નું નામ ‘મોટીબેન’ રાખવા નું મન એટલા માટે થયું કે કોઈપણ વાર્તા ઉંમર વધવાની સાથે જ બને છે. બાકી તો જન્મ સાથે રચાતી અનેક વાર્તાઓ વૃદ્ધાવસ્થા સુધી ખબર પણ પડતી નથી કે જીવન આખું વાર્તા સ્વરૂપ ધારણ કરી વહેવા લાગ્યું છે….આમાં લખાતું જીવન કોઈ એક વ્યક્તિને આધારિત નથી…. ઘણાંને આધારિત હશે જ….પણ આ લેખ ના પ્રેરણા સ્ત્રોત ડો. નિમિત્તભાઈ ઓઝા દ્વારા લખાયેલ એક લેખ છે……🙏
નામ તેનું મોટીબેન….. મેં સાંભળ્યું છે ત્યાંસુધી નાનપણથી તે ખૂબ જ વાચાળ, ખૂબ બોલકા, ખૂબ જ પ્રેમાળ, ખૂબ ઉત્સાહિત….. હંમેશા હસતા રહેનાર, આખા દિવસ દરમ્યાન કંઈપણ ઘટના બને તો બધાનું ખૂબ સરસ રીતે વર્ણન કરી રસપ્રદ કરી બતાવનાર…..સ્વચ્છતા ના આગ્રહી, તેનાથી નાના ભાઈ-બહેનને ખૂબ પ્રેમથી સાચવાનાર, તેના માટે કંઈપણ કરી શકનાર એવા આ ‘મોટાબેન’……
તેમના જીવનમાં તેઓ તેમના જમાના મુજબ ઘણું ભણ્યા કહેવાય. સંસ્કૃત ભાષા પર પકડ સારી, નાનપણમાં પોતાના પગભર થવાની ખેવના ના કારણે નોકરી પણ કરતા અને માતા-પિતા ને ગૌરવ પણ અપાવ્યું.
જમાના કરતા થોડું એડવાન્સ વિચારનાર હોવાથી કહેવાતા અમુક લોકો જે સબંધ જોડવા આવ્યા તેમને તકલીફ પડી પરંતુ માતાપિતા ના સંપૂર્ણ સહકારથી અન્ય સ્થળે લગ્ન થઈ ગયા. પરંતુ તેમના જીવનમાં નિયતિ જાણે રિસામણે ચડી…..
સાસરા માં પૈસો ખૂબ પણ નીતિ નિયમો જળ…..છતાં મોટીબેને સાસરા ના ઢાંચા માં ફિટ થવા ખૂબ જ પ્રયત્નો કર્યા…… અમુક વર્ષ પછી સારા દિવસો રહ્યા પણ પૂરાં માસે પાછી નિયતીએ ઉદ્યમ મચાવ્યું…..બાળક ના રહ્યું !! એ વ્યથા અવર્ણીય હતી….
મોટીબેન અપારદર્શક તાંતણે થી તૂટતા ગયા પણ તેની સૂક્ષ્મતા એટલી બધી હતી કે કોઈના ધ્યાનમાં ન આવી….બસ પછી સમય ના ઓસડ હેઠળ બધું નોર્મલ થવા લાગ્યું….પરંતુ મોટીબેનના જીવનમાં ઉપરથી દેખાતા શાંત પાણીમાં નીચે ધીમી ગતિએ પ્રજ્વલિત અગ્નિ વધુ ને વધુ આગ પકડતો હતો….મોટીબેન હસવાનું ભૂલી ગયા, તેના તૂટતા હદય ઉપર કોઈની નજર ન ચડે તેમ સુખના આવરણો ચડાવતા ગયા….પણ આવરણો ક્યાસુધી અકબંધ રહે….??
તે એ સમય હતો કે જ્યારે સાસરવાસ બહેન-દીકરી જો અજુગતું કરે તો તેના બીજા ભાઈ બહેનના લગ્ન કરાવવામાં તકલીફ પડે.( આમ તો આજે પણ સમાજ તેમાંથી બાકાત નથી ) તેથી મોટીબેન પણ સહન કરતા રહ્યાં જ્યાંસુધી ભાઈઓના કે બહેન ના લગ્ન ન થયા. ત્યાંસુધી સહન શક્તિ ની એક સીમા આવી ગઈ હતી. ત્યારે મોટીબહેને બધાં બંધનો તોડી પૂર્ણ વિશ્વાસ અને હિંમત સાથે ‘મા’ પાસે પાછા આવી ગયા. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે હવે તે વધુ શાંતિભર્યું અને ખુશ જીવન જીવી શકશે….
તે ત્યારે પૂરેપૂરાં તૂટી ચુક્યાં હતા પરંતુ ખૂબ જ હિંમત દાખવી કારણકે મોટીબેન જો હતા. તે સાહજિક રહેવા પ્રયત્નો કરતા રહ્યાં. પોતાની આગવી સૂઝબૂઝથી ન્યાય મેળવવા માટે પ્રયત્નો ચાલુ કર્યા સાથે સાથે પાછી નોકરી ચાલુ કરી દીધી કારણ કે તે કોઈ ઉપર બોજ થવા માંગતા ન હતા…. પોતાના દરેક કર્યો ખૂબ ચોક્કસાઈ થી કરતા છતાં દરેકમાં ભાઈઓ નાના હોવા છતાં સલાહ લઈને જ આગળ વધતા રહ્યાં…. ધીમે ધીમે આ સમય પણ ઘણી વિટંબણાઓ સાથે પસાર થવા લાગ્યો….સાથે અજાણપણે અહીં પણ રિસાયેલી નિયતિ ક્યારે સંબંધોમાં બાધા ઉભી કરવા લાગી તે કોઈ સમજી ના શક્યું…..
પછી તો મોટીબેન બધાના જીવનમાંથી દૂર થવા લાગ્યા…..’મા’ પણ ઈશ્વર પાસે પહોંચી ગયા. છતાં મોટીબેન બધાના અણમાનીતા વ્યવહારની વચ્ચે રસ્તાઓ કરી જીવન પસાર કરતા રહ્યાં…. મોટીબેનને પણ એક મોટીબેન હતા. તેના માત્ર હુંફાળા શબ્દોની હુંફમાં તે જીવનને આગળ ધપાવતા ગયા. પણ પછી તો તે પણ ઈશ્વર પાસે પહોંચી ગયા.તેમને ખૂબ આઘાત લાગ્યો પણ હદય ની વ્યથા ઠાલવવા તેમની પાસે કોઈ ન હતું.હા દુનિયાની દ્રષ્ટિએ સ્વજનો ઘણા હતા….
સ્વજન જ્યારે સમાજ બને છે ત્યારે જે જાતની લાગણી વહે છે તે ખૂબ…. ખૂબ પીડાદાયક હોય છે….એમાં પણ જ્યારે એક માત્ર સાક્ષી ખુદ પોતે જ હોય કે આ એ જ સ્વજનો છે જેને હાથમાં મોટા કર્યા છે….જેના બાળોતિયા સાફ કર્યા છે…..ને આજે સાસરેથી પાછી ફરી તે ગુનો ગણીને, મોટાપણા નું પણ માન ન મેળવીને વાતે વાતે અપમાન કરવું…..અને જ્યારે સ્ત્રી થઈને સ્ત્રીની વ્યથા ન સમજીને જે વર્તન કરે છે ને તે તો અભણને પણ સારા કહેવડાવવા બરાબર છે. વોટ્સએપ પર સારા લખાણો, વીડિયો ને જોઈને લાઈક આપનારા આવા વ્યક્તિ ઓ તેના પોતાના જ સ્વજનોની સાથે કઈરીતનું વર્તન કરે છે તે તરફ તો બેધ્યાન જ રહે છે….
ખેર આમ ને આમ એ મોટીબેન તૂટતી-સંધાતી…..તૂટતી-સંધાતી જિંદગી વચ્ચે જીવી રહી છે. ખૂબ હિંમત છે તેનામાં તે આજે એકલી પડી ગઈ છે છતાં જેમ નાનું બાળક ચાલતા શીખે ને પડે…પાછું ઉભું થાય ને ચાલવા ની કોશિશ કરે બિલ્કુલ તેવી જ રીતે મોટીબેન તેના એકલમય જીવન જોડે બાથ ભીડે છે પણ હસતાં હસતાં….
પરંતુ આવા વ્યક્તિ નું નામ સમાજ ના પ્રખ્યાત લોકોમાં નથી આવતું એટલે તેના જીવનની કહાની દરેક સુધી પહોંચી શકતી નથી.
ડો.નિમિત્તભાઈ ઓઝા દ્વારા લખેલ એક લેખ વાંચ્યો જેમાં રિયાલિટી શો માં આવનાર મહાન ગીતકાર ઉપર હતો…..જેનાથી નજરો નજર નિહાળતી આ વાત લખવાની પ્રેરણા મળી ગઈ….🙏🙏