Yakshi - 26 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | યશ્વી... - 26

Featured Books
Categories
Share

યશ્વી... - 26

(યશ્વી 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવા સંમત થઈ જાય છે. હવેથી 'સોહમ ક્રિએશન' નાટક પ્રોડયુસ કરવાનું નક્કી કરે છે. એમાં દેવમ અને રજત ફાયનાન્સ કરવા તૈયાર થઈ જાય છે. યશ્વી પણ સ્ક્રીપ્ટ લખવાનું ચાલુ કરી દીધું. હવે આગળ...)

યશ્વી આગળ કેવી રીતે સ્ક્રીપ્ટ વધારવી એ વિચારતાં એની જુની આદત પ્રમાણે આંગળીઓ માં ગોળ ગોળ પેન ફેરવવા લાગી ત્યાં જ દેવમ બેડરૂમમાં આવ્યો.

દેવમે પૂછયું કે, "સ્ક્રીપ્ટ લખે છે, યશ્વી.. પૂરી થઈ ગઈ."

યશ્વીએ કહ્યું કે, "હા અને ના પણ સ્ક્રીપ્ટ પૂરી થઈ નથી. આગળ કેવી રીતે નાટક વધારવું તે જ વિચારું છું."

દેવમે આશ્ચર્યથી પૂછયું કે, "તું અને વિચારણા! કેમ કયાં ઊભી રહી તું? હું મદદ કરું."

યશ્વીએ લખેલી સ્ક્રીપ્ટ બતાવે છે, તે જોઈને દેવમે કહ્યું કે, "આટલા સુધી તો ઓકે છે. પણ એક કામ કર તે નેતા ના પહેલાં વખાણ કર અને તેનું ઈન્ટરવ્યૂ કરાવ. ઈન્ટરવ્યૂ લેવામાં કન્ફ્યુઝન થાય તો યુટ્યુબ પર ઈન્ટરવ્યૂ ના વિડીયો જોઈ લે. એનાથી નાટક કોમેડી પણ બનશે અને નાટક આગળ પણ વધશે. છેલ્લે એને ચણાના ઝાડ પર ચડાવ. અને આ વખતે સીરીયસ નાટક નહીં પણ કોમેડી નાટક લખજે. ચાલ સૂઈ જઈએ. મારે કાલ મીટીંગ છે તો ઓફિસ વહેલા જવાનું છે. "

યશ્વીએ હા પાડી ને બેડ પર આડી પડી પણ ઊંઘ ના આવતી હોવાથી તેના મનમાં વિચારો ની રમઝટ ચાલી રહી હતી. માંડ માંડ ઊંઘ આવી.

બીજા દિવસે ઘણા બધા ઈન્ટરવ્યૂ ના વિડીયો યુટ્યુબ પર જોયાં પછી તે ફરીથી સ્ક્રીપ્ટ લખવા બેઠી.

' પહેલો: "વાહ શામજીભાઈ વાહ.. હવે તો તમારો ઈન્ટરવ્યૂ પેપરમાં છપાશે."

બીજો: "હા..ભાઈ હા, વાંઢા મંડળનો વટ પડી જશે. આપણા નેતાનો ફોટો પેપરમાં છપાશે."

શામજીભાઈ(ખુશ થઈને): "બોલાવો તે પત્રકાર ને..."

(પત્રકાર આવે છે.)

પત્રકાર: "આમાંથી શામજીભાઈ કોણ છે?"

પહેલો: "આ રહ્યા અમારા વાંઢા મંડળના નેતા કહો કે પ્રમુખ શામજીભાઈ."

બીજો: "તમે કયા ન્યૂઝ પેપરમાં કે ચેનલમાં કામ કરો છો?"

પત્રકાર: "હું નવીન છું અને 'પ્રેરણા' ન્યૂઝ પેપરમાં લેખ લખું છું."

શામજીભાઈ: "બેસો...બેસો, નવીનભાઈ."

નવીન: "તો શામજીભાઈ તમારો ઈન્ટરવ્યૂ ચાલુ કરીએ."

(નવીન ફોન પર રેકોર્ડિંગ ચાલુ કરે છે.)

નવીન: "શામજીભાઈ તમારી ઊંમર કેટલી છે?"

શામજીભાઈ: "નવીનભાઈ ઊંમર ના પૂછતાં, હું તો હજી કુંવારો છું. કુંવારો એ કુંવારો જ હોય, પછી ભલે ગમે તેટલી ઊંમર નો જ કેમના હોય પણ તે નાનો જ હોય."

નવીન: "શામજીભાઈ હજુ સુધી તમારા લગ્ન નહીં થવાનું કારણ?"

શામજીભાઈ: "કારણ તો શું પણ છોકરીઓ ઓછી હોવાથી તેમની આડોડઈ."

નવીન: "એટલે?"

શામજીભાઈ: "જુઓ એક છોકરીને દાઢી ગમતી નથી, દાઢી કરીને જઈએ તો દાઢીવાળો ગમે છે. કોઈ છોકરીને લાંબો જોઈએ અને કોઈને લાંબો નથી ગમતો. બોલો હવે આને શું કહેવું?"

નવીન: "છોકરીઓ ના પાડે છે, એના આ સિવાય બીજા કોઈ કારણ આપે ખરા કે આના આ જ?"

શામજીભાઈ: "નવીનભાઈ છોકરીઓ જોડે ના પાડવા માટે કારણો નો તોટો જ કયાં છે. આ અમારા માનવંતા સભ્ય નયન આજે છોકરી જોવા ગયા હતા, તેને ના પાડવાનું કારણ શું આપ્યું ખબર છે."

નવીન: "કયું?..."

શામજીભાઈ: "ના પાડવાનું કારણ કહ્યું કે તને ચાલતા નથી આવડતું, તારો કલર નથી ગમતો વિગેરે.."

નવીન(નયનની સામું જોવે છે.): "વાત તો..."

શામજીભાઈ: "તમને બતાવું કે નયનની ચાલ કેટલી સરસ છે. અલ્યા નયન જરા આ ભાઈને કૅટવૉક કરી બતાવ તો."

(નયન લટક મટક ચાલતો કૅટવૉક કરે છે, થોડો આગળ જઈને પાછું ફરીને જોવે છે. અને ખભા પરથી રૂમાલ ખેંચી ને શરમાઈ જાય છે.)

શામજીભાઈ: "જોયું ને કેટલું સરસ ચાલે છે. છતાંય છોકરી ના ગમાડે તો શું કહેવું આને તો એમની આડોડઈ જ કહેવાય ને."

નવીન(આ બધું જોઈને હસવું રોકીને, મનમાં): "વાત તો સાચી છે.

(પછી) હા, આ તો છોકરીઓ ની આડોડઈ કહેવાય. શામજીભાઈ આ માટે તમે સરકારને શું કહેવા માંગો છો?"

શામજીભાઈ: "શું કહેવાનું સરકારને? જયારે પ્રધાનમંત્રી જ પરણેલો છે. એ તો કુંવારા લોકોના દુઃખ કયાંથી સમજવાનો?"

નવીન: "પણ આપણા પ્રધાનમંત્રી કયાં તેમની પત્ની જોડે રહે છે. એ પણ એક રીતે પરણેલા વાંઢા જ છે કહેવાય ને."

શામજીભાઈ: "જુઓ નવિનભાઈ આપણને આમાં ખબર ના પડે, પણ કહેવાય શું... હા, એનું મેરીટીયલ સ્ટેટસ તો પણ મેરીડ જ આવે ને."

નવીન: "હું આ નથી પૂછતો. હું તો પૂછું છું કે 'આ તમારા મંડળ વતી સરકાર શ્રી ને કે પ્રધાનમંત્રી તમે કંઈ સૂચન કરવા માંગો છે કે શું કંઈ કહેવા માંગો છો?"

શામજીભાઈ: "હું તો એટલું જ કહેવા માગું છું કે કુંવારા લોકો ને 33% અનામત આપવું જોઈએ."

નવીન: "એટલે સમજણ પડી નહીં."

શામજીભાઈ: "એટલે કે જેમ એસસી, ઓબીસી ના 33% અનામત નથી મળતું. તેમ અમને પણ આપે. સરકારી નોકરીમાં, સંસદમાં અને સરકાર બનાવવામાં, મંત્રી પદ આપે અમને. અને ખાસ તો લગ્ન માટે યુવતીઓ ની સંખ્યા પ્રમાણે 33% અમારા જેવા કુંવારા લોકોને જ પસંદ કરવા જ પડે."

નવીન: "તમારો સુઝાવ સરકાર આગળ રજુ કરવાનો પ્રયત્ન કરીશ. પણ આ કાયદો પસાર ના થાય તો શું તમારું મંડળ આંદોલન કરશો કે પછી..?"

શામજીભાઈ: "જો આ કાયદો પસાર નહીં થાય તો સરકારે કુંવારા લોકોના વૉટથી હાથ તો ધોવા જ પડશે. વળી, અમે સરકાર સામે ધરણાં પણ કરીશું. બસ, હવે કોઈ પ્રશ્ન પૂછવા ના નહીં.ઈતિશ્રી"

પહેલો: "કયારે આવશે આ ઈન્ટરવ્યૂ."

બીજો: "હા, પાછા સરસ ફોટો પણ છપાવજો અમારા શામજીભાઈ નો. કદાચ ફોટો જોઈને લગ્નનો મેળ પડી જાય."

નવીન: "બે-ત્રણ દિવસમાં ઈન્ટરવ્યૂ છપાવીશ અને ફોટો પણ છાપીશ. અને હા, જયારે ઈન્ટરવ્યૂ છપાશે ત્યારે જણાવીશ. ચાલો, હું રજા લઉં."

(નવીન ભાઈ જાય છે.) '

એટલામાં યશ્વીના ફોનની રીંગ વાગી. ફોન ઉપાડતા જ સોનલ બોલી કે, "યશ્વી આપણે બધા બે વાગ્યે ઓફિસમાં મળીએ. તારું ખાસ કામ છે. તો પહોંચી જજે."

યશ્વીએ ફોન મૂકીને ઘરકામ પતાવીને બે વાગ્યે 'સોહમ ક્રિએશન' ની ઓફિસ પહોંચી.

ત્યાં સોનલે યશ્વીને પૂછ્યું કે, "તારી સ્ક્રીપ્ટ નું કામ કેટલે પહોંચ્યું."

યશ્વી બોલી કે, "થોડી ઘણી લખી છે અને અમુક હજી બાકી છે. વળી, લખેલી છે એને મઠારવાની પણ બાકી છે. કેમ ઉતાવળ છે?"

અશ્વિને કહ્યું કે, "સ્પોન્સર શોધવા માટે સ્ક્રીપ્ટ જરૂરી છે. વળી, ફર્સ્ટ પ્લે હોવાથી એડવર્ટાઈઝ પણ જોરશોરથી ચાલુ કરવી છે. તો જ આપણો પ્લે હાઉસફૂલ જાય ને."

યશ્વીએ કહ્યું કે, " હું ગમે તેટલું ઈચ્છું તો પણ જલદી નહીં લખી શકું તો કેવી રીતે કરીશું?"

ભાવેશે કહ્યું કે, "એક કામ કરીએ, બે-ત્રણ દિવસમાં ગ્રુપને ભેગું કરીને પ્લેનો કોન્સેપ્ટ સંભળાવીએ અને કેરેક્ટર સોપી દઈએ. અને ડેઈટ નક્કી કરીને એડવર્ટાઈઝ ચાલુ કરી દઈએ. અને આ બાજુ યશ્વી તું સ્ક્રીપ્ટ જેટલી લખી છે તે મઠારી દે જેથી તે લોકોને કેરેક્ટરની સાથે ડાયલોગ પણ આપી શકાય."

સાન્વીએ કહ્યું કે, "પરફેક્ટ, આવું થઈ શકે. જેટલું લખાયું છે તેની પ્રેક્ટિસ ચાલુ થઈ જાય. ત્યાં સુધી માં તો યશ્વી આખી સ્ક્રીપ્ટ પૂરી કરવા ટાઈમ મળી જશે."

યશ્વીએ કહ્યું કે, "રાઈટ સઝેશન, પણ નાટક પ્રોડયુસ કરવા માટે ની ડેઈટ કઈ રાખવી છે."

(શું યશ્વી નાટક પુરુ લખી કાઢશે? પ્લે પ્રોડયુસ કરવાની ડેઈટ કઈ રાખશે? પ્લે માટે અશ્વિન વિગેરે ને સ્પોન્સર મળશે ખરા?
જાણવામાટેજુઓ આગળનો ભાગ...)