એંશી
“વરુણ પ્રત્યે મારા ગુસ્સાને લીધે મેં ઘણીવાર તારું પણ અપમાન કર્યું છે સોનલ. મને બધુંજ યાદ છે, અને એનું મને ખૂબ દુઃખ છે.” સુંદરીએ સોનલબાના બંને હાથની હથેળીઓ પકડી લીધી.
“વરુણભાઈ મારો ભાઈ છે અને પોતાના ભાઈ માટે બહેન થોડું સહન કરે અને બહેન માટે ભાઈ થોડું સહન કરી લે એવી લાગણી તો કુદરતી છે ને?” સોનલબાએ લાગણીશીલ થઈને કહ્યું.
“જોયું અરુમા? હું કહેતી હતીને તમને? સોનલ અને વરુણ ભલે સગાં ભાઈ-બહેન નથી પણ એ લોકો એકબીજા સાથે એવી રીતે વર્તન કરે છે કે બીજા કોઈને આ વાત પર વિશ્વાસ જ ન થાય. સોનલ, વરુણને તો મેં મારો મિત્ર બનાવી દીધો છે, તું મારી ફ્રેન્ડ થઈશ?” સુંદરીની નાનકડી આંખોમાં વિનંતી હતી.
“આપણે તો ઘણા વખતથી એકબીજાના ફ્રેન્ડ્સ હોવાનું વચન આપી ચૂક્યા છીએ મેડમ!” સોનલબાએ સ્મિત સાથે કહ્યું.
“સાચું કહું તો એ અંગે હું અત્યારસુધી સિરિયસ ન હતી, પણ હવે મારે બધું નવેસરથી શરુ કરવું છે. તારા અને વરુણ જેવા સારા લોકોનો વિશ્વાસ અને સાથ બંને ગુમાવવા હવે મને પોસાય એમ નથી.” સુંદરીએ એક બીજા સત્યનો પણ સ્વીકાર કર્યો.
“હું પહેલેથીજ આપણી દોસ્તી બાબતે સિરિયસ હતી જ. આપણે ફ્રેન્ડ્સ રહીશુંજ. ભઈલા, મારા ખ્યાલથી આપણે હવે જવું જોઈએ. પપ્પા ચિંતા કરતા હશે.” સોનલબાએ સુંદરીને વચન આપ્યા બાદ વરુણ સામે જોઇને કહ્યું.
“હા ચોક્કસ, હું કૃણાલને બોલાવી લઉં.” આટલું કહીને વરુણે ખિસ્સામાંથી પોતાનો સેલફોન બહાર કાઢ્યો.
“કૃણાલ પણ આવ્યો છે? ક્યાં છે?” કૃણાલનું નામ સાંભળતાની સાથેજ સુંદરીને આશ્ચર્ય થયું.
“હા, એ બહાર કારમાં બેઠોબેઠો અમારી રાહ જોવે છે. વરુણે કૃણાલનો નંબર ડાયલ કરતાં જવાબ આપ્યો.
“અરે! તો એને પણ અહીં લાવવો હતો ને? શું તમે લોકો પણ?” સુંદરીએ સહેજ નિરાશા સાથે કહ્યું,
“આજની મિટિંગ જ કાંઇક એવી હતી કે અમને લાગ્યું કે કૃણાલભાઈ એમાં ન જોડાય તો જ સારું. આમ પણ આવી બધી વાતોમાં આટલા બધા લોકોનું શું કામ?” સોનલબાએ વાત વાળતાં કહ્યું.
“ના એમ ન હોય. વરુણ, તું કૃણાલને કાર લઈને અંદર આવવાનું કે’, હું એના માટે શરબત બનાવી દઉં. એ શરબત પી લે પછી તમે બધાં જાવ.” અરુણાબેને ફરીથી પોતાની ઉંમરને લીધે આપોઆપ મળતાં સન્માનનો ઉપયોગ કર્યો.
અરુણાબેનનો હુકમ વરુણ ટાળી ન શક્યો અને તેણે કૃણાલને ફોનકોલ પર એમના ઘેર આવી જવાનું કહ્યું. લગભગ ત્રણેક મિનીટ બાદ કૃણાલ આવ્યો. વરુણે આંખના ઇશારેથી બધુંજ બરોબર હોવાનું કહી દીધું. સુંદરીએ કૃણાલના ખબર પૂછ્યા અને થોડીવારમાં અરુણાબેન કૃણાલ માટે પણ શરબત લઇ આવ્યાં.
કૃણાલના શરબત પી લીધા બાદ વરુણ, સોનલબા અને કૃણાલ ત્રણેય પોતપોતાની જગ્યાએથી ઉભા થયા અને સુંદરી અને અરુણાબેનની રજા માંગી.
“આપણે નક્કી થયું એમ હું તમારા મેસેજની રાહ જોઇશ... આવજો!” મુખ્ય દરવાજો બંધ કરી રહેલા વરુણને સુંદરીએ કહ્યું.
જવાબમાં વરુણે હસીને હા પાડી.
“કેવા મેસેજની રાહ જોશે મેડમ?” કારમાં બેસતાં પહેલાં સોનલબાએ એના માટે દરવાજો ખોલીને ઉભા રહેલા વરુણની કમરમાં હળવેકથી કોણી મારતાં પૂછ્યું.
“આગલી મુલાકાત ક્યાં કરવી એની.” વરુણે પણ ધીમા સૂરમા કહ્યું કારણકે સુંદરી અને તેમની વચ્ચેનું અંતર ખાસ લાંબુ ન હતું.
વરુણ, સોનલબા અને કૃણાલ ત્રણેયએ સુંદરીને આવજો કર્યા અને કૃણાલે કાર રિવર્સમાં લીધી અને એક ગલીમાં વાળીને તેને આ વિશાળ સોસાયટીની બહાર લઇ જવા માટે આગળ હંકારી લીધી.
“હવે તને શાંતિ થઇ?” સુંદરીના ઘરમાં પરત આવવાની સાથેજ અરુણાબેને પ્રશ્ન કર્યો.
“હા અરુમા. મને લાગે છે કે મેં મારી એક તકલીફ તો હળવી કરી દીધી, પણ હજી પપ્પા અને જયરાજ સરવાળી તકલીફને દૂર કરવાની બાકી છે. ખબર નહીં પપ્પાને હું કેવી રીતે સમજાવી શકીશ?” સુંદરી જે અત્યારસુધી એકદમ સારા મૂડમાં હતી તે પોતાની આ બીજી તકલીફ યાદ આવતાંની સાથેજ ફરીથી નિરાશ થઇ ગઈ.
“સમય સમયનું કામ કરશે બેટા. બસ તું હવે વરુણનો સાથ છોડતી નહીં. હું તો તેને આ રીતે પહેલીવાર મળી પણ એનો, સોનલનો અને છેલ્લે પેલા કૃણાલનો વ્યવહાર જોઇને મને તો લાગે છે કે વરુણ સાથેજ તારું ભવિષ્ય જોડાય તો સારું, બહુ સારા લોકો છે. મને લાગે છે કે વરૂણનું ફેમિલી પણ સારું જ હશે, માણસના સંસ્કાર ક્યારેય છુપાતા નથી. વરુણને જોઇને, એની વાતો સાંભળીને અને એનો વ્યવહાર જોઇને મને તો એવું લાગ્યું.” અરુણાબેને કહ્યું.
“હા, વરુણને જ્યારે પગમાં બોલ વાગ્યો હતો ત્યારે એને ઘરે હું જ લઇ ગઈ હતી. એના મમ્મી-પપ્પા બહુ સારા લોકો છે અને એની બેન તો એટલી મીઠડી છે કે વાત ન પૂછો.” સુંદરીનો ચહેરો ફરીથી ખીલી ઉઠ્યો.
“બસ, આ જ પોઝીટીવીટી ચાલુ રાખજે. જો કોઈ પણ સબંધમાં ગેરસમજણ તો ગમે ત્યારે થઇ શકે, પણ એ ગેરસમજણ એ જ વ્યક્તિ સાથે સામે બેસીને દૂર કરવી જ રહી. સુંદરી બેટા, જીવન તો જ જીવાય. હજી તારે લગ્ન કરવાના છે અને લગ્નજીવનમાં નાની મોટી અસંખ્ય ગેરસમજણ સામે આવશે તો શું દર વખતે સબંધ તોડી નાખીશ? શાંતિથી વિચારવાનું રાખ દીકરા.” અરુણાબેને સુંદરીને સલાહ આપી.
“અરુમા, હવે મેં મારી જાતને અને મારા સ્વભાવને સાવ બદલી નાખવાનું નક્કી કર્યું છે. મને ખાતરી છે કે વરુણ સાથેની મારી મિત્રતા મને એમાં જરૂર મદદ કરશે.” સુંદરીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
“અને એ મિત્રતા જો ભવિષ્યમાં પ્રેમમાં પરિવર્તન પામે તો આ બધું યોગ્ય ન કહેવાય એમ મનોમન માની લઈને એની અવગણના ન કરતી પાછી.” અરુણાબેન હસીને બોલ્યા.
જવાબમાં સુંદરીએ પણ સ્મિત સાથે હકારમાં પોતાનું માથું હલાવ્યું, એના ચહેરા પર શરમની રેખાઓ ચિતરાઈ ગઈ હતી.
==::==
“ભાભીને મળે કેટલા દિવસ થયાં આપણને?” સોનલબાએ વરુણને પૂછ્યું.
“દસ દિવસ તો થયા જ.” વરુણે જવાબ આપ્યો.
“તો આ દસ દિવસમાં ભાભીને એક પણ મેસેજ નથી કર્યો તેં?” સોનલબાએ કડકાઈથી પૂછ્યું.
“ના.” વરુણે સોનલબાથી આંખ ચોરતાં જવાબ આપ્યો.
“તને કશી ભાન પડે છે ભઈલા? હવે જ્યારે નવેસરથી સબંધ બાંધવાની વાત છે ત્યારે કમ્યુનિકેશન તો લાઈવ રાખવું જ પડશે.” સોનલબા જરા ગુસ્સે થયાં.
“મને એમ કે એ મેસેજ કરે એટલે હું જવાબ આપીશ અને પછી ધીમેધીમે કમ્યુનિકેશન વધવા લાગશે.” વરુણ હજી પણ સોનલબા સાથે આંખ મેળવી શકતો ન હતો.
“પણ જ્યારે તે દિવસે અરુણામે’મના ઘરેથી નીકળતી વખતે ભાભીએ સ્પષ્ટ કહ્યું હતું કે એ તારા મેસેજની રાહ જોશે તો પછી તું કેમ પહેલો મેસેજ ન કરી શકે મને એ નથી સમજાતું.” સોનલબાનો અવાજ જરા મોટો થયો.
“બીક લાગે છે, ક્યાંક એમને કોઈ મિસઅન્ડર સ્ટેન્ડિંગ ન થઇ જાય કે હું વધારે પડતો ઉત્સાહ દેખાડી રહ્યો છું.” વરુણે ફરીથી આંખ ચોરતાં જવાબ આપ્યો.
“હે મારા ભગવાન! શું કરું આ છોકરાનું? મારા આ ભઈલાનું? જો ભઈલા, છોકરી ક્યારેય પહેલ નહીં કરે. તું દસ દિવસ નહીં પણ બીજા દસ હજાર દિવસ પણ રાહ જોઈશને એમના પહેલા મેસેજ કરવાની, તો એ નહીં જ બને. પહેલ તો તારે જ કરવી પડશે, ભલે અત્યારે તમે બંને ફ્રેન્ડ્સ બન્યા હોવ, પણ તો પણ પહેલો મેસેજ તો તારે જ કરવો પડશે.
ચલ, અત્યારેજ એમને મેસેજ કર અને ક્યાંક મળવા બોલાવ. કોઈ એવી હોટેલમાં, આઈ મીન સ્ટાર હોટેલમાં જ્યાં બહુ ભીડ ન હોય એટલે તમે બંને શાંતિથી અને લાંબી વાતો કરી શકો. મે મહિનો પતવા આવ્યો છે ભઈલા, દસમી જુનથી કોલેજો શરુ થઇ જશે પછી એમને આટલો ટાઈમ નહીં મળે. ચલ, એમને મેસેજ કર અને કોઈ સ્ટાર હોટેલમાં મળવા બોલાવ.” સોનલબાએ ટેબલ પર પડેલો વરુણનો ફોન ઉપાડીને એને પકડાવતાં કહ્યું.
“પણ મળવાનું કારણ પૂછશે તો?” વરુણ હજી પણ ડરી રહ્યો હતો એટલે એણે બહાનું બતાવ્યું.
“તું કાલે નવી કાર લેવાનો છે ને? બસ તો એની પાર્ટી આપ મેડમને! લંચ અથવા ડિનર માટે લઇ જજે પાછો, ચ્હા-કોફી માટે નહીં. નહીં તો એકાદ કલાકમાં વાતો પૂરી થઇ જશે. ચલ કર તો મેસેજ.” સોનલબાએ હુકમ કર્યો.
વરુણે પોતાનો ફોન અનલોક કર્યો અને વોટ્સએપમાં SVB સર્ચ કરીને તેના પર ટેપ કર્યું અને મેસેજમાં Hii લખીને મોકલ્યું. આ સમયે સુંદરી ઓફલાઈન હતી પણ જેવો વરુણનો મેસેજ ડિલીવર થયો કે એ તરતજ એ ઓનલાઈન આવી અને Hii સાથે વળતો જવાબ આપ્યો.
વરુણે થોડો સમય આડી અવળી ચેટ કરી અને પછી બે દિવસ પછી સુંદરીને એસજી હાઈવે પર આવેલી એક સ્ટાર હોટેલમાં તેને લંચ માટે આમંત્રણ આપ્યું. સુંદરીએ કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે કારણ તે તેને જ્યારે પીકઅપ કરવા આવશે ત્યારેજ કહેશે. જવાબમાં સુંદરીએ તેને કહ્યું કે પહેલાની જેમ તે તેની સોસાયટીની ગલીની બહાર આવીને મેસેજ કરે એટલે એ આવી જશે. વરુણે હા પાડી અને બે દિવસ પછી લંચ માટે સુંદરી પણ રાજી થઇ ગઈ.
સુંદરીની હા આવતાં જ વરુણે પોતાની ટેવ મુજબ સામે બેઠેલા સોનલબા સામે પોતાનો જમણો અંગૂઠો ઉંચો કરીને મિશન સક્સેસફૂલ થયું હોવાનું જાહેર કર્યું.
==::==
“ચાવાળા સાથે શું વાતો કરે છે... કોઈક વાર મારી સાથે પણ વાત કર! એવી વાત કરીશ કે તને રોજ મને મળવાનું મન થશે ઈશુબેબી!” ગુંડા જેવો દેખાતા એક વ્યક્તિએ ઈશાનીના કાનમાં ધીરેથી કહ્યું.
ઈશાની હવે દરરોજ શ્યામલની દુકાને ચ્હા પીવા આવતી હતી અને આજે પણ આવી હતી અને દરરોજની જેમ શ્યામલ સાથે એકલી એકલી વાતો કરી રહી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી આ વ્યક્તિ જેનું નામ રાઘવ ઉર્ફે રઘુ હતું અને ઈશાનીની કોલેજના સ્ટુડન્ટ્સ એસોશિયેશનનો સેક્રેટરી હતો ઈશાનીનો પીછો કરી રહ્યો હતો. ગઈકાલે તો એ બસમાં પણ ઈશાની સાથે ચડી ગયો હતો અને છેક એના ઘર સુધી આવ્યો હતો. આટલા દિવસ રઘુએ ઈશાનીનો ફક્ત પીછો જ કર્યો હતો એથી ઈશાનીએ તેની અવગણના કરી હતી, પણ આજે એ ઈશાનીની સાવ નજીક, સ્પર્શ કરવાની હદ સુધી આવી ગયો હતો.
રઘુના ઈશાનીના કાનમાં બોલવાની સાથેજ જાણેકે સ્પ્રિંગ ઉછળી હોય એમ ઈશાની મુંઢા પરથી ઉછળી અને દોટ મુકીને કાયમની જેમ ઈશાનીની બકબક સાંભળતા સાંભળતા અને માત્ર સ્મિત સાથે એને હા અને ના નો જવાબ આપતા ચ્હા બનાવવામાં વ્યસ્ત રહેતા શ્યામલ પાછળ જઈને ઉભી રહી ગઈ અને ધ્રુજવા લાગી.
“આ માણસ છેલ્લા ત્રણ દિવસથી મારો પીછો કરે છે, મને એનાથી બહુ બીક લાગે છે, મને બચાવી લો પ્લીઝ!” શ્યામલની પાછળ ઉભી રહેલી ઈશાનીએ પોતાનો ડાબો હાથ શ્યામલના ડાબા ખભે મૂક્યો અને તેને જોરથી પકડી લીધો.
==:: પ્રકરણ ૮૦ સમાપ્ત ::==