Re Union in Gujarati Moral Stories by Writer Unknown books and stories PDF | રી યુનિયન

Featured Books
Categories
Share

રી યુનિયન

"મેડમ કોર્ટ તરફથી તમારી ડીવોર્સની તારીખ અાવતા અઠવાડિયાની અાવી છે. મીટીંગ કેન્સલ કરી દઉં કે રીશેડ્યુલ..??"

મારી સેક્રેટરી રીમા મને પુછી બેઠી. મે એને કોઇ પણ રસ વગર કહી દીધું કે અામાનું કશું જ કરવાની જરુર નથી. છેલ્લાં ચાર વર્ષથી જે સંબંધ અામ પણ પુરો થઇ ગયો છે એને કાગળ ઉપર પુરો કરવા ઓફિસનું કામ શું બગાડવાનું...?? મે ઓર્ડર કર્યો અને એ ચુપ થઇ ગઇ..

પિસ્તાલીસે પહોંચવા અાવેલી હું અલકા પોરવાલ...લેપટોપ બંધ કરીને ઉભી થઇ અને બારીની બહાર દેખાતા સુંદર મુંબઈ શહેરને જોઇ રહી...

ઇન્ડિયન કોર્પોરેટ સેક્ટરમાં મહિલાઓ માટે કેટલું અઘરું હોય છે કોઇ પણ કંપનીમાં ડિરેક્ટરનાં પદ ઉપર પહોંચવું એ કોઇ અભણ માણસથી પણ અજાણ્યું નથી...અને છતાં મે અા કરી બતાવ્યું હતું. મારી પ્રચંડ સફળતાનાં પ્રમાણમાં નાની કહી શકાય એવી પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં હું અાજે પ્રતિષ્ઠિત ઇન્ડિયન કંપનીનાં બોર્ડમાં જગ્યા બનાવી ચુકી હતી..

કોલેજમાં શેરી નાટકો ડીરેક્ટ કર્યા કરતી શોખ માટે અને અાજે કંપનીની ડીરેક્ટર છું. બધું જ તો હતું...મલાબાર હિલ ઉપર અાલિશાન પેન્ટ-હાઉસ, ગાડીઓ, નોકર-ચાકર અને હવે તગડી ફી ચુકવીને ઉભા રાખેલાં વકીલની કૃપાથી કચકચ કરતાં પતિ અને છોકરાઓથી પણ મુક્તિ મળી જવાની હતી..

"મેડમ બજેટ રીવ્યૂ પુરું થઇ ચુક્યું છે. તમે ફાઇનલ રીપોર્ટ ઉપર સાઇન કરી દો અેટલે એન્યુઅલ શેરહોલ્ડર રીપોર્ટ બનાવવા માટે ફાઇનલ કોપી અાપી દેવાય..બાકી બધા ડીરેક્ટર્સની સાઇન થઇ ચુકી છે...!!" રીમા ફાઇલ પકડાવી ગઇ અને મને હસવું અાવી ગયું..

બજેટ રીવ્યૂ કોઇ મહાયજ્ઞ કરતાં ઓછું નહોતું અમારી કંપનીમા...!! મોટા મોટા મહારથીઓ અાવતા અાહુતિ અાપવા...અને પોતપોતાનાં ભાગનો ટાર્ગેટરુપી પ્રસાદ લઇને અાવત‍ાં ફાઇનાન્સિયલ યર માટે રવાના થતાં..!!

"રીમા મારી ટીકીટ બુક કરાવી દેજે વડોદરાની...હું બે દિવસ માટે જઇ રહી છું...!!" મે ફાઇલ માંથી નજર ઉઠાવ્યા વિના જવાબ આપ્યો..

રીમા ચોંકી..હું દસ વર્ષમાં પહેલી વખત આ રીતે રજા લઇ રહી હતી. દર વર્ષે તો મારી રજાઓ ઓફિસમાં કામ કરતાં કરતાં જ નીકળી જતી..

"અરે અા શું કરે છે તું...??" રીમાને ફોન લગાવતાં જોઇ હું અટકી..અાટલા વર્ષોમાં સાથે કામ કરતાં કરતાં હવે એ મિત્ર જેવી બની ગઇ હતી. અામ પણ મારા મિત્ર વર્તુળમાં મારી સેક્રેટરી, કુક, વોચમેન અને ડ્રાઇવર સિવાય બીજું હતું જ કોણ..??

"માનો યા ના માનો ઓફિસમાં ફોન કરું છું મેડમ...તમે છેલ્લા દસ વર્ષોમાં પહેલી વખત રજા લઇ રહ્યાં છો...!!" એણે હાસ્યમિશ્રિત સ્વરમાં કહ્યું અને મને પણ હસવું અાવી ગયું...મારી અા રજાનાં સમાચાર સાંભળીને રીમા મારા કરતાં વધારે ખુશ હતી એ નક્કી હતું..!!

"કોલેજમાં રીયુનિયન છે...મજા અાવશે અાટલા વર્ષો પછી દોસ્તોને મળવાની..!!" મે હસીને કહ્યું. મારી અંદરની ખુશી મારા અવાજમાં પણ છલકાવવા લાગી..

હું ઘણી વાર રીમા સાથે મારા કોલેજની વાતો કરતી...હવે તો કદાચ એ પણ સૌને નામથી ઓળખવા લાગી હતી. હા..જાણ્યે-અજાણ્યે જ મારા મોઢે હંમેશા નંદિનીનું નામ અાવી જતું..

નંદિની...!!

યુનિવર્સિટી ટોપર અને કોલેજના દિવસોની મારી પાક્કી સહેલી..!! એ દિવસોમાં અમને એવું જ લાગતું કે ભાગ્યને નંદિની પોતાની હથેળીઓમાં લઇને ફરતી...મને એની સિધ્ધીઓ માટે ખુશી તો થતી પણ અંદરખાને કદાચ ઇર્ષા...

નંદિની સુંદર હતી...હોશિયાર હતી...મધુર અવાજે ગીતો ગાવામાં અાગળ રહેતી..અમીન સયાનીની તો અાખી ગીતમાળા હતી એની પાસે...!! અમે કાળા રંગની ગુંચવાઇ ગયેલી ટેપ લઇને સયાજીબાગનાં બાંકડે બેસી જતાં એનાં રેકોર્ડ કરેલાં ગીતો ફરીથી રેકોર્ડ કરવા..!! વિચારીને હું હસી પડી..

બસ-સ્ટેન્ડ ઉપરથી ખરીદેલી શાયરીઓની મેગેઝિન માંથી કોપી કરીને લખેલાં પ્રેમપત્રો પણ ત્યારે નંદિનીને જ સૌથી વધારે મળતાં. પ્રોફેસર્સ હોય કે મધુમાખીની જેમ અાપસાસ બણબણતા વર્ગના છોકરાઓ...સૌ કોઇ નંદિનીનો પડ્યો બોલ ઝીલવા અાતુર રહેતાં..!!

"મેડમ નંદિની અાવશે કે નહીં..??" રીમા મારા મનમાં ચાલતો સવાલ પુછી બેઠી અને મારી ભ્રુકૃતિ તણાઇ..!!

મે જવાબ અાપવાનું ટાળ્યું પણ મારા મનમાં પણ વિચારોનું વંટોળ ઉમટ્યું હતું. ક્યાં હશે મારી નંદિની...શું કરતી હશે..? નક્કી રીસર્ચમાં અાગળ વધીને સાયન્ટિસ્ટ બની ગઇ હશે..!!

વહેલી સવારની મારી ફ્લાઇટ વડોદરા અાવી પહોંચી. રાતભરનો ઉજાગરો હોવા છતાં મે અાંખનું મટકું મારવાનું પણ ટાળ્યું...હું ધુંધળા પડી ગયેલાં ચહેરાઓ યાદ કરી રહી હતી..!!

ક્યાં હશે એ અનામિકા જે હંમેશાં સમોસામાં ચટણી વધારે નખાવવા કેન્ટિનવાળા જોડે યુદ્ધમાં ઉતરતી..??

દુબળીપાતળી માનસી જેને અમે પાપડતોલ પહેલવાન કહેતાં..!!

ક્યાં હશે ફિલ્મોની શોખીન વૈશાલી જેને હંમેશાં બસ એક જ ચિંતા રહેતી કે એનું લગ્ન ક્યારે થશે..?? જાણે હાથમાં વરમાળા લઇને જ જન્મી હતી પાગલ..!!

હું ચહેરા ઉપર સ્મિત સાથે મારો સામાન લઇને બહાર અાવી. મે એક નજર પોતાનાં ઉપર પણ નાખી...અાખરે કોણે વિચાર્યું હતું કે એક દિવસ મધ્યમકક્ષાની વિધ્યાર્થી ગણાતી અા અલકા પોરવાલનો કોર્પોરેટ વર્લ્ડમાં ડંકો વાગતો હશે...!!

મારા ચહેરા ઉપર અાત્મસંતોષ છવાઇ ગયો...અને કદાચ અભિમાન પણ..!! કોલેજના એ ગેટ પાસે અાજે પણ છોકરાઓનું ટોળું લાગેલું હતું...હા એ વાત અલગ હતી કે સાયકલોને બદલે હવે એમની પાસે મોંઘી ગાડીઓનો કાફલો દેખાતો હતો...કેન્ટીનમાં લોકો સમોસાને બદલે પિત્ઝા ઓર્ડર કરી રહ્યાં હતાં...

કેન્ટીનનું યુદ્ધ જોકે નિરંતરપણે ચાલતું હતું...ચટણી માટે નહીં તો કેચઅપ માટે...!!

કોલેજનું કેમ્પસ મને હંમેશા જીવનનાં અરીસા જેવું ભાસતું અને રીયુનિયન એ જ અરીસામાં ઝીલાતું પ્રતિબિંબ..!! કેટકેટલાય સપનાઓ, અાંકાંક્ષાઓ, ઇચ્છાઓ લઇને અાવતાં સૌ અહિયાં...અને ચાર વર્ષનાં અંતે પોતપોતાનાં રસ્તે ચાલી નીકળતાં...અમુક લોકો એમનાં મુકામ સુધી પહોંચતા તો અમુક રસ્તો જ બદલી નાખતાં...!!

સ્ટેજ ઉપર ચાલી રહેલાં લાઇવ પરફોર્મન્સે મારું ધ્યાન ખેંચ્યું. નંદિનીનાં અવાજને ઘોંઘાટોની ભીડમાં હું અાટલા વર્ષો બાદ પણ ઓળખી ગઇ હતી. હું ઝડપથી ભીડ વચ્ચે રસ્તો કરીને એની પાસે પહોંચી અને એને ભેટી પડી..

"અરે અલકા તું...?? શું વાત છે..?? સાંભળ્યું તું તો અાજકાલ હાઇપ્રોફાઇલ માણસ બની ગઇ છે..??" નંદિનીએ હસીને કહ્યું અને હું એને ધરાઇને જોઇ રહી..

"હા એક મલ્ટિનેશનલ કંપનીનાં બોર્ડમાં છું. તું શું કરે છે અાજકાલ..?? કોલેજ પછી ગાયબ જ થઇ ગઇ. દિલ્હી છું કે શું નેશનલ રીસર્ચ લેબોરેટરીમાં..??" હું પુછી બેઠી..

"અરે ના રે...હું તો અહિયાં જ છું અા કોલેજમાં લેક્ચરર તરીકે. લાગે છે મને અા કોલેજથી અને અા કોલેજને મારાથી એટલી અાત્મિયતા બંધાઇ ગઇ છે કે હવે એકબીજાનો સાથ છોડવાનું મન નથી થતું...!!" નંદિનીએ હસીને કહ્યું પણ મારું સ્મિત જાણે વિખેરાઇ ગયું..

"નંદિની...!!" પાછળથી કોઇની બુમ સંભળાઇ અને નંદિની ચાલી નીકળી. મારાથી હવે વધારે ના રોકાવાયું. જે રિયુનિયનનો ભાગ બનવા માટે મે દસ વર્ષમાં પહેલી વાર ઓફિસ માંથી રજા લીધી હતી એને અડધું મુકીને હું ચાનો કપ લઇ કેન્ટીનમાં અાવી બેઠી. એક પછી એક મળતાં જતાં જુના મિત્રો મને મારી સફળતા માટે અભિનંદન અાપી રહ્યાં હતાં.

સમોસાની શોખીન અનામિકા હવે ડાયેટિંગ કરવા લાગી હતી. એનાં હાથમાં કાકડીનું કચુંબર જોઇને હું હસી પડી..

દુબળીપાતળી માનસી મોંઘવારીની જેમ ચારેબાજુથી બેલગામ ફુલી રહી હતી અને વૈશાલી...?? લગ્ન થઇ ગયાં હતાં એનાં પણ કોઇક બેંક મેનેજર સાથે...!!

"નંદિનીને મળી તું...?? એ તો રીસર્ચર બનવાની જગ્યાએ પ્રોફેસર બની ગઇ છે...!!" મે કાંઇક ખિન્ન વદને કહ્યું..

"લે નંદિની અાવી ગઇ...!!" વૈશાલીએ પાછળ ઇશારો કરીને કહ્યું અને હું છોભીલી પડી..

"લાગે છે તને કાંઇ ખાસ ખુશી નથી થઇ મને મળીને...!!"

"ના ના એવી વાત નથી. હું તો બસ જરાક..!!" હું થોથવાઇ..

"કાંઇ વાંધો નહીં...સાંજે ચાર વાગે મારા લેક્ચર્સ પુરા થશે. તું સર્કલ પાસે મારી રાહ જોજે. હું તને ત્યાં જ મળીશ...!!" કહીને નંદિની ચાલી નીકળી. હું બસ અાભી બનીને એને જોઇ રહી..

છેવટે નક્કી કરેલ‍ાં સમયે હું નિયત કરેલી જગ્યાએ અાવી પહોંચી. નંદિનીને કદાચ અાવવામાં સહેજ મોડું થયું હતું. અનાયાસે જ મારું ધ્યાન રોડનાં કિનારે પુસ્તકોનો ઢગલો કરીને બેઠેલાં જીતું ઉપર પડી અને મારા ચહેરા ઉપર સ્મિત અાવી ગયું..

"જીતુંભ‍ાઇ છેલ્લાં કેટલા વર્ષોથી અહિયાં બુક્સનો ઢગલો લઇને બેસે છે...!!" નંદિનીએ પાછળથી અાવીને મારા ખભા ઉપર હાથ મુક્યો અને હું વિચારોનાં વમળ માંથી બહાર અાવી..

"હા...અાપણે ભણતાં ત્યારે નવા નવા અાવ્યા હતાં ગામડેથી. લાગે છે ધંધો સેટ કરી દીધો છે એમણે..!!" મે હાસ્યમિશ્રિત સ્વરમાં કહ્યું.

"ચાર વર્ષ પહેલાં અાવેલાં પુરમાં બધી જ બુક્સ અને મેગેઝિન તણાઇ ગઇ હતી એમની. મારા સ્ટુડન્ટ્સ મળીને ફાળો એકઠો કરી લાવ્યાં અને જીતુભાઇને એમની અા નાનકડી દુકાન નવેસરથી બાંધી અાપી...!!" નંદિની લાગણીભીના સ્વરમાં બોલી ઉઠી. હું ચુપ જ રહી...!!

"નંદિની હું માનું છું કે કોલેજ‍માં લેક્ચરર હોવું એ ખુબ જ સન્માનીય કામ છે. શિક્ષણનાં કોઇ પણ ક્ષેત્રે જોડાયેલાં હોવું સન્માનિય છે પણ તને નથી લાગતું કે રીસર્ચનાં ક્ષેત્રમાં અાગળ વધીશ તો માઇક્રોબાયોલોજીનાં તારા વિષયમાં વધારે પ્રગતિ કરી શકીશ...??" બધો મલાજો મુકીને મે છેવટે પુછી જ નાખ્યું..

"અા સામેનો ક્લાસ જોઇ રહી છે તું...??" નંદિનીએ સામે ઇશારો કર્યો અને મારું ધ્યાન કોલેજ બંધ થઇ ગયા પછી ચાલતાં એક માત્ર ક્લાસ ઉપર પડ્યુ...

"અરે અા લોકો હજું અહિયાં કેમ બેઠા છે...?? કોલેજના કલાકો પછી અાપણને તો અા રીતે બેસવાની મનાઇ હતી..!!"

"અા બીજા વર્ષમાં ભણતાં લોકો છે. અા લોકોને ના તો કેટેગરીના નામે મળતી સીટનો સહારો છે અને ના તો એટલાં પૈસા છે કે કોલેજની ફી ભરી શકે...હું છેલ્લાં દસ વર્ષથી અાવા કેટલાય સ્ટુડન્ટ્સની ફી ભરતી અાવી છું મારી અા લેક્ચરરની સેલેરી માંથી...જોકે મારી પણ એક શરત હતી..શરત હતી કે જેમ હું એમનો ભણવાનો ખર્ચો ઉપાડું છું એમ એ લોકો પણ કોલેજનાં કલાકો પુરા થયા પછી સરકારી શાળામાં ભણતાં ગરીબ બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવશે..!!" નંદિનીએ સંતોષની લાગણી સાથે કહ્યું અને હું સ્તબ્ધ થઇ ગઇ..

"પણ નંદિની...??"

"જીતુભાઇની દુકાન પાસે જે અલગથી પડેલી બુક્સ દેખાઇ રહી છે ને...?? ફર્સ્ટ અને સેકન્ડ યરની વપરાયેલી બુક્સ છે. મોટાભાગનાં સ્ટુડન્ટ્સ અડધા પૈસે અા બુક્સ પસ્તીમાં અાપી દે છે. મે અને જીતુભાઇ અા બધી બુક્સ ભેગી કરીને જરુરિયાતમંદ લોકોને અાપવાનું અભિયાન શરું કર્યું હતું સાત વર્ષ પહેલાં. હવે અા અભિયાન એટલું મોટું થઇ ગયું છે કે યુનિવર્સિટીન‌ાં દરેક ડિપાર્ટમેન્ટનાં સ્ટુડન્ટ્સ એમની બુક્સ અહિયાં મુકી જાય છે. ઘણા દાનવીરો તરફથી અમને અનામી સહાય મળતી રહે છે...જેમનું જીવન ભીખ માંગીને પસાર થવાનું હતું એવાં બે હજારથી વધારે બાળકોને બચાવીને અમે અનાથાશ્રમને સોંપી ચુક્યાં છે. જીતુભાઇ એમને ઓછી કિંમતે બુક્સ અાપે છે જેથી એમનું ગુજરાન પણ અારામથી ચાલી શકે. મારા નબળી અાર્થિક સ્થિતિ ધરાવતાં સ્ટુડન્ટ્સ અઠવાડિયામાં ત્રણ વખત અા બાળકોને મફતમાં ભણાવે છે જેમનું વળતર હું એમની ફી માફ કરીને અાપું છું...!!" નંદિનીના ચહેરા ઉપર સંતોષની સાથે શાંતિ પણ છવાયેલી હતી..

"તું અા બધું રીસર્ચર બનીને પણ તો કરી શકે છે...અાખી જીંદગી અાસિસ્ટન્ટ લેક્ચરર બની રહેવાની શું જરુર છે...??"

"હા પણ રીસર્ચર બનીને અા કામ કરવામાં મારા પતિનો સાથ નહીં મળે જે અા જ શહેરમાં મોટા કપડાના વેપારી છે. મારા બાળકોનાં ભવિષ્ય બાબતે નિશ્ચિત બનીને નહીં રહી શકાય કારણકે મારા સાસુમાં નહીં હોય મારી ગેરહાજરીમાં એમનું ધ્યાન રાખવા માટે...અને મારા વિના અા ગરીબ બાળકો અને માત્ર અને માત્ર બુદ્ધિનાં જોરે અાગળ અાવેલાં મારા સ્ટુડન્ટ્સ ગામડે જઇને ફરીથી ખેતીમાં જોતરાઇ જશે...!! તું જ બોલ હું અામની સાથે અાટલો મોટો અન્યાય કેવી રીતે કરી શકું...??" નંદિનીએ વેધક સવાલ કર્યો અને હું કાંઇ ના બોલી શકી..

"પણ...!!"

"હું ખુશ છું અલકા. હું ખુબ જ ખુશ છું મારા જીવનમાં. સવારે ઉઠીને જ્યારે કોલેજ અાવું છું ત્યારે જીતુંભાઇ અને એમની દુકાને બેઠેલાં લોકોના ચહેરાં ઉપર મને જોઇને સ્મિત અાવી જાય છે. મારા ક્લાસમાં કોઇ પણ પ્રોફેસર કરતાં વધારે સ્ટુડન્ટ્સ બેઠેલાં હોય છે એ જ મને મારી સફળતાનો બોલતો પુરાવો લાગે છે. કોલેજ માંથી નીકળીને જ્યારે હું ઘરે પહોંચુ છું ત્યારે મારો અાખો પરીવાર મારી રાહ જોઇને બેઠો હોય છે. મારા પતિ-બાળકો, સાસુ-સસરા અને અમારી જ સાથે રહેતાં મારા મમ્મી-પપ્પા પણ....અને હા મારું બોનસ મને દર ત્રણ મહિને મળે છે જ્યારે મારા અભિયાનની દેખરેખ હેઠળ ભણી રહેલાં બાળકો એમનાં રીપોર્ટકાર્ડમાં ગાર્ડિયન તરીકે મારી સહી લેવા અાવે છે...!! હવે તું જ બોલ અાટલો પ્રેમ શું મને બીજા કોઇ શહેરમાં મળશે...??" નંદિનીએ એટલી જ શાંતિથી કહ્યું અને હું કાંઇ ના બોલી શકી..

નંદિનીની પ્રશ્ન પુછતી અાંખોનો સામનો કર્યાં વિના હું નીકળી ગઇ...અનાયાસે જ મારી નજર ગુલાબનાં ફુલો લઇને વેચવા બેઠેલાં ફેરિયાઓ ઉપર પડી અને મારી અાંખે ઝળહળીયા અાવી ગયાં...

પોકેટમની માંથી પૈસા બચાવીને વિનય અા જ ફેરિયા પાસેથી મારી માટે દરરોજ ગુલાબનું ફુલ લઇ અાવતો...વડીલોની હઠ અને સામાજીક બંધનોની ઉપરવટ જઇને થયેલાં અમારા પ્રેમલગ્ન અામ તો કોઇ પરીકથા કરતાં ઓછા અવાસ્તવિક નહોતાં જ...કમનસીબે વિનય એક પછી એક કોર્પોરેટ સફળતાની સીડીઓ ચડી રહેલી પત્નીનો સાથ ના જાળવી શક્યો અને ફક્ત સિનિયર મેનેજર બનીને રહી ગયો...

સાધારણ પતિથી સંકોચાતી હું કામનું બહાનું બનાવીને અમદાવાદ છોડીને મુંબઇ અાવી ગઇ. બાળકોએ મારી સાથે અાવવાનું તો શું વાત કરવાનું પણ ટાળ્યું...અમદાવાદ છોડીને મુંબઇ અાવવાની દેખીતી રીતે કોઇ જરુર નહોતી એ ક્યાંક ને ક્યાંક અંદરખાને હું પણ જાણતી જ હતી...એક દિવસ વિનયે કંટાળીને સામેથી જ ડિવોર્સના પેપર્સ મોકલ્યા અને મારા ઘવાયેલાં અભિમાન સાથે હું ધુંધવાઇ ઉઠી..

"અા લે અલકા...સૌથી તાજા પાંચ ગુલાબ..ખબર છે કેટલી ભીડમાં ધક્કામુક્કી કરીને લાવ્યો છું..? અાજકાલ તાજા ગુલાબ નથી મળતાં...!!" વિનય દરરોજ સવારે ગુલાબ લઇને અાવતો અને એકવાક્ય બોલતો

અનાયાસે જ મારા પગ ફેરિયા તરફ ઉપડ્યા અને સૌથી તાજું દેખાતું ગુલાબ મે ઉપાડી લીધું...

"પાંચ ગુલાબનાં કેટલાં..??"

"એક ગુલાબ ચાલીસનું અને પાંચ ગુલાબનાં બસો રુપિયા થશે મેડમ...અા તાજા છે એટલે મોંઘા છે...અાજકાલ તાજા ગુલાબ મળતા નથી..!!" ફેરિયાએ કહ્યું અને મે હસીને પાંચ ગુલાબ ઉઠાવી લીધાં..

"સાચું કહ્યું અાજકાલ તાજા ગુલાબ મળતાં જ નથી...!!" કહીને હું ઝડપથી ગાડીમાં ગોઠવાઇ અને ડ્રાઇવરને હોટેલને બદલે સીધો અમદાવાદનો રસ્તો લઇ લેવાનું કહ્યું..