ઓગણએંશી
દરવાજો ખુલ્યો અને સામે અરુણાબેન દેખાયા. વરુણ આગળ હતો અને તેની સહેજ પાછળ સોનલબા ઉભા હતાં.
“આવ... આવો આવો.” અરુણાબેને પહેલાં વરુણને જોયો અને પછી એમનું ધ્યાન પાછળ ઉભેલાં સોનલબા તરફ ગયું.
સહેજ ધ્રુજતા પગે અને જોરથી ધબકી રહેલા હ્રદયે વરુણ આલીશાન બેઠક ખંડમાં પ્રવેશ્યો અને પાછળ સોનલબા પણ ધીમે પગલે આવ્યા. અરુણાબેનના પતિ ઉદ્યોગપતિ હતા એટલે બેઠક ખંડનું રાચરચીલું જોઇને જ ખ્યાલ આવી ગયો કે આ પરિવાર અત્યંત શ્રીમંત છે.
“હાઈ!” આમતેમ નજર કરી રહેલા વરુણના કાનમાં જમણી તરફથી સુંદરીનો મીઠો અવાજ પડ્યો.
સુંદરી તરફ વરુણની નજર ગઈ ત્યારે એ તેના અને સોનલબા તરફ હાથ હલાવી રહી હતી અને તેના ચહેરા પર સ્મિત હતું. આ જોઇને વરુણનો અડધો તણાવ દૂર થઇ ગયો.
“બેસો!” અરુણાબેને વરૂણનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું.
વરુણે સ્મિત સાથે હા પાડી અને નજીકના વિશાળ સોફા પર બેઠો, બાજુમાં સોનલબા બેઠા. વરુણ હવે સુંદરી તરફ નહોતો જોઈ રહ્યો અને સુંદરી પણ પરાણે પોતે વરુણ તરફ વધારે ન જુએ એનું ખાસ ધ્યાન રાખી રહી હતી.
“ગરમીમાંથી આવ્યા છો, પાણી આપું કે સીધું શરબત જ પીશો?” અરુણાબેને પૂછ્યું.
“ગમે તે ચાલશે.” વરુણ કશું બોલે એ પહેલાં સોનલબાએ જવાબ આપ્યો.
“તો વરુણ, એક કામ કરીએ. તું અને સુંદરી ત્યાં પેલા રૂમમાં બેસીને વાતો કરો અને સોનલ તું મને શરબત બનાવવામાં મદદ કર.” અરુણાબેને અત્યંત લાગણીપૂર્વક અને હક્કદાવે કહ્યું જેથી વરુણ પાસે ના પાડવાનો કોઈ વિકલ્પ જ ન રહે.
“હા એમ જ કરીએ.” વરુણ હજી આગળ વિચારે એ પહેલાં જ સુંદરી બોલી પડી.
સુંદરી એના સોફા પરથી ઉભી પણ થઇ ગઈ એટલે વરુણને પણ ઉભાં થવું પડ્યું. સુંદરીએ સ્મિત સાથે વરુણને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો.
સુંદરી કદાચ હવે કોઇપણ ચાન્સ લેવા માંગતી ન હતી, એટલે એ વરુણ સમક્ષ બને તેટલી હકારાત્મક રહેવા માંગતી હતી.
સુંદરીની પાછળ વરુણ ચાલવા લાગ્યો. જેવો રૂમ આવ્યો કે સુંદરી તેનો દરવાજો ખોલીને ત્યાં જ ઉભી રહી ગઈ અને વરુણને પોતાના હાથથી અંદર જવાનું કહ્યું, અલબત્ત સ્મિત સાથે. વરુણે પણ જવાબમાં સ્મિત આપ્યું અને રૂમમાં પ્રવેશ્યો. સુંદરીએ રૂમનું બારણું અધખુલ્લું રાખ્યું.
પહેલી નજરે આ રૂમ સ્ટડી રૂમ હોય એવું લાગી રહ્યું હતું. અહીં એક મોટું LED ટીવી પણ હતું અને બેસવા માટે અનેક નાની ખુરશીઓ હતી એ જોઇને લાગ્યું કે અરુણાબેન કદાચ તેમના કુટુંબ સાથે અહીં ભેગા બેસીને ટીવી જોતા હશે. એક ખુરશી પર વરુણ ગોઠવાયો અને સામેની ખુરશી વરુણથી સહેજ દૂર ખેંચીને સુંદરી તેના પર બેઠી.
“સહુથી પહેલાં તો સોરી! ખૂબ ખૂબ સોરી! આઈ ડોન્ટ હેવ વર્ડ્ઝ.” સુંદરીએ વાતની શરૂઆત કરી અને પોતાના બંને હાથ જોડ્યા.
“અરે! ઇટ્સ ઓકે. મેં તે દિવસે પણ કહ્યું હતું કે જે કશું પણ થયું એ આપણા વચ્ચેની મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે થયું, પ્લસ મેં ઘણા બધા બ્લંડર્સ પણ કર્યા. નેચરલી તમને દુઃખ થાય જ. બટ અગેઇન, મેં જાણીજોઈને કશું જ નહોતું કર્યું. તે દિવસે ગાર્ડનમાં પણ અચાનક જ, તમને આટલાં દુઃખી જોઇને મારા મનની લાગણી મારા હોઠ પર આવી ગઈ. સોરી!” વરુણ હવે આ તક છોડવા માંગતો ન હતો.
“હા, હું ગુસ્સે હતી. ગઈકાલ સુધી ગુસ્સે હતી તમારા પર. પણ શું કરું? મારો સ્વભાવ જ એવો છે. છે કેટલાક કારણો એની પાછળ. પણ પછી મેં ખૂબ વિચાર્યું. હું જો તમારી જગ્યાએ હોત તો શું કરત એમ ધારીને મેં ખૂબ વિચાર્યું અને મને મારી ભૂલ સમજાઈ. મારા માટે અરુણાબેન એ મારા અરુમા છે, એટલે મારા મા સમાન. પછી મેં એમની સલાહ લીધી અને એમણે મને તમને મળવાનું કહ્યું.” સુંદરીના શબ્દેશબ્દમાં દિલગીરી વર્તાઈ રહી હતી.
વરુણ આમ તો આટલા બધા મહિનાઓ બાદ સુંદરીને એકીટશે નીરખવાની જે તક મળી હતી તેનો લાભ તો ઉઠાવી જ રહ્યો હતો પરંતુ તેણે સુંદરી શું કહી રહી છે તેના પર પણ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું જેથી હવે તે કોઈ મોટી ભૂલ ન કરી બેસે.
“જે થઇ ગયું તે થઇ ગયું. બિલીવ મી મારા મનમાં તમારા વિષે કોઇપણ ગુસ્સો કે ખોટી લાગણી નથી.” વરુણે કહ્યું.
“સેઈમ હિયર. ઉલટું તમારી માફી માંગીને મને ખૂબ હળવાશ ફીલ થઇ રહી છે.” સુંદરીએ વરુણની વાતનો લગભગ એ જ લાગણીથી જવાબ આપ્યો.
“પણ શિવભાઈ? આઈ મીન શ્યામલભાઈ? એ તો મારાથી ખૂબ જ ગુસ્સે હશે!” વરુણને અચાનક જ શ્યામલ યાદ આવ્યો.
“મેં આપણી આજની મિટિંગ વિષે એમને કશું જ નથી કહ્યું. અરુમાએ જ મને સલાહ આપી છે કે હમણાં એમને કશુંજ કહેવાની જરૂર નથી. હા, એ ગુસ્સે છે તમારા પર, પણ એ મારે કારણેજ કારણકે એક તો એમને ખબર ન હતી કે તમે કોણ છો, પછી તેમને જ્યારે ખબર પડી ત્યારે એક ભાઈનું એ સ્વાભાવિક રીએક્શન જ હતું.
પ્લસ હું પણ તમારા પ્રત્યે ગુસ્સે હતી એટલે મેં પણ એમના ગુસ્સાની એ આગમાં ઘી હોમવાનું જ કામ કર્યું. બટ ડોન્ટ વરી. આજકાલ અમારે આ વિષે કોઈજ ચર્ચા પણ નથી થઇ રહી. યોગ્ય સમય જોઇને હું એમની સાથે વાત કરીને તમારા પ્રત્યેનો ગુસ્સો ઠંડો કરાવી આપીશ.” સુંદરીએ વરુણને ખાતરી આપતાં કહ્યું.
“બને તેટલું જલ્દી કરજો, કારણકે આઈ મીસ હીઝ ટી. ખૂબ સરસ ચ્હા બનાવે છે એ. પ્લસ માણસ એકદમ જેન્યુઈન છે.” વરુણે હસીને કહ્યું.
“ચોક્કસ, બને તેટલું જલ્દી કહીશ. અને હા એક બીજી વાત કરવા પણ તમને બોલાવ્યા છે.” સુંદરીએ હસીને કહ્યું.
“બીજી વાત? બીજી કઈ વાત?” વરુણના સામાન્ય થઇ ગયેલા ધબકારા ફરીથી વધવા લાગ્યા.
“જુઓ, તમેજ હમણાં કહ્યુંને કે જે થઇ ગયું તે થઇ ગયું?” સુંદરીએ પ્રશ્ન કર્યો.
“યસ. બિલકુલ.” વરુણે પોતાની વાત દોહરાવી.
“તો શું આપણે નવેસરથી બધું શરુ ન કરી શકીએ? આઈ મીન, હવે તો આપણે પ્રોફેસર અને સ્ટુડન્ટ પણ નથી, તો શું આપણે એકબીજાના ફ્રેન્ડ્સ ન બની શકીએ? ટુ બી વેરી ઓનેસ્ટ વરુણ, મને એક ફ્રેન્ડની ખૂબ જરૂર છે. મને આજ દિવસ સુધી કોઈજ ફ્રેન્ડ નથી મળ્યો કે મળી. વાંક મારો જ છે. હું પહેલેથી જ અતડી રહી છું. મને લોકો સાથે હળવુંભળવું ગમતું નથી. આને કારણે હું ઘણીવાર કડવી વાણી બોલી દેતી હોઉં છું.
ખબર નહીં પણ મને મારા સર્કલની બહારના બધા જ મારા દુશ્મન લાગે છે. કદાચ હું જીદ્દી પણ છું. મેં મારા મનમાં મને જ ગમે એવા નિયમો ઘડી રાખ્યા છે મેં. આઈ થીંક કે હવે બહુ થયું. સી, તમારી મેચ્યોરીટી વિષે તો હું પહેલા પણ અને આપણે ભાઈ જ્યારે જેલમાં હતો ત્યારે તેના માટે બધું કરી રહ્યા હતા ત્યારે પણ જાણતી જ હતી.
પ્લસ, કોલેજમાં જે અફવા ફેલાઈ ત્યાર પછી આપણી વચ્ચે જે કોઇપણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ એ પછી પણ એ સતત ચાલુ રહી, તે દિવસે રેસ્ટોરન્ટમાં મિડિયાવાળા આવી ગયા ત્યાં સુધી પણ તમે બધુંજ તમારા પર લઇ લીધું અને મારા કેરેક્ટર પર ઉની આંચ પણ ન આવે તેનું ધ્યાન રાખ્યું, ધેટ ટુ બિઈંગ સેલિબ્રિટી નાઉ. વરુણ, મને લાગે છે કે તમારી સાથેની ફ્રેન્ડશીપ મને દરેક રીતે ફાયદાકારક રહેશે. મારા સ્વભાવને બદલવામાં અને મારી જાતને પણ બદલવામાં.
આ ઉપરાંત હું અત્યારે ઈમોશનલી એક એવા ફેઇઝમાંથી પસાર થઇ રહી છું કે મને લાગે છે કે મને આવનારા દિવસોમાં તમારા જેવા ફ્રેન્ડની ખાસ જરૂર પડશે. એટ ધ સેઈમ ટાઈમ, મને ખ્યાલ છે કે તમે મારા તરફ કેવી લાગણી ધરાવો છો, બટ ઇટ્સ ઓકે ફોર મી એઝ ઓફ નાઉ. હું એને આપણી ફ્રેન્ડશીપની વચ્ચે નહીં લાવું અને આઈ હોપ તમે પણ એમ જ કરશો, જેથી આ નવી અને પોઝિટીવ શરૂઆત વિષે આપણે પાછળથી પસ્તાવું ન પડે. સો વિલ યુ બી માય બેસ્ટ ફ્રેન્ડ?” કહીને સુંદરીએ થોડા આગળ તરફ ઝૂકીને વરુણ સામે પોતાનો હાથ લંબાવ્યો.
“હું તમારો બેસ્ટ ફ્રેન્ડ જ બની રહીશ, આઈ પ્રોમિસ. બિઈંગ યોર ફ્રેન્ડ વિલ બી માય ઓનર મેડમ, એન્ડ ઓલ્સો માય ગ્રેટ લક!” વરુણે તરતજ સુંદરીનો હાથ પકડી લીધો.
“કૉલ મી સુંદરી, નો મોર મેડમ. હું હવે તમારી પ્રોફેસર નથી.” સુંદરીએ હસીને કહ્યું.
વરુણે કોઈજ જવાબ ન આપ્યો. થોડો સમય બંને એકબીજાનો હાથ પકડીને હલાવતાં રહ્યાં.
“શરબત તૈયાર છે.” બહારથી અરુણાબેને બૂમ પાડી.
“અડધો કલાક થઇ ગયો મેડમ, એ બંનેને પણ થતું હશે કે શરબત બનાવવામાં આટલી બધી વાર?” સોનલબાએ હસતાંહસતાં અરુણાબેનને કહ્યું.
“ના. આવી વાતોમાં સમય ક્યાં પસાર થઇ જાય એનો ખ્યાલ જ ન આવે સોનલ. એમને તો એમ જ લાગતું હશે કે હજી પાંચ જ મિનીટ થઇ છે.” અરુણાબેને સોનલ સામે હસીને કહ્યું.
“ઓહો! આટલી બધી વાર થઇ ગઈ? અમને તો ખ્યાલ જ ન રહ્યો.” રૂમનું બારણું ખોલતાં વેંત સુંદરી બહાર આવીને બોલી.
સુંદરીની વાત સાંભળીને સોનલબા અને અરુણાબેન ફરીથી એકબીજા સામે મલક્યાં. વરુણ સુંદરીની પાછળ પાછળ ચાલીને બહાર આવ્યો અને તેણે સોનલબા સામે પોતાના બંને હાથના અંગુઠા ઊંચા કરીને મિટિંગ અત્યંત સારી રહી હોવાનો સંકેત આપ્યો. જો કે અરુણાબેને સોનલબાને પહેલેથી જ આ બેઠક પાછળના કારણો જણાવી દીધા હતા.
“સોનલ, વરુણને તો મેં સોરી કહી દીધું છે. પણ મારે તને સોરી કહેવાનું બાકી છે.” સુંદરી સોનલબા જ્યાં બેઠા હતા ત્યાં આવીને તેની બાજુમાં બેસી ગઈ.
“અરે? મને શેનું સોરી?” સોનલબાની આંખો પહોળી થઇ ગઈ.
==:: પ્રકરણ ૭૯ સમાપ્ત ::==