Ascent Descent - 29 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 29

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 29

પ્રકરણ - ૨૯

સવાર પડતાં એની હંમેશાં સમયસર રહેવાની આદતને કારણે કર્તવ્ય આઠ વાગ્યા પહેલાં જ પોતાનાં રૂમમાં તૈયાર થઈ રહ્યો છે. ત્યાં જ સમર્થનો ફોન આવ્યો, " પોસિબલ હોય તો રાતની બેચલર પાર્ટી માટે ચોક્કસ આવજે‌. તું હોય તો મને પણ મજા આવશે‌ યાર."

કર્તવ્ય : " હા, ટ્રાય કરું છું બસ?" ત્યાં જ શિલ્પાબેન નોક કરીને એનાં રૂમમાં આવતાં બોલ્યાં, " ક્યાં જવાનું છે મારાં રાજકુમારને?"

" અરે મોમ અમારો સ્કૂલ ફ્રેન્ડ વીકી નહોતો એનાં મેરેજ છે તો એની બેચલર પાર્ટી રાખી છે તો એનાં માટે સમર્થનો ફોન હતો."

શિલ્પાબેન ખુશ થઈને બોલ્યાં, " હા તો જા સારું ને. બધાં ફ્રેન્ડસ્ પણ મળશો એન્ડ એન્જોય પણ...વળી , તનેય એને જોઈને પરણવાની ઈચ્છા થાય તો કદાચ..!"

કર્તવ્ય એ એની મમ્મી સામે એક તીરછી નજર કરી ત્યાં જ શિલ્પાબેન બોલ્યાં, " મજાક કરું છું. તને જેમ ઠીક લાગે તેમ..."

"પણ મમ્મી આજે મારે એક બહું ઈમ્પોર્ટન્ટ કામ છે."

શિલ્પાબેન : " પણ આ પાર્ટી તો રાત્રે હશે ને તો પછી...રાત્રે વળી શું કામ છે તારે? આઠ વાગે તો ઓફિસ પણ સંપૂર્ણ બંધ થઈ જાય છે આપણી."

કર્તવ્ય:" ઓફિસ સિવાય પણ આપણે ઘણાં કાર્યો સાથે જોડાયેલા છીએ એ તને ખબર જ છે ને?"

" એ બધું જ માણસો દ્વારા જ થાય છે ને આપણે તો ફક્ત દેખરેખ રાખવાની હોય છે કે ક્યાંક ખોટું ન થાય."

કર્તવ્ય : " હમમમ...તો કેટલાંક કામ માટે ફક્ત માણસો પાસે વિશ્વાસ ન રખાય. અમૂક કામ પપ્પા પણ જાતે કરતાં હતાં એ જ કામ હું પણ એમને અનુસરીને જાતે જ કરવું જોઈએ એમ હું માનું છું."

" મોમ સોરી અત્યારે હોય તને નહીં કહી શકું પણ કોઈ દિવસ ખોટું નહીં કરું." કહીને છેલ્લે પોતાનો ફેવરિટ પરફ્યુમની સુગંધ રેલાવતો એ ઓફિસ જવાં માટે નીકળી ગયો.

શિલ્પાબેન અને કર્તવ્યનો વાર્તાલાપ સાંભળી રહેલાં દીપેનભાઈ કર્તવ્યના જતાં બોલ્યાં, " તું મા છે હું સમજી શકું છું. એની પણ જિંદગી તો છે ને? આમ પઝેસિવ ન બન. મારી આખી જિંદગી તારા નામે કરી છે ઓછું છે? કોઈનો હક થશે ને આપણાં લાડકા પર પણ?" કહેતાં જ શિલ્પાબેનને કર્તવ્ય એ સોરી કહીને વાત ટુંકાવી દીધી એનું માઠું લાગ્યું હતું એ વિસરાઈ ગયું. એમનાં ચહેરાં પર એક સ્મિત આવી ગયું ને એ ફટાફટ જઈ રહેલાં દીકરાને જોઈ રહ્યાં....!

*********

લગભગ બપોરનાં બાર વાગી ગયાં છે. હોસ્પિટલમાં આધ્યાની સારવાર પણ શરું થઈ ગઈ છે. એ લોકો પાસે જે પૈસા હતાં એ પણ બધાં જમા કરાવી દીધાં છે. હવે કોઈ પૈસા પણ બચ્યાં નથી‌‌. બધાં હવે રિપોર્ટ કંઈ આવે એની રાહ જોઈ રહ્યાં છે.

સોના બોલી," બાર વાગી ગયાં છે પણ કોઈ આવ્યું નથી. એ વ્યક્તિએ કહ્યાં મુજબ એ સાચું હશે કે ખોટું એ પણ ખબર નથી. આપણે નીચે પણ કહી શકીએ એમ નથી કે કોઈ આવે તો કહે. આપણો કોઈ કોન્ટેક્ટ નંબર પણ નથી કે કોઈ આવે તો આપણને ખબર પડે. એ પૈસાનું અરેન્જમેન્ટ કેવી રીતે કરશે, સાથે હા પાડશે કે નહીં એ પણ શંકા છે. હવે શું કરવું કંઈ સમજાતું નથી."

"કદાચ કોઈ કામમાં અટવાયાં હોય થોડીવાર રાહ જોવી જોઈએ પછી એવું હશે તો ફરીવાર ફોન કરી જોવાય. પણ બસ એ આપણી પાસે આપણી કોઈ વિગતવાર માહિતી ન માગે નહીંતર કદાચ..." નેન્સી સોનાની અધીરાઈ જોઈને બોલી.

સોના થોડી ચિંતામાં બોલી,"એની તો મને પણ ચિંતા છે. હજું તો આ બેઝિક રિપોર્ટનાં પૈસા અપાયા છે અને થોડી સારવારનાં. અહીં તો મીટર ફટાફટ ચાલશે. જો એ સંસ્થા દ્વારા કોઈ મદદ નહીં મળે તો આધ્યાની સારવાર કેમ કરાવશુ? અહીં તો એડવાન્સ પેમેન્ટ આપશું તો સારવાર થશે નહીંતર બેરહેમીથી બહાર મોકલી દેશે‌."

"હમ ઈતને સમય મેં પેસે ભી કહાં સે લાયેગે? અગર વાપસ ભી શકીરા કે પાસ ભી ચલે જાયે અગર વો કુછ મદદ કરે તો પર તો,પર વો કુછ મદદ તો નહીં કરને વાલી. ઉલટા હમ હંમેશાં કે લિયે ફિર સે ઉસકી ભયાનક કેદમે લપેટ જાયેંગે." અકીલા પોતાનો મત દર્શાવતા બોલી.

સોના ઉભી થઈને બોલી," અહીંના સ્ટાફ સાથે એકવાર વાત કરીને પૂછી લેવાય કે પેમેન્ટ ક્યાં સુધીમાં આપી શકાય? કોઈ ડિસ્કાઉન્ટ કે પછી હેલ્પ મલી શકે તો?"

"ચાલો દીદી. હું પણ આવું છું." કહીને નેન્સી ઉભી થઈ ત્યાં જ એક સ્ટાફે અંદર આવીને કહ્યું," મિતાલી મેમ કે રિપોર્ટ આયે હે. થોડી તકલીફ આ રહી હે તો થોડે બાકી કે રિપોર્ટ કરવાને પડેગે. ઉસકે લિયે અભી ફિર સે ખૂન લેના હે."

"કોઈ જ્યાદા પ્રોબ્લેમ હે ક્યા? ઉસકે કિતને પૈસે લગેગે? યહાં કબ તક પૈસા ભરના પડેગા?" સોના ચિંતીત સ્વરે બોલી.

"આપ ફિકર ક્યું કર રહી હો? આપ જરા ભી ચિંતા મત કરો. બહાર આઓ ડૉક્ટર મેમ આપકો સબ સમજા દેંગે."

સોના અને નેન્સી બંને એમની સાથે ગયાં. અને ત્યાં રહેલાં ડૉક્ટર પાસે ગયાં. એ મેડમે એમને બંનેને એમની કેબિનમાં બોલાવીને બેસવાનું કહ્યું પછી શાંતિથી વાત શરું કરીને કહ્યું, "મિસ મિતાલીને લોહીના ટકા ઓછાં છે. સાથે જ રક્તકણો પણ થોડાં ઓછાં થયાં છે. હવે આ ટકા શા માટે ઓછાં છે એ જાણવું જરૂરી છે. બીજી કોઈ તકલીફ ન હોય તો એ એનિમિયાને દવા આપીને સારું કરી શકાય પણ સાથે જ તાવ, ચક્કર, નબળાઈ પણ છે આથી થોડું વિગતવાર તપાસ કરવી જરૂરી છે‌."

"કંઈ વધારે ગંભીર છે મેડમ? સાચું કહું મેડમ અમારી પાસે પૈસા નથી. વધારે એવું કંઈ હોય તો જણાવો તો મને ખબર પડે. પણ એને સારું તો થઈ જશે ને?"

મેડમ શાંતિથી બોલ્યાં," હોપ સો કે કંઈ એવું ગંભીર ન નીકળે. બાકી એમનાં પૈસાની તો વ્યવસ્થા થઈ ગઈ છે તો શું કામ ચિંતા કરો છો?"

સોના અને નેન્સી એકબીજાંની સામે જોઈ રહ્યાં કે આ શું બોલી રહ્યાં છે. પછી નેન્સી બોલી, " મેમ આજનાં પૈસા તો ભરી દીધાં છે પણ પછી માટે કહીએ છીએ."

"હા હું પછીની જ વાત કરું છું. હમણાં જ મિસ્ટર મહેતા આવેલા એ કહીને તો ગયાં છે. જે પણ બિલ થશે એમને મોકલવાનું છે. કેમ, એમણે તમને કંઈ કહ્યું નહીં?"

" ના...અમને તો કોઈ મળવાં આવ્યું નથી."

મેડમ : " ચિંતા ન કરો. એ ઉપર તો આવેલા તમારા રૂમ સુધી પછી તમને મળ્યાં કેમ નહીં એ નથી ખબર પણ તમે પૈસાની જરાં પણ ચિંતા ન કરો. એમણે સરને પણ વાત કરી દીધી છે. એ એમને બહું સારી રીતે ઓળખે છે‌. સારવારમાં કોઈ જ કમી નહીં આવે‌."

"થેન્કયુ સો મચ..." કહીને સોના અને નેન્સી ઉભાં થયાં ત્યાં જ મેડમે કહ્યુ, " જસ્ટ વન મિનિટ...મેડમ કંઈ જોબ કરે છે કે ઘરે જ...મિન્સ ઓક્યુપેશન?" કંઈ શંકાસ્પદ રીતે પૂછાયેલો સવાલ સાંભળીને સોના થોડી ગભરાઈ.

શું કહેવું સમજાયું નહીં કારણ કે આપણાં શાહુકાર કહેવાતાં સમાજમાં વેશ્યાનો એટલે કે દેહવ્યાપારનો ધંધો સાવ તુચ્છ અને નિમ્ન કક્ષાનો ગણાય છે ભલે એ મજબૂરી હોય કે શોખ. એને પોષનારા પુરુષો ભલે ને શાહુકાર કહેવાતાં અમીર પરીવારના જ નબીરા હોય!

નેન્સી: " ના મેમ એવું કંઈ નથી બસ સામાન્ય થોડી નોકરી કરીએ છીએ. નાની કંપનીમાં નોકરી જેવું એ પણ હમણાંથી બંધ કરી દીધું છે." પણ કદાચ આ બોલતાં નેન્સીની વાત પરથી મેડમને શંકા ગઈ હોય એવું લાગ્યું પણ કંઈ જ બોલ્યાં નહીં.

"ઠીક છે આપ જોઈ શકો છો."

સોના અને નેન્સી ત્યાંથી રૂમમાં આવ્યાં કે એમનો મગજનો ભાર હળવો થઈ ગયો.

આધ્યા : " શું કહ્યું? મને શું તકલીફ છે?"

"તું ચિંતા ન કર. હજું થોડાં રિપોર્ટ કરવાં પડશે. સારું થઈ જશે. પણ પૈસાની હવે ચિંતા નથી એટલે બધું સારું થઈ જશે."

સોનાએ બધી વાત કરી પણ આધ્યાનાં રિપોર્ટ વિશે ડૉક્ટરે કહ્યાં મુજબ કંઈ તો શંકા હોય એવું લાગી રહ્યું છે‌. એની આંખો ભરાઈ આવતાં એ પોતે આવું કહીને રૂમની બહાર નીકળી ગઈ...!

આધ્યાનું મન વિચારે ચડી ગયું કે કોણ હશે જે કોઈ ઓળખાણ કે પરિચય વિના જ કોઈની સારવાર માટે આટલાં પૈસા આપી શકે? વળી એ જ મોટો સવાલ કે એ વ્યક્તિ ઉપર રૂમ સુધી આવ્યાં પછી મળ્યાં વિના પાછાં જતાં રહેવાનું કારણ? એનું મન વિચારોનાં કોયડામાં અટવાઈ ગયું...!

કોણ હશે એ આવનાર વ્યક્તિ? કોણે આધ્યાની સારવાર માટે આટલી મદદ કરી હશે? આધ્યાને શું તકલીફ હશે? એ સારી થઈ શકશે ફરીવાર? શકીરા આધ્યા અને સોના એ લોકોને ફરીથી લાવી શકશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૦