Ascent Descent - 22 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 22

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 22

પ્રકરણ - ૨૨

કર્તવ્ય અને મિસ્ટર નાયક કર્તવ્યની ઓફિસમાંથી બહાર નીકળ્યાં ત્યાં જ કોઈની ચિત્ર વિચિત્ર રીતે છુપાઈને આ બંનેને જોઈ રહેલી નજર પર કર્તવ્યનું તીક્ષ્ણ નજરોથી ધ્યાન પડતાં જ એ કંઈ વધારે ધ્યાન આપે એ પહેલાં જ બે આંખો જાણે ધીમેથી ત્યાંથી ફટાક કરતી ઓઝલ થઈ ગઈ... કર્તવ્ય મિસ્ટર નાયકની સાથે ત્યાંથી નીકળી તો ગયો પણ એની ચકોર આંખોમાં એનાં વિશે કેટલાંય સવાલો ચકરાવા લાગ્યાં...! એની ચાલાક નજર અને દીર્ધ દ્રષ્ટિ ક્યાંય સુધી પહોંચીને વિચારવા લાગી‌‌...!

*******

કર્તવ્ય આજે રોજ કરતાં ઓફિસથી વહેલો આવતાં એનાં મમ્મી ખુશ થઈ ગયાં. એમણે કહ્યું, " બેટા ફટાફટ ફ્રેશ થઈ જાય આજે બધું તારું ફેવરીટ જમવાનું મેં મારાં હાથે બનાવ્યું છે."

કર્તવ્યને નવાઈ લાગી કે આટલાં વર્ષોથી મહારાજ એમનાં ઘરે રસોઈ કરે છે એની મમ્મીને લગભગ રસોઈ કરવાની હોતી જ નથી. એ ના હોય ત્યારે અલ્ટરનેટિવ મહારાજ પણ કાકાનાં ત્યાંથી આવી જ જાય. એટલે એને મનમાં થયું કે નક્કી કોઈ વાત તો છે જ. આવું ત્યારે જ બને જ્યારે એની મમ્મીને કર્તવ્યને કોઈ કામ કે વાત માટે મનાવવાનો હોય.

કર્તવ્યનાં પપ્પા બુક વાંચતા વાંચતા ડોકાચિયુ કરીને કર્તવ્યના ચહેરાને વાંચતા ધીમેથી હસવા લાગ્યાં. કર્તવ્ય એની મમ્મી કિચનમાં જતાં જ ફટાફટ એનાં પપ્પા પાસે આવીને બોલ્યો," પપ્પા, કેમ આમ દિવસ બીજી બાજુ ઉગ્યો છે કે શું? કંઈ દાળમાં કાળું લાગે છે."

"એ તો એને ખબર. પણ એનાં મનમાં કંઈક તો ચાલી રહ્યું છે મેં પૂછ્યું પણ મને કહ્યું નહીં. મને લાગે છે કોઈ છોકરીઓ બતાવવાનું ચક્કર હોઈ શકે. કાલે જ કીટીમાં જઈને આવી છે." કહીને હસવા લાગ્યાં.

કર્તવ્ય : " શું? મારે કોઈ મેરેજ નથી કરવા અત્યારે. એવું હોય તો એને ના જ કહી દેજો."

"બેસ્ટ લક બેટા. એમાં તો વચ્ચે બોલવાની મારી હિંમત નથી. મને ચોક્કસ નથી ખબર પણ એવું હોય તો તું જ કહેવાની હિંમત કરજે. બાકી આપણામાં એ તુફાનને સહન કરવાની તાકાત નથી હો..." કહીને હસવા લાગ્યાં.

" પપ્પા આટલી મોટી કંપનીનાં માલિક અને ઘરવાળી સામે તો કંઈ ચાલતું નથી."

"બેટા, પત્નીની જીદ સામે તો ભગવાન જેવાં ભગવાને પણ ઝુકવું પડ્યું છે તો સામાન્ય માણસની તો શું ઓકાત? તમે એકવાર ફસાવ આ માયામાં, પછી હું ય કહીશ તમને..." એવું દિપેનભાઈએ કહેતાં જ કર્તવ્ય થોડો ગુસ્સામાં પગ પછાડતો પોતાનાં રૂમમાં જતો રહ્યો...!

***********

રાતનો સમય થવાં આવ્યો બધાંએ પોતપોતાની સામાન પેક કરવાની તૈયારી તો કરી દીધી. આધ્યાએ પણ પોતાનો જે થોડો સામાન છે એ પેક કરી દીધો. પણ એની તબિયત ફરી પાછી બગડવા લાગી. આજે ચોથો દિવસ છે કે એને આજે ફરીવાર તાવ આવ્યો છે એ ખરેખર સામાન્ય માણસનાં જ્ઞાન પ્રમાણે પણ જોખમી કહેવાય.

બધાંની એક પછી એક અપોઈન્ટમેન્ટ મુજબ બધાં તૈયાર થવાં લાગ્યાં છે જે લોકો ફ્રી છે એ જવાની તૈયારી કરવા લાગ્યાં. શકીરાહાઉસનો બાકીનું મેશનો અને બીજો સામાન શિફ્ટ કરવા માટે કેટલાંક લોકો પણ આવી ગયાં. જાણે જોતજોતામાં તો શકીરા હાઉસ ખાલી થઈ ગયું.

સોના આજે એનાં માટે કોલ હોવાથી વ્યસ્ત હોવાથી એ આધ્યા પાસે ન રહી શકી. શકીરાને આધ્યાએ એની તબિયતની જાણ કરી તો એને કહ્યું કે અત્યારે તો સમય નથી આટલાં કામમાં એ એને ક્યાં લઈ જાય. એણે કાલે ત્યાં ગયા પછી કોઈ નવાં ડૉક્ટર મળે તો બતાવી દેશે એવું કહીને આધ્યા માટે આજે કોઈ પણ વ્યક્તિને હા ન પાડવાનું કહીને પહેલીવારમાં જે લોકોને મોકલવાના છે એની સાથે જ આધ્યાને જવાનું કહી દીધું.

આધ્યાને સોના, અકીલા કે નેન્સી એ બધાં મોડાં આવવાનાં હોવાથી એને જવાની ઈચ્છા નથી પણ શકીરા સામે કંઈ પણ કહેવું અઘરું છે. એણે કંઈ કામ વિના એક પણ વ્યક્તિને અત્યારે રોકાવાની ના કહી દીધી.

એ કોઈ સાથે વાત પણ ન કરી શકી અને લગભગ અગિયારેક વાગ્યે બરાબર તાવમાં સપડાયેલી સ્થિતિમાં એ બધાંની સાથે જ શકીરાહાઉસમાંથી બહાર જવાં નીકળી. એ જ સમયે એને કંઈ વિચાર્યા મુજબ આજુબાજુ જોયું કે આની જગ્યા બદલાઈ છે કે એવું કંઈ પણ બોર્ડ મારેલું નથી. મતલબ કે એ જગ્યા દૂર હોય તો અહીંના કોઈ પણ કસ્ટમર ત્યાં આવે એવી શક્યતા લાગતી નથી.

એણે ધીમેથી કોઈનુ ધ્યાન ન પડે એમ થોડો સામાન બહાર મૂકવા જવાને બહાને ત્યાં બહાર મેઈન ગેટ પર બેસતાં ચોકીદાર પાસે ફટાફટ પહોંચીને વાત કરવાનું શરું કર્યું. સોનાએ કહ્યું હતું એ મુજબ એ કાકા વ્યક્તિ તરીકે સારાં છે. એણે થોડાં ચિંતામાં હોય એમ બેઠેલા કાકાને જોઈને કહ્યું, " ચાચા આપ ભી નઈ જગહ આઓગે ના?"

" બેટા ક્યા પતા? મેમને તો અભી કુછ બોલા હી નહીં હે. યે બેચ દીયા કી કિસી ઓર કો દીયા વો ભી પતા નહીં. કોઈ ભી ઇતના બડા ફેંસલા કરને સે પહેલે બોલતા તો હે ના? મેં ભી બાલ બચ્ચેવાલા હું. અગર નોકરી ચલી જાયેગી તો ક્યા કરુગા."

આધ્યા થોડી દુઃખી થતાં બોલી, " ચિંતા મત કરો. મેમ કો કુછ ઐસા ફેંસલા કરને કી જરૂરત પડી હોગી ઈસલિયે બાકી હમ સબકો ભી અભી ભી પતા ચલા હે. આપ અભી વો બહાર આયે તો ડાયરેક્ટ પૂછ લેના. કુછ તો કહેગી ના?"

" ઠીક હે બેટા એસા હી કરૂગા."

આધ્યા તકને ઝડપતા ધીમેથી બોલી," ચાચા એક કામ કરોગે?" કહીને એણે આજુબાજુ નજર નાખીને ધીમેથી પાંચસો રૂપિયાની એક નોટ ચાચાને આપતાં કહ્યું," એક મલ્હાર નામકા લડકા અગર યહાં પે આયે તો હમ નઈ જગહ શિફ્ટ હુએ સે વો બતાઓગે? " કહીને એણે એને ઓળખવા માટેનું થોડું એનાં વિશે વર્ણન કર્યું.

"બેટા વો તો ઠીક હે પર અગર મેમ મુજે ભી નઈ જગહ આને કે લિયે કહેગી તો મેં કેસે બતાઉગા ઉસે? કુછ જરૂરી હે? મુજે જબ તક પતા હે બેટા તું બહોત છોટી સી તબ સે હે, ઓર મેમ તેરે લિયે બહોત ધ્યાન રખતે હે"

આધ્યા: " હા ચાચા." એણે આજુબાજુ સહેજ નજર નાખતા કહ્યું, " આસપાસ કોઈ એસા હે જો યે કામ કર શકતા હે? "

ચાચાએ કંઈ વિચાર્યું પછી કહ્યું," બેટા તું કહેતી હે તો કર દુંગા યા ફિર કરવા દુંગા. પર વો આના ચાહિએ..."

આધ્યા પાસે કોઈ વિકલ્પ નથી બીજો કોઈ. એણે તરત જ જોયું કે જે લોકો બાકી છે એ ફટાફટ આવી રહ્યાં છે રખે કોઈને કંઈ શક થાય એ પહેલાં એણે ફટાફટ એણે લખેલી એ ચીઠ્ઠી ચાચાને આપીને એણે આપી દીધી અને બધું સમજાવી દીધું. હજું પણ કદાચ મલ્હાર આવે એની આશામાં મીટ માંડી રહી. ને બાકીનો સામાન લેવાને બહાને ફરી એકવાર અંદર જઈ આવી.

થોડીવારમાં તો એક મોટી ગાડી આવી ગઈ બધાંને એક પછી એક બેસાડી દીધાં. આધ્યા પાસે હવે બેસવા સિવાય કોઈ વિકલ્પ નથી. એ શકીરા બહાર આવતાં જ એ કંઈ કહે એ પહેલાં ફટાફટ ગાડીમાં બેસી ગઈ...ને હંમેશાં માટે શકીરા હાઉસને છોડીને જવાનું દુઃખ દિલમાં રાખીને ભારે હૈયે આધ્યા પણ સહુની સાથે નવી જગ્યાએ જવા માટે નીકળી ગઈ....!

***********

કર્તવ્ય ફ્રેશ થઈને નીચે આવ્યો કે તરત એની મમ્મીએ કહ્યું, " ચાલ બેટા, ફટાફટ, જો આજે તો ચીઝ બટર મસાલા, ગાજરનો હલવો, મન્ચુરિયન.... બધું જ તારું ફેવરીટ છે."

કર્તવ્ય : " મમ્મા..વાહ આજે તો મજા આવશે. પણ આજે શું છે? આટલું બધું બનાવવાનું કારણ? ચાલો ફટાફટ તમે પણ બેસી જાઓ. ચાલો પપ્પા..." કહીને એણે એનાં પપ્પાને પોતાનો બચાવ માટે બોલાવી લીધાં.

"બસ બેટા એમ જ. આજે કેટલાં સમયે તું બધાની સાથે જમી રહ્યો છે."

અડધું જમવાનું થયું ત્યાં જ શિલ્પાબેન ધીમેથી બોલ્યાં," બેટા આ એક છોકરીનો ફોટો છે જરા નજર નાખજે ને? આજે જરાં વહેલો આવ્યો છે તો."

હાથમાં રહેલો કોળિયો અડધે જ રહી ગયો. એનાં પપ્પાએ કહેલી વાત સાચી પડતાં કર્તવ્ય બોલ્યો," કેમ કોની છોકરી છે? સારી છે કે નથી એ જોવાનું છે? એને બીજું કોઈ જોવાવાળુ નથી કે શું? "

"એની પાછળ તો કેટલાંય લોકોની લાઈનો છે પણ એ કોઈને ગમાડે તો ને? તું તો હજું નાનો જ રહ્યો. છોકરીનો ફોટો ખાલી જોવા માટે થોડો હોય? તું મોટો થઈ ગયો હવે તું તો કંઈ પોતાનાં માટે વિચારતો નથી મારે તો કંઈ વિચારવું પડે ને? જો આ મારી ફ્રેન્ડ અસ્મિતા છે એની દીકરી છે અશ્વિ. સુંદર, ભણેલી, દેખાવડી, એકદમ જમાના પ્રમાણે ફેશનેબલ, વળી ઘર પણ સમોવડિયુ એટલે એકવાર તું જોઈ લે તને ચોક્કસ ગમી જશે."

ઈચ્છા ન હોવાં છતાં કર્તવ્ય એ અછડતી નજર ફોટા પર નાખી કે તરત જ બોલ્યો, " આ અશ્વિ? એને તું મારાં માટે શોધી લાવી છે? " કહેતાં જ કર્તવ્ય જમતાં જમતાં ઉભો થઈ ગયો...!

કર્તવ્ય અશ્વિનુ નામ જોઈને કેમ ભડક્યો હશે? આધ્યાની નવી સફર કેવી હશે? આધ્યાની તબિયતમાં સુધારો આવશે ખરાં? મલ્હારને મળવાની આધ્યાની ઈચ્છા પૂર્ણ થશે ખરી? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૩