પ્રકરણ - ૨૦
કવિતા રાતનાં સમયે એ રુમમાં કોઈ પુરુષનો પ્રવેશ થતાં જ અને વળી એ વ્યક્તિએ સીધો જ દરવાજો બંધ કરતાં એ ધ્રુજી ગઈ. એને પરસેવો વળી ગયો. એને થયું આ ભાઈ અહીં શું કામ આવ્યાં હશે? અને દરવાજો કેમ બંધ કરે છે. એને આ કોલસેન્ટર છે વળી અહીં શું હોય એની જ કંઈ જાણ નહોતી. થોડીવારમાં તો એ પુરુષ એકદમ એની નજીક આવી ગયો. કદાચ તું પણ પુરુષ છે એટલે તારી સામે આ રીતે વાત કરી શકું છું. પણ આ રીતે આવનાર વ્યક્તિ તો કંઈ થોડાં નવા હોય, એ લોકોની વિચારસરણી કેવી હોય તું સમજી શકે છે, વળી એમાં પણ આવી છોકરી દેખાય તો? એ સીધો જ એની લગોલગ આવી ગયો.
કવિતાએ એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ સમયની નાજુક નમણી વળી જરાં પણ જમાના સાથે આ રીતે ઘડાયા વિનાની કવિતા માટે બહું આઘાતજનક હતું. એનામાં એ મજબૂત બાવડાં વાળા પુરૂષને પ્રતિકાર કરવાની તાકાત પણ નહોતી. છતાં એ લડી પણ...એણે કેટલીય બૂમો પાડી પણ કોઈ એની મદદે ન આવ્યું..." કહેતાં જ મિસ્ટર નાયકની આંખો ભીની થઈ ગઈ.
કર્તવ્ય પણ એમની વેદના સમજી રહ્યો હતો કે એની સાથે શું બન્યું હશે. શું વીત્યું હશે એ યુવાન છોકરી પર ? થોડીવાર વાતાવરણમાં એક ભારેખમ શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ બોલી ન શક્યું. કર્તવ્યએ પછી મિસ્ટર નાયકને પાણી આપ્યું. મિસ્ટર નાયક આગળ શું કહેવું એ વિમાસણમાં આવી ગયાં. કદાચ એમને થયું કે એમની પત્ની વિશેની આ વાત એમણે બીજાં કોઈ સામે ન કરવી જોઈએ.એમને મનોમન પસ્તાવો થવા લાગ્યો કે એમણે કવિતાને આપેલા વચનનો ભંગ કર્યો છે.
કર્તવ્ય મિસ્ટર નાયકના ખભે હાથ મૂકતાં બોલ્યો," અંકલ હું માનું છું ત્યાં સુધી તમને એવું લાગી રહ્યું છે કે તમે તમારાં લગ્ન જીવનની ખસ કરીને કોઈને સામે ન કહેવાય એ વાત મારી સાથે કરી દીધી છે."
મિસ્ટર નાયકે હકારમાં માથું ધુણાવ્યું. કર્તવ્યને પણ બહું દુઃખ થયું એ બોલ્યો, " અંકલ તમે મને તમારાં દીકરો કહ્યો ને તો પછી શું કામ આવું વિચારો છો ? તમને મારાં પર વિશ્વાસ છે ને? તમને સમય આવતાં હું એક વાત કહીશ કે મેં શું નિર્ણય કર્યો છે મારાં જીવન માટે... "
મિસ્ટર નાયક કંઈ બોલી ન શક્યાં એટલે કર્તવ્ય બોલ્યો," અંકલ પ્લીઝ, તમારી જાતને સંભાળો. આ વાત મારાથી વધારે કોઇની પાસે નહીં જાય. પણ એ તો કહો કે મેમ ત્યાંથી નીકળીને કેવી રીતે આવી શક્યાં?"
એ દિવસે તો જે બન્યું એનાંથી એને જાણે આઘાત લાગી ગયો. એ પુરુષ તો એનું કામ થતાં જ જતો રહ્યો. સવાર પડતાં જ એ ગૂમસૂમ બની ગઈ. જાણે એને થયું કે આ શું બની ગયું એનું મગજ જાણે ભારેખમ બની ગયું. એ બહાર આવતાં જ એક બે છોકરીઓએ એની સાથે વાત કરતાં એને સમજાયું આ એ જ નોકરી છે જેમાં આવનાર પુરૂષોને આ રીતે જ ખુશ કરવાનાં હોય છે આ એક દિવસ નહીં, એક નહીં પણ આવે એટલા અનેક લોકો માટે પોતાની જાતને વેચવાની હોય છે.
કવિતા તો આ સાંભળીને સીધી જ એની મેડમ પાસે ગઈ એણે કોઈ સામાન્ય નોકરીની જેમ કહ્યું, " મેમ મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારે આ નોકરી નથી કરવી."
એ મેડમ તો રીતસરની હસવા લાગી. કવિતાને કંઈ સમજાયું નહીં કે મેડમ કેમ હસે છે.
"કેમ શું થયું? કેમ શું તકલીફ પડી તને?"
કવિતા રડમસ ચહેરે બોલી," હું કેવી રીતે કોઈ સાથે સૂઈ શકું? કોઈ મારી સાથે આવું કેવી રીતે કરી શકે?...આ તો બળાત્કાર થયો કહેવાય હું તો કોઈને મોઢું ન બતાવી શકું. હું તો થાણામાં જઈને એ માણસ સામે ફરિયાદ કરીશ."
એ મેડમ કવિતાની નાદાની સમજી ગઈ કે એને હજું આ શું વસ્તુ છે એ જ કદાચ ખબર નથી. પણ પછી એણે પોતાના અસ્સલ મિજાજમાં આવતાં કહ્યું, " છોકરી , તારી પાસે હવે ઘરે જવાનો કોઈ જ રસ્તો નથી કારણ કે મેં તને પૂરા પચ્ચાસ હજારમાં ખરીદી છે."
આ સાંભળીને કવિતાનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. પોતાની જાણ બહાર એનાં સંબંધીએ એને દગો કરીને અને એ પણ એનાં ભોળાં મા-બાપને છેતરીને એને વેચવાનું કામ કર્યું છે. એ જમાનામાં તો પચ્ચાસ હજાર બહું મોટી રકમ કહેવાતી.
" તો હવે હું અહીંથી ન જઈ શકું? "
મેડમે નફ્ફટાઈથી કહ્યું " ના"
એ વખતે કવિતા માત્ર સત્તર વર્ષની હોવાં છતાં હિંમત ન હારતાં એ બોલી, " પણ બીજે નોકરી કરીને તમને પચ્ચાસ હજાર આપી દઈશ મને થોડો સમય આપો." એ વખતે કોઈ પણ ભણતર વિના પચ્ચાસ હજાર કમાવા એ બહું કઠિન કામ હતું છતાં એની હિમ્મત બહું જ હતી સાથે જ આત્મવિશ્વાસ પણ. પણ એણે "મારે આ કામ નથી કરવું. મને એટલું ખબર છે કે આવું કોઈ પણ સ્ત્રી ફક્ત પોતાનાં પતિ સાથે જ કરી શકે. એનાં પતિને જ એ પોતાનું તન અને મન અર્પણ કરી શકે. પણ એકવાર આવું ત્યાં બાદ હવે કોઈ મારે સાથે લગ્ન તો કરવાનું તો નથી જ પણ હું આ રીતે બદનામ જિંદગી તો નથી જ જીવવા ઈચ્છતી."
"હવે અહીંથી નીકળવું શક્ય નથી" કહીને મેડમ ત્યાંથી નીકળી ગઈ પણ કદાચ મેડમનાં આદેશ અનુસાર બે છોકરીઓ એની સાથે જ રહેવા લાગી કદાચ એ ભાગી ન શકે એવું હોઈ શકે. પણ આ બાજું કવિતાએ નક્કી કર્યું કે એ હવે આજ પછી આ કામ કદી નહીં કરે એવું એણે નક્કી કરી દીધું પણ એનાં માટે એણે ત્યાંથી નીકળવું જરૂરી હતું.
આ કામ બહું અઘરું પણ હતું કારણ કે એ એ નવું વાતાવરણ કે વિસ્તાર કે માણસો કોઈથી હજું પરિચિત પણ નહોતી. અહીંથી નીકળીને પણ ક્યાં બહાર ભાગવું કારણ કે અહીંથી ઘરે પણ કેમ પહોંચવું એ પણ એને ખબર નહોતી. પણ જાણે ભગવાનનાં આશીર્વાદરૂપ એક દિવ્યા નામની છોકરી જે કદાચ ત્યાં બહું સમયથી હતી એણે કવિતાને રડતી, એનાં ચિંતામાં જોઈ. એણે મેડમ સાથેની કવિતાની બધી વાત પણ સાંભળી હતી.
સાચું કારણ તો ખબર નથી પણ એણે કોઈ રીતે બે છોકરીઓને થોડીવાર દુર કરીને કવિતા સાથે એકાંતમાં વાત કરી. એણે એની પાસેથી બધી વાત જાણી લીધી પછી ક્હ્યું કે તારે અહીંથી નીકળવું જ છે તો હું તને મદદ કરી કરીશ પણ તારે હિંમત દાખવી પડશે અને કોઈ કારણસર ન નીકળી શકે તો મારું નામ ક્યાંય પણ ન આવવું જોઈએ.
કવિતાને તો જાણે ભગવાન મળી ગયાં હોય એમ એણે ખુશ થઈને દિવ્યાની વાત માની લીધી. એણે દિવ્યાએ બતાવેલા રસ્તા પર, યોજના મુજબ રાત્રે મેડમનાં તૈયાર થવાનાં સમયે એને દિવ્યાને ભગાડી દીધી. દિવ્યાએ છેલ્લે એટલું કહ્યું હતું કે, " થોડાં વર્ષો પહેલાં હું અહીંથી અહીંના એક જાસુસી વ્યક્તિનાં કારણે નીકળી શકી નહોતી અને આજે અહીં સબડી રહી છું પરંતુ હવે હું નવાં આવનાર કે જેને આ કામ ન કરવું હોય એને ભગાડવામાં હું મદદ કરીશ એવું મેં મારાં કુદરતને વચન આપ્યું છે. આમાં મારો કોઈ સ્વાર્થ નથી. તું લગ્ન કરી લેજે પણ આ વાત તું જેને કહે અને જે તને આ સાથે સહર્ષ સ્વીકારે એની સાથે જ...બાકી આજીવન રંગ
ન વિના જીવવાનું પસંદ કરજે. બાકી એકવાર આવું થયા પછી કોઈ આપણને અપનાવી શકે એ કોઈ નાના માણસનું કામ નથી. એનાં માટે જીગર અને વિશ્વાસ બેય જોઈએ." પછી કવિતા ત્યાંથી એક છુપા રસ્તે નીકળી. નસીબજોગે કવિતા ત્યાંથી ભાગવામાં એક જ દિવસમાં સફળ બની ગઈ.
ત્યાંથી ભાગીને એણે રાતનાં સમયે કોઈક જગ્યાએ સંતાઈને રાત પસાર કરી દીધી. પછી સવાર પડતાં કોઈ સાધન દ્વારા એ મહાપરાણે એનાં પિતાએ આપેલા થોડાં પૈસાની મદદથી ઘરે પહોંચી.
કવિતાને બીજાં જ દિવસે આમ આવેલી જોઈને એમને આંચકો લાગ્યો. કવિતા ગુમસુમ બની ગઈ એણે ક્હ્યું, " મા મને નોકરી ન ફાવી. હું બીજે ક્યાંક કામ કરીશ બસ."
એનાં પિતાએ થોડાં અકળાઈને ક્હ્યું હતું," આટલી સારી નોકરી કે જેમાં કામ કર્યા વિના જ પહેલાં દિવસે નોકરીમાંથી દસ હજાર રૂપિયા કોણ આપે? આવી નોકરી કોણ આપે? પેલાં જશુકાકા તો કાલે જ આપીને આવી ગયાં. અમને તો થયું કે કદાચ મોડેમોડે અમારું તો ઠીક પણ તમારું બેય ભાઈબેનનુ જીવન તો સુધરશે. પણ તારાં કારણે એક ઝાટકે બધું ખતમ થઈ ગયું ." કવિતા પોતાનાં પિતાનું બદલાયેલું વર્તન જોઈને પોતાને લાચાર સમજીને પોતાનાં જીવનને ટુંકાવી નાખવાના વિચાર સાથે રૂમમાં જતી રહી...!
શું કર્યું હશે કવિતાએ? કવિતા પોતાનું જીવન કેવી રીતે બચાવશે? કર્તવ્ય મિસ્ટર નાયકને મિશન માટે ફરીવાર તૈયાર કરી શકશે? આધ્યાને મલ્હાર ફરીવાર મળશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૧