Ascent Descent - 13 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 13

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 13

પ્રકરણ – ૧૩

કર્તવ્ય સવારનાં અગિયારેક વાગતાં જ સાર્થકને લઈને અચાનક મિસ્ટર પંચાલની ઓફિસમાં પહોંચી ગયો. બહાર પુછતાં કોઈએ કહ્યું કે એ કોઈ અગત્યનું મિટીંગમાં છે એવું કહેતાં કર્તવ્ય અને સમર્થ બંને ત્યાં ઘણીવાર બેસી રહ્યાં. એણે એનાં મોબાઇલ પરથી એક વાર એમણે ફોન લગાડ્યો તો ફોન વ્યસ્ત આવી રહ્યો છે‌.

કર્તવ્ય ત્યાં રહેલાં રિસેપ્શનિસ્ટને કહેવા લાગ્યો, " તમે કહ્યું કે દસ મિનિટમાં ફ્રી થશે લગભગ એક કલાક થઈ ગયો. મારે એમનું અરજન્ટ કામ છે‌"

સામેવાળી વ્યક્તિએ થોડો ગોળગોળ જવાબ આપ્યો. "સાહેબ મિટીંગમાં તો એવું જ હોય કંઈ નક્કી ન હોય. આવશે એટલે મળાવી દઈશ." કહીને એણે તરત કોઈને ફોન કરીને ધીમેથી વાત કરી અને પછી ક્યાંક બહાર ગયો. બીજું ખાસ કોઈની અવરજવર દેખાઈ નહીં કારણ કે એ એમની કંપનીની બાજુમાં બનાવેલી એક અલગ હેડ ઓફિસ છે.

કર્તવ્યને એ વ્યક્તિનો જવાબ કંઈ ઠીક ન લાગ્યો એટલે એ રિસેપ્શનિસ્ટ સહેજ બહાર જતાં સીધો જ સામે દેખાતી કેબિન પાસે પહોંચ્યો અને ધીમેથી દરવાજો ખોલ્યો. એણે જોયું તો રૂમમાં ફક્ત મિસ્ટર પંચાલ ચેર પર બેસીને મોબાઈલમાં કંઈ ગેમ રહ્યાં છે. કોઈ મિટીંગ તો છે જ નહીં. હજું પણ એમનું ધ્યાન તો ગેમમાં જ છે. એ વ્યસ્ત તો નથી તો શા માટે મળવાની ના કહેતાં હશે?

કર્તવ્ય ધીમેથી હસીને દરવાજે દસ્તક દેતાં બોલ્યો," મેં આઈ કમીન અંકલ?"

કર્તવ્યને આમ જોતાં જ મિસ્ટર પંચાલ જાણે કોઈ મોટી ચોરી પકડાઈ ગઈ હોય એમ સતર્ક બની ગયાં અને બોલ્યાં," અરે કર્તવ્ય? તું અહીં? અમારાં ત્યાં તમારાં જેવાં મોટાં માણસો ક્યાંથી?"

કર્તવ્ય : " સોરી. ડાયરેક્ટ આવી ગયો. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? મોટા કહીને શરમાવશો નહીં. એવું ના હોય. આ તો અહીંથી કામ માટે નીકળતો હતો તો મને થયું પેલાં પ્લેસ માટેની ગાઈડલાઈન્સ બનાવી છે એ તમને આપી દઉં. પણ સાચું કહેજો તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને આમ અચાનક આવીને?"

" અરે ના ના બેટા. હમણાં જ એક મિટીંગ પતી તો હાલ હું રૂમમાં આવીને નિરાંતે બેઠો અને તું આવ્યો."

કર્તવ્યએ જોયું કે રૂમમાં કોઈ બીજો દરવાજો તો છે જ નહીં. અને એ અડધો કલાકથી અહીં બહાર જ બેઠેલો છે કોઈ અંદર આવ્યું કે ગયું તો નથી. એ સમજી ગયો કે એ જુઠ્ઠું બોલી રહ્યાં છે.

"હા, વાંધો નહીં અંકલ. તો હું નીકળું છું. તમારે કામ હશે‌ ઓફિસમાં."

મિસ્ટર પંચાલ પણ કદાચ એવું જ ઈચ્છી રહ્યાં છે કે કર્તવ્ય ફટાફટ અહીંથી નીકળે છતાં ફોર્માલિટી ખાતર બોલ્યાં," અરે વાંધો નહીં. પહેલીવાર આવ્યો છે તો ચા નાસ્તો કરીને જા."

મિસ્ટર પંચાલને લાગ્યું કે કર્તવ્ય નીકળી જશે પણ એ તો બેસી ગયો સાથે જ સમર્થને પણ અંદર લઈ આવીને ઓળખાણ કરાવવા લાગ્યો. એટલામાં મિસ્ટર પંચાલને કોઈ ફોન આવ્યો. એકવાર એમણે ફોન કટ કર્યો‌. ફરી થોડી જ વારમાં બે ત્રણવાર ફોન આવ્યો પણ એમણે ઉપાડવાને બદલે કટ જ કર્યો.

કર્તવ્ય બોલ્યો, " અરે વાત કરી લો વાંધો નહીં અમે બેઠાં જ છીએ."

મિસ્ટર પંચાલ: " કંઈ નહીં બસ એ તો એમ જ ઘરેથી છે પછી શાંતિથી વાત કરીશ" કહીને એમણે તરત જ ફોન કરીને કોઈને કહ્યું," અરે ઓર્ડર કેટલીવારમાં આવશે? ગેસ્ટને મોડું થાય છે."

કર્તવ્યને સમજાયું કે પંચાલ સાહેબ એમને ભગાવવા માગે છે એટલે એ બોલ્યો, " અરે વાંધો નહીં શાંતિથી લાવવા દો. અમને કંઈ ઉતાવળ નથી."

મિસ્ટર પંચાલ ચોરી પકડાઈ ગઈ હોય એમ બાજી સંભાળતાં બોલ્યાં, "એવું નથી કહેતો એ તો એ લોકોને એવું કહેવું પડે તો જ લાવે જલ્દીથી."

ફરી પાછો મોબાઈલ રણકતા આખરે ફોન ઉપાડ્યો. મિસ્ટર પંચાલ કંઈક સામેથી સાંભળીને બોલ્યાં, " અરે બસ પહોંચ્યો સાહેબ થોડીવારમાં. થોડું કામમાં અટવાઈ ગયો હતો." કહીને સામેથી કંઈ જવાબ સાંભળ્યા વિના જ ફોન મૂકી દીધો.

કર્તવ્ય : " અંકલ તમે નીકળો જવાનું હોય તો અમે પણ નીકળીએ." ત્યાં જ નાસ્તા પાણી આવી જતાં ફટાફટ એણે સર્વ કરાવી દીધું. અને ખાધું ન ખાધું કરીને એમણે નાસ્તો પતાવી દીધો.

કર્તવ્યને સમજ તો પડી કે એમને ક્યાંક જવું છે પણ કહેવા નથી માંગતા પણ એમનાં હાવભાવ પરથી એમને અમે જલ્દી નીકળીએ એવું ઈચ્છી રહ્યાં છે. એટલે બંને જણાં પણ ઉભાં થઈને ફટાફટ બહાર નીકળી ગયાં. એ ગાડીમાં બેઠા ત્યાં જ એમની નજર એમની પાછળ રહેલી એક મોટી કાર પર પડી‌. એમની પાછળ જ મિસ્ટર પંચાલ આવીને એ ગાડીમાં ફટાફટ બેસી ગયાં અને તરત જ ગાડી ત્યાંથી નીકળી ગઈ...!

સમર્થે ગાડીને ઓફિસ તરફ જવા માટે ગાડી રીવર્સ કરી કે તરત જ કર્તવ્ય બોલ્યો," સમર્થ ફટાફટ પેલી ગાડીને ફોલો કરો પણ થોડું ડિસ્ટન્સ રાખીને. જેથી એ ગાડીમાં રહેલી વ્યક્તિને ખબર ન પડે કે આપણે એને ફોલો કરીને છીએ."

સમર્થ : " મિસ્ટર પંચાલ જે ગાડીમાં બેઠા એ જ ને? એક વાત પૂછું? તું કેમ આ વ્યક્તિની પાછળ પડ્યો છે મને હજું સમજાતું નથી. આટલાં મોટાં મિશનમાં એક વ્યક્તિને કંઈ ફોર્સ કરવાથી થોડું કંઈ થશે."

કર્તવ્ય: " તને મારી પર વિશ્વાસ છે ને? હું હાલ તને કંઈ નહીં જણાવી શકું જ્યાં સુધી મારી શંકાનું સમાધાન ન થાય. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એ શંકા નહીં પણ હકીકત જ ઠરશે..."

"ઠીક છે તું કહે છે તો બરાબર જ હશે..." ને થોડી જ વારમાં આગળની ગાડી હાઈવે જેવી જગ્યાએ ઉભી રહી ગઈ.

કર્તવ્ય: " શું છે ત્યાં? આઈડિયા નથી આવતો કંઈ."

સમર્થ : "બે મિનિટ.. વેઈટ...પછી આગળ જઈએ." થોડી જ વારમાં મિસ્ટર પંચાલ ગાડીમાંથી બહાર નીકળ્યાં સાથે જ એક સ્ત્રી પણ દેખાઈ. ફટાફટ બેય જણાં અંદર જતાં રહ્યાં.

સમર્થ : " તો તું આનાં માટે કહેતો હતો? એની પત્ની પણ હોઈ શકે ને? તો પછી કોઈ ફોન પર સાહેબ શું કામ કહે? પત્ની કોઈ છુપાવવાની વસ્તુ થોડી છે? "

" મારે તો નથી એટલે ખબર નથી " કહીને સમર્થ હસવા લાગ્યો.

"મારે તો બે ચાર છે એટલે મને બરાબર ખબર છે. અરે નહીં યાર, હોઈ શકે પણ લાગતું નથી. એ કોણ છે એ જ જોવું છે.સ્ત્રી આમ તો એમના જેટલી ઉંમરની હોય એવું લાગે છે પણ છતાં...."

ધીમેથી ગાડીને એ તરફ કરીને કર્તવ્યએ થોડું સાઈડમાંથી નજર કરી. એનાં મગજમાં કંઈક ઝબકારો થયો પણ એ કંઈ બોલ્યો નહીં. ચાલો હવે નીકળીએ.

સમર્થ : " તે શું જોયું આમાં? આટલે સુધી આવ્યાં હવે પાછાં જવાનું?"

કર્તવ્ય હસીને બોલ્યો, " તો તું અંદર જા. થોડું ખાઇ પી લે...!"

" ના ભાઈ ના...સવાર સવારમાં શું છે." ચાલ તો હવે હું ઘરે જઈશ‌."

કર્તવ્ય :"ચાલ તું ઘરે જા. અને હું એક કામ છે બહાર જાઉં છું. પછી મોડાં મળીએ...." પછી તરત જ બંને જણાં નીકળી ગયાં....!

**********

કર્તવ્ય ઓફિસ પહોંચ્યો કે તરત જ પોતાનાં ઓફિસના કામમાં લાગી ગયો. ઘણો સમય થઈ ગયો એણે કામમાં સમય જ ન જોયો. અચાનક એક ચહેરો એની સામે આવી ગયો. એક સુંદર સ્મિત, સરળતા, મોહક નજર... એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું બીજી પળે એ ચહેરાની બીજી બાજું યાદ આવી ગઈ...કે એ તરત બોલ્યો, " શીટ ! મારાથી કેમ ભૂલાઈ ગયું? આટલી મોટી વસ્તુ? એ ફટાફટ ઉભો થઈને તૈયાર થઈ ગયો. ત્યાં જ એનાં ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન ઉપાડતાં જ અવાજ આવ્યો, " મિસ્ટર આર્યન ચક્રવર્તી સ્પીકીગ..."

કર્તવ્ય : " યસ સર..."

મિસ્ટર આર્યન : " મારું કામ થશે ને? યાદ છે ને તને?"

કર્તવ્ય સહેજ ઝંખવાયો. પછી બોલ્યો, " અંકલ હું કદી ખોટું નથી બોલતો. સાચું કહું તો ભૂલી ગયેલો બીજા કામમાં પણ હમણાં જ યાદ આવ્યું કે તરત જ તમારો ફોન આવ્યો. બટ ડૉન્ટ વરી...ઓલ ઈઝ વેલ..."

કદાચ આજે અમીર વ્યકિતનો એક દર્દભર્યો, લાચારીજનક દિલનો અવાજ આવ્યો, " પ્લીઝ બેટા હું તારાં પર વિશ્વાસ કરું છું. તું કહીશ એ હાજર કરીશ...પણ પ્લીઝ"

કર્તવ્ય : " ડૉન્ટ વરી સર... બધું જ સારું થશે." ને ફોન મૂકાઈ ગયો. કર્તવ્ય મનોમન બોલ્યો, " કુદરત તું પણ ખરો છે...કોઈ વ્યક્તિને કદી સંપૂર્ણ બનાવતો નથી...તને પણ તમાશો જોવાની મજા આવે છે? કંઈ નહીં બીજું તો શું કદાચ કોઈનું દુઃખ દૂર કરવાનો કિરદાર નીભાવવા મને મોકલ્યો હશે..." ચાલ, કર્તવ્ય તારું કર્તવ્ય નીભાવવા કહીને કોલર સરખાં કરતો ઓફિસમાંથી નીકળી ગયો...!

શું મિસ્ટર આર્યન કેવી મુસીબતમાં હશે જે આટલાં રૂપિયા હોવાં છતાં કર્તવ્ય પાસે મદદ માગી રહ્યાં છે? મિસ્ટર પંચાલ સાથે કોણ સ્ત્રી હશે? આધ્યાને શકીરા મોટી હોસ્પિટલમાં લઈ જશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૪