શ્રી રાધાવતાર....
લેખક :શ્રી ભોગીભાઈ શાહ
પ્રકરણ-૧૧ શ્રી નારદજીનું વિસ્મય હરણ....
લલિત કલામાં સ્થાન પામતી સાહિત્ય કલા જે મનને અવર્ણનીય આનંદ આપે છે .તેમાં પણ જો તે સાહિત્યની કલમને શ્રી હરિવર નો દિવ્ય સ્પર્શ થઈ જાય તો પછી અવર્ણનીય આનંદ અલૌકિક આનંદ માં ફેરવાઈ જાય શ્રી ભોગીભાઈ શાહની લેખીનીને કદાચ આ જ સુખદ અનુભવ થયો હશે માટે જ તેમનું લિખિત રાધાઅવતાર ને જેમ આગળ વાંચીએ તેમ આપણને વધારે ને વધારે અલૌકિક આનંદનો અનુભવ થાય છે.
આગલા પ્રકરણમાં સુભદ્રા દ્વારા જે કરુણ પ્રસંગનું વર્ણન થયું તેના અંતે બધી જ રાણીઓ ના મનમાં પ્રશ્નો ના બીજ રોપાયા. મુખ્ય ઘટના તો જાણી પણ તેની સાથે તે ઘટનાના અનેક છેડાઓ બધાના મનમાં લટકતા હતા જેનું સમાધાન ફક્ત કૃષ્ણ ભગવાન જ કરી શકે પણ સીધી રીતે કૃષ્ણ ભગવાન આ કાર્ય કરે તો પછી તેમની અવતાર લીલાનું ચમત્કારિક્તાનો સ્પર્શ ભાવિકોને કેમ થાય?
પટરાણી રુક્ષ્મણીજી આજે ખૂબ જ ખુશ હતા એ વિચારીને કે તેમના સ્વામી કેટલા ઉચ્ચ સ્થાને બિરાજે છે અને આમ વિચારતા વિચારતા ક્યારેય એ સ્વામીજી નો ગર્વ પોતાની અંદર પ્રવેશી ગયો ખબર જ ન પડી. આ ગર્વ અને ગુમાનમાં જ શ્રી રુકમણી જીને આજે બધું જ એકલા જાણી લેવાની અને એ કોઈને અન્ય રાણીઓને ન કહેવાની ઈચ્છા જાગી ઉઠી. તો આ બાજુ નારદજીને તેમના સ્વભાવ પ્રમાણે વિચારતા વિચારતા પ્રશ્ન થયો કે માનવ અવતાર ધારણ કરેલા શ્રીકૃષ્ણ એકીસાથે બધી જ રાણીઓને કેમ ખુશ રાખી શકતા હશે? કોઈકના મનમાં તો કંઈક અભાવ રહેતો જ હશે બસ આ વિચારે જ તેમને દોડાવી દીધા....
નારદજી સૌપ્રથમ લક્ષ્મણા ના મહેલે પહોંચી ગયા ત્યાં તો ખુદ સર્વેસર્વા માધવ બિરાજી રહ્યા હતા અને દ્રૌપદીના સતીત્વ વિશે રાણી લક્ષ્મણા સાથે ચર્ચા કરતા હતા.ત્યાંથી નારાજ આગળ વધ્યા અને સત્યા રાણીના મહેલમાં પહોંચ્યા તો ત્યાં તો શ્રી હરિ યુધિષ્ઠિરની સત્યતા ને પારખી કર્મોની છણાવટ કરતા નજરે પડે છે.તો ભદ્રા રાણીના મહેલમાં અર્જુનની ધનુર્વિદ્યા વિશે સમજાવતા દેખાય છે.બીકમાં ને બીકમાં મિત્રવૃંદા રાણીના મહેલમાં નારદજી જુએ છે તો શ્રી અચ્યુત વિજય અને પરાજય ની સ્પષ્ટતા કરી દંડ અને ભેદ ના મહત્વ અને સમજાવે છે.ત્યારબાદ દોડીને કાલિન્દી રાણીના મહેલ એ જુએ છે તો મુરલી મનોહર સાક્ષીભાવ ના મહત્વ અને તાત્પર્ય સમજાવતા નજરે ચડે છે.. રાણીઓની સાથે સાથે નારદજીની જિજ્ઞાસા પણ વધતી જાય છે. જાંબુવતી રાણી ના મહેલે તો દુર્વાસા મુનિની નાનકડી કથા દ્વારા યોગીઓના મતે આજીવન બ્રહ્મચર્યની વાર્તા સાંભળવા મળે છે.અને સત્યભામાને તો ખુદ કૃષ્ણ ના નારદજીની વાત કરતાં સાંભળવા મળે છે.પરસેવે રેબઝેબ નારદજી રુકમણી પાસે પહોંચી જાય છે,જ્યાં બન્ને એક બીજાને પોતાની વાત થી આશ્ચર્ય ચકિત કરી દે છે.
🍂ગુમાન સર્વ
ઉતારે અવિનાશી
લીલાઓ દ્વારા🍂
સજ્જન અને દુર્જન માં એક જ તફાવત છે સજ્જન વ્યક્તિ પોતાના દોષ જાણી લીધા પછી વધારે સરળ બને છે અને દુર્જન વ્યક્તિ ગુસ્સે થાય છે.
અને જો આપણને પણ નારદજીની જેમ વધારે જાણવાની ઈચ્છા થાય તો રાધાવતાર તો વાંચવી જ રહી.....
શ્રી રાધાવતાર....
લેખક :શ્રી ભોગીભાઈ શાહ
પ્રકરણ-12 શ્રી રાધા નારદ મિલન...
શબ્દોની ચમત્કૃતિ.......
કથાવસ્તુ, વસ્તુ ગૂંથણી સંવાદો, વાતાવરણ કથા રસની ઉત્કૃષ્ટતા ની સાથો સાથ રાધાઅવતાર માં લેખક શ્રી દ્વારા પૌરાણિક કથાને પીરસતા સાહિત્યિક યોગ્ય શબ્દોની પસંદગી પ્રશંસનીય છે. પાત્રોના સંવાદ હોય કે ઘટનાનું નિરુપણ ખૂબ જ સુંદર આલેખન.
સત્યભામાના નિવાસસ્થાને સમગ્ર પરિવારનું સમૂહભોજન કે જ્યાં રાધા કથાને આગળ વધવા માટેનું યોગ્ય વાતાવરણ તૈયાર થાય છે ગઈકાલની કૃષ્ણ ભગવાનની લીલા ના કારણે બધી જ રાણીઓમાં રાધા કથાને પૂર્ણપણે સાંભળવાની જિજ્ઞાસા અને નારદજી પણ કૃષ્ણ ભગવાનની લીલા હશે એમ માની આ જિજ્ઞાસા સંતોષવા તૈયાર થઈ જાય છે.
શ્રી નારદજી રાધા જન્મની કથા ની શરૂઆત બ્રહ્માજીના માનસપુત્રી કલાવતી થી કરે છે.કલાવતી અને વૃષભાણજી ને ત્યાં સુંદર રાધાજી નો જન્મ થાય છે આ રાધાજીના દિવ્ય સૌંદર્યને જોઈને તેમની માતા કલાવતી આનંદિત થઈ અને બે લાખ ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરે છે.આ પ્રસંગ આમ નિરૂપણની દ્રષ્ટિએ નાનો છે પરંતુ આધુનિક પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો આજના સમયમાં દિકરીના મહત્વ અને સમજાવવા માટે હવે કોઈ નવા ઉપાયો કે પ્રયોગો ની જરૂર નથી ફક્ત આપણાં પૌરાણિક વિશ્વમાં ડોકિયું કરીએ તો જ તેનું પ્રમાણ મળી રહે છે તે વાત સાબિત થાય છે.
શ્રી નારદજી સૌપ્રથમ લાલા ના જન્મ સમયે ગોકુલ માં જાય છે અને ત્યારબાદ શ્રીરાધાજી આસપાસ જ અવતર્યા હોવા જોઈએ તેમ વિચારી વૃષભાણજીને ત્યાં નજર દોડાવે છે તો રાધાજી ના પિતા વૃષભાણજી પોતાની વ્યથા રજૂ કરે છે કે રાધાજી આટલા સૌંદર્યવાન હોવા છતાં હજી આંખો ઉઘાડતા નથી.શ્રી નારદજી ને વિશ્વાસ આવી જાય છે કે ચોક્કસ પણે આ જ શ્રી રાધાજી છે અને તેમની સમક્ષ કૃષ્ણ સ્તુતિ કરતા રાધાજી સૌપ્રથમ આંખો ઉઘાડે છે.દર્શન કરીને શ્રી નારદ ધન્ય ધન્ય થઈ જાય છે.
સૌપ્રથમ કૃષ્ણ જન્મ અને ત્યારબાદ જ્યારે શ્રીકૃષ્ણ ગોકુલ છોડવાની તૈયારીઓ કરે છે ત્યારે બીજીવાર નારદજીનું રાધાજી સાથે મિલન થાય છે. જતા પહેલા રાધાજીના સાચા અવતારથી બધા જ્ઞાત થાય અને તેમની પ્રેમલક્ષણા ભક્તિની કીર્તિ ચારેકોર પ્રસરે તે માટે એક નવી લીલા આરંભે છે.
🍂 રાધે મોહન
અદભુત પ્રણય
ન દેખે નિંદા 🍂
શ્રીરાધાજી કૃષ્ણ ની પ્રિતિમાં એટલા તન્મય હતા કે તેમના સિવાય કંઈ દેખાય જ રહ્યું ન હતું અને રાધાજી ના લાંબા વિયોગ ને જોઈ શકતા શ્રીકૃષ્ણ પણ તત્કાલીન સમયમાં રાધાજી ને જરાપણ દુખી જોવા ઇચ્છતા ન હતા.
આમ બંને પોત પોતાની ધૂનમાં કેટલા ઓતપ્રોત થતાં કે લોકોને તેમનો સહજ નિર્મળ પ્રેમ આંખોમાં ખૂંચવા લાગ્યો. તેનું પરિણામ એ આવ્યું કે શ્રી રાધાજીની ચારેકોર લોક નિંદા થવા લાગી.
દેખાતી દુનિયા થી દુર પોતાનામાં મસ્ત રહેતા કૃષ્ણનું ધ્યાન યમુનાજી અને યોગમાયા એ દોર્યું.અને તે ધ્યાનમાં આવતા શ્રીકૃષ્ણની આંખો અને હૃદય બંને ભીના થઈ ગયા એ કરુણા માંથી જ નવી લીલાનો પ્રારંભ થાય છે અને નારદજી તેમાં નિમિત્ત બન્યા.
શ્રીકૃષ્ણ અચાનક મૂર્છિત થઇ જાય છે અને બધાના સઘળા ઉપાયો નિષ્ફળ જાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે શ્રી કૃષ્ણનું રૂપ રંગ ધરાવતા યોગીમહાત્મા નું પ્રાગટ્ય થાય છે .યોગી મહાત્મા એટલે નારદજી. આમ રાધાજી અને નારદજીના બીજા મિલનના કથા પ્રસંગ ને અધવચ્ચે અટકાવી લેખક આપણને તરત જ બીજા પ્રકરણ તરફ દોરી જાય છે.