3 Hours - 1 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | ૩ કલાક - 1

Featured Books
Categories
Share

૩ કલાક - 1

"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?"‌ ૨૨ વર્ષિય યુવતી પુછી રહી હતી તેની જ ઉંમર ના ૬ છોકરા-છોકરીઓને.
બધા ના ચહેરા પર ડર છવાયેલો હતો, તેમના શરીર પર નાના મોટા ઘા હતા, ઠેકઠેકાણેથી કપડાં ફાટી ગયાં હતાં પરંતુ અહીં થી બહાર નીકળવા ની આશા અને જીવવા ની જીજીવિષા હજુ એ બુલંદ હતી.
પણ સવાલ એ છે કે કોણ છે આ લોકો અને આ મુશ્કેલી માં કંઈ રીતે ફસાયા? આ સવાલ નો જવાબ મેળવવા આપણે ૬ કલાક પાછળ જવું પડશે.

પાલનપુર ની હાઈ પ્રોફાઇલ સોસાયટી શ્યામ વિલા ના વૈભવી બંગલોમાં ના એક બંગલોની મોંઘાં ફર્નિચર થી સજ્જ વિશાળ બાલ્કની માં ટોળે વળી ને બેઠેલ ૭ યુવક યુવતીઓ આ ઘર ની છુટ્ટા મોઢે તારીફ કરી રહ્યાં હતાં.

"તારું નવું ઘર બહું જ સુંદર છે." હીના આ ઘર જોઈ ને ખુશ થઈ ગઈ હતી.
તે નમણાં બાંધા ની સામાન્ય થી થોડી વધારે સુંદર બાવીસ વર્ષિય યુવતી હતી. દરેક નવીન વસ્તુ ની સરાહના કરવી અને સુંદરતા ની કદર કરવી એ હીના નો જન્મ જાત સ્વભાવ હતો.

આમ તો તેનો પરિવાર પણ સામાન્ય થી થોડો ઉપર હતો, તેનું ઘર બહું મોટું તો નહીં જ પણ સુંદર અને સુવિધાસભર હતું. હીના ને ક્યારેય કોઈ ની પાસે તેનાથી વધારે કેમ છે આવી ફરિયાદ નહોતી, તે સંતોષી હતી અને તેથી જ સુખી પણ હતી.
"હીના એકદમ સાચું બોલી, તારું ઘર સુંદર થી પણ વધારે સુંદર છે..." આસ્થા એ ચહેરા પર હાસ્ય ઓઢી મન ની ઈર્ષા છુપાવી દીધી. આસ્થા પાતળા બાંધા ની, ગોરી, સુંદર અને આકર્ષક યુવતી હતી. તેનો પરિવાર સામાન્ય હતો, અને તેણી જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓથી વંચિત રહી ને ઊછરી હતી. પોતાની સુંદરતા સિવાય તેને દર વાતે અભાવ કોરી ખાતો હતો અને તેથી જ તેનો સ્વભાવ ઈર્ષાળુ થઈ ગયો હતો, પણ એ હંમેશા ઈર્ષા ઉપર હાસ્ય નું મુખોટુ પહેરી રાખતી.
"તમે બધા તારીફ કરવાનું રહેવા દો અને ગરમાગરમ નાસ્તો કરો, બધું ઠરી જશે ત્યારે ખાશો?" વિરલ એ ટકોર કરી, તેણી બાવીસ વર્ષની શ્યામલ વર્ણ ધરાવતી સુંદર યુવતી હતી, તેણીનુ શરીર ભરાવદાર અને વળાંક વાળું હતું, ઉપર થી તેની મોટી ભરાવદાર આંખો જેમાં માણસ આખો ને આખો ડુબી જાય.

આ ઘર વિરલ ની પસંદગી અનુસાર તેના પપ્પા એ બનાવડાવ્યું હતું. એ જ ખુશીમાં તેણીએ તેના દોસ્તો સાથે આજે પાર્ટી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, તેનું મગજ ખુબ જ વિચિત્ર હતું. ગમે ત્યારે કંઈ પણ કરી નાખતી અને ત્યાંથી છટકી પણ જતી, હંમેશા કંઈક અલગ કરવામાં તેને મજા આવતી.

વિહાર અને નિર્મળા ખાવા માં વ્યસ્ત હતાં, આ બંને ને ખાવા સિવાય કોઈ વાત માં રસ નહોતો. બન્ને સુખી સંપન્ન પરિવાર માંથી આવતાં હતાં, પાછલા જન્મનાં સાથી હોય એમ બંનેમાં ઘણી સમાનતા ઓ હતી અને બંને ને એકબીજા વગર ચાલતું પણ નહીં.
ના, બન્ને માં થી એકેય ને એકબીજા માટે પ્રેમ ની લાગણીઓ હજી સુધી તો નથી જ, બન્ને નો સંબંધ નિરાળો અને શુદ્ધ હતો.
નિર્મળા આ ગ્રુપ ની સૌથી સમજદાર અને સૌથી સુંદર યુવતી હતી, પણ તેની બધી જ ચતુરાઈ અને સમજદારી ભુખ સામે હારી જતી.
જ્યારે વિહાર ડફોળ ને પણ હોશિયાર કહેવડાવે એવો નાદાન હતો અને એ પણ ભુખ સામે હંમેશા હારી જતો, દેખાવડો તો એ હતો જ પણ મોઢું ખોલતાં જ તેના પૈસા પડી જતા.
નિર્માણ સમોસા ખાતા ખાતા ઘર નું નિરીક્ષણ કરી રહ્યો હતો, ઘઉંવર્ણો એકવડીયો બાંધો અને નીલી આંખો ગજબ નો સમન્વય હતો. નવી અને યુનિક વસ્તુઓ તેને બહુ જ ગમતી. ક્રિએટીવિટી ને એ ચાહતો હતો પણ મહેનત ના નામે તેના મોતિયા મરી જતા.
ગોપાલ હજુયે નાસ્તા ને અલગ અલગ રીતે મુકી એના ફોટોઝ પાડી રહ્યો હતો. તેને ગમે ત્યાં મુકી દો, એ ફોટોઝ પાડી ને જ આવતો. તેને ફોટોગ્રાફી નો શોખ છે એવું ન સમજતા, આ તો સોશિઅલ મિડિયા શૉ ઑફ સિન્ડ્રોમ હતો જેની શિકાર આખી દુનિયા બની ચુકી છે.

આ સાત નમુનાઓ એક બીજા ને શાળામાં મળી ગયા, અને‌ ત્યારથી કોલેજ ના છેલ્લા વર્ષ સુધી સાથે જ ભણ્યા બધા. થોડા દિવસ પહેલા બીકોમ ફાઈનલ યર ની પરીક્ષા આપી ને બધા હળવા ફુલ થઈ ચુક્યા હતા, આગળ શું કરવું એ હજું કોઇએ નક્કી નહોતું કર્યું પણ ક્યાં ફરવા જવું એ નક્કી કરવા ચાર ચાર વખત ચર્ચા થઈ ચુકી હતી જેનું પરિણામ હતું શૂન્ય.

"હેય તમે બધા હાલ જ ઘરે જાઓ અને બેગ પેક કરી ને અડધા કલાકમાં મને મળો, આસ્થા તારા મમ્મી સાથે મને વાત કરાવજે હું એમને મનાવી લઈશ ઓકે?" વિરલ ફોન જોતા જોતા અચાનક જ ખુશી ની મારી ઉછળી પડી.
"અરે પણ એમ કેમ? થોડી માહિતી આપ કે ક્યાં જવાનું છે? નહીં તો ઘરે શું કહીશું કે અમને જ કંઈ ખબર નથી એમ?" હીના એ પુછ્યું.
"એમ કહી દેજો કે પોલો ફોરેસ્ટ જવાનું છે, ઠીક છે? હવે જાઓ બધા તૈયાર થઈ ને જલ્દી જલ્દી પાછા આવો." વિરલ બધા ને રિતસર ના ઘર ની બહાર ધકેલ્યા.
વિરલ એ તેના પપ્પા ને ફોન કરીને જવાની મંજૂરી મેળવી લીધી, કલાક એક માં બધાં પોતપોતાની બેગ સાથે તૈયાર હતાં.
વિરલ એ તેના પપ્પા ની ગાડીઓમાં થી સફારી ગાડી લઈ લીધી અને સાત જણ નીકળી પડ્યા એક અજાણ્યા સફર પર જ્યાં મુસીબતો મોઢું ફાડીને ઊભી હતી.

ક્રમશઃ