બંસી મોઢા
*વાર્તા: હાથ પકડવો તો એનો*
એમના મોઢામાંથી આવતી દારૂ ની તીવ્ર વાસ થી મારી એના પ્રત્યેની ધૃણા ઓર વધી ગઈ હતી.. મને ઈચ્છા થઈ કે હું એમનો હાથ છોડીને ભાગી જાઉં..પણ કેમ....?
એક તો મા ના ગયાનું દુખ હજું છાતીમાં ડુમો બાઝીને પડ્યું હતું તેમાં એણે કચકચાવીને પકડેલો મારો હાથ પીડામાં વધારો કરી રહ્યો હતો....
હું ઢસડાતી ઢસડાતી પાછળ ચાલી રહી હતી... અને પાછળ છુટી ગયેલા દિવસો મારી આગળ આગળ ચાલી રહ્યાં હતાં...
કેવી ગોઝારી હતી એ રાત! મા છેલ્લા શ્વાસ ગણી રહી હશે એ શી ખબર? જ્યારે ફુલીમાસી એ મા ની આંખો બંધ કરી ત્યારે એટલું સમજાયું કે ભલે એનો હાથ મારા હાથમાં હતો... પરંતું અમારી વચ્ચે અમાપ અંતર હતું...
થોડાં દિવસ ઘરમાં માણસોની અવરજવર થતી રહી.. અભાગી... બીચારી.. કમનસીબી જેવાં શબ્દો કાને અથડાતાં રહ્યાં... એક રાત્રે ફુલીમાસીએ પાસે બેસાડીને કહ્યું હતું
"જો રાધું...તારી મા નું બારમું કાલે પતી જાય પછી હું ઘરે જઈશ.. ઘરનું ધ્યાન રાખજે... છોકરીની જાત છે.. સંભાળીને રહેજે..." અને ફુલીમાસી ધ્રુસ્કે ધ્રુસકે રડી પડ્યા હતા....મારે પણ રડવું હતું પણ કોની પાસે..?
કાલથી તો ઓરડીમાં હવે હું ને સાવકો બાપ.... આખી રાત ડર અને ભય વચ્ચે પસાર થઈ પણ એ ન આવ્યાં.. સવારે કોઈએ પગથી પાટું મારી ઊઠાડી હોય એવું લાગ્યું હતું... અને પછી એ મારો હાથ પકડીને ચાલવા લાગ્યાં.. ગામડાની બહાર નીકળી એક કાચો રસ્તો એને પકડ્યો અને એક જર્જરીત મકાનના ઓટલા પર મને બેસાડી હમણાં આવું છું એમ કહી એ વધારે ગીચ ઝાડીમાં ચાલવા લાગ્યાં.... મને વધારે તો કશી ગતાગમ ન પડી પણ અત્યારે બાપા જે દિશામાં ગયાં તેના સિવાયની કોઇપણ દિશામાં દોડી જવું મને ઉચિત લાગ્યું... હું એક કેડી જેવો રસ્તો દેખાયો ત્યાં દોડવા જ લાગી... શ્વાસ ફુલી ગયો હતો... પણ હું દોડતી રહી.. મારાં પગ જયાં ફસડાઇ પડ્યાં એ કોઈ નાનકડાં મંદિરનુ ચોગાન હતું... હું પગથિયાં ચડી ત્યારે પુજારી મૂર્તિ પર ફુલ ચડાવીને મારી તરફ ફર્યાં... મારું ધ્યાન એ અલૌકિક મૂર્તિ તરફ અને પુજારીનુ ધ્યાન મારા તરફ...
હુ મંદિર માં અંદર ગઈ ને જાણે રાધા રાણી ની મૂર્તિ મારી સામે હસી રહી હતી..
એક નિર્મળ અવાજ મારા કાને પડ્યો. "દિકરી! સારું થયું તું આવી ગઈ! મને આ રાધારાણી ને શ્રૃંગાર કરવામાં મદદ કરીશ?"
મારા માટે આ સ્થળ જાણ્યું કે અજાણ્યું હોવાનો કયાં પ્રશ્ન હતો..? હું પુજારી હતા ત્યાં ગઈ અને મારી ઢીંગલી ને સજાવું તેમ રાધા ને સજાવતી રહી... એને સંપૂર્ણ સજાવી દીધા પછી હું એની સામે જોઈ રહી.... મને વિચાર આવ્યો..
"મારું ને એનું નામ સરખા... પણ ભાગ્ય કેમ સાવ નોખા! શું વિચારીને મારી મા એ મારું નામ રાધા રાખ્યું હશે! ક્યાં હું અને ક્યાં આ રાધા રાણી!"
પુજારીના શબ્દો ફરી કાને પડ્યાં ને મારી તંદ્રા તૂટી...એ કદાચ મારી આંખો નો ભાવ જોઈને બધું સમજી ગયાં હશે...!
" દિકરી આ રાધાજી છે ને.. એણે આ કાનજી નો હાથ ઝાલ્યો હતો"
આટલા શબ્દો કહી એ પગથિયાં ઉતરી પટાંગણમાં ફુલ લેવા ચાલ્યા ગયાં ....
હું એ મૂર્તિ સામે એકીટશે જોઈ રહી.. થોડીવાર પછી હું એ મૂર્તિ ની સાવ પાસે ગઈ તેનાં વાંસળી ઊપર રહેલા જમણાં હાથ પર મારો હાથ મુક્યો ને મારાથી ચોધાર આંસુ એ રડી પડાયું....!
બહાર રાધે રાધે... રાધે રાધે ના નામ બોલતું કોઈ વૃંદ પસાર થઈ ગયું... અચાનક મા એ જન્માષ્ટમી ના દિવસે કહેલા શબ્દો યાદ આવી ગયાં.. "રાધુ.. આ હવે જે આઠમ આવશે ને રાધાષ્ટમી હશે.. હું તે દિવસે તને ગમે છે તે ચુંદડી અને કાચની બંગડીઓ લઈ આપીશ.." બહાર ધીમી ધારે વરસાદ શરું પડવાનો શરું થયો હતો ...
મારા ચિતમાં એક અદમ્ય શાંતિ હું અનુભવી રહી... હવે કોઈ આવે તો પણ શું..? હવે કાનજી સંભાળશે...
હું મૂર્તિ ની પાસે જ ઊભી ઊભી રાધાજી ની આંખો માં જોઈ રહી.. મને એ આંખોમાં ક્યાંય ભય ન દેખાયો.. પાછળ થી પુજારી નો નિર્મળ અવાજ ફરી કાને પડ્યો..
"કૃષ્ણ બધાં નો તારણહાર... કૃષ્ણ ના પ્રેમ નાં વર્તુળ માં આખુ જગત સમાય પણ રાધા નું તો એક જ કેન્દ્ર બિંદુ “કૃષ્ણ”.. એના કૃષ્ણ રૂપી જગતમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. સર્વ ને ચાહવા સહેલા છે પણ કોઈ એક ને જ સર્વ રીતે ચાહવું એ માત્ર રાધા જ કરી શકે… કૃષ્ણ રાધા થી દુર થયા પછી આખા જગતમાં ફેલાતા ગયા અસિમિત થઈ ગયા.. અને રાધા કૃષ્ણ થી દુર થયા બાદ સાંકળી થતી થતી કૃષ્ણ પુરતી સિમિત થઈ ગઈ.. રાધા નો પ્રેમ એટલે બ્રહ્માંડથી પણ મોટો અને રજકણથી પણ નાનો.. પ્રેમ કરવો તો રાધા જેવો... વિશ્વાસ મુકવો તો રાધા જેવો... સમર્પણ હોય તો રાધા નું..
દિકરી... આખા જગતના તારણહાર કૃષ્ણ.. અને કૃષ્ણ ની પણ પહેલા જગત જેને યાદ કરે એ રાધા.. રાધા નામમાં જ ચમત્કાર છે.. રાધે રાધે.."
મારા હાથમાં હવે નવી ચેતના આવી. મનમાં જોકે વિશ્વાસ અને શંકા બંનેનું યુદ્ધ હજુ સાવ પૂરું ન હતું થયું. માત્ર શ્રદ્ધા શું કરી શકે? વિચારમાંથી ઝબકી જવાયું જ્યારે એક કર્કશ અવાજ કાને પડ્યો
જુની થઈ ગયેલી ધુમાડા કાઢતી કોઈ ગાડી મંદિરનાં પટાંગણમાં આવતી દેખાઈ... મોટરસાઈકલ ની પાછળ ની સીટ પર એ સાવકો બાપ દેખાયો...
મેં વધું કચકચાવીને કાનજી નો હાથ પકડી લીધો જે પોતીકો લાગતો હતો...
મોટરસાઈકલ વધું ગતિ થી અંદર આવ્યું અને લીસા થઈ ગયેલા રસ્તા પરથી સરકીને મંદિરમાં પગથિયાં પાસે એ ઢસડાઈ પડયું.. ને પગથિયાં નાં એક ખુણામાં એનું માથુ જોરદાર ભટકાયુ અને હું કાનજી તરફ જોઈ ગઈ....
હવે બીજે ક્યાંય જોવાની જરૂર નથી પડતી.. એનો હાથ મારા હાથમાં હોય કે ન હોય એની અને મારી વચ્ચે કોઈ અંતર ન હતું...
એની પડખે ઊભેલા રાધારાણી અને મારી વચ્ચે કોઈ ફરક લાગતો ન હતો કાનજીનો હાથ પકડયા પછી. બસ ત્યારથી સમજાઈ ગયું કે હાથ પકડવો તો બસ એનો....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻