Murder Mastari (ajampur) - 1 in Gujarati Crime Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | મર્ડર માસ્ટરી (આઝમપુર) - 1

Featured Books
Categories
Share

મર્ડર માસ્ટરી (આઝમપુર) - 1

પુરપાટ ઝડપે અઝામપુર શહેરના મુખ્ય ધોરી માર્ગ પર પોલીસ વાન દોડી રહી હતી.થોડીકવાર પહેલા જ અઝામપુરના પૂર્વીય પોલીસ સ્ટેશનમાં કોઈક અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું. કે શહેરના છેવાડે આવેલા શોર્યગંજ રોડ ઉપર કોઈક વ્યક્તિની લાસ પડી છે. પોલીસ એ વ્યક્તિને કંઈક વધારે પુછપરછ કરે એ પહેલા જ સામેના છેડેથી આવેલો ફોન કટ થઈ ગયો. ફોન કટ થતાંની સાથે જ આઝમપુર પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ વાન આઝમપુરના મુખ્ય માર્ગ ઉપર દોડવા લાગી. આઝમપુરના આ મુખ્ય માર્ગથી શોર્યગંજ રોડ વચ્ચેનું અંતર લગભગ ત્રણેક કિલોમીટર જેટલું હતું. એટલે પોલીસ વાનને ત્યાં સુધી પહોંચતા દસ મિનિટ જેવું તો લાગી જ જાય.


છેલ્લા એક મહિનાથી આઝમપુરમાં ગુનાખોરી એટલી હદે વધી ગઈ હતી કે આઝમપુરની સમગ્ર પોલીસ ગુનેગારોની શોધખોળ કરીને જ કંટાળી ગઈ હતી. પણ ગુનેગારોનો કોઈ જ પત્તો લાગતો નહોંતો. નાની મોટી લૂંટફાટ તો દરેક શહેરમાં થતી જ રહે છે.પણ અહીંયા તો એક મહિનામાં સાત મર્ડર જે વાત ખુબ ચોંકાવી નાખે એવી હતી.


આઝમપુરની બહુમાળી ઇમારતો,એના વિશાળ બઝારો, હરિયાળા બાગ-બગીચાઓ, મોર્ગનટ લાયબ્રેરી વગેરે શહેરની સુંદરતામાં વધારો કરતા હતા. મુખ્ય માર્ગ શહેરને બે ભાગમાં વિભાજીત કરતો હતો. પૂર્વ અને પશ્ચિમ. જેથી બે ભાગમાં આખું શહેર વહેંચાઈ જતું હતું. એના જ કારણે અઝામપુરમાં બે પોલીસ સ્ટેશન હતા. એક પશ્ચિમી અને એક પૂર્વીય પોલીસ સ્ટેશન. અત્યારે જે આજ્ઞાત વ્યક્તિનો કોલ આવ્યો હતો.


એ પૂર્વીય પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. શોર્યગંજ રોડ આઝમપુરના મુખ્ય માર્ગથી જોડાઈને મોર્ગનટ લાયબ્રેરી સુધી જતો હતો. મોર્ગનટ લાયબ્રેરી પછી શોર્યગંજ રોડ અનેક નાની મોટી ગલીઓમાં વિભાજીત થઈ ઘણી સોસાયટીઓની વચ્ચે થઈને આગળ જતાં સાવ સાંકડો બની જતો હતો.


પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર વ્યક્તિએ શોર્યગંજ રોડના કયા ભાગ ઉપર લાસ પડી છે એ વિશે કોઈજ માહિતી આપી નહોતી. એટલે મુખ્ય માર્ગથી શોર્યગંજ રોડ તરફ વળતાની સાથે જ પુરપાટ ઝડપે દોડી રહેલી પોલીસ વાનની સ્પીડ ધીમી થઈ ગઈ. લેફ્ટ ટર્ન લઈને પોલીસ વાન રોડ ઉપર અંધારું ચીરીને આગળ વધવા લાગી. પોલીસવાન નવી હતી એટલે રોડ ઉપર પડેલી ઝીણામાં ઝીણી વસ્તુ પણ અંદર બેઠેલા પોલીસ જવાનો સ્પષ્ટતાથી જોઈ શકતા હતા. ગુનાખોરી વધતા જ સરકારે આઝમપુરમાં બે નવી પોલીસ વાનો મોકલાવી હતી.


માર્ગનટ લાયબ્રેરીથી થોડેક પોલીસ વાન દૂર રહી હશે. ત્યાં અંદર બેઠેલા મુખ્ય પોલીસ ઓફિસરની નજર લાયબ્રેરીના ગેટની સામે જ રસ્તા ઉપર એક ઊંધા પડેલા એક વ્યક્તિ ઉપર પડી.


"કેયુર સ્ટોપ.. સ્ટોપ.. સ્ટોપ..' અંદર બેઠેલા પોલીસ ઓફિસરના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા.


પોલીસ ઓફિસરના મોંઢામાંથી સ્ટોપ શબ્દ નીકળતાની સાથે જ તીણી સિસોટી જેવા અવાજ સાથે પોલીસવાનને બ્રેક લાગી ગઈ. પોલીસ વાન ઉભી રહેતાની સાથે જ અંદર બેઠેલા પાંચેય પોલીસ જવાનો ધડાધડ નીચે ઉતરી પડ્યા.


"ક્યાં વાગી છે બુલેટ્સ તપાસ કર સારી રીતે.' પગની એડીથી કાન સુધી કાળા ઓવરકોટમાં ઢંકાયેલા એક પોલીસ અફસરે રસ્તાની વચ્ચો વચ્ચ ઊંધી પડેલી લાસને ગ્લાઉજ પહેરેલા હાથથી સવળી કરીને પાસે ઉભેલા બીજા પોલીસ જવાનને સત્તાધારી અવાજે કહ્યું.


"સર.. છાતીમાં વાગી છે અને એક માથામાં પણ વાગી છે.' સરખી કરેલી લાસને યોગ્ય રીતે તપાસીને પોલીસ જવાન બોલ્યો.


"આરીફ તું એના આખા શરીરની તલાશી લે. જે કોઈ ઓળખ પત્ર કે અન્ય કોઈ વસ્તુ મળે એ મને આપ. અને કેયુર તું એમ્બ્યુલન્સને ફોન કર. લાસને પોસ્ટમર્ટમ માટે મોકલવી પડશે.' પેલા ઓફિસરે આટલું કહીને હાથમાં પહેરેલા ગ્લાઉઝ ઉતારી નાખ્યા. અને ઓવરકોટના અંદરના ખિસ્સામાંથી એક સિગારેટ કાઢીને સળગાવી. પછી એની નજર લાયબ્રેરીની ચારેય તરફ ફરવા લાગી. પણ કોઈ શંકા જેવું લાગ્યું નહિ.


"સર.. આ કંઈક ઓળખપત્ર મળ્યું છે. અને મોબાઈલ પણ. મોબાઈલ સ્વીચઓફ છે.' આરીફે મોબાઈલ અને પેલા વ્યક્તિનું ઓળખપત્ર પેલા ઓવરકોટધારી ઓફિસર તરફ ધર્યું.


"ઓહહ.. વિશ્વદીપ મિશ્રા.. લેખક..' આટલું બોલતા-બોલતા તો પેલા ઓફિસરના કપાળની ટટ્ટાર ચામડી ઉપર કરચલીઓ વળી ગઈ.


ઘેરા ગાઢ અંધારાએ ધરતીનો બરોબરનો ભરડો લઈ લીધો હતો.ક્યાંક ક્યાંક ઝબુકતી વીજળીની લાઈટો જોતાં એવું લાગી રહ્યું હતું કે જેમ અજગરના ભરડામાં ફસાયેલો શિકાર છૂટવા માટે તરફડીયા મારે એવી જ રીતે આ ધરતી પણ જાણે અંધારાના આ ભરડામાંથી છૂટવાનો પ્રયત્ન કરતી ના હોય.!!!! અમાસની રાત્રી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં આખું આઝમપુર શહેર થીજી ગયું હતું.


વિશ્વદિપ મિશ્રા આઝમપુરનો એક વિખ્યાત યુવા લેખક હતો. ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં તો એના દસ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા હતા. આ યુવા લેખકની સ્પીચ અને બોલવાની છટા એટલી જોરદાર હતી કે એને સંભાળવા માટે લોકો હંમેશા આતુર રહેતા. અને આ લેખક શોર્યગંજ રોડ ઉપર આવેલી આ મોર્ગનટ લાયબ્રેરીમાં રાતના મોડે સુધી ટાઈમ પસાર કરતો. રાતે એ લાયબ્રેરીના પ્રાંગણમાં આવેલા બગીચામાં બેસીને એની કલ્પના કથાઓ કાગળ ઉપર ઉતારતો રહેતો.


થોડીકવારમાં એમ્બ્યુલન્સનું હૉર્ન વાગ્યું. એબ્યુલન્સ આવ્યા પછી લેખક વિશ્વદીપ મિશ્રાની લાસને પોસ્ટમર્ટમ માટે અઝામપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.


"આરીફ એક લેખકનું ખૂન થઈ ગયું એ વાત ખરેખર નવાઈ ઉપજાવે એવી છે.!' ઓવરકોટધારી ઓફિસર પોલીસવાનમાં બેસતા બોલ્યો.


"હા.. અને એક લેખકનું ખૂન કયા ઉદેશ્યથી થઈ શકે. એ વાત પણ મારા સમજમાં નથી આવતી.' આરીફ પોલીસવાનની પાછળની સીટમાં ગોઠવાતા બોલ્યો.


"તું કાલે સવારે જઈને પોસ્ટમર્ટમ રિપોર્ટ લઈ આવજે. પછી મને મારી ઓફિસે આપી દેજે. હવે ટૂંક જ સમયને આઝમપુરને ગુનાઓની આ ગંદકીમાંથી મુક્ત કરવું પડશે.' ઓવરકોટધારી મક્કમ અવાજે બોલ્યો.


"મને વિશ્વાસ છે સર તમારી ઉપર હવે તમે આવી ગયા છો એટલે જરૂર આઝમપુરમાં ગુનેગારો નાશ થઈ જશે. અમારા પી.આઇ એમ.કે.રાઠોડ પણ તમારું જ કહેતા હતા. કે ક્રાઇમ બ્રાન્ચના વડા અનિકેત શર્મા ગમે તેવા ખૂની કેસને ઉકેલવામાં માહિર છે.' આરીફ પ્રશંશા સૂચક અવાજે ધીમેથી બોલ્યો.


આરીફ આટલું બોલ્યો. અને એના જવાબમાં ઓવરકોટ ધારી અનિકેત શર્માએ આરીફ તરફ જોઈને ફક્ત એક નાનકડી સ્માઈલ જ આપી.


અનિકેત શર્મા દિલ્લી ક્રાઇમ બ્રાન્ચના વડા હતા. એમની ઉંમર હજુ સત્તાવીસ વર્ષ જ હતી. પણ ભલભલા ખૂની કેસો એ સરળતાથી પોતાના તેજ દિમાગ વડે ઉકેલી કાઢતા. આઝમ પુરમાં મર્ડર કેસો વધ્યા એટલે દિલ્લી સરકારે એમને આઝમપુરના ખૂની કેસો ઉકેલવા માટે મોકલ્યા હતા.


થોડીવારમાં પોલીસવાન પોલીસ સ્ટેશનમાં પહોંચી. બધા નીચે ઉતર્યા. અનિકેત શર્મા પોલીસ સ્ટેશનથી થોડેક દૂર જ આવેલી સરકારી વસાહતમાંના એક ક્વાર્ટરમાં રહેતા હતા.
પોલીસવાનમાંથી નીચે ઉતરીને એમણે એમનું બુલેટ બાઈક ચાલુ કર્યું.


"આરીફ સવારે ભૂલતો નહિ. મને પોસ્ટ મર્ટમ રિપોર્ટ આપવાનું.' આરીફને આટલું કહીને અનિકેત શર્માએ પોતાનું બુલેટ દોડાવી મૂક્યું.


"જી સર.. ચોક્કસ.' આરીફ આટલું બોલ્યો ત્યાં તો અનિકેત શર્માનું બુલેટ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ચૂક્યું હતું.


અનિકેત શર્મા હજુ ક્વાર્ટરના પાર્કિંગમાં પોતાનું બાઈક પાર્ક કરીને ક્વાર્ટરનો દરવાજો ખોલવા જતાં હતા ત્યાં તો પાછળથી એમના માથા પાછળના ભાગે જોરદાર ફટકા સાથે કોઈક વસ્તુ અથડાઈ અને એમની આંખો આગળ અંધારા આવી ગયા. તેઓ બેભાન થઈને ત્યાં જ ફસડાઈ પડ્યા.


(ક્રમશ)