Freedom in Gujarati Short Stories by Divya books and stories PDF | આઝાદી

The Author
Featured Books
Categories
Share

આઝાદી

15 મી ઓગસ્ટ ની સવાર છે ને શેરીઓમાં પ્રભાતફેરી માં આઝાદી ના નારાઓ ગૂંજી રહ્યા છે. દાદા -દાદી અને પપ્પા બધા ટી.વી. માં દૂરદર્શન પર દિલ્હીમાં થતાં ધ્વજ વંદન કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળી રહ્યા હતા તેમાં વારે ઘડીએ આઝાદી શબ્દ નો ઉલ્લેખ થઇ રહ્યો હતો.ન્યૂઝપેપર માં પણ આજે આઝાદી વિશે વિશેષ લખેલું હતું.
અચાનક જ આ નવા શબ્દ ને સાંભળી ને નાનકડાં હિતાર્થ ના મન માં સવાલો ની શરવાણી શરૂ થઈ.
હિતાર્થ: પપ્પા આ આઝાદી શું છે?

પપ્પા: મને ટીવી જોવા દે જા દાદા ને પૂછ ( છણકો કરીને કીધું)

હિતાર્થ: પણ પપ્પા કોને આ આઝાદી કોણ છે?

પપ્પા: કીધું ને એકવાર ....જા દાદા ને પૂછ મને ડિસ્ટર્બ ના કરીશ.

હિતાર્થ: દાદા! દાદા સાંભળો ને આ આઝાદી કોણ છે? કોઇ બહેનનું નામ છે? કે કોઇ ચીજ છે? ( આશ્વર્ય થી તેણે પૂછ્યું)

દાદા: હા...હા...હા... જો બેટા હિતાર્થ , આઝાદી એ કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી.

હિતાર્થ: તો આ આઝાદી છે શું? કહોને દાદા...

દાદા: બેટા આઝાદી એટલે કોઈ પણ પ્રકારના બંધન માંથી મુક્તિ મળે તે.

હિતાર્થ: બંધન માંથી મુક્તિ મળવી એટલે??

દાદા: બંધન માંથી મુક્તિ એટલે કે જો કોઈ વ્યક્તિ કે કાયદા હેઠળ તમે તમારી ઇચ્છા મુજબ નું કાર્ય ન કરી શકો અને તમારે જે તે વ્યક્તિ કે કાયદો જેમ કે તેમ કરવું પડે તેને બંધન કહેવાય અને એ બંધન માંથી છુટકારો મળે અને તમે તમારી ઇચ્છા મુજબ નું કાર્ય કરી શકો તેને આઝાદી કહેવાય.

હિતાર્થ: ઓહો...

દાદા: હવે સમજણ પડી ને બેટા આઝાદી એટલે શું?

હિતાર્થ: હા દાદા હવે ખબર પડી ગઈ પણ આજે આ ટીવી માં પેલા અંકલ અને સોસાયટીમાં બીજા લોકો કેમ આઝાદી શબ્દ બહુવાર બોલતા હતા? ( ઉત્સુકતા સાથે પૂછ્યું)

દાદા: એ તો આજે 15મી ઓગસ્ટ છે ને આપણો સ્વાતંત્ર્ય દિન એટલે. આજના દિવસે આપણ ને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મળી હતી તેથી તેની યાદમાં આજે રાષ્ટ્રીય ઉત્સવ ઉજવાય છે એટલે બધા વારંવાર આઝાદી શબ્દ નો ઉલ્લેખ કરે છે.

હિતાર્થ: ઑકે દાદુ! હવે મને સમજાયું.

દાદા: હવે કોઇ પ્રશ્ન નથી ને? તો હું શાંતિથી ન્યૂઝ પેપર વાંચું.

હિતાર્થ: ( સહેજ વિચારીને) દાદા એક વાત પૂછું?

દાદા: હા પૂછ

હિતાર્થ: આ મારી મમ્મી આખો દિવસ ઘરકામ કરે છે, મને ભણાવે છે, બધા માટે જમવાનું બનાવે છે અને તમારું , દાદીનું ને પપ્પા નું ધ્યાન રાખે છે. પણ તેને ગમતું કામ તો કંઇ કરીજ નથી શકતી. મમ્મી ને ડ્રોઈંગ કરવું બહુ ગમે છે એ તો તે નથી કરી શકતી તો મમ્મી બંધનમાં ના કહેવાય??

દાદા: ( આ નાનકડા બાળક ના સવાલે તેમને હચમચાવી દીધા તેમને વાત સાચી લાગી પરંતુ સચોટ જવાબ ન હોવાને કારણે વાત ટાળતા હોય તેમ કીધું)
જો બેટા, ઘરકામ કરવું, ઘરના સભ્યો ની સંભાળ લેવી એતો સ્ત્રી ની ફરજ છે એટલે એને બંધન ના કહેવાય.

હિતાર્થ: પણ દાદા, મમ્મી તો આખો દિવસ દાદી કે એમજ કરે છે અને પપ્પા ઘરે આવે એટલે પપ્પા જેમ કે તેમ કરે છે મમ્મી તેની ઇચ્છા મુજબ નું કામ એટલે ડ્રોઈંગ ક્લાસ તો કરીજ નથી શકતી અને તમે જ તો કીધું કે કોઇ વ્યક્તિ કે તેમ કરવું પડે અને પોતાની ઇચ્છા મુજબ નું કામ ન કરી શકે તેને બંધન કહેવાય.

દાદા: હા બેટા, તારી વાત સાચી છે તારી મમ્મી થોડા અંશે બંધનમાં તો કહેવાય.

હિતાર્થ: તો પછી દાદા મમ્મી ને પણ બંધન માંથી મુક્તિ મળવી જોઈએ ને એને પણ આઝાદી મળવી જોઈએ ને? મમ્મી ને પણ તેની ઇચ્છા મુજબ નું કામ કરવા મળવું જોઈએ ને?

દાદા: સાચું કહ્યું તે હિતાર્થ તારી મમ્મી ને આઝાદી મળવી જોઈએ કે તે એના ફ્રી ટાઇમ માં તેને ગમતું કામ કરી શકે.

* * *

હિતાર્થ: મમ્મી... મમ્મી...

મમ્મી: શું ‌થયુ બેટા?

હિતાર્થ: મમ્મી હવે તને પણ આઝાદી મળશે... દાદા એ કીધું છે ( ખૂબ ખુશ થયો ને કહ્યું)

મમ્મી: શેની આઝાદી ? તું શેની વાત કરે છે? બેટા કંઇક સમજાય તેવું બોલ.

હિતાર્થ: તું હંમેશા અમારા બધા નું ધ્યાન રાખવામાં તારું મનગમતું કામ તારી ઇચ્છા મુજબ ક્યારેય નથી કરી શકતી એટલે દાદા એ કીધું છે કે હવે તને તારી ઇચ્છા મુજબ નું કામ કરવા , તારા ડ્રોઈંગ ક્લાસ માટે તને આઝાદી મળવી જોઈએ.

મમ્મી: સાચે...??

હિતાર્થે: હા મમ્મી...હા...સાચે ચલ તું મારી સાથે દાદા પાસે ચલ .( હાથ પકડી ને ખેંચી જાય છે)

* * *

હિતાર્થ: દાદા તમે જ હવે મમ્મી ને કહો કે એને તેના ડ્રોઈંગ ક્લાસ કરવા માટે આઝાદી છે.

દાદા: હા વહુ બેટા તમે તમારી ઇચ્છા મુજબ તમારા ફ્રી ટાઇમ માં તમારા ડ્રોઈંગ ક્લાસ કરી શકો છો તમને હવે એના માટે કોઇજાતનુ બંધન નથી.તમને પણ તમારું મનગમતું કામ કરવા આઝાદી મળવી જ જોઈએ. અમે પણ તમને કામમાં થોડી મદદ કરીશું જેથી તમને ડ્રોઈંગ ક્લાસ માટે પૂરતો સમય મળી રહે.

વહુ: ( સાસુ સસરા ને પગે લાગી ને)
Thank you so much મમ્મી- પપ્પા, મને ક્યારની ખૂબ જ ઇચ્છા હતી કે હું ડ્રોઈંગ ક્લાસ શરૂ કરું પણ તમને કહી નહોતી શકતી.આજે તમે મને ખરેખર ખૂબ મોટી સરપ્રાઈઝ આપી છે આજનો દિવસ મારા માટે ખરેખર આઝાદી નો દિવસ છે.

સસરા: હા બેટા દરેક ને પોતાની મરજીથી જીવવાનો હક છે. દરેક વ્યક્તિ તેના માટે સ્વતંત્ર છે . આજે હિતાર્થે મારી આંખો ખોલી દીધી.

વહુ: હા પપ્પા, તમે ઘરની કોઇ ચિંતા ના કરતા હું બધું જ ઘરકામ પતાવી ને પછી બપોરના સમયે જ ડ્રોઈંગ ક્લાસ કરીશ જેથી તમારા કે હિતાર્થ ના પપ્પા ના કામમાં કોઇ અડચણ ન આવે.

સાસુ-સસરા: ખરેખર વહુ બેટા તમે બહુ જ સંસ્કારી અને ગુણીયલ છો. અમને દુઃખ થાય છે કે અમે અત્યાર સુધી તમારી આઝાદી છીનવી લીધી હતી.પરંતુ આજે હિતાર્થે અમારી ખોખલી માનસિકતા ને સામાજિક બંધનો ની આડમાથી આઝાદી અપાવી અને અમે તમને તમારા કામ માટે આઝાદી આપી શક્યા. All thanks to our little champ .