Anamika - part 1 in Gujarati Fiction Stories by Bachubhai vyas books and stories PDF | અનામિકા - ભાગ ૧

Featured Books
Categories
Share

અનામિકા - ભાગ ૧

સુભાષ અને નીરજ બે યાર બાજુ બાજુમાં જ રહે. એકબીજાના મનની વાત જાણે અને જણાવે. યાર ખરા પરંતુ મળવાનું માત્ર રવિવારના રોજ. કેમકે સુભાષ એક સ્થાનિક બેંકમાં નોકરી કરે. જ્યારે નીરજ ચાલીસ કિલોમીટર દૂર મોટા શહેરમાં સરકારી ખાતામાં ફરજ નિભાવે અને રજાના દિવસોમાં જ ઘેર આવે. રવિવારે બંને મળે અને મહિનામાં એકાદ-બે વાર કંઈ ને કંઈ પ્રોગ્રામ બનાવે. ગાર્ડનમાં જવું, મોલમાં જવું, હોટલમાં ફેમેલી સાથે ડીનર માટે જવું અથવા સિનેમા જોવા જવું એ કાર્યક્રમ ફિક્સ કરે. બંને મિત્રો પરિણીત હોવાથી એકબીજાના ઘેર પણ ડીનરનો ખાસ પ્રોગ્રામ રાખે. સુભાષની પત્ની સુરભી શાંત સ્વભાવ ધરાવે અને સમજદાર પણ ખરી. એ જ રીતે નીરજની પત્ની જયશ્રીનું પણ ધીર ગંભીર વ્યક્તિત્વ. બંને જણા સમજદારીપૂર્વક પત્નીઓને હંમેશાં ખુશ રાખતા હોવાથી તેમના દાંપત્યજીવન પ્રસન્ન્તાથી ભરપુર. ના કોઈ રાવ, ના કોઈ ફરિયાદ.

એક રવિવારની સાંજે સુભાષને પિક્ચર જોવાનો મુડ થતા, “નીરજ. ચાલ યાર, આજ મુવી જોવા જઈએ. અનુપમ થીયેટરમાં હાફ ગર્લફ્રેન્ડ ચાલી રહ્યું છે.” સુભાષે પ્રસ્તાવ મૂકતા નીરજે કહ્યું, “નહી યાર. આજે ક્યાંય જવાનો મુડ નથી. કાલે રાતે આવવામાં લેટ થઇ ગયુ હતુ અને ઉપરથી ઘેર આવ્યો ત્યારે લાઈટ પણ નહતી એટલે ખાસ ઊંઘ આવી નથી. માથું ભારેખમ લાગે છે અને મુસાફરીનો થાક પણ લાગ્યો છે. આજ તો બસ આરામ કરવો છે. સોરી યાર તું એકલો જ જોઈ આવ. ફરી ક્યારેક સાથે જઈશું.”

“ઠીક છે તો હું જઈ રહ્યો છું.” કહીને સુભાષે સિનેમાહોલ તરફ જવા કદમ ઉપાડ્યા.

ઘરથી સિનેમાહોલનો પંદર મિનીટનો રસ્તો હોવાથી તે સાંજના સમયે ચાલીને જ સિનેમાહોલ પહોંચ્યો. પિક્ચર શરૂ થવાને વીસેક મિનીટની વાર હોવાથી એક દુકાન પર જઈ કોલ્ડ્રીંક પીધા બાદ તે ટીકીટ લેવા જઈ રહ્યો હતો ત્યાં જ તેની સામે એક ઓટો રિક્ષામાંથી ત્રણ યુવતીઓને ઉતરતા જોઈ. જે ત્રણેય લગભગ ચોવીસ-પચીસ વરસની લાગતી હતી. તેમાં બે યુવતીઓ સામાન્ય હોય તેવું લાગ્યું પરંતુ વચ્ચે જે હતી તેનો દેખાવ કંઇક અસામાન્ય લાગતો હતો. તે સુંદરતા નહી પણ અતિસુંદરતા ધરાવતી હતી. ગુલાબ જેવો ગુલાબી નમણાશભર્યો ચહેરો, સપ્રમાણ દેહલતા, રેશમ જેવા છૂટા કેશ અને જીન્સ-ટીશર્ટમાં સજ્જ આ અતિસુંદર યુવતી પર દ્રષ્ટિ પડતા જ તેની છબી સુભાષની આંખોમાં અંકિત થઇ ગઈ. તે તેને દિગ્મૂઢ દ્રષ્ટીએ તાકતો જ રહ્યો. ત્રણેય યુવતીઓ ટીકીટ લઇ સિનેમાહોલમાં પ્રવેશી અને સુભાષ પણ ટીકીટ લઇ તેઓની પાછળ સિનેમાહોલમાં પ્રવેશ્યો. પરંતુ આ ત્રણેય યુવતીઓને કોર્નર સીટ મળી અને પોતાને પાછળની હરોળમાં સીટ મળી હોવાથી, તેમની બાજુમાં બેસવાની તક ન મળી હોવાથી તે સહજભાવે નિરાશ થયો. પિક્ચર શરૂ થઇ ગયું હતું પરંતુ સુભાષ તો પેલી ખુબસુરત યુવતીના વિચારોમાં ખોવાયેલો હતો તેથી તેને ફિલ્મમાં કોઈ રસ નહતો. તે વારંવાર કાંડા ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. ઈન્ટરવલમાં લાઈટના અજવાસમાં યુવતીના નાજુક-નમણા ગુલાબી ચહેરાને નજદીકથી નિહાળવા સુભાષનું મન તલસી રહ્યું હતું. ઈન્ટરવલ પડતા જ ઓડીયન્સની લાઈટો ચાલુ થઇ ગઈ અને સુભાષે ચોર નજરે યુવતીને જોઈ લીધી. તે થીયેટરની બહાર કોલ્ડ્રીંક પીવા ગયો અને ઈન્ટરવલ પૂરું થતા ફરી પોતાની સીટ પર બેસી ફિલ્મ પૂરું થવાની રાહ જોવા લાગ્યો. તે ફિલ્મને સાઈડમાં રાખી બસ આ યુવતીના વિચારોમાં ખોવાઈ ગયો હતો. કોણ હશે આ રાજકુમારી જેવી યુવતી? ક્યાંથી આવી હશે? શું હશે એનું નામ? તેની એક દ્રષ્ટિ પણ મારા પર પડી જાય તો કોઇપણ ભોગે હું તેને મારી ફ્રેન્ડ બનાવવા ઉત્સુક છું. વિચારોના વમળમાં તે અટવાઈ રહ્યો હતો અને એકાદ-બે વાર તિરછી નજરે તેનું મુખારવિંદ પણ નજદીક જોઇને રોમ રોમમાં ખુશી અનુભવતો રહ્યો પરંતુ બધું જ વ્યર્થ. પેલી યુવતીની અજાણતામાં પણ તેના પર નજર ન પડવાથી બેચેન થઇ ગયો. ઘેર પહોંચ્યો ત્યારે નીરજ અને જયશ્રી તેના ઘેર આવેલા અને કોફી પી રહ્યા હતા.

“કેમ કેવું લાગ્યું પિક્ચર?” નીરજે પૂછ્યું.

“મને ખાસ મજા ન આવી. કંટાળો આવી રહ્યો હતો. માંડ પૂરું કર્યું.”

“સારું થયું હું ન આવ્યો.”

“હા... તું ન આવ્યો. એ જ સારું થયું.” સુભાષે અન્ય ભાવે જવાબ આપ્યો, જે નીરજ ન સમજી શક્યો! નીરજ અને જયશ્રી થોડીવાર બેસીને “ગુડ નાઈટ” કહી ઘેર જવા રવાના થયા.

જમ્યા પછી સુભાષ પથારીમાં પડખા ફરીને થાક્યો. અર્ધરાત્રિનો સમય થવા છતાં ઊંઘ ન આવવાથી એ યુવતીના વિચારોમાં ગરકાવ થઇ રહ્યો હતો. મનોમન પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા જેનો કોઈ જવાબ મળવો જ મુશ્કેલ હતો. કોણ હશે એ? ક્યાંથી આવી હશે? ફરીવાર નજરે ચઢશે કે નહિ? શું કદાપી તેની નજર મારા પર નહિ પડે? કોલેજ કરતી હશે કે જોબ કરતી હશે? શું નામ હશે? એક એક કાલ્પનિક પ્રશ્નોની હારમાળા તેના દિલથી દિમાગમાં સર્જાય રહી હતી. પોતે જ ઉઠાવેલા પ્રશ્નો ખુદને સતાવી રહ્યા હતા. શા માટે? એને ખુદને સમજાતું ન હતું. પોતાને આ અજાણી સુંદર યુવતી કેમ આટલી બધી ગમી રહી છે? જે થવું હોય તે થાય પરંતુ હું તેના સાથે પરિચય કરવા ખાતર તેને શોધવાના પ્રયત્નો કરીશ. જ્યા સુધી હું તેના સાથે જોડાઇશ નહિ ત્યાં સુધી મને રાત-દિન ચેન નહિ જ પડે. એ મારી આંખોથી સીધી દિલમાં પુરેપુરી ઉતરી ગઈ છે. આ શું હશે? ના... આ પ્રેમ નથી. મારી તેના પ્રત્યેની નિ:સ્વાર્થ લાગણી માત્ર છે કેમકે તેનો પ્રેમ કદાચ પામી શકું તો પણ તેને પ્રેમ કરીને મારી પ્રેમાળ પત્ની સાથે અન્યાય તો નહિ જ કરું. પત્ની જોડે વિશ્વાસઘાત મારાથી થાય જ નહિ. સુરભીને હું કદી પણ દુખી ન કરી શકું. એવું કરું તો ભગવાન પણ મને માફ ન કરે. મારે તો બસ, આ સુંદર યુવતીનો મૈત્રીસાથ માણવો છે. નિખાલસતા સાથે અને નિ:સ્વાર્થ ભાવે તેના સાથેની દોસ્તી કરવી છે. અરે મને તો તેનું નામ શું છે? એ પણ ખબર નથી. હું એને 'અનામિકા' નામ આપું છું. જ્યા સુધી તેનું ખરું નામ ન જાણું ત્યાં સુધી એ મારા માટે 'અનામિકા' જ રહેશે. જ્યા સુધી મારે તેના સાથે રીલેશન સ્થાપિત નહી થાય ત્યાં સુધી અંદરને અંદર રિબાયા કરીશ. આમ વિચારોમાં લીન અવસ્થામાં વહેલી સવારે તેને ઊંઘ આવવા લાગી. સવારે ઉઠીને સ્નાનાદી પ્રાત:કાર્ય પતાવી, ચા નાસ્તો કર્યા બાદ ડ્યુટી પર જવા તૈયાર થઇ રહેલો ત્યાં જ સુરભીએ પૂછ્યું, “તમારી તબિયત તો ઠીક છે ને? ગઈકાલે રાત્રે પણ સરખું જમ્યા નથી અને અત્યારે પણ તમે અપસેટ લાગો છો. કંઈ ટેન્શનમાં દેખાવ છો.”

“નહીં... નહીં સુરભી. એવું કંઈ નથી. રાત્રે ઊંઘ મોડી આવવાથી તને એવું લાગે છે.”

“મારાથી જાણ્યે અજાણ્યે કંઈ ભૂલ થઇ હોય તો...”

“તુ પોતે સમજદાર છે, તારે એવું કંઈ માનવાનું ન હોય. હમણાં બેંકમાં ઓડીટ હોવાથી અને ઘણું કામ પેન્ડીંગ હોવાથી મામુલી ટેન્શન. એવું તો ચાલ્યે રાખે. તું કંઈ ગલત વિચારતી નહીં. પ્લીઝ.” કહીને તે ડ્યુટી પર જવા રવાના થયો.

ઓફિસે પહોંચ્યા બાદ તેણે વિચાર્યું: આ શનિ-રવિની રજામાં નીરજને હકીકતથી વાકેફ કરીને અનામિકા પ્રત્યેની મારી લાગણીઓને વ્યક્ત કરી જ આપીશ. જેથી મનનો ભાવ કંઇક હળવો થશે અને તેનો પ્રતિભાવ પણ જાણવા મળશે. આ બાબતે અન્ય કોઈનો વિશ્વાસ કરાય નહીં અને કહેવાય પણ નહીં. હા ક્યારેક અનામિકા પ્રત્યેની મારી લાગણીઓને શાબ્દિક સ્વરૂપે ડાયરીમાં કંઇક લખતો રહીશ. જે ડાયરી પણ સુરભીના હાથમાં ન આવે તેવા સ્થાને છુપાવીશ. ડ્યુટી પર કામમાં વ્યસ્ત થતી સમયે અને અન્ય સ્ટાફ સાથે બેસતી વખતે તેને અનામિકા યાદ આવતી નહિ પરંતુ એકલો પડતા જ તેની નજર સમક્ષ જાણે તે પ્રગટ થઇ જતી ત્યારે તેને મનોમન હસવું આવી જતું. તેનો મુડ વારંવાર બદલાયા કરતો. ક્યારેક ખુશમિજાજ તો ક્યારેક ઉદાસ. તેને ઉદાસ જોઇને સુરભી વિચારતી કે આને શું થયું છે? પરંતુ તે કંઈ જણાવતી નહીં. એક સપ્તાહ આમ જ વીત્યું. રવિવારે નીરજ આવ્યો હોવાથી તેને મળ્યો અને રવિવારનો પ્રોગ્રામ શું રાખવો તે પૂછ્યું. નીરજે કહ્યું, “તું કહેતો હોય તો વિથ ફેમેલી હોટલમાં ડીનર લેવા જઈએ.”

“નહીં યાર. હમણાં નહીં. ફરી ક્યારેક વાત... આપણે સાંજે નિરાંત ગાર્ડનમાં બેસવા જઈશું. સાડા સાત વાગ્યા પછી, તે પહેલા મારે એકાદ કલાક માટે એક મિત્રને મળવા જવું છે.”

સુભાષનો જવાબ નીરજે માન્યો રાખ્યો અને બીજા રવિવારની સાંજે એકલો જ સિનેમાહોલ પહોંચ્યો. કદાચ આજે પણ અનામિકા પિક્ચર જોવા આવે તો અને ખરેખર એની ધારણા સાચી પડી. શો શરુ થવાના પાંચ મિનીટ પહેલા જ તે પેલી બંને યુવતીઓ સાથે આવી પહોંચી અને રિક્ષામાંથી ઉતરી સીધી ત્રણેય જણીઓ ટીકીટ બારીએ પહોંચી ગઈ. આજે તેને બ્લેક પેન્ટ અને રેડ ટી શર્ટ પહેર્યા હતા. ખૂબ જ સુંદર લાગી રહી હતી. રિક્ષામાંથી ઉતરીને ટીકીટ લેવા જતા પહેલા એની બાજુમાંથી જ પસાર થઇ ત્યારે તેણે નજદીકથી તેનું સૌંદર્ય માણ્યું. તેણે “માયા” સ્પ્રેનો કપડા પર છંટકાવ કર્યો હશે. ખૂબજ માદક ભીની ખુશ્બુ આવી રહી હતી. ગુલાબી હોઠ અને ગાલ પરના ખંજન થકી તે અપ્સરા જેવી લાગી રહી હતી. તે પિક્ચર હોલમાં પહોંચી ગઈ અને પોતે એક લાંબો નિસાસો નાખી લથડતા પગે ઘર તરફ જવા કદમ ઉપાડ્યા.

ક્રમશઃ