માણસ મજાના મળે તો ખુશીના ખજાના મળે
જે નિરાશાને કયારેય જોતા નથી,
તે કયારેય આશા ખોતા નથી,
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કયારેય કિસ્મત ઉપર રોતા નથી
જીવનમાં સ્મિત એ ખુશીના ખજાના માટેનું પહેલું પગથિયું છે.
ચાર્લી ચેપ્લીન...કહે છે કે......
મારું દુઃખ નું કારણ કદાચ કોઈનું હાસ્ય હોઇ શકે, પરંતુ મારું હાસ્ય કદાપિ કોઈના દુઃખ નું કારણ ના બની શકે.
મિત્રો, જો ત્રણ સેકન્ડ હસવાથી જો સારો ફોટો આવી શકતો હોય તો વિચારો કે હંમેશા હસવાથી જિંદગી કેવી સરસ બની જાય.
સ્મિત પછી આવે છે, સાથ - સહકાર અને રચનાત્મક અભિગમ - હકારાત્મકતા - સકારાત્મકતા..
"દુઃખના ઢગલામાંથી સુખને ચાળી લઈશું, સાથે રહીશું તો બધું સંભાળી લઈશું."
સ્મિત અને સાથ પછી આવે છે, સમજ.... આપણને અનુભવ છે કે સમજવા કરતાં સમજાવવું સહેલું છે. સાચું સમજવું કઠિન છે. કારણકે જીવનમાં આયુષ્ય ની તિજોરી ખાલી થવા આવે ત્યાં સુધી આપણી ઈચ્છાને તાળા મારી શકતા નથી. જો સહન શક્તિ વિકસિત કરો તો સમજશક્તિ જલ્દી આવશે.
સ્મિત, સાથ, સમજ પછી આવે છે સંબંધ. સુમધુર સંબંધો સદૈવ પ્રસન્નતા બક્ષે છે. એને માટે ની પૂર્વ શરત એ છે કે સાંધા અને વાંધા વચ્ચે જે અકબંધ રહે તેનું નામ જ સંબંધ. જીવનમાં અંધારાથી કદી ડરવું નહીં પરંતુ અંધારામાં રાખવા વાળા થી ચોક્કસ ડરવું.
સ્મિત, સાથ, સમજ, અને સંબંધ પછી આવે છે શક્તિ.......
શક્તિ, તાકાત અને ઊર્જા મેળવવા માટે શ્રદ્ધા, સાહસ અને સમર્પણ હોવું આવશ્યક છે. ભક્તિ થી શક્તિ નો સંચાર થાય છે. સંસ્કૃતિ નું જતન અને સંસ્કાર નું સિંચન કરવાથી સુખ અને સમૃદ્ધિ નું આગમન થાય છે.
મિત્રો, ભાગ્યની જેટલી વધારે ઉમ્મીદ કરશો તેટલા વધુ નિરાશ થશો. અને કર્મ ઉપર જેટલું જોર વધારે કરશો તો પરમેશ્વર ઉમ્મીદ કરતા વધારે પ્રદાન કરશે. જીવનયાત્રામાં જેટલી ચીજો વગર ચલાવી શકો અને હોય એને જતું કરવાનું સામર્થ્ય કેળવો તો જીવન સંતોષ થી સાર્થક થઈ જાય.
સહાનુભૂતિ ની સાથે સ્નેહ અને સંપત્તિ ની સાથે સમયનું દાન ખુશી અને આનંદ પ્રગટાવશે.
માણસ મજાના થઈ જશે જો ઉપરોક્ત પંચામૃત ને જીવનમાં અપનાવશો. ખુશીના ખજાના આપણાં સૌથી દૂર નથી, બસ રોજબરોજ સ્મિત, સાથ, સમજ,
સંબંધ અને શક્તિ નો ભીતરમાં સદાય વાસ રહે તો. સૌને શુભેચ્છા અને શુભકામના..
જિંદગીનું બીજું નામ જિંદાદિલી
જીંદગી માનવ માટે પ્રભુએ અર્પણ કરેલું ખૂબસૂરત નજરાણું છે. જે આપની સાથે સદ વ્યવહાર કરે છે તેનો સદૈવ આભાર માનવાનું ભૂલશો નહી, અને જે દુર્વ્યવહાર આપની સાથે કરે છે તેને હસીને મનમાંથી ભુલાવી દો. સકારાત્મકતા.. સમજણ , હકારાત્મકતા.. હળવાશ અને રચનાત્મકતા.. રાજીપો માનવ જીવન યાત્રાને અર્પણ કરે છે. જ્યારે નકારાત્મકતા થી નિરાશા, હતાશા અને નિષ્ફળતા હંમેશા પ્રાપ્ત થાય છે. જિંદગીમાં વિચારવલોણું માનવમન મા સતત ઘૂમરાયા કરે છે. માટે જેની જોડે જે હોય તે જ તે વહેંચતો હોય છે. સુખી... સુખ, દુઃખી... દુઃખ, જ્ઞાની... જ્ઞાન, ભ્રમિત... ભ્રમ અને ભયભીત હોય તે ભય વહેંચતો હોય છે. મજબૂત માનસિકતા મન ને ખોલવાની અને ખીલવાની સ્વતંત્રતા આપે છે. જ્યારે સ્વીકાર ભાવ જીવનમાં સફળતાના સોપાન સર કરાવે છે.
"સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ,
આટલું માનવી કરે કબૂલ તો,
દરરોજ દિલમાં ઉગે ખુશીના ફૂલ"
જિંદાદિલ માનવ ઉદારતા તથા જતું કરવાની વૃત્તિ અને ક્ષમા પ્રદાન કરવાને પોતાનું અમૂલ્ય આભૂષણ માને છે. જીંદગી એક બંદગી છે. દુઃખનું તાળું ખોલવાની ની સુખની ચાવી આપણાં પોતાની પાસે જ છે. જો આંખમાં રાખશો અમી, તો ચોક્કસ દુનિયાને જશો ગમી.
મિત્રો, યાદ રાખો કે આજનું સુખ એ ગઈ કાલ નું પુણ્ય છે. અને આજનું પુણ્ય એ આવતીકાલ ના સુખ નું આરક્ષણ છે. સૌ પ્રથમ સવારમાં ઉઠો તો પ્રભુનો આભાર માનો કે તે આજે નવજીવન આપ્યું. આખો દિવસ સક્રિય અને સત્કાર્યસહ પસાર થાય તેવા કાર્યશીલ રહો. અને ગઈકાલ નો દિવસ ભલે "ગમેતેવો" ગયો હોય પણ આજનો દિવસ આપને "ગમે" તેવો જાય તેવી પ્રભુ પ્રાર્થના કરો. સંતોષને સાથી બનાવો.
"મળ્યું એ માણવાની પણ મજા છે." કોઈપણ અંત એ અનંત નથી, પરંતુ ત્યાંથી નવી એક શરૂઆત છે તેમ માનવું.
શિક્ષક અને સડક બન્ને જીવન ને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. બન્ને પોતે ત્યાં ના ત્યાં જ રહે છે, પણ બીજા અનેક ને મંઝિલ સુધી પહોચાડે છે. મધુર વાણી, સદવર્તન અને સદવ્યવહાર જિંદગી ને સાચા અર્થમાં જિંદાદિલ બનાવે છે.
જીંદગી માં સફળ થવા માટે નિરામય આરોગ્ય આવશ્યક છે. નિયમિત સાધના અને પ્રાર્થના માનવીને સક્રિય અને એકાગ્રતા આપે છે. જ્ઞાન અને શિક્ષા વિકાસના દ્વાર ખોલે છે. દરિદ્રનારાયણ ની સેવા અને કર્તવ્યપરાયણતા માનવીને માનવતા ના માર્ગદર્શક બનાવે છે.
"સકારાત્મક વિચારક ને કોઈ ઝેર મારી શકતું નથી, અને
નકારાત્મક વિચારક ને કોઈ દવા બચાવી શકતી નથી."
આપ સૌ પાણી જેવા બનો, કે જે તેનો રસ્તો પોતે જ શોધી લે છે,
પથ્થર જેવા કદી ના બનશો કે જે બીજા નો રસ્તો પણ રોકી લે છે.
મિત્રો, જિંદાદિલી સદાય આપની ભીતર મા રહે અને જીવન એક જંગ નહી પણ જલસો બની જાય તેવી શુભેચ્છા અને શુભકામના.
ખજાનો છેં મજાનો.
આશિષ શાહ
9825219458