અઠ્યોતેર
“બેનબા...” પોતાના મોબાઈલ સ્ક્રિન સામે જોતાંની સાથેજ વરુણ સ્થિર થઇ ગયો અને આપોઆપ બોલી પડ્યો.
વરુણ, સોનલબા અને કૃણાલ કિશનરાજને મળીને અમદાવાદ શહેરના પોલીસ મુખ્યમથકના મુખ્ય દરવાજાની બહાર આવ્યા જ હતા કે વરુણના મોબાઈલની રીંગ વાગી અને વરુણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોયું તો તેની નજર સામે SVB ઝબકી રહ્યું હતું અને વરુણ તેને જોતાંની સાથેજ જ્યાં ઉભો હતો ત્યાંજ સ્થિર થઇ ગયો.
“શું થયું ભઈલા?” વરુણના અચાનક ઉભા રહી જવાથી બે ડગલાં આગળ ચાલી ગયેલા સોનલબા વરુણ પાસે આવીને બોલ્યાં.
“કોલ છે... એમનો!” વરુણ એકીટશે પોતાના મોબાઈલ સ્ક્રિન તરફ જોઈ રહ્યો હતો.
“તો રિસીવ કર? એમાં આટલો ગભરાય છે શા માટે?” કૃણાલે રીતસર હુકમ કર્યો.
કૃણાલ સામે જોયા બાદ વરુણે સોનલબા સામે જોયું અને સોનલબાએ પણ હકારમાં પોતાનું ડોકું હલાવ્યું એટલે વરુણે સ્ક્રિન પરનું લીલું બટન ઉપરની તરફ ધકેલ્યું અને કોલ રીસીવ કર્યો.
“હ...હલ્લો! હા... હમમ... ઠીક છે... સમજી ગયો... ઓકે... હમમ... હમમ... કેટલા વાગ્યે? પણ હું બેનબાને મારી સાથે લઇ આવીશ. ઓકે, ડન. મને એમનું અડ્રેસ મોકલશો? ઠીક છે. હા. શ્યોર. હમમ... બાય!” વરુણ ટુકડેટુકડે બસ આટલું બોલ્યો.
વરુણ જ્યારે આમ બોલી રહ્યો હતો ત્યારે સોનલબા અને કૃણાલની આંખો વરુણ પર સ્થિર થઇ ગઈ હતી. એ બંનેના ચહેરા પર સુંદરીનો કૉલ પૂરો થયા બાદ વરુણ તેમને શું સમાચાર આપશે તે જાણવાની ઇન્તેજારી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
“શું થયું? ક્યાં જવાનું છે?” જેવો વરુણે કૉલ કટ કર્યો એટલે કૃણાલથી ન રહેવાયું.
“કાલે મને અરુણામે’મને ઘરે બપોરે સાડાત્રણ વાગ્યે ચ્હા પીવા બોલાવ્યો છે.” વરુણે છેવટે એ બંનેની ઇન્તેજારીનો અંત આણ્યો.
“પણ એમ કેમ તને મળવા બોલાવ્યો અચાનક જ? એ પણ અરુણામેડમના ઘરે? કોઈ લોચો તો નહીં હોયને?” કૃણાલે શંકા વ્યક્ત કરી.
“એમાં લોચો શેનો હોવાનો? એ ત્યાં કોઈ ગુંડાઓને થોડા બોલાવી રાખવાના હશે? શું તમે પણ કૃણાલભાઈ?” સોનલબાએ કૃણાલ સામે જોઇને છાશિયું કર્યું.
“ના લોચો એટલે, આમ કાલે આ બધું થયું પછી હાલપૂરતું તો આ બંને વચ્ચે કશુંજ આગળ નહીં વધે એવું લાગતું હતું કારણકે મેડમ બહુ ગુસ્સામાં ત્યાંથી નીકળ્યા હતા એમ વરુણે જ કહ્યું. તો હવે અચાનક જ આમ મળવા શું કરવા બોલાયા હશે?” કૃણાલની શંકા તેના મનનો કબ્જો છોડવા માંગતો ન હતો.
“એ તો કાલે ભઈલો એમને મળશે ત્યારેજ ખબર પડશેને? અત્યારથી જ આપણે બધું વિચારી રાખીશું તો ક્યાંથી ચાલશે?” સોનલબાએ કૃણાલને સમજાવવાની કોશિશ કરી.
“તમારે પણ મારી સાથે આવવાનું છે. મેં એમને કહી દીધું છે અને એમણે હા પણ પાડી છે.” વરુણે સોનલબાની સામે જોઇને કહ્યું.
“એમાં મને કહેવાનું ન હોય ભઈલા. હું છું જ તારી સાથે. હું જરૂર આવીશ.” સોનલબાએ વરુણનો હાથ દબાવીને કહ્યું.
“તો એક કામ કરો કાલે સવારથીજ તમે મારે ઘરે આવી જાવ. આપણે સાથે જમીશું અને પછી બે વાગ્યે નીકળીશું કૃણાલની કારમાં એમને ઘરે. શેલામાં રહે છે અરુણા મેડમ. હમણાં એ એમનું અડ્રેસ મોકલે છે.” વરુણે કહ્યું.
“હા, આપણે મારી કારમાં જ જઈશું.” કૃણાલ ઉત્સાહમાં આવીને બોલ્યો.
“ઓ ભાઈ, તારે નથી આવવાનું, ખાલી તારી કારની જ જરૂર છે મારે.” વરુણે કૃણાલને ટોક્યો.
“હું અંદર નહીં આવું બે. બહાર કારમાં જ બેઠો રહીશ. પ્રોમિસ.” કૃણાલે રીતસર આજીજી કરી.
“ઠીક છે. ચાલો અત્યારે તો બેનબાને ઘરે મુકતા આવીએ? પછી કાલનું પ્લાનિંગ કાલે કરીએ.” વરુણે કૃણાલને યાદ અપાવ્યું.
ત્રણેય પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા ત્યાંજ વરુણના મોબાઈલ પર બીપનો અવાજ આવ્યો.
“લ્યો આવી ગયું અડ્રેસ. લોકેશન પણ મોકલ્યું છે.” વરુણે મોબાઈલ તરફ જોતાં કહ્યું.
“મારી ભાભીનું કામ પરફેક્ટ છે હોં ભઈલા!” સોનલબા હસતાં હસતાં બોલ્યાં.
“ભાભી?” વરુણ અને કૃણાલ બંને એકસાથે બોલી પડ્યા.
“હા, તમને બંનેને યાદ છે, કોલેજના ફર્સ્ટ યરમાં એક દિવસ જ્યારે મેડમ બાબતે ભઈલા તારી અને કૃણાલભાઈ વચ્ચે ડિસ્પ્યુટ થયો હતો અને મેં તમને બંનેને મળવા બોલાવ્યા હતા? ત્યારે મેં કોલેજની કેન્ટીનની બહાર જ કહ્યું હતું કે મેડમ મારી ભાભી જરૂર બનશે? ગઈકાલે જે થયું તે પછી પણ હમણાં આમ અચાનક જ જે રીતે એમનો મેસેજ આવ્યો... મને હવે પાક્કે પાયે ખાતરી થઇ ગઈ છે કે એ જ મારા ભાભી બનશે!” સોનલબાનો ચહેરો હસી રહ્યો હતો.
“પણ એમ મેડમ આટલી બધી વાતોને થોડાં ભૂલીજ જવાના છે? ભલે વરુણ ખોટો નથી પણ એને લીધે એમને ખૂબ તકલીફ પડી છે બેનબા! આપણે એ ભૂલવું ન જોઈએ.” કૃણાલે ફરીથી શંકા વ્યક્ત કરી.
“કશુંજ નહીં થાય. હવે જે થશે એ બધું સારું જ થશે. અને કૃણાલભાઈ હવે નો મોર મેડમ. એમને યા તો તમે ભાભી કહેશો અથવાતો સુંદરીભાભી કહીને જ બોલાવશો, નહીં તો હું તમારી સાથે નહીં બોલું.” સોનલબાએ ખોટેખોટું પોતાનું મોઢું બગાડીને કહ્યું.
“ઠીક છે! મારું આજના દિવસનું આ બીજું પ્રોમિસ! કે ખાનગીમાં હું એમને ભાભી કહીનેજ બોલાવીશ બસ?” કૃણાલે પણ હસીને જવાબ આપ્યો.
ત્રણેયના ચહેરા પર હાસ્ય આવી ગયું. વરુણને અચાનક જ બધું સારું સારું લાગવા લાગ્યું. સોનલબાના આત્મવિશ્વાસે વરુણને પણ નવી હકારાત્મક ઉર્જા અપાવી દીધી અને તે આવતીકાલની સુંદરી સાથેની મીટીંગ માટે ઉત્સાહિત થઇ ગયો અને ક્યારે દિવસ બદલાય તેની અત્યારથી જ એટલેકે સાંજથી જ આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો.
==::==
“મારી બે ચા અને એક મસ્કાબન પ્લીઝ!” શ્યામલની ચ્હાની દુકાને પહોંચવાની સાથેજ ઈશાની બોલી.
જવાબમાં શ્યામલે હસીને હકારમાં ડોકું હલાવ્યું અને તેને સામે પડેલા મુંઢા પર બેસવાનો ઈશારો કર્યો. શ્યામલ ઇશાનીને ઓળખી ગયો હતો.
“હું અહીં ઉભી રહું તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથીને?” ઈશાની શ્યામલ જ્યાં ચ્હા બનાવી રહ્યો હતો એ તરફ આવીને ઉભી રહી.
શ્યામલે ફરીથી હસીને ડોકું હલાવ્યું પણ આ વખતે નકારમાં.
“મારે છે ને તમારી ચાની રેસીપી લખી લેવી છે. કાલથી જ્યારથી તમારી ચા પીને ગઈ છું, સ્વાદ જીભ પરથી જતો જ નથી. મારે ઘરે પણ આવી જ ચા બનાવીને મમ્મી-પપ્પા અને ભાઈને ઈમ્પ્રેસ કરી દેવા છે.” ઈશાની પટપટ બોલી રહી હતી.
ફરીથી શ્યામલે ફક્ત સ્મિત કર્યું અને ચ્હા બનાવવાનું ચાલુ રાખ્યું.
“આપશોને મને રેસીપી?” ઈશાનીએ પૂછ્યું.
શ્યામલ કશું બોલ્યો નહીં ફક્ત હસ્યો.
“તમે યાર, કશું બોલતા નથી! બહુ ઓછું બોલતા લાગો છો હેં ને? મને તો બહુ બોલવા જોઈએ, સામે વાળો બોર થઇ જાય એટલું બધું હું બોલું. મારો ભાઈ મને એટલેજ કાગડી કહીને બોલાવે છે.” ઈશાની આટલું કહીને હસી પડી.
શ્યામલની પ્રતિક્રિયામાં કોઈજ ફેર ન પડ્યો.
“અરે! કશું તો બોલો? કાલે તો કેટલું બધું બોલતા હતા. તમારી ચાની સહુથી મોટી ફેન અહીં ઉભી છે અને તમે... એટલીસ્ટ મને રેસીપી આપશો કે નહીં એ તો કહો?” ઈશાનીએ શ્યામલ સામે વિનંતીભર્યા હાથ જોડ્યા.
“રેસીપી? આની શું રેસીપી હોય? એટલે ચ્હાની... બસ ચ્હા, ખાંડ, આદુ અને દૂધ બધું સરખી રીતે પડે એટલે ચ્હા સારી જ થાય. હા, પછી તમને જો ચ્હાના મસાલાની આદત હોય તો એનું પણ ધ્યાન રાખવાનું.” શ્યામલે એને ફાવ્યો એવો જવાબ આપ્યો.
“યુ મીન ટુ સે કે તમારી કોઈ પરફેક્ટ રેસીપી નથી? તો પણ તમે આટલી સરસ ચા બનાવો છો? વાઉ! જબરું કહેવાય. લ્યો! હું તો મારા ઘરના લોકોને ઈમ્પ્રેસ કરવા માટે તમારી પાસે ચ્હાની રેસીપી શીખવા આવી હતી અને તમે તો.” ઈશાનીએ આટલું બોલ્યા પછી હળવેકથી પોતાનું કપાળ કૂટ્યું.
શ્યામલે ફરીથી માત્ર સ્મિત આપીને ઇશાનીને પ્રતિભાવ આપ્યો.
“તો હું અહીં ઉભી રહીને તમે કેમ ચ્હા બનાવો છો એના પર થોડો ટાઈમ ધ્યાન આપું તો વાંધો નથીને તમને?” ઈશાની હજી પણ શ્યામલને છોડવા માંગતી ન હતી.
શ્યામલે હસીને હા પાડી.
==::==
“આવી ગયા સમર્થ બંગ્લોઝ. હવે શું કરું અંદર લઉં કાર કે તમે અહીંથી વોક કરીને અરુણામેડમના ઘર સુધી જશો?” કૃણાલે કાર રોકતાં પૂછ્યું.
“વોક કરીને જવાનો વાંધો નથી પણ ભઈલાને કોઈ ઓળખી જશે તો? વળી ભીડ ભેગી થઇ જશે.” સોનલબાએ શંકા વ્યક્ત કરી.
“પોશ સોસાયટી છે બેનબા, જુઓ સુનકાર છે બધે. અને આવી ગરમીમાં બપોરે સાડાત્રણ વાગ્યે એસીની ઠંડી છોડીને કોણ ઘરની બહાર નીકળશે?” કૃણાલે સોનલબાની શંકાનું સમાધાન કરતાં કહ્યું.
“અત્યારે તો સાડાત્રણ વાગી ગયા છે, પણ જ્યારે આપણે બહાર નીકળીશું ત્યારે?” વરુણે પ્રશ્ન પૂછ્યો.
“ત્યારે મને કૉલ કરી લેજે? હું આવી જઈશ એમના ઘર સુધી.” કૃણાલે આઈડિયા આપ્યો.
“હા એ જ બરોબર રહેશે.” સોનલબાએ કૃણાલના આઈડિયાને વધાવી લીધો.
“તો ચાલો, શરુ કરીએ પદયાત્રા.” કહીને વરુણે પોતાની તરફનો દરવાજો ખોલ્યો અને કારની બહાર નીકળી ગયો.
સોનલબા પણ પાછળની સીટમાંથી કારની બહાર આવ્યાં . બંનેએ પોતપોતાના દરવાજાઓ બંધ કર્યા અને સમર્થ બંગ્લોઝના દરવાજા તરફ ચાલવા લાગ્યા. દરવાજે પહોંચતાની સાથેજ સિક્યોરીટી ગાર્ડે તેમને રોક્યા. અરુણાબેને અગાઉથી જ એમને ત્યાં મહેમાનો આવવાના છે એ માહિતી આપી દીધી હોવાથી તેણે ખાસ પૂછપરછ ન કરી. કદાચ ક્રિકેટનો શોખ ન હોવાને લીધે ગાર્ડ વરુણને ઓળખી શક્યો નહીં જે વરુણ માટે મોટી રાહત બની ગઈ. વરુણે પોતાની માહિતી રજીસ્ટરમાં લખી અને બંને મુખ્ય દરવાજામાંથી અંદર જતાં રહ્યાં.
સુંદરીએ મોકલેલા મેસેજ અનુસાર અરુણાબેનના બંગલાનો નંબર ૬૦ હતો જે શોધવામાં આ બંનેને કોઈ ખાસ તકલીફ ન પડી કારણકે દસ-દસ બંગલાઓની એક રો હતી આથી છઠ્ઠી રોમાં છેલ્લું મકાન જ એમનું હશે એ વરુણ અને સોનલબા સરળતાથી સમજી ગયા અને એ રીતે એમણે તરતજ અરુણાબેનનું ઘર શોધી લીધું.
સાઈઠ નંબરનો બંગલો જેમ જેમ નજીક આવી રહ્યો હતો તેમ તેમ વરુણના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા. અમદાવાદની બપોરી ગરમીમાં તમામ ઘર અંદરથી સજ્જડ બંધ હોવાથી વરુણ આરામથી ચાલી શકતો હતો. જેવો સાઈઠ નંબરનો બંગલો આવ્યો કે વરુણે તેનો વિશાળ દરવાજો ખોલ્યો અને એ અને સોનલબા અંદર દાખલ થયા. વરુણે દરવાજો અંદર આવીને ફરીથી બંધ કર્યો.
દરવાજો ખુલવાનો અવાજ સાંભળીને બંગલાનું મુખ્ય બારણું ખુલી રહ્યું હોય એવા અવાજ આવતાની સાથેજ વરૂણનું હ્રદય એના ગળામાં આવી ગયું.
==:: પ્રકરણ ૭૮ સમાપ્ત ::==