ASTIK THE WARRIOR - 13 in Gujarati Mythological Stories by Dakshesh Inamdar books and stories PDF | આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-13

Featured Books
Categories
Share

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-13

"આસ્તિક"
અધ્યાય-13
ખૂબ દુઃખની લાગણી સાથે પાતાળલોકથી જરાત્કારુ રાજકુમારી પોતાનો લોક અને પિયર છોડીને પવનહંસમાં બેઠાં એમની આંખમાંથી આંસુ સરી રહ્યાં. મહર્ષિ જરાત્કારુને પણ પૂરો ખ્યાલ હતો કે આ વસમી વિદાયની વેળાં રાજકુમારી માટે ઘણી કપરી છે. પણ કોઇને કોઇ દિવસ આ પળ આવવાનીજ હતી. આ પળનો સામનો ક્યારેક તો કરવાનોજ હતો. સાથે ભાઇ વાસુકી સાથેજ હતો જે બહેનને છેક આશ્રમ સુધી વિદાય આપવા આવ્યો હતાં. એની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હતી જે અટકવાનું નામ નહોતી લઇ રહી.
જોત જોતામાં તેઓ પાતાળ લોક છોડીને એમનાં આશ્રમે આવી ગયાં. સુંદર શીતળ પવિત્ર ગંગા કિનારો અને એમાં ફળફળાદી અને અન્ય વૃક્ષોની વચ્ચે બનાવેલો સાદો છતાં સુંદર સુઘડ આશ્રમ. પવનહંસ અહીં આવીને ઉતર્યો.
આશ્રમની આસપાસ નીતનવા પક્ષીઓ વિચરી રહેલાં મોર, પોપટ, મેના, બુલબુલ કોયલ શોભા વધારી રહેલાં અને મૃગ, સસલાં જેવાં નિર્દોષ પ્રાણીઓ જાણે એમની રાહ જોઇ રહેલાં આશ્રમ નીકટ આવેલાં સુંદર મીઠાં જળનાં સરોવરમાં સફેદ અને કાળા હંસ પણ હાજરી પુરાવી રહેલાં.
જરાત્કારુ બેલડી આશ્રમને જોઇને ખૂબ આનંદ પામી જરાત્કારુ રાજકુમારીએ ભાઇ વાસુકીને કહ્યું ખૂબ સુંદર રચના કરી છે આશ્રમની... અહીનું વાતાવરણ જાણે સાક્ષાત સ્વર્ગ ભાસે છે ખૂબજ ગમ્યુ મને પાતાળ લોક છોડ્યાનું અડધુ દુઃખ મારું વિસરાઇ ગયું. મારાં દિકરાં આસ્તિક માટે પણ આ ઉત્તમ સ્થાન છે. અહીં ચારો તરફ ભગવાન પંચતત્વની સુંદર સૃષ્ટિ છે અહીં એનો ઉછેર ત્થા ભગવત સ્મરણ ફેરવા માટે પણ આનંદ આવશે.
સુમધુર મીઠાં ફળો આકર્ષક સુગંધીત પુષ્પોથી લચી રહેલાં ક્ષૃપ, વૃક્ષ અને વેલીઓ મારું મન મોહી રહ્યાં છે. અહીં શાંતિ સાથે સુંદરતાનો અનોખો સંગમ છે. મને આ ભૂમિ આ સ્થળ ખૂબજ પસંદ આવ્યાં છે.
મહર્ષિ જરાત્કારુએ આનંદીત થતાં કહ્યું. "સખી અહી સાચેજ સ્વર્ગીય માહોલ છે આવાં વાતાવરણમાં તમને અને દીકરા આસ્તીકને ખૂબ આનંદ થશે. ભાઇ વાસુકી તમને ઘણાં ઘન્યવાદ છે સુખી રહો....
સાંભળીને વાસુકીનાગ પણ ખૂબ આનંદીત થયો અને એણે સાથે લાવેલ ભેટ - સોગાદ, સામગ્રી અને બહુમૂલ્ય રત્નો બધાં આશ્રમમાં રાજકુમારી જરાત્કારુની ઇચ્છા અને આજ્ઞાથી મૂક્યાં.
મહર્ષિ જરાત્કારુએ કહ્યું વાસુકી તમે આટલી બધી સામગ્રી અને બહુમૂલ્ય રત્નો શા માટે લાવ્યા ? અહીં એનો શું ખપ છે ? અહીં આશ્રમમાં અને સાદાઇથી રહેવાનાં છીએ.
વાસુકી નાગે કહ્યું ભગવન આ બધીજ સામગ્રી અને બહુમૂલ્ય રત્નો, શસ્ત્રો વિગેરે મારાં લાડકા ભાણા માટે છે તે જેમ જેમ મોટો થશે એને ખપ પડશે. તમે પણ એનાં માટે સર્વ પ્રાપ્ત કરાવવા શક્તિમાન છો પણ આ અમારાં તરફથી સાવ નજીવી એવી ભેટ છે અન્ય તહેવાર પ્રસંગે અમે આસ્તિક માટે બધુ વધારે પ્રાપ્ય કરીશું આનો સ્વીકાર કરી અમને ધન્ય કરો.
મહર્ષિ જરાત્કારુએ સંમતિસૂચક રીતે ઇશારાથી એનો સ્વીકાર કરી આભાર માન્યો. આ પછી વાસુકીનાગે એમનાં આશીર્વાદ લઇને ત્યાંથી વિદાય લીધી અને કહ્યું આપ લોકોની સેવામાં હું સદાય તત્પર છું જ્યારે પણ જરૂર પડે મને આદેશ કરી બોલાવશો હું હાજર થઇ જઇશ અને દરેક માસનાં સુદ અને વદની આઠમે હું મારાં ભાણેજને જોવા મળવા નિયમિત આવતો રહીશ.
રાજકુમારી જરાત્કારુ વાસુકીનાગનાં આવાં વચનથી ખૂબ આનંદીત થયાં. અને બોલી તમારો જયજયકાર થાવ અને ખૂબ સુખ આનંદમાં રહો. તમારાં આસ્તિકને મળવા દર આઠમે જરૂર આવજો.
આમ મળવાના વચન આપીને વાસુકી નાગે આશ્રમથી વિદાય લીધી અને વિદાય પહેલાં આસ્તિકને હાથમાં લઇને ખૂબ રમાડ્યો એને વ્હાલથી નવરાવી દીધો અને રાજકુમારી જરાત્કારુએ પાછાં આવતાં આંખો ભરાઇ આવી અને ઝડપથી પાછો આવશે કહીને પવનહંસમાં બેસીને પાતાળલોક જવા નીકળી ગયો.
ભગવાન જરાત્કારુ અને રાજકુમારી જરાત્કારુ જતાં વાસુકીને હાથમાં આસ્તિકને રાખી જોઇ રહ્યાં.
આશ્રમમાં નિવાસ કર્યા પછી જરાત્કારુ બેલડીનું જીવન ધીમે ધીમે નિયમિત થવા લાગ્યુ. આસ્તિક પણ જેમ દિવસ વીતે મોટો થતો જતો હતો. આખો વખત માઁ જરાત્કારુ આસ્તિકનો ઉછેર અને એને લાડ અને વ્હાલે કરવામાં વિતાવી રહેલાં.
મહર્ષિ જરાત્કારુ નિયમિત એમનાં રોજીદા નિત્યક્રમ અને ધ્યાન-સંધ્યા અને તપથી પરવારીને આસ્તિકને જુદી જુદી કથાઓ શ્રવણ કરાવી રહેલા. આસ્તિક પણ એમને એક ધ્યાને સાંભળતો એમની સામે ને સામે જોઇ રહેતો જાણે બધુ સમજતો હોય.
માં જરાત્કારુ વ્હાલથી એને તેડી લેતાં અને ખૂબજ પ્રેમ કરતાં ચૂમીઓથી નવરાવીને એને આશીર્વાદ આપતાં આસ્તિક પણ હવે, ધૂંટણીએ ચાલતો ચાલતો આગળ વધી રહેલો હવે એ પોતાનાં પગ પર ઉભો રહીને ધીમે ધીમે ઠુમક ઠુમક ચાલતો થઇ ગયો હતો.
માં જરાત્કારુએ એનાં પગમાં ઝાંઝર, કેડે કંન્દોરો હાથમાં કલ્લીઓ ગળામાં હીરાનો હાર, કાનમાં તેજવી બહુમૂલ્ય કુંડળ અને માથે મુગટ પહેરાવતા જાણે સાક્ષાત વિષ્ણુનું બાળ સ્વરૃપ લાગતો.
એને અનિમેષ નયને જોયાં કરીને માં બાપ ખૂબજ હર્ષ પામતાં અને આશીર્વાદથી નીધાવર કરતાં.
હવે આસ્તિક બોલતાં પણ શીખી રહેલો હવે એ માઁ, બાબા, ગૌઆ, મોર, પોપટ, બધાં શબ્દો નરમ બોલી રહેલો. મહર્ષિ એને કથા શ્રવણ કરાવતાં ત્યારે એ કથાનાં પાત્રોનાં નામ પણ કાલી ભાષામાં બોલતો.
શ્રાવણ સુદ આઠમ આવી અને મામા વાસુકી વચન પ્રમાણે આવ્યા. તેઓ નિયમિત દર આઠમે જરૂર આવતા અને ભત્રીજા આસ્તિકનો વિકાસ અને ઉછેર જોઇને ખૂબ આનંદીત થતાં. એમની સાથે અનેક ભેટ લાવતાં.
આજે વાસુકીનાગ અમૂલ્ય ભેટ લાવેલાં એમણે આસ્તિકને આશ્રમમાં પ્રવેશતાંજ બૂમ પાડી આસ્તિક અને આજે સામે સુર પરોવાયો. આસ્તિકે કહ્યું મામા... મામા શબ્દ સાંભળ્યા જ વાસુકી નાગને હર્ષાશ્રુ આવી ગયાં એણે કહ્યું હું ધન્ય થઇ ગયો.
આજે આસ્તિકને કાલી કાલી ભાષામાં મામા શબ્દનું ઉચ્ચારણ કર્યું અને વાસુકી ખુશ થઇ ગયાં એમણે આસ્તિકને ઊંચકીજ લીધો અને બોલ્યાં વાહ આસ્તિક તેં મને આજે ખૂબ ખુશ કરી દીધો. તારાં નાજુક મીઠાં અવાજે મારાં હૃદયમાં લાખો ખુશીયો ભરી દીધી દીકરા આયુષ્માન અને પ્રરાક્રમી બનો તમને જીવનમાં ખૂબ જ્ઞાન, સુખ, આનંદ મળે બધે જ વિજયી બનીને મહાપરાક્રમી રામ બનો.
વાસુકીનાગ સાથે ઘણી ભેટ લાવેલાં એમાંથી એક ભેટ આસ્તિકે પોતેજ ઉઠાવી લીધી અને હાથમાં લઇને એ એને રમવા પ્રયત્ન કરવા લાગ્યો.
માં જરાત્કારુએ કહ્યું "સાચવીને દીકરા-જોજે તને લાગી ન જાય ત્યાં આસ્તિકે કાલી ભાષામાં કહ્યું માં મારાં માટે આજ સાચો ખેલ છે. મામાએ ખૂબજ સુંદર કામ કર્યુ મારાં માટે માં મને આ તીરધનુષ્ય ચલાવતા આવડે છે જો માઁ એમ કહીને જોત જોતામં તીર હાથમાં લઇને ધનુષ્ય પર ગોઠવી પણછ પકડીને ખેંચી અને છોડી તીર સીધુજ મોટાં વૃક્ષની છેક ઉપલી ડાળી પર જઇને લાગ્યુ ત્યાં બેઠેલાં પક્ષીને વિધ્યુ નહીં પણ ત્યાંથી ઉડાવી મૂક્યું.
માઁ જરાત્કારુ તો જોતાંજ કહ્યું દિકરા તીરકામઠાં તો અહીં જંગલમાં રહેવાસોનું રોજીંદ શાસ્ત્ર સાધન છે એનાંથી તેઓ શિકાર કરે પણ તારાથી કોઇ નિર્દોષ જીવની હિંસા ના થાય એ ધ્યાન રાખવાનું.
નાનકડાં આસ્તિકે કાલી ભાષામાં કહ્યું માઁ હું ધ્યાન રાખીશ હું મોટો થઇ ગયો છું હવે.. એનું આવું વિધાન સાંભળીને ભગવન જરાત્કારુ અને માં જરાત્કારુ સાથે વાસુકી પણ ખડખડાટ હસી પડ્યાં.
નાનકડાં આસ્તિકે ખોટાં ખોટાં રીસાઇ જતાં કહ્યું ભલે હું તમારાં માટે નાનો રહ્યો પણ હું હવે મોટો થઇ ગયો છું...
માઁ જરાત્કારુએ એની રીસામણ છોડાવવા લાડ કરતાં કહ્યું "દીકરા તમે તો હજી.....
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----14