Meeranu morpankh - 14 in Gujarati Fiction Stories by શિતલ માલાણી books and stories PDF | મીરાંનું મોરપંખ - ૧૪

Featured Books
Categories
Share

મીરાંનું મોરપંખ - ૧૪

નરેશ એના પપ્પા સાથે વાતચીત કરી પછી મીરાંને જોવા આવ્યો હોય છે. મંગળવાર 'માતાજીનો શુભ વાર' ગણાય એવી શ્રધ્ધા સાથે આજ જોવાનું ગોઠવ્યું હોય છે. ક્રિશ અને નરેશ બન્ને મીરાંના ઘરે પહોંચે છે. હવે આગળ....

રાહુલભાઈએ નરેશને પહેલીવાર જોયો. એ તો એના કદ, કાઠી અને બોલવાની છટા પર આફરીન થઈ ગયા. એ જ્યાં બેઠો હતો ત્યાંથી સામેની દીવાલ પર લગાવેલ મીરાંનો ફોટો જોઈ નરેશ પણ અચંબિત થઈ ગયો. એણે તો મનોમન મીરાંને મનમાં સમાવી લીધી. એની બોલવાની રીતભાતથી એ હર કોઈ આકર્ષિત થયું. રાજુભાઈ બધાની છેલ્લે અને નરેશની સામે જ બેઠા. એ નરેશમાં શું શોધી રહ્યાં હતા એ ખુદને પણ નહોતી ખબર.

થોડીવાર વાતચીત થયા પછી મીરાં આવે છે. હરહમેંશની જેમ એ લહેરીયા અને બાંધણીની ભાતવાળો ગુલાબી ડ્રેસ પહેરીને આવે છે. હાથમાં પાણીની ટ્રે લઈને એ ધીમી ચાલે આવતી હોય છે ત્યારે નરેશ મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે 'આ સગપણ નક્કી થઈ જાય તો 'હું આ પરીને જીંદગીની તમામ ખુશીઓ આપીશ.' મીરાંએ પણ ત્રાંસી નજરથી નરેશને એકવાર નિહાળ્યો. એણે પણ મોરપંખને યાદ કરી નરેશ જેવી જ ઈચ્છા માંગી.

ચા નાસ્તો પતાવ્યા પછી રાહુલભાઈએ ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પૂછ્યું. નરેશે સ્પષ્ટ અને સમજદારીથી કહ્યું કે " મારા પરિવારમાં અમે પાંચ સભ્યો છીએ. પપ્પા, ભાઈ-ભાભી, ભત્રીજો બધા જ છે. મમ્મી આ દુનિયાને છોડીને ગયા એને સાત વર્ષ થયા. બે બહેનો સાસરે છે. મારા સિવાય બધા જ ભારતમાં વસે છે. પપ્પા તો સરકારી નોકરી કરે છે. ગામડે એક મકાન છે. વડોદરામાં પણ એક ફલેટ છે. જમીન નથી. કોઈને ખેતી ફાવતી જ નથી.

રાજુભાઈ ધ્યાનથી બધું સાંભળે છે. એ જુએ છે કે નરેશ સ્પષ્ટવકતા છે એની વાતોમાં દંભ બિલકુલ નથી. એ વિચારે છે કે 'મીરાંને નરેશ ગમી જ જશે. મીરાંની પર્સનાલિટી મુજબ એ એકદમ અનુકૂળ છે. મિલકત ભલે નથી એને પણ દિલનો અમીર લાગે છે. અહીં અમે પણ બેઠા જ છીએ મીરાં માટે. જો બધાને યોગ્ય લાગે તો હું શું કામ ના પાડું?'

મોહિત ઈશારાથી મીરાંને પૂછે છે એના અભિપ્રાય વિશે. મીરાં શરમાઈને પાંપણ ઝુકાવી દે છે. સંધ્યા પણ સમજી જાય છે કે પસંદગી થઈ જ ગઈ મીરાંના માણીગરની. કુમુદ આજ સાવ શાંત બેઠી હતી કારણ કે નરેશનો પ્રભાવ જ એવો હતો. જરા પણ અજાણ્યાપણું એના વર્તનમાં હતું જ નહીં. તો પણ રાજવીએ પૂછી જ લીધું કે " બેન બા, શું કહેવું છે તમારૂં?"

"બરાબર છે છોકરો..પણ મારે એક સવાલ મનમાં આવે છે પૂછી લઉં સીધો જ."

કુમુદ એની ચેર નરેશની નજીક લઈ જઈને પૂછે છે " કેવડું કુટુંબ છે‌ તમારે ત્યાં.."

નરેશ " તમારી જેમ બધા આસપાસ જ રહે છે. બે મહિના હું ભારત જાવ તો દિવસ ટુંકા પડે." આમ કહી હસે છે..

આ જવાબથી મીરાં પણ હસે છે. બેય એકબીજાને ઓળખી શકે એ હેતુથી બહારના ઝુલા પર બેસી થોડીવાર એકાંત આપવામાં આવે છે.

મીરાં : "તમારા શોખને એ તો આપણે પછી જાણીશું જ પણ આપના મમ્મીનું ડેથ -"

નરેશ : "જી, મમ્મીને એટેક આવ્યો હતો. કોઈ ઘરે ન હતું. હોસ્પિટલ પહોંચી ન શક્યાં. અને - "

મીરાં : "આપની બહેનો પણ ત્યાં એકલી જ હશે ને ત્યારે."

નરેશ : " હું બધાથી નાનો છું. મમ્મીના ડેથ સમયે બેય સાસરે જ હતી."

મીરાં : " તો પછી ભાભી આપના -"

નરેશ : " એ ત્યારે પિયર હતાં. ભાઈ ને હું બેય બરોડા હતા."

મીરાં : " ઓહહહહ, હું કુટુંબને પ્રાધાન્ય પહેલા આપું છું એટલે આ સવાલ કર્યા."

નરેશ : " વાંધો નહીં !"

મીરાં : " મને તમારું વ્યક્તિત્વ ગમે છે. તમે ભારત તો જતા જ હશો ને અવારનવાર...."

નરેશ : "પ્રસંગોપાત જવાનું બને."

મીરાં : " તમે પણ પૂછી લો જે પૂછવું હોય એ."

નરેશ : " એક જ વાત કરવી છે. હું મધ્યમ વર્ગનું ફરજંદ છું. કયારેય કોઈ વખતે ન સાચવી શકાય અમુક ખર્ચ તો આપ વિચારી લે જો. પાછળથી કોઈ તકલીફ ન થાય."

મીરાં : " મને બધું મંજુર જ છે.."

નરેશ : " બીજી વાત એ કે આપની સાથે એક દોસ્ત છે જેને આપ બહુ પ્રેમ કરો છો. મને એ બાબતથી કોઈ જ પ્રોબ્લેમ નથી હોં ! "

મીરાં : "હેં !!!!!!!!!! "

નરેશ : " મેં સાંભળ્યું છે એવું.."

મીરાં : " શું વાત કરો છો? મારે કોઈ દોસ્ત નથી. મને એ નજરથી ન જોતા. હું એવી ખોખલી દોસ્તીમાં રસ નથી લેતી."

જોઈએ હવે આગળ કે આ નવું દોસ્ત બનીને વચ્ચે કોણ આવે છે ? આ સંબંધને તોડાવવા કે પછી જોડાવવા.

------------ ( ક્રમશઃ) -------------

લેખક : શિતલ માલાણી "સહજ"
૧૨/૧૧/૨૦૨૦
જામનગર