Meeranu morpankh - 11 in Gujarati Fiction Stories by શિતલ માલાણી books and stories PDF | મીરાંનું મોરપંખ - ૧૧

Featured Books
Categories
Share

મીરાંનું મોરપંખ - ૧૧

આગળના ભાગમાં મીરાંએ 'ગુડ ન્યુઝ' બધાને સંભળાવ્યા...કુમુદ તો મીરાંને દુઃખ થયું કે નહીં એ જ જાણવા ઉત્સુક હતી. સવાર સવારમાં આજ એને એના અધ્યાય ચાલુ કર્યા છે..હવે આગળ...

બધાએ મોહિત અને સંધ્યાને વધામણી આપી. રીટા તો ફટાફટ રસોડામાં જઈને કાજુકતરી લાવી અને લાડમાં જ બોલી "સંધ્યા, તું જેટલી સરસ વ્યવહારમાં, દેખાવમાં અને કામકાજે પાવરધી છો એ જ ગુણથી ભરપૂર મારે તો તારી પ્રતિકૃતિ જોઈએ.

રાજવીએ પણ મોહિત અને સંધ્યાને મોં મીઠું કરાવ્યું અને બેયને આજે એકબીજા સાથે આખો દિવસ સમય પસાર કરવા માટે બહાર ફરવા જવાનો હુકમ આપી દીધો. ભાવિ દાદાએ પણ બેયને શુભેચ્છાઓ પાઠવી. મીરાં તો આ પ્રેમને જોઈ જ રહી હતી અને આંખેથી અશ્રુધારા વહી રહી હતી. છેલ્લે સંધ્યા વાંકી વળીને કુમુદને પગે પડે છે કે કુમુદ પીઠ પર હાથ ફેરવતા બોલે છે " હવે કામકાજમાં ઓછું ધ્યાન દે જો. હજી નણંદ બા છે કુંવારા... બધું સંભાળી લેશે. તમતમારે આરામ કરજો."

આખો દિવસ આજ મીરાંએ ઘરની જવાબદારી રોજની જેમ જ સારી રીતે જ નિભાવી. એ સાંજના સમયે બગીચામાં બેસી આકાશ સામે નજર માંડી બેઠી હતી.એ જ સમયે એક પતંગિયું એની નજીકથી પસાર થયું. એને વિચાર આવે છે કે 'આ પતંગિયું કેટલું ઊડે છે પણ કયારેય રસ્તો ભૂલતું નથી‌. એ ફુલની પરાગરજને પાંખોમાં ભરી બધે ફૂલછોડ વાવતું જાય છે. એને લેશમાત્ર ખ્યાલ નથી કે એ સુગંધ ફેલાવી રહ્યું છે. આ પતંગિયું જેમ થાકતું નથી એમ મારે પણ ભમવું છે આ ભૂમિમાં. જીવનની કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં મારે પણ નથી થાકવું. એ 'દ્રારકાધીશ' તું મને સદાય સાથ આપજે. ભલે હું તારા મોરપંખને માન આપું પણ મારી ચાહના તો તમે જ છો. એમ વિચારી પોતે તાજું જ કરાવેલ 'મોરપંખના ટેટુ'ને નિહાળે છે.

થોડા દિવસ પછી ક્રિશને ત્યાં 'ડીનર' માટે જવાનો સમય આવી જાય છે. આખા ઘરમાંથી બે ભાઈઓનું જવાનું નક્કી
થાય છે. બન્ને ભાઈઓ ત્યાં પહોંચે છે. ક્રિશ એને આવકારવા પહોંચે છે. બીજા કોઈ સભ્યોને ન જોતા ક્રિશ નારાજ થાય છે એવું એનો ચહેરો વ્યક્ત કરે છે. પોતે રૂહીને સમજાવી રાજુભાઈ પાસેથી ઘરના નંબર લઈ બીજા સભ્યોને પણ ત્યાં ખાસ પહોંચવાની આજીજી કરે છે. થોડી જ વારમાં મીરાં, રીટા અને મોહિત હાજર થાય છે. રૂહી તો રીટા અને મીરાંને જોઈ ખુશીથી ઊછળી પડે છે.

ડીનર સ્ટાર્ટ થઈ ગયું હોય છે. રૂહી અને ક્રિશ કોઈની વાટ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. મીરાંએ પણ રીટા સાથે ડીનર ચાલુ કરી દીધું હોય છે. ત્યાં જ એક નમણો અને હેન્ડસમ યુવાન આવીને ક્રિશને ભેટે છે. રૂહી પણ એને આવકારે છે. યુવાન પડછંદ અને મોર્ડન જ હતો. એ પોતે પણ એની સ્ટાઈલથી પોતાની વાત કરી રહ્યો હતો.

થોડીવાર પછી રાજુભાઈ અને રીટા બેય મળવા માટે રૂહી પાસે જાય છે અને હાથમાં એક કવર આપે છે. રૂહીએ આનાકાની કરી છતા પણ રીટાએ ધરાર એ કવર હાથમાં થમાવ્યું. ત્યાં જ આવનાર મહેમાન પણ રાજભાઈને નમસ્તે કહે છે. રૂહી પરિચય આપતા કહે છે કે " આ મારો કઝિન છે. એ તો છેલ્લા સાતેક વર્ષથી અહીં જ છે. એ તમને બધાને ઓળખે છે. એમનું નામ 'નરેશ' છે. અમે તો રાણો જ કહીએ.." ( બધા ખડખડાટ હસે છે.)

નરેશે પણ માથું ઝુકાવી પોતાને એ વાત ગમી એમ સહમતિ દર્શાવી. રાજુભાઈના એક મિત્રને ત્યાં એ 'રાણો' નોકરી કરતો. રાણા સાથેની વાતચીતમાં એ જવાબદાર ઓછો અને રંગીલો વધુ લાગતો હતો. રૂહીએ વાત વાતમાં નરેશની સગાઈ પણ બાકી છે એવું જણાવ્યું. બને ભાઈબહેનનો પ્રેમ જોતા એવું નહોતું લાગતું કે એ 'કઝિન' હશે. આમ પણ રાજુભાઈને ક્યારેય મીરાં અને મોહિત સગા ભાઈ-બહેન નથી એવું લાગ્યું જ ન હતું. સંધ્યા પણ મીરાંની સખીની જેમ જ રહેતી. આજ રીટાને પણ 'કઝિન' શબ્દ સાંભળી નવાઈ લાગી હતી. એના પરિવારમાં આ શબ્દને સ્થાન જ ન હતું.

બધા ઘરે પહોંચે છે. રાજવીએ પણ સંધ્યા સાથે જમી લીધું હતું. ત્યાં જ રીટાએ વાત વાતમાં 'નરેશ'નો ઉલ્લેખ કર્યો. રાજુભાઈએ એનું મંતવ્ય જણાવ્યું કે મને તો એ રંગીલો લાગે છે. રૂપકડા રમકડાં જેવો. રીટાએ પણ કહ્યું કે
" જવાબદારી બધું શિખવી દે. કુંવારા હોય ત્યાં સુધી જ અલ્લડપણું હોય પછી તો સંસાર સાચવવા અને ઉંમર વધતા નાદાનિયત છૂટતી જાય."

બધા આ વાતનો‌ સ્વીકાર કરે છે. રીટા હસતા હસતા પાછું એ પણ કહે છે એનું હુલામણું નામ તો ' રાણો ' છે. આ વાત સાંભળી બધા ફરી એકવાર ખડખડાટ હસે છે. મીરાંએ રૂમની બહાર આવી જોયું તો બધા સાથે બેસી ચર્ચા કરતા હસતા હતા. એ આ વાતથી અને નરેશની મુલાકાતથી અજાણ હતી.

----------- (ક્રમશઃ) ------------

લેખક : શિતલ માલાણી
ગુરુવાર
૫/૧૧/૨૦૨૦