મેનકા જ્યારે સેટ પર પહોંચી. ત્યારે શુટિંગ શરૂ થઈ ગઈ હતી. તેણે સેટ પર પહોંચતા જ પોતાનું કામ સંભાળી લીધું. શુટિંગ પૂરી થયાં પછી બધાં મિટિંગ માટે એકઠાં થયાં.
"તુષાર ચૌધરી સાથે વાતચીત કર્યા પછી અમે બંનેએ આવતાં મહિનાની પહેલી તારીખે ફિલ્મ રિલીઝ કરવાનું વિચાર્યું છે. જેનાં માટે બે દિવસ પછી એક પાર્ટી પણ રાખવામાં આવી છે." અનંત જાદવે બધી જાણકારી આપતાં મિટિંગની શરૂઆત કરી.
ફિલ્મ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. એ વાત જાણીને બધાં તાળીઓ પાડવા લાગ્યાં. એ જોતાં જ અનંત જાદવને જાણ થઈ ગઈ, કે બધાં લોકોને તેમણે નક્કી કરેલી તારીખ પસંદ આવી છે.
મેનકા તારીખ નક્કી થવાથી કંઈક વધારે જ ખુશ હતી. તે બધાં સાથે સારી રીતે હસી હસીને વાત પણ કરી રહી હતી. જે વાત હિતેશને ઘણી ગમી હતી.
તારીખ નક્કી કરીને બધાં અલગ થયાં. બે દિવસ પછી પાર્ટી અને પછી તરત જ ફિલ્મ રિલીઝ થવાની હતી. એ વાતની ખુશીમાં મેનકા ઘરે પહોંચીને નાચવા લાગી.
"અરે મેડમ, એવું તો શું થઈ ગયું. કે તમે આટલાં બધાં ખુશ છો??" માલતિએ મેનકાની પાસે જઈને પૂછ્યું.
"અમારી ફિલ્મ રિલીઝ થવાની તારીખ આવી ગઈ છે. અમારી મહેનત સફળ રહી. મને જે દિવસની કેટલાંય સમયથી રાહ હતી. એ દિવસ આખરે આવી જ ગયો." મેનકા માલતિના હાથ પકડીને ગોળ ગોળ ફરતાં ફરતાં બોલી.
માલતિ પણ મેનકાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ. તે તરત જ કિચનમાં જઈને મેનકાના મનપસંદ રસગુલ્લા બનાવવા લાગી. મેનકાએ પોતાનાં રૂમમાં જઈને કાર્તિકને કોલ કર્યો.
"કાર્તિક..... કાર્તિક..... કાર્તિક..... આવતાં મહિનામાં મેનકા-એક પહેલી ફિલ્મ રિલીઝ થવાની છે. આજે જ આ બાબતે બધું નક્કી કરીને હાલ જ ઘરે પહોંચી છું." મેનકા બેડ પર કુદાકુદ કરતાં કરતાં કાર્તિક આગળ પોતાની ખુશી વ્યક્ત કરવા લાગી.
"શુંઉઉઉ??? તું સાચું કહે છે?? મતલબ હવે તું અભિનય કરવાનું કામ છોડી દઈશ!? હવે આપણે સાથે રહીશું." મેનકાની વાત સાંભળીને કાર્તિક પણ ખૂબ જ ખુશ થયો.
"હાં, આ મારી છેલ્લી ફિલ્મ હતી. એ આપણે આગાઉ જ નક્કી કર્યું હતું. તો એ મુજબ જ બધું થાશે." મેનકાએ અચાનક જ થોડું સિરિયસ થઈને કહ્યું.
"ઠીક છે. તો હવે સીધાં એક મહિના પછી મળીએ. ત્યાં હું મારું બધું કામ પૂરું કરી નાખું. પછી એક લોન્ગ વિકેન્ડ પર જાશું." મેનકા વધું સિરિયસ થાય, અને તેની ખુશી પર પાણી ફરી વળે. એ પહેલાં કાર્તિકે કોલ કટ કરી નાખ્યો.
મેનકા કાર્તિકની વાતો પર આગળ વિચારે એ પહેલાં જ માલતિ રસગુલ્લા લઈને તેનાં રૂમમાં પહોંચી ગઈ. માલતિએ એક રસગુલ્લાને હાથમાં લઈને મેનકાના મોઢામાં મૂકી દીધું, અને મેનકાએ એક રસગુલ્લાને લઈને માલતિના મોઢામાં મૂકી દીધું.
"સાચું કહું મેડમ!? આટલાં ખુશ મેં તમને ક્યારેય નથી જોયાં. પણ તમે રોજ આવી જ રીતે ખુશ રહો. તો મને બહું ગમશે." માલતિની વાત સાંભળીને મેનકા થોડી ઈમોશનલ થઈ ગઈ. તેણે બેડ પરથી ઉભાં થઈને માલતિને પોતાનાં ગળે લગાવી લીધી.
"જરૂર...હવેથી હું રોજ આટલી જ ખુશ રહીશ." મેનકાએ માલતિને કહ્યું.
માલતિ મેનકાની વાત સાંભળીને જતી રહી. મેનકા કાર્તિકને યાદ કરીને પોતાનાં ભવિષ્યનાં સપનાંઓ જોવાં લાગી. મેનકા-એક પહેલી પોતાનાં જ નામ પર બનેલી મેનકાની ફિલ્મ...મેનકા માટે તેનાં જીવનની છેલ્લી ફિલ્મ હતી. એ વાત માત્ર મેનકા અને કાર્તિક જ જાણતાં હતાં. જેનું કારણ પણ એ બંને વચ્ચે જ અકબંધ હતું.
એક તરફ મેનકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડવાની તૈયારી કરી રહી હતી. તો બીજી તરફ તુષાર ચૌધરી મેનકા સાથે આગળ કામ કરવાં માટે નવી ફિલ્મની સ્ટોરી તૈયાર કરી રહ્યો હતો. પણ મેનકાના મનમાં શું ચાલી રહ્યું છે. એ વાતથી તે એકદમ અજાણ હતો.
તુષારને તો મેનકા પ્રત્યે પહેલી નજરમાં જ આકર્ષણ થઈ ગયું હતું. જેથી તે રોજે તેની સાથે રહેવા માટે તેની સાથે એક નવી ફિલ્મ બનાવવા માંગતો હતો. મેનકા સાથે તો અનંત જાદવ પણ ફિલ્મ બનાવવા માંગતા હતાં. તેમણે અગાઉ જ મેનકા સાથે એ બાબતે વાત પણ કરી રાખી હતી. મેનકાએ હાં પણ પાડી હતી. જેનાં લીધે મેનકા જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડી દે. તો બધાંને એક મોટો ઝટકો લાગવાનો હતો.
આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, મેનકાના ચાહકો બધાં માટે મેનકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડી દે. એ વાત બહું મોટી હતી. પણ મેનકા માટે એ વાત સાવ સામાન્ય હતી. મેનકા તો પહેલેથી જ એમાં પોતાનું કરિયર બનાવવા માંગતી ન હતી. પણ તેણે ટૂંક સમયમાં બધાનાં દિલો પર રાજ કરી લીધું. એ વાત અલગ વાત હતી. પણ મેનકાને એ બધી બાબતોમાં કોઈ રસ ન હતો. જ્યારે તેમનાં ચાહકવર્ગ માટે એ બાબત સ્વીકારવી થોડી અઘરી હતી.
"આપણે મેનકા સિંઘાનિયા સાથે એક ફિલ્મ બનાવવાની છે. તેની સ્ક્રીપ્ટ લખવાની તૈયારી શરૂ કરી દો. આવતાં મહિનામાં જ એ અંગેની જાહેરાત થઈ જવી જોઈએ." તુષાર ચૌધરીએ તેની સેક્રેટરીને હુકમ આપ્યો.
તુષાર ચૌધરી મેનકાને જાણ કર્યા વગર નવી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો હતો. જોતજોતામાં બે દિવસ પસાર થઈ ગયાં. બધાં ૧૫, જાન્યુઆરીની રાત્રે પાર્ટી માટે એકઠાં થયાં. બધાંનાં ચહેરા પર અલગ જ પ્રકારની ખુશી છલકતી હતી.
પાર્ટી તુષાર ચૌધરીના બંગલો પર રાખવામાં આવી હતી. તુષાર ચૌધરીએ બધી તૈયારીઓ જબરદસ્ત રીતે કરી હતી. પણ મેનકાની સામે એ તૈયારીઓ એકદમ ફીકી લાગતી હતી.
"એન્જોય તો કરી રહ્યાં છો ને??" તુષારે મેનકા પાસે જઈને પૂછ્યું.
"હાં, તમે બધી તૈયારીઓ બહું સારી રીતે કરી છે. શિકાયત કરવાનો કોઈ મોકો જ વધવા નથી દીધો." મેનકાએ તુષારના કામનાં વખાણ કરતાં કહ્યું.
તુષાર મેનકાને બે વખત મળ્યો હતો. પણ તેણે બંનેમાંથી એક પણ વખત તેની સાથે વાત કરી ન હતી. જ્યારે પાર્ટીમાં તે મેનકાને વર્ષોથી ઓળખતો હોય. એ રીતે વાત કરી રહ્યો હતો. એ જાણીને મેનકાને થોડી નવાઈ લાગી.
રાતનાં બાર વાગ્યે પાર્ટી ખતમ થતાં બધાં પોતપોતાની ઘરે જવા નીકળી ગયાં. તુષાર ચૌધરીનો બંગલો વેરાન વનવગડા જેવો થઈ ગયો. એ સોફા પર બેઠાં બેઠાં મેનકાને યાદ કરીને એકલાં જ મોડાં સુધી પાર્ટી કરતો રહ્યો.
(ક્રમશઃ)