મેનકાનો હતાશ ચહેરો જોઈને કાર્તિક તેની પાસે બેસી ગયો. તેણે મેનકાને પોતાની છાતી સરસી ચાંપી લીધી. મેનકાની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. જેણે કાર્તિકના શર્ટ પર એક નિશાન છોડી દીધું.
"ગરમાગરમ ચા તૈયાર છે. પહેલાં ચા પી લઈએ. પછી વાતો કરીશું." કેતને ચાનો કપ મેનકાના હાથમાં આપીને કહ્યું.
મેનકાએ કેતનના હાથમાંથી ચાનો કપ લઈને એમાંથી એક ઘૂંટ ચા પીધી. કેતન બે કપ જ ચા લઈને આવ્યો હતો. એક પોતાનાં માટે અને એક મેનકા માટે... કાર્તિક માટે ચા ન હતી બની. એ જોઈને મેનકાને નવાઈ લાગી.
મેનકા કેતન તરફ જોવાં લાગી. કેતન કાર્તિક તરફ જોવાં લાગ્યો. કાર્તિક કાંઈ પણ બોલ્યાં વગર બહાર જતો રહ્યો. મેનકા ચાનો કપ ટેબલ પર મૂકીને તેની પાછળ ગઈ.
"શું થયું?? ચા વગર તો તારે એક કલાક નથી જતી. તો આજે કેમ ચાથી મોં ફેરવી લીધું??" મેનકાએ કાર્તિકના ખંભે હાથ મૂકીને પૂછ્યું.
"મારે તો તારાં વગર પણ નથી ચાલતું. છતાંય હું રોજ તારાં વગર રહું છું. તારાં માટે તડપુ છું. પણ બસ એક જ રાત...બે વર્ષ પહેલાંની એ એક રાતે આપણી વચ્ચે બધું બદલી દીધું." કાર્તિકની આંખમાંથી વાત કરતી વખતે રીતસરનું એક આંસુ સરકી પડ્યું.
"નહીંહીહી...." કાર્તિકની વાત સાંભળીને મેનકાની આંખો સમક્ષ બે વર્ષ પહેલાંનાં દ્રશ્યો તરવરવા લાગ્યાં. પોતે બે વર્ષ પહેલાં લીધેલી પ્રતિજ્ઞાના શબ્દો તેનાં કાનમાં ગુંજવા લાગ્યાં. એ સાથે જ તેના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.
"આઈ એમ સોરી....મેના મારો તને ફરી બધું યાદ અપાવવાનો કોઈ ઈરાદો ન હતો." કાર્તિકે મેનકાની માફી માંગતા તેને ફરી ગળે લગાવી લીધી.
મેનકા કાર્તિકના ગળે વળગીને બહું રડી. તેનાં આંસુથી કાર્તિકનો શર્ટ ભીંજાઈ ગયો. એ સાથે જ કાર્તિકની આખી બોડી શર્ટમાંથી ડોકિયું કરવા લાગી. દેખાવે અમેરિકન ભૂરાં જેવો અને હાથે મસલ્સ ને સિક્સ પેક ધરાવતો કાર્તિક મેનકાને ટક્કર આપે એવો હતો.
કોલેજ સમયથી જ બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. બંને એકબીજાને સારી રીતે સમજતાં હતાં. જેનાં લીધે જ બંને દૂર હોવાં છતાંય નજીક હતાં. બે વર્ષથી કાર્તિક કેતન સાથે રહેતો. જ્યારે મેનકા કાર્તિકથી દૂર એકલી રહેતી.
કાર્તિક કોણ છે, કેતન કોણ છે, સ્વીટી કોણ છે, એ અમદાવાદમાં કોઈને ખબર ન હતી. મેનકા બે વર્ષ પહેલાં જ અમદાવાદમાં રહેવા આવી હતી. બે વર્ષ પહેલાં થયેલાં એક બનાવે જ મેનકાને સેલિબ્રિટી બનાવી હતી. એ રાતે જ મેનકાને મુંબઈથી અમદાવાદ લાવીને છોડી હતી. મેનકા મુંબઈમાં જ જન્મી હતી. જેનાં લીધે અમદાવાદમાં તેનાં પરિવાર વિશે કોઈ જાણતું ન હતું.
મેનકા કાર્તિક સાથે ઘરની અંદર ગઈ. ત્યાં સુધીમાં કેતને જમવાનું બનાવી લીધું હતું. બધાંએ એક સાથે જ લંચ કર્યું. મેનકાએ બે વર્ષમાં પહેલીવાર કેતન, કાર્તિક અને સ્વીટી સાથે લંચ કર્યું હતું. સ્વીટી ખૂબ જ ખુશ હતી. સ્વીટીને જોઈને મેનકાની બધી તકલીફો દૂર થઈ જતી.
મેનકાને પણ બધાંથી દૂર રહેવું પસંદ ન હતું. કોઈને કાર્તિક, કેતન અને સ્વીટી સાથે પોતાનો શું સંબંધ છે. એ વાતની ખબર નાં પડે. એ માટે મેનકા બધાંથી છુપાઈને કેતનની ઘરે જતી. એ વાત કેતનને પણ પસંદ ન હતી.
"બે વર્ષમાં ઘણું બદલી ગયું. એક રાતે ક્યાંથી ક્યાં લાવીને છોડી દીધાં!?" કેતને કઢીની વાટકીમાં ચમચી ઘુમાવતા ઘુમાવતા કહ્યું.
"બસ જીજુ, એ વાતને યાદ કરવાનો કોઈ મતલબ નથી. આપણી મંઝિલ હજુ ઘણી દૂર છે." મેનકા સ્વીટી સામે જોઈને બોલી. સ્વીટી ખુશી ખુશી કઢી ખીચડી ખાતી હતી.
મેનકા લંચ કરીને જ ઘરે જવા નીકળી ગઈ. તેની પાસે માત્ર બે દિવસ તેનાં પરિવાર સાથે રહેવા માટેનાં હતાં. પછી ફરી પોતે વ્યસ્ત થઈ જવાની હતી. એ બે દિવસનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો વિચાર મેનકાએ મનોમન જ કરી લીધો હતો.
મેનકાએ ઘરે જઈને કાર્તિકની મનપસંદ ખીર બનાવતાં શીખવાનું કામ શરૂ કર્યું. યૂ ટ્યૂબ પર વિડિયો જોતાં જોતાં તેણે એ મુજબ ખીર બનાવવાની શરૂઆત કરી. બે દિવસમાં કાર્તિકનો જન્મદિવસ હતો. એ દિવસે પોતાનાં હાથે બનાવેલી ખીર ખવડાવીને મેનકા તેનું મોઢું મીઠું કરાવવા માંગતી હતી.
મેનકાએ ખીર બનાવીને આંખો બંધ કરી એમાંથી એક ચમચી ખીર ચાખી. એ સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ. પહેલી વખત જ બનેલી ખીર એટલી સ્વાદિષ્ટ બનશે. એવું મેનકાએ વિચાર્યું પણ ન હતું.
મેનકાને ખીર ખાતાં જ તેની મોટી બહેન આરતીની યાદ આવી ગઈ. આરતી પણ મેનકાના જન્મદિવસ પર તેનાં માટે ખીર બનાવતી. અમદાવાદ આવ્યાં પછી ને એક અભિનેત્રી બન્યાં પછી મેનકાના જન્મદિવસના દિવસે કેટલાંય કેક આવતાં. કેટલીયે જગ્યાઓ પર પાર્ટી થતી. અવનવી વાનગીઓ જમવા મળતી. પણ એમાં મેનકાને આરતીની ખીર જેવો સ્વાદ નાં આવતો.
મેનકા આરતીની યાદમાં ખોવાયેલી હતી. એ સમયે જ તેનાં મોબાઈલ રિંગ વાગી. સ્ક્રીન પર અખિલ જાદવનુ નામ હતું. મેનકા તેમની સાથે શૂટિંગ બાબતે બધી ચર્ચા કરીને આવી હતી. છતાંય તે કેમ કોલ કરતાં હતાં. એ વાત મેનકાની સમજમાં નાં આવી. મેનકાએ કોલ રિસીવ કર્યો.
"હેલ્લો સર, કોઈ કામ હતું??"
"યસ મેનકા, હું એક અઠવાડિયા સુધી અમદાવાદની બહાર જાવ છું. તો કાલે તમે હિમાંશુ સાથે વાત કરી લેજો. ફિલ્મની શૂટિંગને લઈને થોડી ચર્ચા કરવાની છે. મારી ગેરહાજરીમાં એ જ તમારું શૂટિંગ કરશે."
"ઓકે સર."
મેનકાએ વાત કરીને કોલ કટ કર્યો. એ સાથે જ મેનકાના ચહેરા પર સ્મિત આવી ગયું. મેનકા મોબાઈલ ટેબલ પર મૂકીને ખીર ખાવાં લાગી.
હિમાંશુ જાદવ....અખિલ જાદવનો ભાઈ હતો. અખિલ જાદવની ગેરહાજરીમાં શૂટિંગનુ બધું કામ એ જ સંભાળતો. અખિલ જાદવથી પાંચ વર્ષ નાનો હિમાંશુ અખિલ જાદવ કરતાં પણ ફિલ્મની શૂટિંગ બાબતે સારું એવું જ્ઞાન ધરાવતો હતો. કોઈ પણ વ્યક્તિને પોતાની વાતમાં ફસાવતા હિમાંશુને સારી રીતે આવડતું.
હિમાંશુ પણ મેનકાને મળવાં અધીરો બન્યો હતો. તેણે અખિલ જાદવના મોંઢે અને અમદાવાદવાસીઓ પાસેથી મેનકાની ખુબસુરતીના બહું વખાણ સાંભળ્યાં હતાં.
"હિમાંશુ તારી વર્ષો જુની ઈચ્છા પૂરી થવાની છે. કેમ લાગે છે?? તું મેનકાની નજીક જઈ શકીશ??" હિમાંશુના મિત્ર કમલેશે પૂછ્યું.
"તેની સાથે કામ કરવાનો છું. તો તેની નજીક જવાનો મોકો પણ શોધી લઈશ. મારી પાસે એક અઠવાડિયું છે. ત્યાં સુધી તો જલ્સા જ છે." હિમાંશુએ ખંધું હસીને કહ્યું.
હિમાંશુની હસીની ગુંજ સાથે બોડકદેવમાં આવેલ તેનાં ઘર કમ મહેલ જેવો બંગલો ગુંજી ઉઠ્યો. જેમાં તેનાં મિત્રોની હસીનો પણ અવાજ મળી ગયો. બધાં મિત્રો હિમાંશુની ઘરે પાર્ટી કરી રહ્યાં હતાં. એ પાર્ટી હિમાંશુ આખરે મેનકાને મળવાનો હતો. એ વાતની ખુશીમાં હિમાંશુએ રાખી હતી.
હિમાંશુ એક પછી એક દારૂનાં ગ્લાસ ખાલી કરે જતો હતો. તેનાં મિત્રો તો રાત પડતાં જતાં રહ્યાં. પણ હિમાંશુનુ દારૂ પીવાનું ચાલું જ હતું. જેમ જેમ રાતનું અંધારું વધતું જતું હતું. એમ એમ હિમાંશુ ગ્લાસ મૂકીને સીધો બોટલ જ ગટગટાવવા લાગ્યો હતો. આખરે નશામાં ધૂત થઈને હિમાંશુ હોલમાં રહેલાં સોફા પર જ સૂઈ ગયો.
સવાર પડતાં જ હિમાંશુની આંખ ખુલી. તેનાં મગજ પર હજું પણ દારૂની અસર હતી. તે લથડિયાં ખાતો પોતાનાં રૂમમાં જઈને બાથરૂમમાં ઘુસી ગયો. અને ફુવારો ચાલું કરીને તેની નીચે ઉભો રહી ગયો. ઠંડું પાણી શરીર પર પડતાં જ તેને થોડી ભાન આવી.
અડધી કલાક સુધી પાણી નીચે રહ્યાં પછી હિમાંશુ કપડાં પહેરીને નીચે ગયો. ઘરનાં નોકરોએ નાસ્તો અને ચા તૈયાર રાખ્યો હતો. ચા નાસ્તો કરીને હિમાંશુ કાર લઈને મેનકાને મળવાં માટે નીકળી પડ્યો. બંને શૂટિંગના સેટ પર જ મળવાનાં હતાં. જેનાં લીધે હિમાંશુએ સેટ પર પહોંચીને કાર રોકી. કારમાંથી નીચે ઉતરતાં જ હિમાંશુને એક ઝટકો લાગ્યો. સેટ પર બીજાં ઘણાં લોકો હતાં. જેણે હિમાંશુએ બોલાવ્યાં ન હતાં.
"તમે લોકો કોણ છો?? મેં તો તમને નથી બોલાવ્યાં." હિમાંશુએ આશ્ચર્યચકિત ચહેરા સાથે થોડાં ગુસ્સામાં કહ્યું.
"એ લોકો મેનકા-એક પહેલી ફિલ્મમાં અભિનય કરનારાં લોકો જ છે. સરે કહ્યું હતું, કે શૂટિંગ બાબતે ચર્ચા કરવાની છે. તો મેં એમને પણ બોલાવી લીધાં." હિમાંશુની બરાબર પાછળની તરફથી એક છોકરીનો મીઠો રણકાર સંભળાયો. હિમાંશુએ તરત જ પાછળ ફરીને જોયું. એ મેનકા હતી.