sundari chapter 77 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૭૭

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૭૭

સત્યોતેર

“જો ભઈલા, જે થવાનું હતું એ થઇ ગયું. હવે તું એનું દુઃખ લગાડે રાખીશ તો એનો કોઈજ મતલબ નથી.” સોનલબા બોલ્યાં.

“હા, એને તારા પ્રત્યે નફરત છે એ વાત પાક્કી થઇ ગઈ છે. પછી ત્યાં મિડિયાવાળા આવ્યા હોત કે ન આવ્યા હોત એનાથી સુંદરીને કોઈજ ફરક નહોતો પડવાનો. આઈ ડોન્ટ થીન્ક કે એ તારી સાથે કોઈ સમાધાન કરવા માટે ત્યાં આવી હશે. એ ફક્ત તને દૂર રહેવાની જ સલાહ આપવા આવી હશે.” કિશનરાજે પણ સોનલબાના સૂરમાં સૂર પુરાવ્યો.

“જો હું ત્યાં હોત તો પેલાનો કેમેરો જ ફોડી નાખ્યો હોત.” કૃણાલ અચાનક જ ગુસ્સામાં આવી ગયો.

“કૃણાલભાઈ હવે તમે પાછાં ક્યાં ગુસ્સે ભરાવ છો? મેં ભઈલાને હમણાં શું કહ્યું કે જે થયું તે થઇ ગયું અને પપ્પાએ પણ એમ જ કહ્યુંને કે મેડમ કોઈ સારી વાત કરવા માટે તો ભઈલાને મળવા ત્યાં નહોતા જ આવ્યા.” સોનલબાએ તીખી નજરે કૃણાલ સામે જોયું.

“ભલે કોઈ સારી કે પોઝિટીવ વાત કરવા એ ત્યાં નહોતા આવ્યાં તો પછી આવ્યા હતા શા માટે? એવી તે કેવી વાત હતી કે મને એમણે બોલાવવો પડ્યો.” વરુણ ગૂંચવાયેલો લાગતો હતો.

“તું એ વાત કેમ ભૂલે છે દિકરા કે શ્યામલ સામે તે સુંદરી પ્રત્યેના તારા પ્રેમની વાત કરી હતી તો શું ગુસ્સામાં ત્યાંથી જતો રહેલો શ્યામલ મૂંગો રહ્યો હશે? એણે સુંદરીને જરૂર આગલી રાતની વાત કરી હશે એટલે સુંદરી ગુસ્સામાં જ ત્યાં આવી હશે. તે પણ કહ્યુંને કે એ આવી ત્યારથીજ ગુસ્સામાં હતી?” કિશનરાજે વરુણને યાદ અપાવ્યું.

“અંકલ એ તો હું સમજી ગયો. પણ શિવભાઈએ એમને બધી વાત કર્યા પછી મને મળવાનો શો મતલબ? મને એ નથી સમજાતું.” વરુણ હજી પણ ગૂંચવાડામાં જ હતો.

“સિમ્પલ છે યાર. મેડમ તને વોર્નિંગ આપવા આવ્યા હશે કે હવે આનાથી આગળ વધતો નહીં. કારણકે શ્યામલભાઈ સુધી તું પહોંચી ગયો હતો એ એમને ઓબ્વિયસ્લી ન જ ગમે. એમને એવું લાગે કે તું એમને ગમે તે રીતે મેળવવા માંગે છે અને તારા પ્લાન પ્રમાણે તે શ્યામલભાઈને તારા પક્ષે કરવાનો પ્રયાસ કર્યો છે. બસ? થઇ ગયા ગુસ્સે. આમ પણ પેલું કહેવાય છે ને કે વ્હેમના ઝેરનું મારણ નથી હોતું. જ્યાં સુધી મેડમના મનમાં તારા વિષે વ્હેમ રહેશે કે તું સારો છોકરો નથી અને તું એમને ફસાવવા માંગે છે ત્યાં સુધી એ તારા પર ગુસ્સે જ રહેશે.” કૃણાલે વરુણના મનમાં ચાલી રહેલી ગૂંચવણનો ખુલાસો કર્યો.

“હમમ... પણ આ મિડિયાવાળાનું શું કરવું? બે દિવસથી પાછળ પડી ગયા છે. ઘરેથી પણ પાછલા દરવાજેથી નીકળવું પડે છે. કાલ રાતથી તો કૃણાલના ઘેર રહું છું, એટલે એના દરવાજેથી આરામથી એના પપ્પાની કારમાં નીકળીને અહીં આવી શક્યો. ન્યૂઝ ચેનલોને તો મારા સિવાય કોઈ બીજા સમાચાર જ નથી મળતા. આખા ગુજરાતમાં ફક્ત વરુણ ભટ્ટ અને એની સો કોલ્ડ ગર્લફ્રેન્ડની જ ઘટના બની છે.” વરુણ ગુસ્સામાં હતો.

“વરુણ, આમાંથી પણ તને એક પોઝિટીવ દેખાય છે જે મને દેખાઈ રહ્યું છે?” કિશનરાજે વરુણને પૂછ્યું.

“શું?” વરુણને આશ્ચર્ય થયું કે ગઈકાલની ઘટનામાં કિશનરાજને કશું હકારાત્મક પણ દેખાઈ રહ્યું છે.

કૃણાલ અને સોનલબાને પણ આશ્ચર્ય થયું.

“મિડિયાનું આખું ધ્યાન તારા પર કેન્દ્રિત છે. વાત તારી કહેવાતી ગર્લફ્રેન્ડની છે પણ અત્યારસુધી એક પણ ચેનલે સુંદરીનો પીછો નથી કર્યો.” કિશનરાજે સ્પષ્ટતા કરી.

“અરે હા! આ વાત પર તો મારું ધ્યાન જ ન ગયું.” સોનલબા બોલી પડ્યા.

“ક્યાંથી શોધે એમને? પેલા કેમેરામેનનું ધ્યાન મારા પર જ હતું. એટલે કેમેરો સતત મારા તરફ હતો. એ લોકો જે ડોરમાંથી અંદર આવ્યા એ તરફ પહેલા એમની પીઠ હતી, એમને આવેલા જોયા ત્યારે એ ગુસ્સે થઈને ઉભા થઇ ગયા ત્યાં સુધી એમની પીઠ જ કેમેરા તરફ હતી. અને જ્યારે એ મારા પર ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગયા ત્યારે કેમેરાથી નીચે વળીને જતા રહ્યા હતા. મને બરોબર યાદ છે. એટલે એમનો ચહેરો એક પણ ફ્રેમમાં નથી, તમે ધ્યાનથી જો જો હજી પણ ચેનલો એકની એક ક્લિપ દેખાડી રહી છે.” વરુણે પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“ધેટ્સ ગૂડ ન્યૂઝ. તો પછી તું મિડિયાને કોઇપણ ચિંતા કર્યા વગર ઇગ્નોર કર. બે-ત્રણ દિવસ હજી આવું ચાલશે, પછી કાંઇક બીજું બનશે એટલે એમનું ધ્યાન ત્યાં જશે. તું હવે સુંદરીના મનમાંથી તારી નફરત કેમ ઓછી કરવી અથવાતો દૂર કરવી એના વિષે વિચાર.” કિશનરાજ આટલું કહીને પોતાની ખુરશીમાંથી ઉભા થયા.

કિશનરાજને પોતાની ખુરશીમાંથી ઉભા થયેલા જોઇને વરુણને ખ્યાલ આવી ગયો કે હવે તેમને કોઈ મહત્ત્વનું કામ લાગે છે, આથી એ પણ ઉભો થઇ ગયો અને તેની સાથે કૃણાલ અને સોનલબા પણ ઉભા થયા. કિશનરાજનો આભાર માનીને આ ત્રણેય તેમની ઓફિસમાંથી બહાર નીકળી ગયા.

==::==

“તને વરુણની બાબતે કોઈ ઈગો છે ખરો?” અરુણાબેને સુંદરીને પ્રશ્ન કર્યો.

“ઈગો? અરુમા? હું સમજી નહીં.” સુંદરીના ચહેરા પણ પ્રશ્નાર્થ હતો.

“હા ઈગો. કારણકે હું તને જે સજેશન આપવા જઈ રહી છું એ તું ત્યારેજ સ્વીકારી શકીશ જો તું આ બાબતે કોઈ ઈગો નહીં ધરાવતી હોવ. એટલે જો તારો કોઈ ઈગો હોય તો પહેલાં તેને દૂર કર. મનમાં થોડી ફ્લેક્સીબીલીટી લાવ, પછી જ હું તને કોઈ સજેશન આપી શકીશ.” અરુણાબેને સ્પષ્ટ શબ્દોમાં સુંદરીને કહ્યું.

“ના અરુમા, મારે કોઈજ ઈગો નથી. મારી નફરત સાથે મારો ઈગો, જો એ હતો તો એ પણ તૂટી ગયો છે, તમે મને સજેશન આપો, હું ફક્ત એના મેરીટ પર જ મારો નિર્ણય તમને જણાવીશ.” સુંદરીએ અરુણાબેનને વિશ્વાસ આપતાં કહ્યું.

“ગૂડ. જો હું એમ નથી કહેતી કે વરુણ માટે તારે અત્યારથી જ લોંગટર્મ વિચારવાની જરૂર છે. છોકરો સારો છે જ. જ્યારે એને કોલેજ છોડી અને એ પણ તારા માટે ત્યારેજ મેં કહ્યું હતું કે એનો પ્રેમ સાચો છે અને આજકાલના છોકરાઓ જેવો કાચો નથી કે એકાદી તકલીફ આવે કે ભાગી છૂટે, એણે તો સામે ચાલીને તકલીફ વ્હોરી લીધી આટલી સારી કોલેજ છોડીને, ફક્ત તારા માટે.

બીજું. ગઈકાલે જે થયું એ પછી પણ એને મળેલા સંસ્કાર જ એ ઉજાળી રહ્યો છે. સુંદરી, જો તું માને છે એવું કશું પણ વરુણના મનમાં હોત તો તારા રેસ્ટોરન્ટ છોડ્યા પછી એ મિડિયાને સામેથી મળ્યો હોત અને તારા વિષે એ કશું પણ કહી શક્યો હોત, અરે તારું નામ પણ જાહેર કરી દીધું હોત, પણ એણે એમ ન કર્યું. બીજું, એ હવે સામાન્ય વરુણ નથી રહ્યો જે આપણી કોલેજમાં આવતો હતો, છેલ્લા દોઢથી બે મહિનામાં વરુણ આખા ઇન્ડિયામાં હાઉસહોલ્ડ નેઈમ બની ચૂક્યો છે, હી ઈઝ અ સેલિબ્રિટી નાઉ.

વિચાર કર એના આ સેલિબ્રિટી પાવરથી એ તારા વિષે મિડીયાને કશું પણ કહી શક્યો હોત, મેનીપ્યુલેટ કરી શક્યો હોત, પણ એણે એમ ન કર્યું. તે ઘરે ગયા પછી જો એ ન્યૂઝ જોયા હોત તો તને ખબર પડત કે એણે ઉલટું પેલા રિપોર્ટરને ચૂપ કરાવવાની કોશિશ કરી હતી અને તારા ત્યાંથી નીકળી ગયા પછી એ પણ તરતજ ત્યાંથી જતો રહ્યો હતો.” અરુણાબેને સુંદરીને સમજાવવાનું શરુ કર્યું.

“હા, એ તો છે જ. જો એ ઇચ્છત તો અત્યારે મારું નામ પણ બોલી લીધું હોત એણે. એણે ડિનાયલ માટે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હોત. પણ એમણે એવું કશું જ ન કર્યું. એ હજી પણ મૂંગા જ છે. હું સમજી ગઈ અરુમા તમે શું કહેવા માંગો છો, પણ પેલું ઈગો વાળું હું હજી નથી સમજી.” સુંદરીએ કહ્યું.

“સુંદરી, જો તારામાં હવે વરુણ પ્રત્યેની નફરત ખતમ થઇ ગઈ છે અને જો તારામાં હવે એ પ્રત્યે કોઈજ ઈગો નથી તો મારી સલાહ છે કે તું એને એકવાર મળ. ગઈકાલની તારી વર્તણુંક બદલ સોરી કહે. મને ખબર છે ગઈકાલે જે બન્યું એ તારું રિએક્શન જ હતું અને તારો કોઈજ વાંક ન હતો, પણ તારું એક સોરી વરુણને તેં અત્યારસુધી જે ખોટી રીતે, ભલે મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે, ટ્રીટ કર્યો છે એનું પાપ ધોઈ નાખશે.” અરુમાએ સુંદરીના ગાલ પર પોતાની હથેળી મુકીને કહ્યું.

“મને હવે એને મળવાનો કોઈજ વાંધો નથી. પણ એ બીજું કશું સમજી બેસશે તો? ફરીથી એ બધું ચાલુ થશે જેની મારી કોઈજ ઈચ્છા નથી. મારે હવે ધીરજ ધરવી છે.” સુંદરીએ તકલીફ જણાવી.

“સોરી કીધા પછી અને એ તારું સોરી સ્વિકારે પછી તું એની તરફ મિત્રતાનો હાથ લંબાવ, મને જ્યાં સુધી એ છોકરાનો સ્વભાવ સમજાયો છે એ જરૂર તારો એ પ્રસ્તાવ સ્વીકારશે એ તને ભરપૂર પ્રેમ કરે છે તો પણ એને તારી મિત્રતા સ્વીકારવામાં કોઈજ વાંધો નહીં આવે. સુંદરી, સાચો પ્રેમ કોઇપણ સબંધને સ્વીકારી લે છે, જો એ વ્યક્તિ સાથે સતત મળવાનું એના સંપર્કમાં રહેવાનું મળતું હોય તો.

એક વાર એ તારી મિત્રતા સ્વીકારી લે પછી, ધીમેધીમે તમે બંને આગળ વધો. વારંવાર મળતાં રહો, ફોન પર વાતો કરો, થોડો સમય જુઓ તમે લોકો ક્યાં સુધી પહોંચી શકો છો? જો કોઈ એક ખાસ પળે તને એમ લાગે કે વરુણમાં તારા જીવનસાથી બનવાના તમામ ગુણ છે તો પછી એને કહી દેજે?” અરુણાબેને હસીને સુંદરીનો ગાલ ખેંચ્યો.

“પણ હું એને ફ્રેન્ડશીપ કર્યા પછી તરત નહીં કહું કે મારા મનમાં શું છે, આઈ મીન મારે ધીરેધીરે એને જાણવો છે અને મારો અલ્ટીમેટ ગોલ કદાચ એને મારો લાઈફ પાર્ટનર બનાવવાનો છે.” સુંદરી હવે શરમાઈ રહી હતી.

“અરે! એવું કહેવાની જરૂર જ નથી અને ભગવાનની ઈચ્છા હશે તો એવું થશે પણ નહીં. તું અચાનક જ એને પ્રપોઝ કરી બેસીશ.” અરુણાબેને હસીને કહ્યું.

“ઓકે, પણ શ્યામલભાઈને શું કહું? એ તો હજી પણ ગુસ્સામાં છે.” સુંદરીએ બીજી સમસ્યા જણાવી.

“શ્યામલને હમણાં આ બધાથી દૂર રાખ. એને યોગ્ય સમયે આપણે જણાવીશું.” અરુણાબેને સલાહ આપી.

“ઠીક છે, તો ક્યારે? કાલે બોલાવું એને?” સુંદરીના ચહેરા પર ભોળપણ મિશ્રિત આશ્ચર્યભાવ હતો.

“વાહ! હવે ઉતાવળ આવી ગઈ તમને એને મળવાની એમને?” અરુણાબેને પણ સુંદરીની મશ્કરી કરી.

“જાવને અરુમા... શું તમે પણ?” સુંદરી શરમથી લાલ થઇ રહી હતી.

“અરે હું તો તારી મશ્કરી કરી રહી હતી. શુભસ્ય શીઘ્રમ. કાલે જ મળવા બોલાવ એને.” અરુણાબેને સુંદરીનો આઈડિયા સ્વીકારી લીધો.

“પણ ક્યાં? પબ્લિક પ્લેસમાં તો એ તરત ઓળખાઈ જશે, અને કાલની ઘટના પછી મિડિયા પણ એની પાછળ પડેલું હશે. તો ક્યાં બોલાવું?” સુંદરીના મનમાં ચિંતા થઇ.

“હા, એ તકલીફ તો હવે રહેવાની. જરા વિચારવા દે!” અરુણાબેને વિચારવાનું શરુ કર્યું.


==:: પ્રકરણ ૭૭ સમાપ્ત ::==