Hungar in Gujarati Short Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | ભુખ....

Featured Books
Categories
Share

ભુખ....



ભુખ.....વાર્તા (કાલ્પનિક) દિનેશ પરમાર નજર
***********************************
દિવારો સે બાતે કરના અચ્છા લગતા હૈ
હમ ભી પાગલ હો જાયેંગે એસા લગતા હૈ

કીતને દિનોં કે પ્યાસે હોંગે યારો સોચો તો
શબનમ કા કતરા ભી જીનકો દરિયા લગતા હૈ
- કૈંસર ઉલ-જાફરી
***********************************

છેલ્લા ઘણાં દિવસોથી રોજીરોટી અને કામ વગર બેઠા બેઠા કંટાળેલા અને આ રીતે હજુ વધુ દિવસો કાઢવાના આવશે તો અનાજ - પાણી વગર ઘર કઈ રીતે ચલાવશું? ની ચિંતા કરતા સુરેન્દ્ર અને રણજીતના કાન ચમક્યા.
અને -
એકમેક તરફ આશ્ર્ચર્ય અને આશા સાથે આંખોથી વાતો કરતા દુર દુર વેરાન રણની ધારે ધારે , કેટલાય સમયથી, નિર્જીવ અજગર જેવા આળસુ થઈ પડેલા મારગના વળાંક તરફથી આવતા કોઈ વાહનની ઘરઘરાટીના દુરથી આવતા અવાજને પારખવા કાન સતર્ક કરી સાંભળવા લાગ્યા.

*****

દેશના પશ્ર્ચિમ તરફે આવેલ ઘેઘૂર જંગલથી ઘેરાયેલા નાના મોટા ડુંગરને છેવાડેથી જે અફાટ રણ વિસ્તાર શરુ થઈ ઠેઠ દુર દુર આવેલી સમુદ્રની ખાડી પાસે મળે છે.
તે શહેર તરફથી આવતા જંગલ, રણ અને દરીયાઇ ખાડી તરફ જતા રસ્તાને ત્રિભેટે વર્ષો અગાઉ નાનું સરખુ રજવાડું હતું તેની સાક્ષી પુરતો જર્જરીત હાલતમાં રુદ્ર-ભાણ દુર્ગ તરીકે ઓળખાતો કિલ્લો અને તે સમયના નાનકડા રજવાડાની હદ દર્શાવતી, સમયાંતરે તૂટી ગયેલી દિવાલોના છૂટાછવાયા આંશિક પુરાવા આજે પણ આ જામીન પર પોતાનું અસ્તિત્વ ટકાવી ઉભા છે.
જે તે સમયે, દુશ્મન રાજા સાથે થયેલ યુદ્ધ અને ત્યાર પછીની તબાહીમાં સમગ્ર લોકો પ્રતિકૂળ પરિસ્થિતિ અને ભયને કારણે, સમયાંતરે સ્થળાંતર કરી ગયા.
હાલ, કિલ્લાની ચારે બાજુ જંગલી ઘાસ, બોરડીઓ અને દેશી બાવળ ઉગી નીકળ્યા છે. જ્યારે તૂટી ગયેલી દિવાલો તેના પાયાના સહારે જમીન પર આવી ઉભી છે. તેની ફરતે પણ આજ હાલત છે.
કિલ્લાથી આગળ તરત જ ડુંગરો તરફ શરુ થતા જંગલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા લોખંડની વાયર ફેન્સીંગ કરેલી છે. તેમાં પ્રવેશ માટે તાલુકા લેવલે આવેલી કચેરીમાંથી મંજુરી લેવી પડે છે.
પરંતુ તે રસ્તે જંગલમાં કિલ્લાથી આશરે એકાદ કિલોમીટર જેટલા અંતરે નાનકડી વસાહત આવેલી છે. જે, જેતે સમયે આ રજવાડાંના ચાકરોને રાજા તરફથી લેખ કરી આપેલી હતી. તેમને આવન જાવનની છુટ આપવામાં આવી છે.
હાલ ત્યાં તે ચાકરોના વારસદારો રહે છે. જે પશુપાલન અને ખેતીનુ કામ કરી અને અમુક લોકો નજીકના શહેરમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે.
ત્યાં રહેતા સુરેન્દ્ર અશ્ચપાળે જંગલની હદને અડીને બહારના ભાગે કિલ્લાની સામે, લાકડાના થડિયા, વાંસની પટ્ટી ત્થા ખજુરી અને સુકા ઘાસથી એક કુટીર બનાવી...કિલ્લાની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓને, ચા-પાણી, નાસ્તો આપી ગુજરાન ચલાવે છે..
જ્યારે -
તેની જ વસાહતમાં રહેતો રણજીત પગી થોડું ફોટોગ્રાફીનુ શહેરથી શીખી આવી અહીં આવતા પ્રવાસીઓના કિલ્લાની અમૂલ્ય યાદ પેટે ફોટા પાડી પેટીયુ રળે છે .

*****

બંન્ને આ વેરાન જગ્યામાં એકલા હોય ત્યારે, કુટીરમાં બેસતા, જ્યારે સરકારી પ્રવાસન વિભાગની કે ખાનગી ટ્રાવેલ્સની બસ કે અન્ય પ્રાઈવેટ વાહનો આ કિલ્લાની મુલાકાતે આવે ત્યારે બંને જણાં પોતાની રીતે રોજી રળી લેતા.
પરંતુ -
" સુરેન્દ્ર યાર શું થશે? ખબર જ કંઈ પડતી નથી. સાંભળ્યું છે કે ચીન દેશ દ્વારા કોઈ એવો ઝેરી જીવાણું બનાવી આખી દુનિયામાં ફેલાવ્યો છે જે શ્વાસમાં જાય એટલે માણસ ધીરે ધીરે ગુંગળાઈને પછી મરી જાય છે." રણજીત ચિંતા વ્યક્ત કરી રહ્યો હતો.
"હા.. યાર.. મેં પણ સાંભળ્યું છે. સરકાર લોકોને, રેડિયો, મોબાઈલ, ટી. વી. થી મોઢા પર માસ્ક પહેરી રાખવા અને વારંવાર હાથ ધોવા જાહેરાત કરે છે. "
બીડીની છેલ્લી ફૂંક મારીને એક તરફ ફેંકતા સુરેન્દ્ર બોલ્યો.
" અરે... આ લોક ડાઉન અને ક્વોરન્ટાઈન જેવા અઘરા શબ્દો મોબાઇલમાં પહેલા તો સમજાયા જ નહોતા.
છેલ્લા આઠેક મહિનાથી આજુબાજુના લોકો પાસેથી દુધ અને નાનકડી કરીયાણાની હાટડીથી છુટક અનાજ અને જંગલમાંથી ખાધ્ય વનસ્પતિ લઈ આવી ઘર ચલાવ્યું પણ...આ સાલુ આમ ને આમ ચાલ્યુ તો ભુખે મરવાનો વારો આવશે."
" ના... હવે ..આ લાંબુ ચાલે એમ નથી એટલે
થોડા દિવસ પહેલા સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવેલી છે. "
તેને કારણે લોકો હવે ઘરથી કંટાળ્યા હોઈ ધીરે ધીરે બહાર નીકળતા થયા હતા.

*****

જ્યારે લક્ઝરી બસ ને આવતી જોઈ તો બંન્નેના ચહેરા પર ચમક આવી ગઈ.
બસમાં, સોશિયલ ડીસ્ટન્સની મર્યાદાને કારણે અડધાથી ઓછા પ્રવાસીઓ હતા. સાથે તેમને સમજ આપનાર ગાઈડ પણ હતો.
સુરેન્દ્રએ ચા નાસ્તો કરવા માટે બુમો પાડતા. કંટાળેલા લોકો ચા પીવા તે તરફ ગયા.
પછી બધા ગાઈડની પાછળ કિલ્લા તરફ જવા લાગ્યા. પોતાનો કેમેરો લઈને રણજીત પણ તેઓની પાછળ ચાલ્યો.
કિલ્લા પર ગયા પછી એક તરફ અફાટ રણ... બીજી તરફ ઘટાદાર જંગલ.. લોકો કુદરતી નજારો જોઈ ખુશ થઈ ગયા અને પોતાના મોબાઈલથી ફોટા પાડવા લાગ્યા અને સેલ્ફી લેવા લાગ્યા.
રણજીત એક સુંદર કપલ પાસે ગયો અને ફોટો પડાવવા રીતસર કરગરવા લાગ્યો. કપલને દયા આવી અને ત્રણેક ફોટા પડાવ્યા. પછી તો બીજા થોડા લોકો એ પણ ફોટા પડાવ્યા.
અંદર અંદર ચર્ચા કરતુ બીજુ એક કપલ પણ તેની પાસે આવતા તે આશાથી " ફોટો પડાવશો સાહેબ?" એમ બોલી ઉઠ્યો.
બાકીના લોકો ટોળે વળી ગાઈડને સાંભળવામાં વ્યસ્ત હતા.
" અહી અગિયારમી સદીમાં રુદ્ર ભાણસિંહ રાજા તરીકે હતા, ત્યારે ઉત્તર તરફથી હિમાલયને અડીને આવેલી ઘાટીઓ ઓળંગી કુશ્યસેન જે ખુબ ક્રુર અને ધાતકી હતો તે પોતાની સેના સાથે લુંટ કરવાના આશયથી આવી ચઢતાં રાજા પાસે મર્યાદિત સેના હતી એટલે પોતાની પ્રજાના બચાવ માટે બધા દરવાજા બંધ કરાવી દીધા હતા. "
લોકો ગાઈડની વાત ધ્યાનથી સાંભળતા હતા. " રજવાડાંની રક્ષા કરવા માટે બનાવેલી દિવાલ જેની પર ઉભા રહીને સૈનિકો તીર કે આગના ગોળા ફેંકી શકે તે મજબુતાઈ જોતા દુશ્મન કંઈ કરી શકે તેમ નહતો. પરંતુ સતત ત્રણ મહિના સુધી ઝીંક ઝિલ્યા પછી... એક રાત્રે રાજા વેશબદલી જોવા નીકળ્યા. એક ગરીબ વસ્તીના છેવાડાના ઝુપડામાં નાના બાળકનો રડવાનો અવાજ સાંભળીને રાજા ઉભા રહી ગયાં.
" બા બહુ ભુખ લાગી છે......કંદમૂળ થી હવે પેટમાં દુઃખે છે કંઈ નવુ બનાવ ને?"
"હા બેટા હવે થોડા દિવસ....આપણા રાજા હવે દુશ્મનને ભગાડવાની તૈયારીમાં છે....એ..પછી.. લે'ર જ છે." એની માં ખોટુ આશ્ચાશન આપતી હતી પણ રાજાને સાચું લાગી આવ્યું.
કિલ્લા પરથી, સામેની તરફ દૂર જમીન પર દેખાતી દીવાલ તરફ ઈશારો કરી ગાઈડ આગળ બોલ્યો," બીજે દિવસે કોઈ ને પણ કહ્યા વગર રાજા પોતાના માનીતા અશ્વ પર આવીને ત્યાંથી છલાંગ લગાવી હતી. "
પ્રવાસીઓ એકી સાથે બોલી ઉઠયા," હેં...!!!ખરેખર પછી શું થયું?"
ગાઈડ બોલ્યો, " દુશ્મનો અભિમાનમાં સજાગ નહોતા અને સાવ બેફિકર થઈ આરામ કરતા વાતો કરી રહ્યા હતા. રાજા નીચે કૂદી ને સીધો જ અલગ તરી આવતી થોડી મોટી કુશ્યસેનની રાવટી તરફ ઘોડાને મારી મૂક્યો. ત્યાં પહોંચી, કૂદી અને દુશ્મન કંઈ સમજે તે પહેલા ઘોડા પરથી કુદી રાવટીમાં ઘૂસી ગયા અને ઘૂસતાની સાથેજ જમવાની શરુઆત કરી રહેલા ભૂખ્યા-ડાંસ કુશ્યસેનની ફરતે ગોઠવાયેલા બત્રીસ પકવાન જેવી ભરેલી થાળીઓ જોતા જ પોતાની ભૂખી પ્રજાનો વલોપાત યાદ કરતા ગુસ્સામાં, તલવાર કાઢી ઘણી બધી ભૂખ માટે તરફડતા તેના પાપી પેટમાં આરપાર પરોવી દીધી... "
" ત્યારબાદ રુદ્ર ભાણસિંહને કેદ પકડી દુશ્મન સેનાપતિ પોતાના વતન પરત ફરી ગયો. આ વાતની પાછળથી જાણ થતા પ્રજાએ પોતાના વીર રાજાનો જયજયકાર કર્યો...પરંતુ -
કાળક્રમે ધીરેધીરે લોકો બીજા રાજ્યમાં સ્થળાંતર કરતા ગયા.... " શાંતિથી સાંભળતા પ્રવાસીઓમાં સોપો પડી ગયો.
આ બાજુ ફોટો પડાવવા ઊભેલું કપલ, જંગલ અને રણ વચ્ચે જ્યાંથી રાજાએ છલાંગ લગાવી હતી તે દિવાલનો ખૂણો દેખાય તે રીતે ઉભા રહી ફોટો પડાવવા માટે રણજીતને ક્હ્યું અને તે ફોટો પડી ગયા બાદ છલાંગ લગાવવા રાજા જે કિલ્લામાંથી ગયેલા તેની યાદગીરી રૂપે સામેની તરફ બુરજની તરફ પહોંચી ફોટો ખેંચવા કહ્યું.
રણજીત ઘણાં મહિનાઓ પછી આજે આટલુ કામ મળતા ખુબ ખુશ હતો. મનમાં વિચારી રહ્યો, " કેટલા દિવસથી તેનુ નાનુ બાળક સારુ ખાઈ શક્યુ નથી? બે દિવસથી તો ગળ્યું કંઇ ખાવાની જીદ કરે છે. આજે તો ઘરે થોડું ઘી અને ગોળ લઈ જઈ તેની મા પાસે તેના જેટલો શીરો કે સુખડી બનાવવા જણાવીશ ."
આ સુખદ વિચારોમાં કિલ્લાની બુરજને એકદમ અડીને ઉભેલો રણજીત ખુશીના આવેગમાં ફોટાની સરખી ફ્રેમ લેવા સ્હેજ પાછળની તરફ જવા ગયો......
પણ-
કેમેરાની ક્લીક દાબતા જ, પડવાની અણી પર ઊભેલો જર્જરીત ભાગ ટુટતાની સાથેજ બેલેન્સ ગુમાવી રણજીત સીધો નીચે ખાબકયો, પડતાની સાથે જ એક ચીસ સાથે ઝાડી ઝાંખરા અને આડાઅવળા ઊગેલા ઘાસમાં જઈ પડ્યો.
તેના હાથમાંથી છટકીને ઘાસમાં પડેલા, ચાલુ કેમેરાની સ્ક્રીન-પટ પર ઈતિહાસની ક્ષણનો ફોટો પડાવ્યાનો સંતોષ કપલની આંખોમાં ડોકાતો હતો..
તો-
આકાશ તરફ ખુલ્લી આંખે ચત્તાપાટ થઈ ઉઝરડા પડેલા ઘાયલ શરીરથી કણસતા રણજીતની આંખોમાં..... ભુખની પીડા.....

*****************************************