ગુજરાતના શીલ્પી બાબુભાઇ
•.¸♡ Dipak Chitnis ♡¸.• (dchitnis3@gmail.com)
આજનું ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યમાંથી તારીખ ૧લી, મે ૧૯૬૦ ના રોજ ભાષાની દૃષ્ટિએ અલગ થયેલ ગુજરાત રાજ્ય છે. ૧૯૪૭માં આઝાદી પ્રાપ્ત થઇ તે સમયે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન થયું. જે ત્રણ ભાગ એટલે કચ્છ સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સમય આંતરે ભાષાની દૃષ્ટિએ ભારત દેશના વિવિધ રાજ્યો થયા તેમાં મહાગુજરાત આંદોલન થકી મરાઠી ભાષાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષાની દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો જન્મ થયો અને જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પણ આવી ગયા. આ ગુજરાત રાજ્ય પશ્ચિમ દિશાએ અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ પાકિસ્તાન, ઉત્તરપૂર્વે રાજસ્થાન મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર, દિવ દમણ દાદરા નગર હવેલીના પ્રદેશોથી ઘેરાયેલ છે.
આ એ જ ગુજરાત રાજ્ય છે જેણે ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મહાન વિભૂતિ એવા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી મહાપુરુષોની જન્મ આપી દેશને ગુલામીના ખપ્પરમાંથી મુક્ત કરાવવા માટે મહત્વનું યોગદાન આપેલ છે.
આ ગુજરાત રાજ્યની ૧લી મે ૧૯૬૦ ના રોજ સ્થાપના થયા બાદ આજ દિન સુધીમાં અનેક મુખ્યમંત્રીઓ આવી ગયા. જેમાં બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતને એક એવા મુખ્યમંત્રી મળ્યા કે તેમના જેવી વિરલ વ્યક્તિ ક્યારે પણ ગુજરાત નહિ મળે તેનો અફસોસ કાયમ રહેશે. બાબુભાઇ જશભાઇ પટેલનો જન્મ તા. ૯/૨/૧૯૧૧ ના રોજ નડીઆદ મુકામે થયેલ હતો. તા. ૧૯/૧૨/૨૦૦૨ ના રોજ ગાંધીનગર મુકામે ૯૧ વર્ષની જૈફ વયે તેમનો દેહાંત થયેલ હતો.
ગુજરાતની સ્થાપના બાદ જે મુખ્યમંત્રીઓ એ ગુજરાતનો કાર્યભાર સંભાળેલ છે જે નીચે મુજબ છે.
(૧)ડોક્ટર જીવરાજ મહેતા૧/૫/૬૦ થી ૧૯/૯/૧૯૬૩
(૨)બળવંતરાય મહેતા૧૯/૯/૧૯૬૩ થી ૨૦/૯/૧૯૬૫
(૩)હિતેન્દ્રભાઇ દેસાઇ૨૦/૯/૧૯૬૫ થી ૧૨/૫/૧૯૭૧
(૪) ઘનશ્યામભાઈ ઓઝા૧૭/૩/૧૯૭૨ થી ૧૭/૭/૧૯૭૩
(૫) ચીમનભાઈ પટેલ૧૮/૭/૧૯૭૩ થી ૯/૨/૧૯૭૪
(૬) બાબુભાઈ જશભાઈ પટેલ૧૮/૬/૧૯૭૫ થી ૧૨/૩/૧૯૭૬
(૭) માધવસિંહ સોલંકી૨૪/૧૨/૧૯૭૬ થી ૧૦/૪/૧૯૭૭
(૮) બાબુભાઈ જશભાઈ પટેલ૧૧/૪/૧૯૭૭ થી ૧૭/૨/૧૯૮૦
(૯) માધવસિંહ સોલંકી૭/૬/૧૯૮૦ થી ૬/૭/૧૯૮૫
(૧૦) અમરસિંહ ચૌધરી૬/૭/૧૯૮૫ થી ૯/૧૨/૧૯૮૯
(૧૧) માધવસિંહ સોલંકી૧૦/૧૨/૧૯૮૯ થી ૪/૩/૧૯૯૦
(૧૨) ચીમનભાઈ પટેલ૪/૩/૧૯૯૦ થી ૧૭/૨/૧૯૯૪
(૧૩) છબીલદાસ મહેતા૧૭/૨/૧૯૯૪ થી ૧૪/૩/૧૯૯૫
(૧૪) કેશુભાઈ પટેલ૧૪/૩/૧૯૯૫ થી ૨૧/૧૦/૧૯૯૫
(૧૫) સુરેશભાઈ મહેતા૨૧/૧૦/૧૯૯૫ થી ૧૯/૯/૧૯૯૬
(૧૬) શંકરસિંહ વાઘેલા૨૩/૧૦/૧૯૯૬ થી ૨૭/૧૦/૧૯૯૭
(૧૭) દિલીપભાઈ પરીખ૨૮/૧૦/૧૯૯૭ થી ૪/૩/૧૯૯૮
(૧૮) કેશુભાઈ પટેલ૪/૩/૧૯૯૮ થી ૬/૧૦/૨૦૦૧
(૧૯) નરેન્દ્રભાઈ મોદી૭/૧૦/૨૦૦૧ થી ૨૨/૫/૨૦૧૪
(૨૦) આનંદીબેન પટેલ૨૨/૫/૨૦૧૪ થી ૭/૮/૨૦૧૬
(૨૧) વિજયભાઈ રૂપાણી૭/૮/૨૦૧૬ થી ૨૬/૧૨/૨૦૧૭
(૨૨) વિજયભાઈ રૂપાણી૨૬/૧૨/૨૦૧૭ થી હાલ ચાલુ
આમ ગુજરાત રાજ્ય ને અત્યાર સુધીમાં ૨૦થી વધુ મુખ્યમંત્રીઓ આપેલ છે. જેમાં બાબુભાઈ જશભાઈ પટેલ સાચા અર્થમાં ખાદીધારી એવા કે જેમની નસે-નસમાં સાદગી નું આચરણ કરેલ હોય અને મુખ્યમંત્રી તરીકે કોઈ પણ આડંબર તેમણે દાખવેલ નથી. તેઓના વ્યક્તિગત જીવન માટે કેટલાક મહાન લેખકો તેમજ તેમની સાથે નજીકથી સંપર્કમમાં આવેલ વ્યકિતઓએ તેમની સાદગી અંગેના કેટલાક તેમના વિચારો રજુ કરેલ જેને“મહેન્દ્ર મેઘાણી સંપાદિત દ્વારા અરધી સદીની વાચનયાત્રા” મા રજુ કરવામાં આવેલ છે જેને હું આજે રજુ કરું છું.
સૌથી નાના ધારાસભ્ય
૧૯૪૯ થી ૧૯૫૭ સુધી બાબુભાઈ મુંબઈ રાજ્યના પ્રધાન મંડળમાં હતા. તે આઠ વર્ષમાં એમણે સાત ટ્રંકકોલ પણ કરેલ નહીં. ટપાલમાં પોસ્ટ કાર્ડ થી પતે તો કવર ન લખે. ૧૯૨૮માં તે વડોદરા કૉલેજમાં ભણતા હતા ત્યારે..આખા વરસ નો ખર્ચ રૂપિયા 350, એમાં કૉલેજની ફી ઉપરાંત ભોજન બિલ ના 220. તે જમાનામાં કોલેજના છાત્રાલયમાં જે સળંગ ત્રણ દિવસ ન જમે તેને ભોજન બીલમાં કટ અપાતો. બાબુભાઈ શનિવારે ન જમે. રવિવારે ઘેર ગયા હોય અને ત્યાંથી લાવેલો નાસ્તો સોમવારે ખાઈને ચલાવી લે.
૧૯૩૦માં સત્યાગ્રહ વખતે સ્વયમ સેવક બનીને બાબુભાઈ મુંબઈ ગયેલા કોંગ્રેસની છાવણીમાં રહે અને દક્ષિણી લોજમાં ટંકના ચાર આના આપી જમે. સાંજે બે પૈસા ના ચણા લઈને ચલાવી લે. બસ કરતા ટ્રામ સસ્તી, એટલે તેમાં આવ-જા કરે. સ્વયંસેવકોનો ખર્ચ કોંગ્રેસ ભોગવતી. પણ બાબુભાઈ માને કે કોંગ્રેસના પૈસા ગરીબો માટે છે. માટે તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો.
૧૯૩૦માં કોલેજ છોડીને બાબુભાઈ સત્યાગ્રહમાં જોડાયેલા, જેલમાં ગયેલા. ત્યાંથી છૂટીને ભણતર પુરું કરવા પાછા કોલેજમાં જોડાયા. દરમિયાન ધારાસભાની ચૂંટણી આવી. તેમાં કોંગ્રેસે બાબુભાઈને ખેડા જિલ્લામાંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા. કલેક્ટર ઓફિસમાં તે માટે ફોર્મ ભરવા ગયા, તો નાજુક ની નાનકડા દેખાતા બાબુભાઈને ૨૫ વર્ષ થયા છે કે કેમ તેની કલેક્ટરને શંકા ગઈ. ઉમરનો પુરાવો આપ્યો ત્યારે એમનું ઉમેદવારી પત્ર સ્વીકારાયું. મુંબઈ રાજ્યમાંમાં એ વયમાં સૌથી નાના ધારાસભ્ય બન્યા. (કમલા પરીખ)
પટાવાળા ની પડખે
બાબુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. તે સમયે એક સમારંભ યોજવામાં આવ્યો હતો. ખુલ્લા મેદાનમાં સ્ટેજ બંધાઇ ગયું હતું. મહેમાનો અને પ્રેક્ષકો માટે સેંકડો ખુરશીઓ મુકાઈ ગઈ હતી. મુખ્ય મહેમાનને આવવાની થોડી જ મિનિટો બાકી હતી. એટલામાં મેઘરાજાની પધરામણી ના ધડાકા-ભડાકા આકાશમાં થવા લાગ્યા. સમારંભનું સ્થળ તાકીદે ખસેડીને બાજુના હોલમાં લઇ જવાની જરૂર ઊભી થઈ. તે સમયે હાજર રહેલ બે-ત્રણ પટાવાળાએ ખુરશીઓ ઉચકીને બાજુના હોલમાં મૂકવા માંડી. બાબુભાઈએ જોવું ત્યાં બે-ત્રણ પટાવાળા સમયસર અંદર ખુરશીઓ મુકી નહીં શકે. અને હમણાં જ મુખ્ય મહેમાન ની સવારી આવી પહોંચશે. ઉપકુલપતિ ના પોતાના મોભાને બાજુએ મૂકીને બાબુભાઈ એ તરત જ ખુરશીઓ ઉચકીને બાજુના હોલ માં મુકવા માડી.
મુખ્યમંત્રી તરીકે પોતાને જ્યાં પણ જવાનું હોય ત્યાં તેમનો કાર્યક્રમ બાબુભાઈ પોલીસને જણાવતા નહીં. જેથી પોલીસની રોજ-બરોજની કામગીરીમાં દખલ ના પડે. ઉપરાંત પોલીસ માં ભારે બંદોબસ્તના કારણે તેમના ભાડા ભથ્થા નો બોજ સામાન્ય લોકોના શીર ઉપર પડે નહીં. તેઓ કહેતા કે, હું લોકોનું છું. લોકો મારા છે. પછી મારે કોના થી ડરી ને ચાલવાનું ?
ગુજરાત વિધાનસભાની ૧૯૭૨ની ચૂંટણીમાં બાબુભાઈ હાર્યા ત્યારે અમે તેમને મળવા ગયેલા. એ સમયે એમના મુખ ઉપર પરાજયના દુઃખની નાની સરખી રેખા પણ દેખાતી નહોતી. અને ખૂબ રસથી કવિ નર્મદ નું જીવન ચરિત્ર એ વાંચી રહ્યા હતા. ( પ્રવીણકાન્ત મો. શાહ )
ધનવાન કોણ!
અમારા ઉદ્યોગ ભારતી ટ્રસ્ટની ગોંડલમાં મીટીંગ હોય ત્યારે મોટાભાગે પ્રમુખ બાબુભાઈ ની હાજરી નક્કી હોય. આવી એક મિટિંગ માટે તેમને ગાડી મોકલવાનું મેં જણાવ્યું. પરંતુ તેમણે ના પાડી ને કહ્યું કે હું કોઈ સથવારે કે મારી રીતે સમયસર પહોંચી જઈશ.
પછી આવ્યા ત્યારે કહે, તમે મારે માટે મોટી ગાડી મોકલત. તું કેટલી કિંમત ની ગાડી મોકલવાના હતા ? એ વખતે સંસ્થા પાસે સેકન્ડ હેન્ડ ફિયાટ ગાડી હતી. જેની કિંમત રૂપિયા ૨૫ હજાર મેં જણાવી. જવાબમાં બાબુભાઈ કહે, ત્યારે હું તો પાંચ લાખ રૂપિયા ની ગાડી માં આવી પહોંચ્યો ! બોલો ધનવાન હું કે તમે ? કેવી રીતે ગાંધીનગર થી ગોંડલ એસટી બસમાં એવા આવ્યાની વાત એમણે હસવામા ઉડાવી દીધી.
બાબુભાઈ ૧૯૬૩માં ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ના પ્રમુખ નિમાયા હતા. બોર્ડના સચિવ મનુભાઈ બક્ષી પાસે હું એકવાર બેઠો હતો ત્યાં મુખ્ય વહીવટી અધિકારી આવીને કહે, “ આપણા કેટલાક દફ્તરોમાં ઘડિયાળો આગળ પાછળ રહેતી હોય છે. તેને એક સરખા સમયે મુકવાની જરૂર છે. “ તો કઈ ઘડિયાળ ને સ્ટાન્ડર્ડ ગણવી ?” ક્યારે મનુભાઈએ સૂચવ્યું કે બોર્ડના પ્રમુખ બાબુભાઈનો ઓફિસમાં આવવાનો સમય સાંજના ચાર નો છે. બાબુભાઈ બરાબર ચારને ટકોરે આવી પહોંચતા હોય છે. સમય મુજબ બધી ઘડિયાળો મેળવી લેવી. (હરગોવિંદ પટેલ)
પતિનું સૌભાગ્ય
બાબુભાઈના પત્ની લીલાબેનના અવસાન પસંદગી મેં તેમને કાગળ લખેલો તેનું બાબુભાઈએ જવાબ આપેલો. તેમાંથી સમજાય છે કે કેટલું સુંદર તેમનું જીવન હતું. પત્રના અંશો ઉતારું છું.
૪૪ વર્ષનો અમારો સહવાસ એક દિવસમાં જ પૂરો થઈ ગયો. અમે કડવા-મીઠા અનુભવો વચ્ચે એક બીજાને સહારે અમે ટકી રહ્યા.
એમની ઇચ્છા મુજબ સાથે જઈને મેં કદી ઘરેણું ન ઘડવા આપ્યું. આટલા વરસમાં એમને માટે ત્રણ જ સાડી ખરીદી. નાટક સિનેમા હોટલના શોખ ન કરાવ્યા. જ્ઞાતિ રિવાજમાં મેં તેમને સાથ ન આપ્યો. છતાં મેં પ્રસન્ન દાંપત્ય ભોગવ્યું. એમાં ભણેલા-ગણેલા કહેવાતા મારા કરતા, ગામડામાં ઓછું ભણીને મારા જીવનમાં કૌમારવયે પ્રવેશ કરનાર એમનો હિસ્સો ઘણો મોટો છે. મારા જીવનને અનુરૂપ કરકસરયુ, ખડતલ, અગવડભર્યું, જીવન પ્રમાણિક પ્રયત્નથી એમણે ઘડ્યું. વર્ષો સુધી મને અન્ન,વસ્ત્રો અને આશ્રય આપ્યો.
મેં ૧૯૩૮ થી કાતીને ખાદી પહેરવાનું શરૂ કરેલું. તે મારી ઇચ્છાનુસાર અત્યાર સુધી એમણે પૂરી કરી. મરતા પહેલા મારે માટે સાત જોડી નવા કપડાં તૈયાર કરી મૂકતા ગયા. બહારનું ન ખાવું, એવી મારી વૃત્તિને પોષવા ભાતભાતની વાનગીઓ શીખ્યા. અને મારી સ્વાદેન્દ્રિયને અંત સુધી પરિશ્રમ પૂર્વક સંતોષતા ગયા. એવા પુણ્યાત્માનો સંગ મને ૪૪ વર્ષ સુધી મળ્યો. એ મારું પરમ સૌભાગ્ય. આજે અમે ક્લેશ કરીએ છીએ તે ફક્ત તો અમારા ઘવાયેલા સ્વાર્થ માટે. બાકી એ તો સ્વસ્થતાંથી મૃત્યુને ભેટયા.(શૂશીલાબેન પ્રો. વૈદ)
પોતે જાતે
પોતાને મળતા એકેએક પત્રનો પોતાની સહીથી સીધો જવાબ લખવાના આગ્રહી બાબુભાઈના સ્ટેનોગ્રાફર તરીકે પાંચ વર્ષ કામ કરવાની તક મનેમળી હતી. કોઈને મુલાકાત આપવાની હોય તેની નોંધ રાજ્યના એ મુખ્યમંત્રી જાતે પોતાની ડાયરીમાં લખતા, કોઈ નિમંત્રણ આવ્યું હોય તેનો જવાબ પોતે જ આપે ને ડાયરીમાં તે નોંધી લે. તમારે હવે આ ગામે આ કાર્યક્રમમાં જવાનું છે,એવું કોઈએ એમને યાદ કરાવવાનું રહેશે નહીં.
સચિવાલયમાં બપોરે ૧૨-૦૦ વાગે ટપાલ આવે તેનાં કવર ખોલી કાગળો વ્યવસ્થિત ગોઠવી કર્મચારી બાબુભાઈને પહોંચાડે એટલે તમામ ટપાલ પોતે જુએ, દરેક ટપાલ પૂરી સૂચના લખે કે કરવાની કાર્યવાહી બાબતે નોંધ કરી, તારીખ નાખી ટૂંકી સહી કરે. બાકીની ટપાલ માટે સ્ટેનોને બોલાવીને ડીકટેશન આપે. (આઇ.એન. સૈયદ)
પરિપત્ર ઠરાવ
બાબુભાઈ નડિયાદની સંસ્કાર સભાના પ્રમુખ હતા. સંસ્કારસભામાં એક અગત્યનો ઠરાવ તાકીદે કરવાનો હોય તે અંગે પરિપત્ર કાઢીકારોબારીના સૌ સભ્યોની સહી લેવાનું બાબુભાઈએ મને જણાવ્યું. કે કારોબારીના ૧૧ સભ્યોમાંથી ૧૦ સભ્યોએ સહી કરી. એક સભ્યે તેમાં પોતાનો વિરોધ દર્શાવ્યો. એટલે બાબુભાઈએ નિયત સમય આપીકારોબારીની મીટીંગ બોલવવા કહ્યું. મેં તેમને પૂછ્યું : ‘‘૧૧માંથી ૧૦ સભ્યો સહમત છે, તો ઠરાવ બહુમતીથી કેમ પાસ ન કરી શકાય ?’’
બાબુભાઈએ મને સમજાયું કે વિરોધ કરનાર સભ્ય એમ કહી શકે કે જો તેને સભ્યોને રુબરુ મળવાની તક મળી હોત તો તે બીજાને પોતાના મતના કરી શક્યો હોત. કોઈપણ પરિપત્ર ઠરાવ સર્વાનુમતે જ થઈ શકે. તેથી એ ઠરાવમાટે એક અઠવાડિયા પછી મીટીંગ બોલાવવામાં આવી. (મધુકર લ. પટેલ)
એક જ વાક્ય
ગુજરાતમાં જનતા મોરચાની સરકારના બાબુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એક ધારાસભ્ય ગાભાજી ઠાકોરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટરને લાફો માર્યો એટલે બધા ડૉક્ટરોએ હડતાળ પાડી. એ વખતે બાબુભાઈ આવીને ડોક્ટરો ને એક જ વાક્ય કહેલું : ‘‘એક લાફાને કારણે ગરીબોની મુશ્કેલીમાં મુકીને તમે તમારો ધર્મ કેમ ચૂકો છો ?’’ અને કોઈ શરત વગર હડતાળ સમાપ્ત થઈ ગઈ !
મુખ્યમંત્રી તરીકે બાબુભાઈને વહેલી સવારથી મોડી રાત સુધી પ્રવાસમાં રહેવું પડતું. મુસાફરીથી તે થાકતા નહીં. ડીઝલથી ચાલતી એમ્બેસેડર ગાડીમાં બેઠા બેઠા ફાઈલો તપાસતા રહેતા. ગાડીમાં તેમણે નાનકડી ટ્યુબલાઇટ ગોઠવાવેલી, તેના પ્રકાશમાં રાતે પણ ફાઇલો જોવાનું નેનોંધ કરવાનું ચાલુ રાખતા.
બાબુભાઈના સંસ્કારોની સુવાસ તેમના કુટુંબમાં પણ કેવી ઉતરી હતી તેનો એક દાખલો તો લોકોએ નજરે નિહાળ્યો છે. બાબુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દીકરા સતિષભાઈ નડિયાદની ન્યુ શોરોક મિલમાં નોકરી કરતા. તે રોજ વહેલી સવારે ગાંધીનગર થી બસમાં અમદાવાદ આવતા અને ‘ગુજરાત ક્વીન’ માં નડિયાદ પહોંચી જતા.
બાબુભાઈ પોતે ઘણી વાર બસમાં ફરતા. અમદાવાદમાં લાલ દરવાજા બસ-મથક પરથી ભીડમાં બાબુભાઈ બસમાં ચડતા હતા. તેનો ફોટો છાપાંમાં છપાયા પછી થોડા દિવસ સુધી તો મુસાફરો ધક્કામુક્કી કરવાને બદલે ત્યાં લાઈનમાં ઊભા રહેલા જોવા મળતા !(રમેશ શાહ)
થેલીમાંથી ડબ્બો કાઢીને….
હું હોસ્ટેલમાં હતો. ત્યારે અમારે વિદ્યાર્થીઓને એક ‘સોવેનિયર’ બહાર પાડવું હતું. તેમાં મુખ્યમંત્રી તરીકે શુભેચ્છા સંદેશ લેવા અમે ગાંધીનગર ગયેલા, ત્યારે બાબુભાઈ કહે ‘‘તમારી ભાવના સારી છે, પણ એટલા માટે અહીં સુધી ધક્કો શા માટે ખાધો ? કાગળ લખ્યો હોત તોપણ સંદેશો મોકલી દેત.’’ તરત સંદેશો લખાવી, ટાઇપ કરાવી ને ત્યાં ને ત્યાં અમને આપી દીધો...
પણ વાત અહીં પૂરી થતી નથી. અમારું સોવેનિયર પ્રસિદ્ધ થાય તે પહેલાં બાબુભાઈની સરકાર ગઈ ! ત્યાં તો બાબુભાઈનો પત્ર આવ્યો કે, હવે હું મુખ્યમંત્રી નથી માટે મારા સંદેશા નીચે ‘માજી મુખ્યમંત્રી’ લખશો.
૧૯૯૦માં મોરબીથી વિધાનસભામાં ચૂંટાયા પછી બાબુભાઈ પટેલેચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં નર્મદા ખાતાનો હવાલો સંભાળેલો. તે વખતે ૮૦ વર્ષના બાબુભાઈ નિયમિત મોરબી જઇ પોતાના મતવિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળતા. એ જોઈને મુખ્યમંત્રી ચીમનભાઈ એક વાર રમૂજમાં બોલેલા કે બાબુભાઈ આ ઉંમરે છેક મોરબી સુધી નિયમિત જાય છે, પણ મારાથી અહીં નજીક ઉંઝા સુધી જવાતું નથી એટલે લોકો મારી ટીકા કરે છે !
એક મજૂર મહાજનના કાર્યક્રમમાં તેઓ વહેલા આવી ગયા, એટલે મેં કહ્યું કે બાબુભાઈ, તમે વહેલા છો. તો મને કહે કે, ‘‘મારે હજુ ખાવાનું બાકી છે: ખાઈશ ત્યાં સુધીમાં સમય થઈ જશે.’’ એટલે મારી મૂંઝવણ વધી ગઈ કે એ સમયે બાબુભાઈને હું શું ખવડાવવું ? પણ ત્યાં તો એમણે થેલીમાંથી ડબ્બો કાઢીને નાની ભાખરી ખાવા માંડી ! (મણિભાઈ પટેલ)
છઠ્ઠા દીકરા
૧૯૮૪માં પેન્શન તારા વિરુદ્ધ મેં ઉપવાસ કર્યા. મારા ૨૩મા ઉપવાસને દિવસે બાબુભાઈ ૧૪ અગ્રણીઓની સહીઓ સાથેનો એક પત્ર લઈને આવ્યા.
પત્રમાં મને વિનંતી કરવામાં આવી હતી કે મારે ઉપવાસ છોડી દેવા,મારો પ્રશ્ન તેઓ ઉપાડી લે છે. મેં એ માન્ય રાખીને ઉપવાસ છોડેલા. આપેન્શન ધારાનો અમલ ન કરવા માટે સરકાર સાથે વાટાઘાટો, લખાણો,વિવિધ પ્રકારની રજૂઆતો બાદ પણ કાંઈ જ પરિણામ આવ્યું નહીં. બાબુભાઈ નર્મદા અંગેના મંત્રીપદે હતા. તે વખતે પેન્શનધારાનો અમલ શરૂ કરવા માટે પક્ષના ધારાસભ્યોનું અનહદ દબાણ હતું. લોકશાહીમાં બહુમતીનામતને અવગણી ન શકાય વગેરે દલીલો થઇ. ‘પેન્શન આપવાનું શરૂ કરવું’ એવું નક્કી થવાની અણી પર હતું. ત્યારે બાબુભાઈએ જાહેર કર્યું કે ‘‘બહુમતીના જોરે સિદ્ધાંત વિરુદ્ધનું કામ થવાનું હોય તો હું રાજીનામું આપીશ.’’ અને અન્ય બે મંત્રીઓ દિનશા પટેલને બાબુભાઈ વાસણાવાળાએ પણ આ જ વાત કરી પરિણામે પેન્શનધારાનો અમલ વળી મોકુફ રહ્યો.
દરબાર ગોપાળદાસ દેસાઈના અમે પાંચ દીકરા હતા, પણ બાબુભાઈ જશભાઈ પટેલ અમારા છઠ્ઠા ભાઈ હતા. એટલે મારાં માતુશ્રી ભક્તિબાના અવસાન વખતે તેમને અગ્નિદાહ દેવાની મેં બાબુભાઈને વિનંતી કરેલી. (મહેન્દ્ર ગો. દેસાઇ)
ભરત-મિલાપનું વણઁન
કટોકટીનો વિરોધ કરવા માટે બાબુભાઈ અને મેં દક્ષિણ ભારતનોપ્રવાસ ગોઠવેલો. એક સ્થળે અમે પહોંચ્યા ત્યારે ‘રામાયણ’નું પારાયણ ચાલતું હતું. રામને અયોધ્યા પાછા લઇ આવવા માટે વનવાસ દરમિયાનભરત તેમને મળવા ગયેલા. તે પ્રસંગ કથાકાર વર્ણવતા હતા. તેમના અને આયોજકોના આગ્રહથી બાબુભાઈ બોલવા ઊભા થયા. રામ-ભરત મિલાપનુંતેમણે એવું હ્રદયસ્પર્શી વર્ણન કર્યું કે કથાકાર અને શ્રોતાઓની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા.(દિનેશ શાહ)
કોણ ધક્કા મારતું હતું....
એસ.ટી બસના ગાંધીનગર ડેપોમાં મારી બદલી થઇ પછી એક દિવસ હું ગાડી નંબર 6950માં કંડક્ટરની ફરજ બજાવતો હતો. અમદાવાદમાં સર્કિટ હાઉસ આગળ અમારી ગાડી અચાનક બંધ પડી ગઈ. અમારા ડ્રાઇવર કાંતિભાઈ રાવળે બસમાંના બારેક મુસાફરોને ગાડીને ધક્કા મારવાની વિનંતી કરી. અમે સૌ ધક્કા મારતા હતાં, ત્યાં મારી નજર ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઇ પડી- એક હાથમાં ચોપડા ભરેલી થેલી સાથે તેઓ બસને ધક્કો મારતા હતા! (કમલેશ સોલંકી)
ધન્ય પોણો કલાક
‘કટોકટી’ પછી બાબુભાઈ પટેલની સરકાર બરતરફ થઇ. બાબુભાઈ ની ધરપકડ કરીને પહેલાં જુનાગઢની જેલમાં મોકલવામાં આવ્યા. પછી ત્યાંથી અમે બીજા સાથીઓ જ્યાં હતા તે વડોદરાની જેલમાં આવ્યા. ત્યાં એમને આપેલા વિશાળ ઓરડામાં પ્રવેશતાં પહેલી છાપ વ્યવસ્થિતતાની પડે. ટેબલપર એક પણ પત્ર કે વસ્તુ અવ્યવસ્થિત નજરે ન પડે. ટેબલની બાજુના ઘોડા પર તેમની પેટીઓ વ્યવસ્થિત ગોઠવાયેલી રહેતી. તેમનું જેલજીવન રોજ સવારે ફરવાના કાર્યક્રમથી શરૂ થાય, ત્યારે ૬૪ વર્ષની ઉંમરે યુવાનને શરમાવે એવા જુસ્સાથી તે ઝડપથી સવાર-સાંજ થઈને પાંચેક માઈલ ચાલતાં. બે મુખ્ય પ્રવૃત્તિ વાંચવું એ કાંતવું. રોજની ટપાલના રોજ જવાબ ન આપે ત્યાં સુધી તેમને ચેન પડે નહીં. ક્યારેક ચાર કલાક ટપાલ લખવામાં ગાળતા. રોજ સાંજે પ્રાર્થના બધા સત્યાગ્રહી કેદીઓ એકઠા થતાં. સંસ્કૃત કાવ્ય ‘રઘુવંશ’નો રસાસ્વાદ બાબુભાઈ કરાવતા ત્યારે એ પોણો કલાક અમારે માટે ધન્ય બની જતો. (નવલભાઇ શાહ)
બેભાન અવસ્થામાં પણ...
બાબુભાઇ સાહિત્યના રહસયા. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પર પ્રભુત્વ. સંસ્કૃતમાં ભવભૂતિ અને કાલીદાસ તેમના પ્રિય કવિઓ. ‘રુકમણિ-વિવાહ’ સંસ્કૃતમાં એવું સરસ ગાય ને સમજાવે કે અમે તેમને વારંવાર તેની ફરમાઇશ કરીએ. ગુજરાતી સાહિત્યમાં પણ છેલ્લામાં છેલ્લી કૃતિઓ સુધીનું વાંચન હોય. છેલ્લા વર્ષોમાં શરીર ક્ષીણ થઇ ગયેલું,પણ સ્મૃતિભ્રમ પણ થઇ જાય ત્યારેએમને મળવા ગયેલો તો કેમ જાણે શું સુઝયું કે સ્વરાજની લડતનાં ગીતોસંભળાવવા માંડયા :
નહીં નમશે રે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું !
લગભગ બેભાન અવસ્થામાં પણ દેશભકિતનાં ગીતો એમને યાદ આવતાં અંધકવિ હંસનું પેલું ગીત તો બહુ સુંદર રીતે ગાયું :
ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા ! ઊતર્યા કાંઇ આથમણે ઓવારે રે,
પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળા ઊતર્યા !
(મોહનભાઇ પટેલ)
‘‘ડોક્ટરેટ કોને મળી છે !’’
નડિયાદના પ્રા. રામચંદ્ર પંડ્યાને મહાકવિ કાલિદાસ ઉપરના તેમના મહાનિબંધ માટે ડોક્ટરેટની ઉપાધિ મળી હી. શ્રી પંડ્યાનું બહુમાન કરવા સંસ્કાસભા તરફથી સંતરામ મંદિરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અન્ય વક્તાઓનાં પ્રવચન પછી પ્રમુખસ્થાનેથી બાબુભાઇએ ‘મેઘદૂતથી’’ શરૂ કરી કાલિદાસની અન્ય કૃતીઓનું જે રસપ્રદ વર્ણન કર્યુ તે સાંભળી શ્રી રામચંદ્ર પંડ્યાએ જણાવ્યું કે, કાલિદાસ અને સંસ્કૃત સાહિત્ય વિશે બાબુભાઇને આજે સાંભળીને, મને ડોક્ટરેટ મળી છે કે શ્રી બાબુભાઇનેતે અંગે મને શંકા થાય છે !
એક પ્રસંગે ડાકોરમાં એક સભામાં દેશના મંડલેશ્વરો અને વિદ્વદ્દજનોની ઉપસ્થિતિમાં ‘ભગવદ્ ગીતા’ ઉપર બાબુભાઇએ ૪૫ મીનિટ સુધી અસ્ખલિત સંસકૃતમાંમનનીય પ્રવચન આપ્યું હતું ! એ સાંભળી સૌ વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
બાબુભાઇને તેમનું જીવનચરીત્ર લખવા વિનંતી કરતા પત્રો મેં લખ્યા હતા. જવાબમાં તેમણે મને લખ્યું : ‘‘મારા જીવનમાં એવું કાંઇનથી કે હું મારું જીવનચરિત્ર લખું. મારી એવી કોઇ જ સિદ્ધિ નથી. મારું તો અન્યની જેમ સામાન્ય જીવન રહ્યું છે, તેથી જીવનચરિત્ર લખવાનો કોઇ પ્રશ્ન નથી.’’(મધુકર લ. પટેલ)
પોતાનો નિયમ : પોતે દંડાયા !
બાપુજી ઘરમાં રહે, પણ મહેમાનની જેમ, કયારેય કશું માંગવાનું નહીં,કોઇ સૂચન કરવાનું નહીં. એમનું કબાટ એકદમ વ્યવસ્થિત. થેલામાં કપડાં લઇ બહારગામ જાય, પણ ગોઠવે સુંદર કે એક પણ કરચલી ન હોય. એમનાં કપડાંને અસ્ત્રી કરીએ એતે જરાય ન ગમે. પોતાનું બધું કામ જાતે કરે . છેલ્લેસુધી જમીને થાળી જાતે જ ઉપાડતા. છેલ્લાચાર વર્ષ આંખ ગુમાવી હતી છતાં કદી કોઇની મદદ માગીનથી. ખૂબ મિતભાષી.કદી કોઇનું ઘસાતું બોલ્યા નથી.
૩૬ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. દરેકની મિટિંગ વખતે ગાડીલેવા આવશે, એવો સંદશો આવે પણ ના કહે : એક જણ માટે આટલું પેટ્રોલ ના બળાય બસ કે ટ્રેનમાં જાય.
સમયની એમની શિસ્ત તો ખૂબ જાણીતીછે. મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર કેબિનેટની મિટિંગ સવારે ૮-૦૦ વાગે હતી. સમય થઇ ગયો હતોપણ તેઓ તો કસરત,સ્નાન, નાસ્તો, કરતા રહ્યા. અમને થયું કે મિટિંગ બંધ રહી હશે કે શું, તેથી પ્રભાકરભાઇ મિટીંગના સ્થળે જોવા ગયા. તો આખુ૦ મંત્રીમંડળ રાહ જોતું બેઠેલું. તરત પાછા આવીને ખબર આપ્યા, બાપુજીએ કાંડા ઘડીયાળ જોયું તો તેમાં હજી ૮.૦૦ નહોતા વાગ્યા-બંધ પડી ગયેલું ! બધા સમયસર આવે તે માટે બાપુજીએ જ નિયમ કરાવેલ : મંત્રી જેટલી મિનિટ મોડા આવે, તેટલા રૈપિયા દંડ, કદી મોડા નપડનાર બાબુભાઇ આજે ખરા પકડાયા, એમ માની બધા તાકીને બેઠેલા. રૂમમાં દાખલ થતાં ૮.૧૫ થયેલ: બાપુજીએ રૂ. ૧૫.૦૦ ધરી દીધા. (ગિરાબેન સ. પટેલ)