Strange story sweetheart .... - 25 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની.... - 25

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની.... - 25

મીતનાં આવ્યાં પહેલાં પ્રિયા સમય પસાર કરવાનાં બહાના શોધતી રહેતી હતી ને હવે સમયનો એવો અભાવ રહેતો હતો કે માંડ-માંડ ટી. વી. પર એકાદી સિરિયલ જોવા મળતી હતી. મીતનાં લાલન-પોષણમાં જ દિવસનો મોટાં ભાગનો સમય એનો જતો રહેતો હતો. સુશીલે ઘરનાં એક રૂમને એટલાં બધાં જાત-જાતનાં રમકડાંથી ભરી દીધું હતું કે જાણે એ રૂમમાં અંદર જતાં જ ટૉય લેન્ડમાં આવી ગયાં હોય એવું લાગતું. આ બધું જોઈને પ્રિયા છક થઈ ગઈ હતી. એને પોતાનું બાળપણ યાદ આવ્યું, એને નાનપણમાં રમવા માટે બે -ચાર ઢીંગલીઓ અને એક કિચન - સેટ જ મળ્યા હતાં.

આમ તો હવે સુશીલે રાત્રે ઘરે મોડાં આવવાનું છોડી દીધું હતું, ક્યારેક જ એ મોડો પડતો ને એની જાણ એ પહેલેથી પ્રિયાને કરી રાખતો. પણ એક દિવસ ઘણી રાત થઈ ગઈ હોવા છતાં ઘરે આવ્યો ન હતો અને એ વિશે અગાઉથી પ્રિયાને જણાવ્યું પણ નહોતું. એટલે પ્રિયાને ઘણી ચિંતા પેસી ગઈ. એણે સુશીલને મોબાઈલ કર્યો. પહેલી વારમાં તો સુશીલે ફોન ન ઉપાડ્યો. એટલે પ્રિયાએ બીજીવાર કર્યો. બહુ લાંબી રીંગ વાગ્યા પછી સુશીલે ફોન ઉપાડ્યો.

"હૅ...લ્...લો..."

"સુશીલ ક્યાં છે તું...., કેમ હજી સુધી આવ્યો નથી...., મને તારી ચિંતા...થાય...છે...."

"આવું...છુ..., હમણાં..., અમ્ં...અં..., તું....ફોન...મૂક..."

"સુશીલ તું કેમ આવી રીતે બોલે છે....?, શું થયું છે...તને...? , તું ઠીક તો...છે..ને..."

"હા...., હું...ઠીક જ છું....તું હમણાં ફોન મૂકી દે...., મૂકી દે..." એમ કહી સુશીલ ફોન મૂકી દે છે.

પ્રિયા ચિંતામાં એની રાહ જોઈને જાગતી બેઠી હતી. થોડી વાર થઈ હશે ને સુશીલ ઘરે આવ્યો. આવીને સીધો એ પોતાનાં રૂમ તરફ જઈ રહ્યો હતો ને પ્રિયાએ એને રોક્યો,

"સુશીલ...તેં...દારૂ...પીધું...છે...?, તારાં પગ લથડિયા ખાય છે.....!"

"ના...ના...હવે...કેવી ગાંડા જેવી વાત કરે છે....! હું ક્યાં પીવું જ છું...., તને ખબર તો છે...."

"તો..પછી..., તારાં મોઢાંમાંથી આ વાસ શેની આવે....છે...?"

"એ તો મેં પાન ખાધું છે...એની વાસ..છે..."

પ્રિયાને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એનાથી હવે સુશીલનું આ રીતનું ખોટું બોલવાનું સહન થતું ન હતું.

"મેં ફોનમાં કોઈકનો અવાજ સાંભળ્યો હતો જે તને પૂછી રહ્યું હતું કે, ચાલ ને યાર..., અમે લોકો પીવાનું શરૂ કરીએ છીએ..."

"અરે...ના...,ના..., તારી સાંભળવામાં કોઈ ભૂલ થતી હશે..., હવે ચૂપચાપથી સૂઈ જા...., અને મને પણ સૂવા દે..."

"સુશીલ....."

સુશીલનો હવે પિત્તો ગયો...., એ જોર-જોરથી બરાડા પાડીને બોલવા લાગ્યો...,
"કીધું ને તને એકવાર કે સૂઈ જા અને મને સૂવા દે..., તો તને સમજમાં નથી આવતું....? માથું ખાઈ જાય છે. ઘડી - ઘડી એકની એક વાત લઈને મગજમારી..."

"પણ...."

"પણ...., શું....? તારે એ જ સાંભળવું છે ને કે મેં દારૂ પીધો છે...., તો...હા...., મેં દારૂ પીધો છે..., મીતનાં આવવાની ખુશીમાં મારાં મિત્રો સાથે મેં પાર્ટી કરી...., બસ..."

સુશીલનો મોટો અવાજ સાંભળી..., સાસુ - સસરા બહાર આવી ગયાં...

"શું...થયું..., કઈ વાત પર બેય ઝગડો છો...?, અમે અંદર સૂતા છીએ....., એ વાતની ખબર નથી...પડતી....?" પ્રિયાનાં સાસુ બોલ્યાં.

પ્રિયાએ હવે રડવાનું શરૂ કર્યું. એટલે સુશીલનો પારો ઓર ચડ્યો...અને બોલ્યો...,
"આવું રડવા- કરવાનું નાટક મારી સામે નહિ...કરવાનું..., આટ - આટલું તારાં માટે....., તારાં ઘર માટે કરવા...છતાં મારી જોડે લડાઈ કરે છે...., તું....!"

"નાટક..., લડાઈ..., ઉપકાર....આ કેવાં શબ્દો તું વાપરે છે...?" પ્રિયાનાં મોઢાંમાંથી નીકળી ગયું.

"સાચી તો વાત છે..., તારાં ભાઈનાં ઘરે પહેલાં આટલી બધી જાહો-જહાલી જોઈ હતી...?"

"એટલે...એ વાત લઈને તું મને દબાવવા માંગે છે...?"

"તમે બંને હવે શાંત થાઓ..., બેમાંથી એકે જણ પોતાનું મોઢું ચૂપ રાખી નથી શક્તા...?, પ્રિયા વહુ..., અત્યારે ચૂપ થઈ જા...., શું કામ વાતને આગળ વધારે...છે...?" સાસુજી સ્હેજ અકળાઈને બોલ્યાં.

સુશીલ હવે વધારે બોલવાની ક્ષમતામાં હતો..નહિ...,એટલે એ અંદર પોતાનાં રૂમમાં જતો રહ્યો. સાસુ - સસરા પણ અંદર પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. ને પ્રિયા એ રાત્રે એકલી પોતાનાં આંસુઓ સાથે બેસી રહી હતી. લગ્ન કર્યા પછી આવો દિવસ એટલે કે રાત પણ જોવી પડશે...., એવું તો એણે સપનાંમાં પણ કોઈ દિવસ વિચાર્યુ નહોતું. બહુ મોટો આઘાત એનાં હૈયામાં પેસી ગયો હતો.

(ક્રમશ:)