COMMON PLOT - 4 in Gujarati Classic Stories by Jayesh Soni books and stories PDF | કોમન પ્લોટ - 4

Featured Books
Categories
Share

કોમન પ્લોટ - 4

           વાર્તા- કોમનપ્લોટ-4     લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643      
              રઘુવીર સોસાયટીના વાતાવરણમાં પ્રાણ પુરાયો હતો.નાટક કલામંદિરના સંચાલક રતનલાલે ફક્ત ત્રણ નાટક રજુ કરીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.સોસાયટીના રહીશો ક્યારે રાત પડેને નાટક જોવા જઇએ એવી ઉત્કંઠા થી રાહ જોતા થઇ ગયા હતા.રતનલાલ સંચાલક નાટકો દ્વારા સમાજસુધારણા જ કરી રહ્યા હતા.
              આજે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હતું કે આજે અમે ઉત્તમ નાટક ' શ્રદ્ધા ' રજૂ કરવાના છીએ.આ નાટક જોઇને ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી જશે.માટે આજનું નાટક જોવાનું કોઇ ચૂકશો નહીં.
              પ્રેક્ષકો ખુરશીઓમાં ગોઠવાઇ રહ્યા હતા.સ્પીકર ઉપર આદ્યશક્તિ ની આરતી વાગી રહી હતી.સ્ટેજ ઉપર રંગબેરંગી લાઇટો ઝગમગી રહી હતી.લોકો પરદો ખુલે એની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.એટલામાં માઇક ઉપર એનાઉન્સ થયું કે ' મારા સ્વજનો આજનું નાટક ગંભીર વિષય ઉપરછે પણ શાંતિથી માણજો બહુ મજા આવશે અને ઘણું જાણવા મળશે.'
              એક મોટી ગુફામાં એક સંત મહાત્મા પદ્માસન ઉપર બેસી બંધ આંખે ૐ નો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.વાતાવરણ દિવ્ય હતું.ધૂપસળીની મનભાવન સુગંધ પ્રસરી રહી હતી.મહાત્માની ઉંમર આશરે એંશી વર્ષ જેટલી હતી પણ તેઓ ટટ્ટાર બેઠા હતા.તંદુરસ્ત શરીર અને સાડા છ ફૂટ જેટલી હાઇટ હતી.
              એટલામાં ભગવાધારી એક શિષ્ય સંતમહાત્માની પાસે આવીને પ્રણામ કરીને નતમસ્તકે ઊભો રહ્યો.તેને ખબર હતી કે મહાત્મા હવે આંખો ખોલવાની તૈયારી માં છે.
              ' પ્રણામ દાદા, એક પિતા પુત્ર કોઇ સમસ્યા ના સમાધાન માટે આપને મળવા આવ્યા છે.તો તેમને અત્યારે અંદર મોકલું કે પછી બોલાવવા છે?'
              ' બેટા બંનેને દસ મિનિટ પછી અંદર મોકલજે પણ એ પહેલાં એમને લીંબુ શરબત આપીને સ્વાગત કરજે.'
              પિતા પુત્ર બંને મહાત્મા ને પગે લાગ્યા.મહાત્મા એ બંને ને સામે આસન ઉપર બેસાડ્યા.અને સ્મિત ભર્યા ચહેરે પૂછ્યું' સજ્જનો કહો કેમ આવવાનું થયું? એવી તો શું સમસ્યા છે કે મને મળવા ગુફા સુધી આવવું પડ્યું?'
              પિતા બોલ્યા' બાપજી આ મારો એકનો એક દીકરો શિવરાજ છે.ભણીગણીને સારી મોભાદાર નોકરી કરી રહ્યો છે.મને દીકરો જીવથી પણ અધિક પ્રિય છે પણ એને ઇશ્વર ઉપર સહેજ પણ શ્રદ્ધા નથી.એકદમ નાસ્તિક છે.એને સાચી શ્રદ્ધા વિશે આપ સમજ આપો એ અપેક્ષા એ આપને મળવા આવ્યો છું.'
              મહાત્મા એ હવે દીકરા સામે ધ્યાન થી જોયું.દીકરો વિનયી લાગતો હતો.મહાત્મા સામે નજર મળતાં તેના ચહેરા ઉપર નિર્દોષ સ્મિત પથરાઇ ગયું.
              ' બેટા શિવરાજ કેમ ઇશ્વર ઉપર શ્રદ્ધા નથી? જીવન સારી રીતે જીવવા માટે શ્રદ્ધા તો રસાયણ છે.'
              '  દાદા હું કદી મંદિરમાં જતો નથી એ વાત સાચી પણ એટલે હું નાસ્તિક થઇ ગયો? હું શ્રદ્ધાવાન છું.મને તો ઘણી બધી વાતો ઉપર શ્રદ્ધા છે.'
              ' હું સમજ્યો નહીં દીકરા તારી વાત.તું કદી મંદિરમાં જતો નથી છતાં પણ શ્રદ્ધાવાન છે એ મને સમજાવ'
              શિવરાજ ના ચહેરા  ઉપર તેજ ઝગારા મારતું હતું.તેણે બે હાથ જોડીને મહારાજ ને એની મનની વાત કહેવાની શરૂઆત કરી.
             ' એક માતાપિતા કદી પોતાના બાળકનું અહિત ના કરે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.સૂર્યોદય અને સૂર્યાસ્ત નિયમિત થશે જ મને શ્રદ્ધા છે.ચંદ્રમા નિયમિત ઊગશે અને આથમશે મને શ્રદ્ધા છે.દિવસ પછી રાત્રી અને રાત્રી પછી દિવસ આ ક્રમ ઉપર મને શ્રદ્ધા છે.જન્મેલા નું મૃત્યુ નિશ્ચિત છે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.સિંહ કે વાઘ જેવા ખૂંખાર પ્રાણીઓ કદી શાકાહાર નહીં કરે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.ગાય, ભેંસ કે હાથી જેવા તાકતવર પ્રાણીઓ માંસાહાર નહીં કરે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.આહાર, નિંદ્રા,ભય અને મૈથુન એ પ્રાણી માત્ર ની જરૂરિયાત છે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.આંબા ઉપર કેરી જ ઉગે ગમે એટલી મહેનત કરીએ તો પણ સફરજન ના ઉગે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.કઠોર પરિશ્રમ નો કોઇ વિકલ્પ નથી એ વાતમાં મને શ્રદ્ધા છે.મને પ્રેમ અને આનંદ ઉપર શ્રદ્ધા છે.સમસ્યા અને સમાધાન એ સિક્કા ની બે બાજુ છે એ વાત ઉપર મને શ્રદ્ધા છે.ઘનઘોર રાત્રી પછી દિવસ ઉગશે જ અને દિવસ પછી રાત પડશે જ એ નિયમ ઉપર મને શ્રદ્ધા છે.ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી આપવા જેવું કોઇ ઉત્તમ કર્મ નથી.માબાપ જ નિરાકાર પરમાત્મા નું સાકાર સ્વરૂપ છે.આ સૃષ્ટિ નું સંચાલન કરનાર કોઇ દિવ્ય શક્તિ તો છે જ એ વાત ઉપર મને શ્રદ્ધા છે.પૂજય મહાત્માજી હવે તમે જણાવો હું નાસ્તિક ગણાઉં કે આસ્તિક?'
             મહાત્માજી તો ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા.શિવરાજ ના પિતા મહાત્મા શું જવાબ આપેછે એ જાણવા આતુર હતા.થોડી ક્ષણો પછી એમણે આંખો ખોલી અને શિવરાજ સામે ટગર ટગર જોઇ રહ્યા.પછી ' વડીલ, તમારો દીકરો તો પરમશ્રદ્ધાળુ અને પરમ જ્ઞાની છે.જીવન નાં મૂલ્યો અને સત્ય ઉપર એને ઊંડી શ્રદ્ધા છે.એને મંદિરમાં જવાની જરૂર નથી.આવો દીકરો ભાગ્યશાળી ના ઘરે જ જન્મેછે.'
             બાપ દીકરો બંને મહાત્માજી ને પ્રણામ કરી આશીર્વાદ લઇ ખુશ થઇને ગુફાની બહાર નીકળ્યા.મહાત્માજીને પણ આ સત્સંગમાં આનંદ આવ્યો હતો.
             પ્રેક્ષકોએ ઊભા થઇને ખુશીથી તાળીઓનો ગડગડાટ કર્યો.અને સ્ટેજ ઉપર જે અદ્ભૂત ગુફા બનાવી હતી એના બહુ વખાણ કર્યા.મહાત્મા , પિતા અને દીકરાનો અભિનય ખરેખર લાજવાબ હતો.
             આજે નાટક થોડું વહેલું પતી ગયું હતું એટલે રતનલાલે માઇક ઉપર જાહેરાત કરીકે મારા પ્રિય દર્શકો, હજી અગિયાર વાગ્યા છે તો આપણે સહુ સાથે મળી માતાજી નો આનંદ નો ગરબો કરીએ તો કેવું?
             આનંદના ગરબાએ વાતાવરણ ને પવિત્ર કરી દીધું.
             લેખક તરફથી બે શબ્દો:- મારા પ્રિય વાચકમિત્રો કોમન પ્લોટ નો ભાગ-5 પણ આવશે પણ ચાર ભાગ ગમ્યા હોયતો મને ફાઇલ સ્ટાર આપી આભારી કરશોજી.