sundari chapter 76 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૭૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૭૬

છોંતેર

“તમારામાંથી ચા માં મને કોણ કંપની આપશે?” શિવ ટી સ્ટોલ પાસે પહોંચતાની સાથે જ ઈશાનીએ એની ફ્રેન્ડ્સને પૂછ્યું.

તમામે નકારમાં ડોકું હલાવ્યું. ઈશાનીની બધીજ ફ્રેન્ડ્સને ચા કરતા નાસ્તો કરવામાં વધુ રસ હતો જ્યારે ઈશાનીને ફક્ત ચા પીવામાં. પોતાની એક પણ સહેલીએ ચા પીવામાં કંપની આપવાની હા ન પાડતાં ઈશાની નિરાશ થઇ ગઈ એટલે એ શિવ ટી સ્ટોલના માલિક શ્યામલ તરફ વળી.

“અમે અહીં નાસ્તાનો ઓર્ડર આપીએ છીએ, તું ત્યાં સુધી ચા નો ઓર્ડર આપી દે.” ઈશાનીની ત્રણેય સહેલીઓમાંથી સહુથી વધુ ભૂખ જેને લાગી હતી તે રુહી ઈટાલીયન ફૂડના ટ્રક તરફ ઝડપથી ડગ માંડતા બોલી અને તેની સાથે જાનકી અને મોનાલી પણ દોરવાઈ.

“એક્સક્યુઝ મી!! મને બે સ્પેશિયલ ટી આપશો? પચ્ચીસવાળી?” ઈશાનીએ શ્યામલ તરફ હસીને કહ્યું.

જવાબમાં શ્યામલે પણ સ્મિત સાથે પોતાનું ડોકું હલાવ્યું.

“ખાલી ચ્હા જ કે પછી મસ્કાબન પણ આપું?” ફક્ત ચ્હા માંગનાર ગ્રાહકને શ્યામલ અચૂક આ પ્રશ્ન પૂછતો.

જો ગ્રાહકને એ બાબતનો ખ્યાલ ન હોય કે અહીં ચ્હા સાથે મસ્કાબન પણ મળે છે અને પોતાના આ નાનકડા પ્રશ્ન થકી જો તે મસ્કાબન ખાવા માટે તૈયાર થઇ જાય તો એનું બીલ વધે અને છેવટે શ્યામલની આવકમાં પણ વધારો થાય. શ્યામલ મોટેભાગે આ દાવમાં સફળ પણ થતો.

“ઓહો! તમે મસ્કાબન પણ રાખો છો? શ્યોર, એક મસ્કાબન પણ જોડે આપજો.” ઈશાનીએ મસ્તીથી પોતાની ડોક હલાવી અને આંખ આગળ આવેલી લટ પાછળ ધકેલતાં કહ્યું.

“બે ચ્હા તો મસ્કાબન પણ બે હોવા જોઈએને?” શ્યામલે ગેસ સ્ટવ પર ઉકળી રહેલી ચ્હાની તપેલીમાં નાનકડો ચમચો હલાવતાં પૂછ્યું.

“બેય ચા મારા માટે જ છે. મારી ફ્રેન્ડ્સને ચા નથી ભાવતી. સાવ બોરિંગ છે.” ઈશાનીએ મોઢું બગડતાં કહ્યું.

“એટલે બેય ચ્હા તમેજ...?” હસીને શ્યામલે વાત અધુરી રાખી.

“હા, મને તો ચા પીવી બહુ ગમે, જ્યારે આપો ત્યારે પી જ લઉં. અને મસ્કાબન સાથે ચા પીવાની કેટલી મજા આવેને?” ઈશાનીએ પોતાની આંગળી શ્યામલ તરફ ચીંધતાં પ્રશ્ન કર્યો.

જવાબમાં શ્યામલ થોડું મલકાયો અને હકારમાં પોતાનું ડોકું હલાવ્યું.

“અમારો ઓર્ડર તો થઇ ગયો.” ઈશાની ઉભી હતી ત્યાં આવીને રુહી બોલી.

“તમારો તો ઓર્ડર થયો ને? મારો તો ઓર્ડર તૈયાર પણ થઇ ગયો જો!” ઈશાનીએ ચ્હાના બે નાનકડા કપ ભરી રહેલા શ્યામલ તરફ ઈશારો કર્યો.

“તમે બેસો હું ચ્હા અને મસ્કાબન લેતો આવું.” શ્યામલે ઇશાનીને સામે પડેલા મુંઢા પર બેસવાનો ઈશારો કરતાં કહ્યું.

“મસ્કાબન? ઈશાની? તારે તો કશું ખાવું નહોતું’ને?” મોનાલીને આશ્ચર્ય થયું.

“હા, પણ જ્યાં ચા સાથે મસ્કાબન પણ મળતા હોય ત્યાં કોઈ તેને ખાવાની કેવી રીતે ના પાડી શકે? હેં ને?” ઈશાનીએ ચ્હા અને મસ્કાબન સર્વ કરવા આવેલા શ્યામલના હાથમાંથી ચ્હાનો એક કપ અને મસ્કાબનની ડીશ હાથમાં લેતાં પૂછ્યું.

“તમે આ ચ્હા પી લો પછી બીજી આપું.” શ્યામલે ઇશાનીને કહ્યું અને પોતે ફરીથી અન્ય ગ્રાહકો માટે ચ્હા બનાવવા માટે પોતાના સ્થાને જતો રહ્યો.

પોતાની ફ્રેન્ડ્સના આશ્ચર્ય સાથે ઈશાનીએ મસ્કાબનની એક સ્લાઈસને ચ્હામાં બોળીને આંખો બંધ કરી તેના સ્વાદની મજા માણવાનું શરુ કર્યું. ત્યાં એ તમામનો ઓર્ડર પણ રેડી હોવાનો બાજુની ફૂડ ટ્રકમાંથી અવાજ આવ્યો એટલે મોનાલી ઉભી થઇ અને વારાફરતી ત્રણેયના ઓર્ડર કરેલા ફૂડ લઇ આવી.

સ્વાભાવિકપણે ઈશાની બે કપ ચ્હા પીવા છતાં અન્યોથી વહેલી નવરી થઇ ગઈ, એટલે એ શ્યામલને પૈસા ચુકવવા ગઈ.

“તમારી ચા ખૂઉઉઉઉબ મસ્ત છે! ઘણા દિવસે આવી મસ્ત ચા બહાર પીધી.” ઈશાનીએ શ્યામલની ચ્હાના વખાણ કર્યા.

શ્યામલે જવાબમાં ફક્ત સ્મિત કર્યું કારણકે આ વાત તેને અત્યારસુધીમાં તેના હજારો ગ્રાહકોએ કરી હતી પછી એ ગ્રાહક એક વખત આવ્યો હોય, વારંવાર આવતો હોય કે પછી દરરોજ આવતો હોય. શ્યામલની ચ્હા હવે વખણાઈ ગઈ હતી. આ ઉપરાંત વરુણના અહીં આવ્યા બાદ તેની દુકાન પર લોકોની ભીડ પણ વધી ગઈ હતી. શ્યામલને આ હકીકતનો ખ્યાલ તો હતો જ પણ તે તેને સ્વીકારતાં અચકાતો હતો.

“મસ્કાબનમાં પણ તમે દિલથી બટર નાખ્યું છે. નહીં તો લોકો બસ લગાડવા ખાતર જ બટર લગાડતા હોય છે.” ઈશાનીએ ફરીથી શ્યામલના વખાણ કર્યા.

“તમે જેટલા પૈસા ચૂકવો છો એનું વળતર તો મળવું જોઈએને?” શ્યામલે વળતો વિવેક કર્યો.

“હા એ તો છે જ! અમમ... કેટલાં? બે ચા અને એક મસ્કાબનના?” ઈશાનીએ પ્રશ્ન પૂછ્યો.

“સો!” શ્યામલે ફક્ત આટલું જ કહ્યું.

ઈશાનીએ પોતાના પર્સમાંથી સો ની નોટ કાઢી અને શ્યામલને આપી.

“મારી કોલેજ નજીકમાંજ છે. ઇન્ફોટેક કોલેજ. હવે મારે અહીં રેગ્યુલરલી આવવું જ પડશે. મસ્ત ચા પીવા માટે.” ઈશાનીએ હસીને કહ્યું.

જવાબમાં શ્યામલે પણ હસીને પોતાનું ડોકું હલાવ્યું.

ઈશાનીની ફ્રેન્ડ્સે નાસ્તો પતાવ્યો ત્યાંસુધી તેણે તેમની સાથે ગપ્પાં માર્યા અને શ્યામલ પોતાના અન્ય ગ્રાહકોને ચ્હા પીરસવામાં બીઝી રહ્યો.

“બાય!” જતાં પહેલાં ઈશાની પોતાના મોહક સ્મિત સાથે શ્યામલને આવજો કરવાનું ન ભૂલી.

==::==

“ઓહ માય ગોડ! જયરાજ? પ્રમોદરાયને એવો વિચાર પણ કેવી રીતે આવ્યો?” અરુણાબેનના ચહેરા પર ભારોભાર આશ્ચર્ય હતું.

“દર બે ત્રણ દિવસે અમારે ઘેર આવે છે અને પપ્પાનું બ્રેઈનવોશ કરતા હોય છે. બસ ગમેતે રીતે એમણે પપ્પાના મનમાં ભરાવી દીધું કે એમના પછી મારી સંભાળ રાખનારું કોઈ નહીં બચે એટલે એમણે મારા લગ્ન એમના જીવતેજીવત એમની સાથે કરાવી દેવા જોઈએ.” સુંદરીએ નિસાસો નાખ્યો.

“યુ મસ્ટ ટોક ટુ પ્રિન્સીપાલ સર. ભલે તારો એચઓડી હોય પણ તારા વ્યક્તિગત જીવનમાં આ રીતે તેને માથું મારવાનો કોઈજ હક્ક નથી. અને તારી પાસે એણે બે-ત્રણ વખત તારી સાથે જે ફિઝીકલ હેરેસમેન્ટ કર્યું એ વેપન પણ છે જ ને? કાલે જ વાત કર પ્રિન્સીપાલને એટલે આ વાત અહીંજ અટકી જાય.” અરુણાબેન કડક સૂરમાં બોલ્યા.

“અરુમા, મારે આ બધામાં નથી પડવું. મેં પપ્પાને તો ના પાડી જ દીધી છે.” સુંદરીએ પોતાની તકલીફ જણાવી.

“તારે નથી પડવું પણ રોજ તમે બંને કોલેજમાં તો ભેગાં થશો જ ને? એક જ કેબીનમાં. હવે તો તમે ત્રણ જ પ્રોફેસર્સ છો. દરરોજ એક-બે કલાક તો એવા આવશે જ કે તમે બંને એકલા જ એક કેબીનમાં હશો. ત્યારે એ તને મેન્ટલી ટોર્ચર પણ કરી શકે છે સુંદરી.” અરુણાબેને યોગ્ય દલીલ કરી.

“એ હું હેન્ડલ કરી લઈશ અરુમા, પણ મારી તકલીફ અત્યારે જુદી છે.” સુંદરીએ અરુણાબેનને ત્યાંજ અટકાવતાં કહ્યું.

“કઈ?” અરુણાબેનને આશ્ચર્ય થયું.

“કાલે પપ્પાએ મારે જયરાજ સર સાથે લગ્ન કેમ કરવા જોઈએ એના માટે એક એવી દલીલ કરી કે મારો એક મોટો ભ્રમ ભાંગી ગયો.” સુંદરીએ કહ્યું.

“કયો ભ્રમ જરા માંડીને વાત કર.” અરુણાબેન ઉત્સુક થયાં.

“મેં જ્યારે મારા અને જયરાજ સર વચ્ચે ઉંમરના મોટા તફાવતની વાત કરી ત્યારે પપ્પાએ કહ્યું કે જે જીવનસાથી આપણી સંભાળ લેતો હોય આપણને પ્રેમ કરતો હોય તેની ઉંમર ગમે તે હોય શું ફરક પડે છે?” સુંદરીએ પોતાના મનમાં રહેલી ગાંઠ અંગેની સ્પષ્ટતા કરવી શરુ કરી.

“પ્રમોદરાય બિલકુલ સાચું બોલ્યા આ વખતે પણ બેટા, એમાં તારો કયો ભ્રમ ભાંગી ગયો?” અરુણાબેનને હજી પણ ખ્યાલ નહોતો આવી રહ્યો કે સુંદરી તેમને કઈ વાત કરવા માંગે છે.

“વરુણ પ્રત્યેનો મારો ભ્રમ. આઈ નો અરુમા, તમે એના વિષે પોઝીટીવ છો. પણ મને ખબર નહીં કેમ, બગીચામાં જે થયું અને એ પહેલાં અમારા વિષે કૉલેજમાં જે અફવાઓ ચાલી, મને એના પ્રત્યે ખૂબ નફરત હતી. કાલે જ્યારે પપ્પા એઈજનો પોઈન્ટ લઇ આવ્યા ત્યારે મને અચાનક જ ખ્યાલ આવ્યો કે પહેલેથી જ મને વરુણની અને મારી એઈજ વચ્ચે રહેલા ડિફરન્સથી વાંધો હતો.

સી અરુમા, વરુણનો નેચર, એની ઉંમર કરતાં વધુ મેચ્યોરીટી, મને ગમતી હતી, પણ જ્યારે એની સાથે મારું નામ જોડાયું અને પછી, તેના ગઈકાલના શબ્દોમાં જ કહું તો, એણે એક પછી એક બ્લંડર્સ કરવાના શરુ કર્યા ત્યારે મને અમારો એઈજ ડિફરન્સ નડવા લાગ્યો. મને મનમાં જ બેસતું ન હતું કે મારાથી સાત વર્ષ નાનો છોકરો પણ મને પ્રેમ કરી શકે? એક ગ્રંથી થઇ ગઈ મને એના વિષે, ફક્ત એ એઈજ ડિફરન્સને લીધે જેને મને એના પ્રત્યે નફરત કરતી કરી દીધી.

પણ કાલે એમ કહુંને કે પપ્પાના એક વાક્યથી, ભલે એ વાક્યથી મને એ જયરાજ સાથે પરણવા માટે રાજી કરવા માંગતા હતા, મારી વરુણ પ્રત્યેની નફરત અચાનક દૂર થઇ ગઈ અને મેં ગઈકાલ સવાર સુધી પેલી ગ્રંથીને કારણે વરુણ સાથે જે ખરાબ વર્તન કર્યું તેના માટે મને ખૂબ પસ્તાવો થઇ રહ્યો છે અરુમા, હું શું કરું?” સુંદરીએ પોતાની સંપૂર્ણ સમસ્યા અરુણાબેનને કહી અને એની આંખ પણ ભીની થઇ ગઈ.

“તો તું હવે વરુણને પ્રેમ કરે છે? ફક્ત પ્રમોદરાયના વાક્યને લીધે કે એ હવે ક્રિકેટ સ્ટાર થઇ ગયો છે એટલે?” અરુણાબેને સુંદરીના ખભે હાથ મુકીને પ્રેમથી તેને પ્રશ્ન કર્યો.

“એ ક્રિકેટ સ્ટાર હોવાને લીધે મારું હ્રદય પરિવર્તન થઇ ગયું હોત તો કાલે સવારે હું એના પર ગુસ્સે ન થઇ હોત, મારી આખી માન્યતા ફક્ત અને ફક્ત પપ્પાની દલીલને લીધે જ બદલાઈ છે એ હું સ્વીકારું છું, પણ હું વરુણને પ્રેમ કરું છું? એની મને હજી ખબર નથી પડતી પણ ગઈકાલે રાત સુધી હું જે એને નફરત કરતી હતી એ તો હવે નથી જ કરતી એટલું ચોક્કસ છે.” સુંદરીએ અરુણાબેનના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો.

“તો ક્યાંક એવું તો નથી વિચારતીને તારા એક ખાસ ભ્રમના તૂટી જવાથી હવે વરુણ સાથે જોડાઈને તું જયરાજથી છૂટી જઈશ? જો એવું હોય તો તું તારી અને વરુણ બંનેની જિંદગી ખાડામાં નાખીશ. વરુણની જિંદગી તારા સ્વાર્થ માટે બગાડવી જરાય યોગ્ય નથી. આઈ હોપ કે હું જે તને કહી રહી છું એ તું સમજી રહી છે.” અરુણાબેને સુંદરીની પીઠ પર હાથ ફેરવતાં પૂછ્યું.

“ના ના, એવું તો હું ન જ કરું. બસ મને એ નથી સમજાતું કે પેલી ગ્રંથી તૂટી જવાથી શું અચાનક જ વરુણ મને ગમવા લાગ્યો છે? કારણકે સાચું કહું તો મેં અત્યારસુધી મેં કોઇપણ પુરુષને એ રીતે જોયો નથી કે મારા અતડા સ્વભાવને લીધે કોઈ પુરુષે મારી સાથે વરુણની જેમ કહેવાની હિંમત દર્શાવી છે કે એ મને પ્રેમ કરે છે. જયરાજ સરની વાત અલગ છે, એમને પ્રેમ નહીં પણ વાસના જોઈએ છીએ. આઈ નીડ યોર હેલ્પ અરુમા. મારે હવે મારી બાકીની જિંદગી નથી બગાડવી.” સુંદરીએ આજીજી કરી.

“આઈ કેન અન્ડરસ્ટેન્ડ સુંદરી. એક કામ કરીએ તો?” અરુણાબેને કહ્યું.

સુંદરીની આંખો અને ધ્યાન અરુણાબેન આગળ શું કહેશે તેના પર સ્થિર થઇ ગયાં.


==:: પ્રકરણ ૭૬ સમાપ્ત ::==