Apradh - 2 in Gujarati Fiction Stories by Vijay Shihora books and stories PDF | અપરાધ - 2 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

Featured Books
Categories
Share

અપરાધ - 2 - પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન

અપરાધ-પ્રેમ, દોસ્તી અને દગાની દિલધડક દાસ્તાન-2


આગળના ભાગમાં જોયું કે સંદીપ કોઈ યુવતી સાથે કંઈક પ્લાન વિષયક વાત કરી અનંતના રૂમ તરફ ગયો હતો...

હવે આગળ....

રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવતાં અનંત અર્ધ નિંદ્રા અવસ્થામાં હતો તેથી આંખ ખોલવાની તસ્દી લીધા વગર જ કહ્યું, “સંદીપ, અહીં જ સુઈ જા ભાઈ.."
“હા, અને તું હજી જાગે છે. મને તો એમ કે ભાઈ સાહેબ કુંભકર્ણની જેમ નિંદ્રાવશ થઈને પડ્યા હશે."
અનંત એ બ્લેન્કેટ ખેંચતાં ખેંચતાં કહ્યું,“હું તો સુઈ જ ગયેલો, આ તો દરવાજાના અવાજથી થોડો ખલેલ થયો."
સંદીપે રમુજી ભર્યા અવાજમાં કહ્યું,“કાલે સવારે અંકલને કહેવું છે, રાજકુમાર અનંતની ઊંઘમાં આ દરવાજો ખલેલ પહોંચાડે છે, આ કક્ષનો દરવાજો દૂર કરવામાં આવે."
અનંત એ પ્રત્યુત્તર આપતાં કહ્યું,“હા હવે તું સુઈ જા ને પછી સવાર પડે ત્યારે ત્યારની કરજે"
“યે ભી સહી હૈ, ચલો ગુડ નાઈટ"
“હા ભાઈ હા નાઈટ ઈસ ગુડ, સુઈ જાવ અને સુવા દો"
બંનેની આંખ ક્યારે મીંચાઈ ગઈ એકબીજાને ખબર જ ન પડી.
“અનંત, સંદીપ.. ઉઠો હવે ટાઈમ તો જુવો..."અનંત ના મમ્મીએ અનંતએ ઓઢેલ બ્લેન્કેટ ખેંચતાં કહ્યું.
અનંત એ બ્લેન્કેટ ફરી પોતા તરફ ખેંચતાં કહ્યું,“મમ્મી, સુવા દો ને હજી તો ઘણી વાર છે."
“હા જરા આંખ ખોલી ને ટાઈમ તો જો, તારા પપ્પા નાસ્તો કરીને ક્યારના ઓફિસે નીકળી ગયા ને કહેતાં ગયા છે તમને બંનેને ત્યાં જલ્દી ઉઠાડીને મોકલું"
ત્યાં તો સંદીપ આંખો ચોળતાં ચોળતાં બોલ્યો,“આન્ટી તમે નાસ્તો રેડી કરો, બસ થોડીવારમાં અમે આવીએ. આ મહાશય એમ પ્રેમથી નહીં ઉઠે!"
રમાબહેન રૂમના દરવાજા તરફ ચાલતાં બોલ્યા,“જો જોઈએ સંદીપ કેવો ડાહ્યો છે. ટાઈમે નહીં પહોંચો તો તારા પપ્પાનો સ્વભાવ તો ખબર ને?"
“હા ચલો આવીએ છીએ."અનંત એ ઉભા થતાં કહ્યું.
સંદીપ હજી બેડ પર સૂતો હતો. તેની તરફ જોઈને અનંત એ કહ્યું,“વાહ જી વાહ, ઉઠવાની સલાહ મને આપે ને જો તો આળસુ"
“અરે પણ હું તો તારી રાહ જોતો હતો. બાકી હું તો ક્યારનો ઉઠી ગયો છું."સંદીપે આળસ મરડતા કહ્યું.
“હા હવે ચાલ ફ્રેશ થઈ જા, પપ્પા ઓફિસે રાહ જોતા હશે. અને જો 5 મિનિટ પણ લેટ થયા ને તો અડધી કલાકનું લેક્ચર સાંભળવાનું થશે."
“હા તો બરાબર છે. અંકલની વાત સાચી જ હોય, 'ટાઈમ ઈસ પ્રાઈઝલેસ' એટલે જ તેઓ સમયના પંક્ચ્યુલ છે."
અનંતએ રમૂજ કરતાં બંને હાથ જોડીને કહ્યું.“હે મહાશય! તમારી કથા પુરી થઈ હોય તો હવે મને નીચે જવાની આજ્ઞા આપો?"
“જાવ ભાઈ જાવ ચલો હું પણ બસ 5 મિનિટમાં આવ્યો."
લગભગ દશેક મિનિટ પછી બંને મિત્રો બ્રેકફાસ્ટ માટે નીચે આવે છે.

અંનત અને સંદીપ લગભગ સવારના નવ વાગ્યાં આસપાસ ઓફિસે પહોચ્યાં. રાકેશભાઈ તેમની ઓફિસમાં કોઈ ક્લાઈન્ટ જોડે ડિસ્કશન કરી રહ્યા હતા. અનંતે ડોર ઓપન હતું એટલે નોક કરીને સાવ હળવા સ્વરે પૂછ્યું, “અંદર આવીએ પપ્પા?”
“હા, આવી જાવ..”રાકેશભાઈ તેમના ક્લાઈન્ટને કોઈ ફાઈલ બતાવીને કઈક સમજાવી રહ્યા હતા.
અનંત અને સંદીપ બંને તેમના ટેબલ પાસે આવીને એક કોર્નર પર ઉભા ઉભા રાકેશભાઈ અને તેમના ક્લાઈન્ટ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યાં.
રાકેશભાઈએ એમની વાત પૂર્ણ થતાં અનંત તરફ ઉદ્દેશીને કહ્યું,“ મિ. દિલીપ આ મારો સન અનંત અને તેનો ફ્રેન્ડ સંદીપ અને અનંત આ દિલીપભાઈ છે. આપણી અમદાવાદની કાપડની ફેક્ટરીમાંથી મોટા ભાગનું કાપડ તેઓ જ ખરીદે છે.”
“ભવિષ્યના મેનેજીંગ ડાયરેક્ટરને મળીને આનંદ થયો.” દિલીપભાઈએ અનંત તરફ હાથ લંબાવીને કહ્યું.
અનંત અને સંદીપે વારાફરતી હેન્ડ સેક કરતાં કહ્યું.“અમને પણ, અંકલ.”
દિલીપભાઈ બંને જોડે થોડી વાતચીત કરી રાકેશભાઈની રજા લઈ ત્યાંથી નીકળ્યા. રાકેશભાઈએ ખુરશી તરફ ઈશારો કરી કહ્યું,“બેસો બંને, અનંત મારે કન્સ્ટ્રકશન સાઈટ બાજુ જવાનું છે. તો તમે અહી બેસો અને ઓફીસ સ્ટાફને પણ મળી લેજો.”
“જરૂર અંકલ.”સંદીપે ખુરશી પર બેસતાં કહ્યું.
રાકેશભાઈ ઓફીસના દરવાજા તરફ ચાલતાં ચાલતાં જ કહ્યું,“ચલો, તો ફરી સમય હશે ત્યારે તમને પણ સાઈટ પર લઈ જઈશ, અત્યારે મારે પણ થોડી ઉતાવળ છે.”
“ઓકે પપ્પા, અમે પણ થોડીવાર પછી ઘરે જ જઈશું”
રાકેશભાઈ જેવાં બહાર ગયા કે સંદીપે કહ્યું,“યાર, અંકલ કેટલું મોટું બીઝનેસ સંભાળે, મારાથી તો ક્યારેક મારી બેગમાં કઈ બુક્સ આવી ને કઈ રહી ગઈ એ પણ ધ્યાન નથી રહેતું.”
“હા એ તો છે. અમદાવાદની કાપડની મિલ, સુરતમાં અનંત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, અને અહીં રીઅલ સ્ટેટનું બીઝનેસ.. મેં કહ્યું હતુંને બસ બીઝનેસ પાછળ જ દોડ્યા છે.”
“હા તો મારા ભાઈ એમ જ કઈ આવડું મોટું એમ્પાયર બેઠા બેઠા ના ઊભું થાય.”સંદીપે ચેર પરથી ઉભા થતા કહ્યું.
“એ તો ખબર છે. હવે તું ના સમજાવે તો.”
સંદીપે અનંત સામે જોઈને કહ્યું,“ચલો સ્ટાફને મળીએ?”
“ઓકે ચાલ, તને ઓફીસ સ્ટાફ જોડે રૂબરૂ કરાવું..”ઓફિસનો દરવાજો ખોલતા અનંતે કહ્યું.
બંને મિત્રો સ્ટાફ સાથે થોડીવાર વાતચીત કરી બધાનો પરિચય મેળવીને ઘર તરફ રવાના થયા.
*********
બે દિવસ વડોદરામાં રહ્યા બાદ ફરી બંને મિત્રો નીકળ્યા અમદાવાદ તરફ જવા માટે. અને બીજા દિવસે કોલેજ જઈ શકાય તે મુજબ આયોજન કરીને બંને સાંજે અમદાવાદ પહોચ્યાં.
બંને MBAમાં જોડે જ હતા અને હવે એમનું ફાઈનલ ઈયર શરૂ થયું હતું. અમદાવાદમાં જ સંદીપના પપ્પા જોબ કરતાં હતા. પણ તેઓ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નોકરી કરતાં હોવાથી અનંત અને સંદીપ બંને અલગથી MBA કોલેજની નજીકમાં જ એક ફ્લેટમાં રહેતા હતા. જે રાકેશભાઈએ ખાસ બંનેની સ્ટડી માટે લઈ આપ્યો હતો.

બીજા દિવસે સવારમાં બંને કોલેજ પહોચ્યાં. કોલેજમાં MBA ફર્સ્ટ ઈયરનું એડમીશન ચાલું હતું એટલે સામાન્ય દિવસો કરતાં થોડી વધારે જ ચહેલ-પહેલ હતી.
બિલ્ડીંગમાં પ્રવેશતા જ ઉપર જ્યાં તેમનું વર્ગ હતું ત્યાં જવાને બદલે સંદીપ ગ્રાઉન્ડ ફ્લોર પર એડમિનિસ્ટ્રેશન ઓફીસ તરફ ચાલ્યો.
અનંતે સંદીપને ઉદ્દેશીને કહ્યું,“એ ઉપર જવું છે. તારે એડમીશન નથી લેવાનું ભાઈ!”
“અરે મારે થોડું ડોક્યુમેન્ટ રીલેટેડ કામ છે. ચાલ ને બસ 5 જ મિનીટ લાગશે.”
બંને મિત્રો એડમિનિસ્ટ્રેશન ઓફીસ તરફ ચાલ્યા. ઓફીસ પાસે તેમણે જોયું કે એક છોકરી હતાશ થઈને ઓફીસ બહાર બેઠી હતી. એના ચહેરા પરથી જ ખુબ ચિંતાતુર છે. તેમ જણાતું હતું.
“એ જોતો આ ગર્લ કઈક પ્રોબ્લેમમાં હોઈ એવું લાગે છે.”સંદીપે છેક અનંતના કાન પાસે જઇને કહ્યું.
“હશે યાર, છોડને આપણે જે કામ કરવાં આવ્યા એ કરીએ તો વધુ સરસ ને?”અનંતે પ્રશ્નાર્થ નજરે સંદીપ સામે જોઇને કહ્યું.
“માનવતા ના નાતે એક વખત પૂછવું પડે ને?”
“હા જો કોઈ છોકરો હોત તો સામે પણ ન જોત કેમ? અને છોકરી જોઈ નથી કે માનવતાં ઉભરી આવી.” અનંતે હસતાં હસતાં પ્રત્યુતર આપ્યો.
અનંત આગળ કઈ બોલે એ પહેલા તો સંદીપે પેલી છોકરી પાસે જઇને પૂછ્યું,“હેલ્લો મિસ, એની પ્રોબ્લેમ?”
છોકરીએ અત્યંત શાંત સ્વરે જવાબ આપ્યો,“નથીંગ”
ઓફીસ અંદરથી પીયુને બહાર આવીને મોટા અવાજે કહ્યું,“મિસ.સંજના કોણ છે?”
“હું..”સંદીપે જે છોકરી જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેણે જવાબ આપ્યો.
“તમારે મેમને મળવું હતું ને? મેમ બોલાવી રહ્યા છે.” આટલું બોલતા પીયુન ફરી અંદર ચાલ્યો ગયો.
સંજના ઓફિસમાં અંદર પ્રવેશી સાથે સાથે સંદીપ અને અનંત પણ તેમના કામ અર્થે ઓફિસમાં પ્રવેશ્યાં.
સંજના એડમિનિસ્ટ્રેશનનું કાર્યભાર સાંભળતા કરુણાબહેનના ટેબલ પાસે જઇને ઉભી રહી. સંદીપ અને અનંત પણ બાજુના ડેસ્ક પર જ કોઈ વાતચીત કરી રહ્યા હતા.
“યસ,સંજના.. શું કામ હતું?”
થોડા ચિંતિત સ્વરે સંજનાએ કહ્યું,“મેમ, એક્ચ્યુલી...”

વધુ આવતાં અંકે.......

આપનો અભિપ્રાય ચોક્કસ આપજો.

તેમજ મારી બીજી એક નવલકથા “પ્રેમ કે પ્રતિશોધ” માતૃભારતી પર સંપૂર્ણ ઉપલબ્ધ છે તેથી એક વખત અચૂક વાંચશો.

આભાર

‘સચેત’