leela in Gujarati Women Focused by Setu books and stories PDF | લીલા

The Author
Featured Books
Categories
Share

લીલા

માથે ઉપાડેલ કરંડિયું માંડ માંડ ઉચક્યું હતું, એટલું બધું વજન હતું કે માથું નમી જતું હતું અને હાથે ધ્રુજારી વછૂટે જતી હતી. સાડીનો છેડલો ખસી જતો હતો એને સરખો કરતાં કરતાં એક હાથે ટોપલો પકડી ચાલી આવતી લીલા દૂરથી આવતી હતી. થાક મોઢે વર્તાતો હતો છતાંય ચહેરાં પર મુસ્કાન ઓછી થતી નહોતી. એની બૂમ છેક ચાર ઘર દૂર સુધી સંભળાતી હતી.


"એય ચાલો...ચીકુ લઈ લ્યો... દરાખ લઈ લ્યો...મીઠી સે મરખ જેવી! માજી લેવાની સે?" સોસાયટીમાં પ્રવેશતાની સાથે બૂમો પડતી લીલા એના ગ્રાહકોને શોધતી હતી. ગ્રાહક કરતાં પણ કોઈક ઉભુ રાખે ને ઘડીક વાર એના માથા પરનો બોજ જરાં હલવો થાય.


માથા પરનો બોજ તો આખી જીંદગી ઉતરે એમ નથી આમ તો! પણ એની મહેનત કરવાની વૃત્તિ એને સંતોષ ભર્યું જીવન જીવવા દે છે. નાના છોકરાએ હજી ધાવણ પણ મૂક્યું નહોતું અને નસીબે એને રંડાપો દેખાડી દીધો હતો, દારૂડિયો પતિ એને છોડીને નાના બાળકોની જવાબદારી માથે નાખી બીમારીનો ભોગી બની ગયો. આર્થિક રીતે પહેલેથી નબળી હતી જ એની પરિસ્થિતિ અને પતિની બીમારીએ વધારે દુઃખ બતાવ્યું.


નાની ઉંમરમાં વિધવા થયાં બાદ એને બધી મુશ્કેલીઓ વેઠી, દેખાવમાં પહેલેથી ભરાવદાર કોઠો અને ઉજળો વાન અજાણ્યા પુરુષોની બુરી નજરનો શિકાર પણ બનતી, પણ એની પોતાની વૃત્તિમાં ખોટ ન હતી અને ઈશ્વરમાં આસ્થાના કારણે એ દરેક વખતે આબાદ રહી જતી.


નાના બાળકોની પરવરિશમાં એને વિપત્તિ તો ઘણી પડી, નાની અમથી ખોલીમાં તૂટેલા ફૂટેલા વાસણો અને ફાટેલા ગોદડાં એ એની ઘરવખરી. તૂટેલા ડબ્બાઓમાં અનાજ હોય કે ન હોય એની ચિંતા એના મનમાં હંમેશા રહેતી, ફળોનો કરંડિયો કોઈ વાર ભેરેલો રહેતો એ દિવસે એના ઘરે ચૂલો ના જલે, એ દિવસે એ ફળોનો જ ફળાહાર કરીને થોડું પાણી પીવડાવીને બાળકોને સુવડવાની નોબત પણ એને જોઈ છે.


સવારના પહોરમાં સબજીમંડીમાં જઈને સારા સારાફળો લઈ આવી એને સરખી રીતે ગોઠવી સાંજ સુધી વેચી જે રોકડી થાય એમાંથી સાંજે શાકભાજી અને કરિયાણું લાવી રાંધણ મુકાય. જે પણ રંધાય એમાં એની સવારથી સાંજની મહેનતના રોકડ પર જ હોય.રાતે જો લોટ વધે તો સવારે બાળકો માટે રોટલા બનાવીને જાય, ના હોય તો પોતે રાતે ભૂખી રહીને સવાર માટે લોટ રહેવા દઈને બાળકોનું પૂરું કરે.


મીનાબેન ના ઘર આગળ આવીને ઊભી, એના મોઢા પરનો થાક જોઈને એમણે હાથ લંબાવી કરંડિયો નીચે ઉતરાવ્યો અને બેસવા કહ્યું.


" બોન, બોલો શું ઝોખું? દરાખ કરું શેર?" મીનાબેન ને કહેતા એને ત્રાજવું હાથમાં લીધું.


" ના ના...લીલા આજે નથી લેવાની મારે. કાલે આવજે. તારે પાણી પીવું છે?"


" હા લાવો...આજે તો બહુ ગરમી છે, સવારની હાલ બેઠી છું બોન."


" હા લાવી... ચીકુ શું ભાવ છે?" ભાવ પુછતાં પુછતાં મીનાબેન ઘરમાંથી ગ્લાસ લઈને બહાર આવ્યા.


" ચાલીસના કિલો. એ તોલી આલુ?"


" હા કરી દે." કહેતાં એને ગ્લાસ આપ્યો.


લીલાએ તરસ છીપાવવા ઘૂંટ માંડ્યો અને અમૃત મળ્યું હોય એમ હાશકારો લીધો.પાણી પીને એ વાતે વળગી.


" આજે તો ચક્કર ચડી જાય એવી ગરમી છે હો...હવે તો તોબા થાય છે આ ઉનાળામાં ત્રાસ છે હો!"


" હા શું કરીએ....ઉનાળો ઉનાળાનું કામ તો કરશે જ ને!"


"હાચી વાત છ...ચાલો હજી આ બધું વેકવાનું બાકી છ....હેડો જઉં હું...ટેકો આલજો ને જરાં!"


" હા...અરે ઊભી રહેજેને લીલા...થોડા કપડાં પડ્યા છે તારે લઈ જવા છે?"


" હા લઈ જઈશ...પણ સાચવીને રાખજો ને હું હોળીએ લઈ જઈશ....છોકરાને તહેવાર લાગે એ સારું!" હસતા વદને એને સ્વીકૃતિ આપી.
" હા ભલે...રાખી મુકીશ...લઈ જજે અને તારા ભાઈને કહીશ કે ધાણી અને મમરા એ લઈ રાખે તારા સાટું." મીનાબેને એ વિધવાનો તહેવાર સુધરે એ માટેની એને આશ આપી.
" ભલે બુન...આભાર તમારો ઘણો. તમારા જેવા માણસોના લીધે જ આ વિધવા આજે હરખાઈને જીવે છે!"
" સારું સારું ચાલો હવે મસ્કા માર્યા વગર....મોડું નહિ થતું તારે?" કહીને મીનાબેને કરાંડિયાને હાથ આપ્યો.
લીલા ખુશ થતી ચાલી નીકળી...એના સાદમાં અનોખી ખુશ્બુ હતી...એક આત્મીયતાની....એક અનોખા અહેસાસની!