"પપ્પા આ મમ્મીને સમજાવોને, આખો દિવસ મને બાજુવાળા સ્વપ્નીલના માર્ક્સ બતાવ્યા કરે છે. હું કઈ પણ કહું તો સમજતી જ નથી." 20 વર્ષની ત્રિશા આવીને એના પપ્પા પાસે એની મમ્મીની ફરિયાદ કરવા લાગી.
સોહનભાઈ આમ તો સમજદાર માણસ હતા, અને કોઈને પણ સમજાવી શકતા હતા. જીવનવીમાંના એજન્ટ હોઈ આ કાબેલિયત એમનામાં ખૂબ સારી રીતે ઉતરી આવી હતી. પણ પોતાની પત્ની સામે એમનું કંઈ જ ચાલતું નહતું. એમ કહો તો ચાલે.
"બેટા ખબર તો છે. તારી મમ્મી આગળ હું કંઈ પણ બોલું. તો મને જ ખખડાવી નાંખે છે. એને સમજાવવાનો કોઈ જ મતલબ નથી. તું જ સમજી જા. આ વાતોને મન પર ન લે, અને ચાલ નાસ્તો કરવા."
પપ્પા તો સોફા પર બેસી સામે પડેલી ટીપોઈ પર મૂકેલ ચા અને ગાંઠિયાનો આંનદ માણી રહ્યા હતા. પણ ત્રિશાનું મન હવે નાસ્તા પરથી ઉઠી ગયું. એને ખ્યાલ હતો કે એની મમ્મી આગળ એનું ખાવાનું તો શું જીવવાનું પણ હરામ કરવાની છે. બસ એ પાછી અંદરના રૂમમાં જતી રહી.
જેમની સવારમાં જ નાસ્તાના ટેબલ પર આટલી ચર્ચા થઈ રહી હતી, એ સુશીલાબેન હતા. સોહનભાઈના પત્ની અને ઘરના સર્ટિફાઇડ ગૃહિણી. ઘણીવાર સોહનભાઈ એમને કહેતા કે એ પોતાનો જોવાનો નજરીયો બદલે. અને જે છે એમાં ખુશ રહે. પણ એ ક્યારેય ન સમજે. બારમાં ધોરણ સુધી પૂરું ભણ્યા પણ નહતા કે એમના લગન સોહનભાઈ સાથે થઈ ગયા. ભણવાનું અધૂરું રહ્યું. લગ્નના એક વર્ષમાં ત્રિશા અને ત્રણ વર્ષમાં રાહુલના આવ્યા બાદ તો એમની કેટલીક મહત્વકાંક્ષાઓ પણ અધૂરી રહી ગઈ. છેવટે એ મધ્યમવર્ગીય ગૃહિણી બની રહી ગયા. નોકરી માટે કોશિશ કરી તો ભણતર ઓછું પડ્યું. બસ ઘરમાં જ સીવણ કરતા રહી ગયા. કોઈ કામ નાનું નથી હોતું, એ વાત એમણે ક્યારેય સ્વીકારી નહિ અને જે પોતાની સાથે થયું એ દીકરી સાથે ન થાય એ માટે સતત પ્રયત્ન કરતા. પ્રયત્ન સુધી સીમિત ન રહેતા એ હવે પોતાના બાળકોની બીજા સાથે સરખામણી કરવા લાગ્યા. એમને આગળ વધવા માટે બળ આપવા લાગ્યા. એમનું આ બળ ક્યારે દબાણમાં બદલાઈ ગયું. એ જ એમને ખબર ન પડી. અને એમના આસપાસના લોકો માટે તો ઈર્ષ્યામાં જ બદલાઈ ગયું.
બાર સાયન્સમાં 85% લાવવા છતાં ત્રિશાને હંમેશા એ બાબતે જ બોલવામાં આવતું કે પ્રથમ નંબર કેમ ન આવ્યો? ટૂંકા પગારમાં પણ ત્રિશા જોડે એમણે સાયન્સ લેવડાવ્યું. એની આર્ટસમાં જવાની ઈચ્છા હોવા છતાં છેવટે સાયન્સ સ્ટ્રીમ લેવડાવીને એ માન્યા. કોલેજમાં એન્જીનીયરીંગ માટે ગવર્મેન્ટ કવોટામાં ત્રિશાનું નામ આવ્યા છતાં એને અમુક બાબતે તો એની મમ્મીની રોકટોક હંમેશા રહેતી. માર્ક્સ, સ્કોલરશીપ કે એની અડોશી-પડોશીનું કોઈ અચિવમેન્ટ.
સવારથી જ એ એમના પડોશીનો દીકરો સ્વપ્નીલના માર્કના ગુણગાન ગવામાં લાગેલા હતા. જોકે એ આર્ટસમાં હતો. ઘણીવાર ત્રિશાના સમજાવ્યા છતાં એની મમ્મી સમજી નહિ. ઘરેણાં, ઘરનું ફર્નિચર અથવા રાચરચીલું બધું જ એમની આ જ ઈર્ષ્યાનું પરિણામ હતું. હવે તો એ કોઈ જ બાબતે પોતાના પતિ કે છોકરાઓને ટોણા મારવાનું છોડતા નહિ. એમના મનમાં આ વાત ઘર કરી ગઈ હતી કે જો કોઈ વસ્તુ મેળવવી હોય તો એ માટે આ જ એક રીત છે. જે અપનાવી બધું જ મેળવી શકાય. પોતાનો ભાઈ થોડા દિવસ બહાર ફરવા જતો હોય તો એ પોતાના પતિને હેરાન કરે. દિયરના ઘરમાં કંઈ નવું આવ્યું હોય તો પણ પોતાના પતિને હેરાન કરે. આજુબાજુમાં કોઈ છોકરા કે છોકરીએ કોઈ સારી એવી જગ્યાએ નામ કમાવ્યું હોય તો તો છોકરાઓની આવી જ બને.
એક દિવસની વાત છે આ, એમની સોસાયટીમાં રહેતી અને એમની બહેનપણી એવી ગીતાબેનની દીકરી કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે એવા એમને સમાચાર મળ્યા. એ છોકરી રુચિના ગુણગાન ગાતા સુશીલાબેન થાકતા નહતા. અને જ્યારે એમને આવી જાણ થઈ ત્યારથી તો એમના માથે જાણે આભ તૂટી પડ્યું. એ પછી તો પોતાની ત્રિશાને પણ એમણે સખત કાબુમાં કરી લીધી. એના પહેરવા, ખાવા, દોસ્તો અહીં સુધી કે જીવન પર પણ પ્રતિબંધ મૂકી દીધો. આ બધાથી ત્રિશા ખૂબ અકળાઈ ગઈ. એણે એના પપ્પાને આ વસ્તુ સમજાવી. પણ એના પિતા પણ લાચાર બની ગયા. છેવટે એણે બધું સમય પર છોડી દીધું.
એક રીતે ત્રિશાની મમ્મીને કારણે એ ઘણી મુસીબતમાં પડી જ રહી હતી, એ એની એન્જીનીયરિંગના છેલ્લા સેમમાં હતી અને આટલા પ્રતિબંધ. એના લેક્ચર કે પ્રોજેકટ માટે એ સાંજે રોકાઈ પણ શકતી નહતી. અને એના પરિણામસ્વરૂપ એના છેલ્લા સેમમાં ગ્રેડ ઘટી ગયા. મમ્મીને શુ જવાબ આપવો? એ ચક્કરમાં એ ઘરે ગઈ જ નહીં.
ત્રિશા ઘરે ન આવી કે એના મમ્મીએ ઘર માથે ઉઠાવ્યું. એનો ફોન લાગે નહિ. એમને એમ કે બસ પૂરું. "મારી છોકરી પણ ભાગી ગઈ." આ વિચારી એમણે રડવાનું ચાલુ કરી દીધું. સોહનભાઈ એમનો દીકરો અને અડોશી-પડોશી પણ આમાં જોડાઈ ગયા.
પાડોશીઓએ જાતજાતની ભ્રમણાઓ રજૂ કરી. જરૂર કોઈ સાથે ભાગી ગઈ હશે. જરૂર કોઈ આડુંઅવળું પગલું ઉઠાવ્યું હશે. આ બધી ભ્રમણાઓએ એમનું મગજ ખરાબ કરી નાંખ્યું અને હવે જઈ એમને ત્રિશા પર મુકેલી પાબંધીઓ પર વિચાર કર્યો. જો એવું ન કર્યું હોત તો કદાચ મારી ત્રિશા મારી સાથે હોત. એમ સમજી એમણે પોતાનું જ માથું ફૂટ્યું. આ બધી જ ભીડ એમના ઘરે જમા થઈ હતી. એટલામાં ભીડમાંથી અવાજ આવ્યો. "મમ્મી....."
અને બધાએ એ અવાજ તરફ નજર કરી, તો ત્રિશા સામે જ ઉભી હતી. સુશીલાબેન તો એની તરફ જ દોડી ગયા. અને સીધી જ જઈને એને ગળે લાગી ગયા. એની મમ્મીની આવી હાલત જોઈ એ ડરી ગઈ અને બોલી, "મમ્મી સોરી, મારા માર્ક્સ ઓછા આવ્યા એટલે હું ઘરે આવવાથી ડરતી હતી. મને ખ્યાલ હોત કે તારી આવી હાલત થશે તો...."
આ વખતે સુશીલાબેને આ વાત સાંભળી ત્રિશાને ધમકાવવાની જગ્યાએ હીબકાં ભરતા જ બોલ્યા, "ભૂલી જા બેટા. તારા માર્ક્સથી મને કોઈ પણ પ્રોબ્લેમ નથી. બસ જ્યાં સુધી તું મારી સામે છે મને કોઈ જ ચિંતા નથી." આટલું સાંભળી ત્રિશાને શાંતિ થઈ અને ખોટી અટકળો લગાવનાર પાડોશીઓ એમના ઘરે જતા રહ્યા.
ત્રિશાને બેસાડી એની મમ્મીએ એની સાથે ભરપૂર વ્હાલ કર્યું અને પૂછ્યું, "આટલી વાતને કારણે હું કેટલી ગભરાઈ ગઈ. બસ મને એ વાતની ખુશી છે કે તું સહી-સલામત છે."
"મમ્મી, એક્ચ્યુલી...."
"હા બોલ ને બેટા...."
"હું ઘરે આવવાની નહતી. ડરના માર્યે ખબર નહિ કોઇ જગ્યાએ ઉતરી ગઈ અને બસ ત્યાં જ મારી દોસ્ત સાથે વાત કરતી હતી કે...."
"કે શું???"
"કે હું ઘરે નહીં જઉં. પણ ત્યાં એક માણસે મને એવું કંઇક કહ્યું જેની કારણે હું ઘરે આવી ગઈ."
"કોણ હતું એ? શું કહ્યું એણે???"
"મને સીધું જ એમણે કઈ નથી કહ્યું. એ કોઈ છોકરી સાથે વાત કરી રહ્યા હતા અને મને એ રીતે એમણે વાત કરી કે હું સમજી પણ જઉં અને મને એમના ઇરાદાઓ પ્રત્યે શંકા પણ ન જાય.... "
"કંઈ વાંધો નહિ, અંત સારો તો બધું સારું. એક સારા માણસના કારણે મારી દીકરી આજે મને મળી ગઈ. ભગવાન એમનું ભલું કરે. બસ આજ પછી હું તારી પર કોઇ જાતનું દબાણ નહિ મુકું." પોતાના પતિ અને દીકરા તરફ જોઈ સુશીલાબેન બોલ્યા, "આજ પછી મારી ઈર્ષ્યાને કારણે તમારામાંથી કોઈએ કંઈ જ ભોગવવું નહિ પડે. હું માત્ર ભગવાનનો આભાર માનીશ. મને આટલું સારું પરિવાર આપવા બદલ......" અને બસ ત્રિશા એની મમ્મીને ગળે વળગી પડી.
(સરખામણી ક્યારે ઈર્ષ્યામાં બદલાઈ જાય છે એનો ખ્યાલ માણસને પોતાને નથી રહેતો. એ બધાને કારણે એક વ્યક્તિ પોતાના પરિવારથી હંમેશને માટે દૂર થઈ જાય છે. સુશીલાબેન માટે એક અજાણ્યો માણસ એક ફરિશ્તાના રૂપમાં આવી ત્રિશાને સાચી સમજ પુરી પાડી ગયો. કદાચ એ વ્યક્તિ વિશે એ ક્યારેય નહીં જાણી શકે પણ તમે જાણી શકો છો. એ માટે ફક્ત તમારે મારી નવલકથા "કિસ્મત કનેક્શન" વાંચવી રહી....)
ટૂંકીવાર્તાઓ