હમદમ
જીવન માં સુખ કે દુખ એ આપણી મનોસ્થિતિ પર મહદઅંશે આધાર રાખે છે એવું ચોક્કસપણે કહી શકાય.મનુષ્યે ને મળેલ આ અમુલ્ય જીવન ઉપરાંત આવી પડેલી આપદાઓ કે ખુશીઓની ક્ષણો ને ઉતમ સ્થિતિ માં જો જીવી શકાય તો જીવન જાણે આપણા માટે એક ઉત્સવ બની જાય.. જે જ્ઞાન જીવન આપે છે એ કોઈ આપી શકતું નથી આવું જ મારા અનુભવે બનેલી એક ઘટના વાગોળવાનું મન થાય છે.
શંભુ.....નામ મહાદેવ નું,પ્રકૃતિ અને કર્મ થી એ ભોળા અને એવો જ રતન પર ગામ નો મજુરી કામ કરતો ખેડું શંભુ.... હા .... એ સમયે હું રતનપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં તબીબ તરીકે નવનિયુક્ત થયેલો. નવી નીકરી અને બમણો જુસ્સો ...એક ડોક્ટર તરીકે ઉતમ તબીબી સેવાઓ આપવાનું લક્ષ્ય ...આમાં અધૂરા માં પૂરું મારા પિતાશ્રી એ નોકરી મળતા ટકોર કરેલી ..ઈમાનદારી થી તારું કામ કરજે. દર્દીઓની સેવા કરવાની ઉતમ તક મળી છે .તારું કર્મ સારી પેઠે સમજીને નીભાવજે. મેડીકલ કોલેજ માંથી પગરવ માંડી દિવાસ્વપ્ન માં રાચતા નવયુવાન ને ગામડાની માટી માં ભળતા થોડી વાર લાગી. પણ અંતે વાસ્તવિકતા સાથે જીવવાની નવી પ્રેરણા મળી .અભાવ એ નવો સ્વભાવ સર્જે છે .મર્યાદિત સુવિધાઓ વચ્ચે મેં દર્દીઓમાં સારી શાખ ઉભી કરેલી. પણ અચાનક એક દિવસ....
રાત્રે દસેક વાગ્યા નો સમય . હું મારા મેડીકલ નાં અભ્યાસ થી પરવારી નીદ્રદેવી નું જાણે આહ્વાન કરી રહ્યો હતો ત્યારે જ અચાનક ક્વાટર નાં દરવાજા પર કોઈ એ ટકોર મારી. મેં દરવાજો ખોલ્યો સામે મોજીલો હાંફતો હાંફતો બોલ્યો. “ સાહેબ , જલ્દી આવો ને ... એક ડીલેવરી કેસ છે .” આ પાત્ર પણ અનુંઠું હતું. નામ હીરો પણ હમેશ મોજ માં જ હોઈ .આથી એનું નામ પાડેલું મોજીલો ...
“ શું છે મોજીલા અત્યારે ?” મેં રુક્ષ અવાજે કહ્યું.
“એક ડીલેવરી કેસ છે ..તમે આવો ને ...” હીરા નાં અવાજ માં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. હું કપડા બદલી પી .એચ .સી .પર તુરંત પહોચ્યો. લેબર રૂમ માં જાણે શોક નું મોજું ફરી વળેલું.. બધા સિસ્ટર ખુબ ચિંતા માં હોઈ એવું લાગ્યું.
“ શું થયું સિસ્ટર? ” મેં ધડાકાભેર પ્રશ્ન પૂછ્યો.
“સર ..આ હાઈ રિસ્ક મધર છે . લોહી ના ટકા ઓછા છે . બ્લીડીંગ ખુબ થાય છે, લેબર પણ પ્રોગ્રેસ થતું નથી એન્ડ સર... એક વર્ષ પેહલા સ્ટીલ બર્થ થયેલ છે {સ્ટીલ બર્થ એટલે જન્મ સમયે બાળક નું મૃત જન્મવું }. સિસ્ટર એકી શ્વાસે આખી હિસ્ટરી બોલી ગયા .મેં ફટાફટ એપ્રન ,ગ્લોવ્સ પેહરી તપાસ કરી, સ્થિતિ થોડી ગંભીર હતી .પણ ડીલેવરી થઇ શકે એમ હતી. આખરે મહામેહનતે રાત્રે ૧૦.૪૫ વાગ્યે ડીલેવરી થઇ ગઈ. ૩ કી .ગ્રા .નાં સુંદર બાળક નો જન્મ થયો. બધા સિસ્ટર અને સ્ટાફ માં ખુશી નું મોજું ફરી વળ્યું. જાણે એક મોટી જંગ જીતી લીધી હોઈ એવો એહ્સાસ થયો. આમ પણ ગંભીર કેસ માં બધું સમું સુતરું પાર પડે ત્યારનો આનંદ અમારા માટે અનેરો જ હોઈ છે. રૂટીન તપાસ બાદ જરૂરી તમામ ઈન્જેકસન ,દવા નું સૂચવી હું લેબર રૂમ ને બહાર નીકળ્યો..
ત્યાં એક નજર ક્યારની મારી રાહ જોઇને બેઠી હતી .ધીમે ધીમે એક કોઈ ગીત ગણગણતો હતો..મને આ અભણ માણસ પર ભારો ભાર ગુસ્સો આવ્યો......એ હતો શંભુ....”અરે ભાઈ,તારી પત્ની યમલોક પહોચતા પહોચતા રહી ગઈ છે .સગર્ભાવસ્થા દરમિયાન તે કઈ ધ્યાન આપેલ છે કે નહિ ? બોલ, કશી તપાસ કરાવેલી ? દવાઓ લીધેલી ? મારા શબ્દ રૂપી વેધક તીર એને ફૂલ સમાન લાગતા એમ એ મલકાતો ઉભો હતો.
“ નાં ,સાહેબ ..અમે મજુર માણસ..આ ગામ માં ઘેટા બકરા ચરાવું છે અને મારા શેઠ ની નાની જમીન નું રખોપું કરું છું.અમને કઈ ખબર નાં પડે. ઘરે સવુંમાં ને બોલાવેલા .પણ તકલીફ વધી એટલે દવાખાને આવ્યા. “ મારી સામે અનિમેષ નજરે જોતો શંભુ મને ઘણો પછાત લાગ્યો. આખરે પથ્થર સાથે માથું ટીપવાને બદલે મેં ત્યાંથી નીકળી જવામાં જ શાણપણ સમજી. દીકરા નું મોઢું જોઈ હરખઘેલો થયેલો શંભુ મારી પાસે થી વીજળી વેગે પસાર થયો.
”હમણાં આવું સાહેબ ...” કહી એને દોટ મૂકી .
આખરે ક્વાટર માં જઈ મેં નીદ્રદેવીનું શરણ સ્વીકાર્યું. ૧૨.૩૦ નાં સુમારે વળી મોજીલાએ હાંક મારી .આખા દિવસ નાં કામ થી થાકેલો ઉપરાંત આ ડીલેવરી કેસ.. મારા મગજ નો પારો સાતમાં આસમાને હતો. દરવાજો ખોલતા જ મેં રીતસર ની ચીસ પાડી ..
“ શું છે શંભુ હવે ?”
“ સાહેબ , આ લ્યો પેંડા ..ઘર નાં માવા નાં બનાવેલા છે .ગમે એટલા ખાવ મો નહિ ભાંગે...” એની આંખો માં અજીબ તેજ અને મો પર નીરવ શાંતિ હતી. હું બધો ગુસ્સો ગળી ગયો .મેં પેંડા લીધા .તેને મને સલામ ભરી. થોડી પળો માટે મને મારામાં મારાથી કંઇક વધારે હોવાનો એહસાસ થયો.ત્રણ દિવસ દરમિયાન શંભુ અને એની પત્ની ની સ્ટાફ દ્વારા જરૂરી તમામ સૂચનાઓ આપવામાં આવી .પણ શંભુ શાકભાજી ,દૂધ રોજ લઈને આવતો .રોજ સાંજે મોડે સુધી અમારી સાથે બેસે અને દરરોજ બનતી દવાખાના ની વાતો ભોળા ભાવે સાંભળે .મને પણ આ વ્યક્તિ સાથે આત્મીયતા થઇ ગયેલી .
અઠવાડીયા બાદ તે પોતાની પત્ની અને બાળક સાથે તપાસ માટે આવ્યો.
“ સાહેબ, આવું ?
“અરે આવ , શંભુ..” મેં મીઠો પ્રત્યુતર આપ્યો.મેં માતા અને બાળક ની તપાસ કરી .બંને સ્વસ્થ હતા .
“બંને સ્વસ્થ છે શંભુ ...કુટુંબ નિયોજન વિષે મેં તમને સમજાવેલ .તો તમારો શું અભિપ્રાય છે ?”
“સાહેબ ..તમે કહો એમ ...” શંભુ.એ ધડાકા ભેર કહ્યું.
“અરે ..આ નિર્ણય તો તમારા બંને નો હોય ...” મેં કહ્યું .
“ સાહેબ.. તમે કહો એ અમારા માટે તો આદેશ જ ગણાય .હું રહ્યો અભણ માણસ.. ઘેટા બકરા ચરાવુ મારી તો આ જ દુનિયા છે .પેહલી દીકરી તો જીવ વગર જ જન્મેલી .હવે આ દીકરો આવ્યો છે બસ... અમારા માટે આજ ઘણું છે .તમે તો અમારા માટે ભગવાન બની ને આવ્યા છો. સાહેબ... “ તેને મેં લેપ્રોસ્કોપીક ઓપરેશન ની સલાહ આપી .થોડા સમય બાદ નશબંધી પણ થઇ ગઈ .સરકાર શ્રી તરફ થી મળતી સહાય પણ અપાવી .પણ એક દિવસ ....
શંભુ રડમસ થઇ મારી પાસે આવ્યો. “સાહેબ.. જુવોને મારા નંદનને ...બે –ત્રણ દિવસ થી તાવ આવે છે ,છાતી ફૂલે છે ..” મેં તપાસ કરી .ગંભીર ન્યુમોનિયા હતો. પ્રાથમિક સારવાર આપી ને જીલ્લા ની બાળકો ની હોસ્પિટલ માં બાળક ને રીફર કર્યું. પણ કુદરત નાં અકળ રહસ્ય ને ક્યાં પામી શકાય છે ? પાંચ દિવસ ની સતત સઘન સારવાર નાં અંતે પણ નંદને દમ તોડ્યો .બંને પતિ –પત્ની જાણે સાવ ભાંગી પડ્યા..
થોડા દિવસો બાદ જયારે દવાખાને આવ્યા ત્યારે શંભુ પોતાની પત્ની નો હાથ હાથમાં લઇ “હમદમ મેરે ..” નું એ જુનું ગીત મમળાવતો નજરે પડ્યો. મને રડમસ અવાજે સલામ ભરી જતો રહ્યો. આ માણસની વેદનાએ મારું હદય બે ઘડી માટે પીગાળી નાખ્યું. ત્યારબાદ લાંબા સમય સુધી નાં શંભુ દેખાયો નાં એના કોઈ સમાચાર આવ્યા.
એક વર્ષ બાદ ...
“ સાહેબ, આવું કે ?” શંભુ અપેક્ષિત નજરે મારી સામે જોઈ બોલ્યો.
“અરે, શંભુ ,આવ...આવ... આટલા લાંબા સમય બાદ ..?”
“ હા ,સાહેબ..તપાસ કરાવવા આવ્યો છું.” એને સહેજ શરમાતા કહ્યું.
શંભુ ની પત્ની નું પેટ વધેલું જોઈ મને આશ્ચર્ય નો પાર નાં રહ્યો. કારણ કે તેને તો નશબંધી કરાવેલી .મેં બધી તપાસ આદરી .તપાસ ની અંતે માલુમ પડ્યું કે શી ઈઝ પ્રેગ્નન્ટ ...
“દોસ્ત ,તારા નસીબે તને સાથ આપ્યો છે. જે ઓપરેશન નિષ્ફળ જવાની શક્યતા નહીવત હતી એમાં તું સફળ થયો છે .અભિનંદન ,તું બાપ બનવાનો છે ‘.
“ આભાર સાહેબ તેની આંખો માંથી જાણે શ્રાવણ ભાદરવો વર્ષી પડ્યા .ધીમે ધીમે ગીત ગાતો એ પરિસર માં બેઠો રહ્યો. જયારે હું નીકળ્યો ત્યારે મને સલામ ભરી . આજે મેં પણ એની સામે હાસ્ય રેલાવ્યું.એક ઓપરેશન ની નિષ્ફળતાએ આજે આ નાના પરિવાર ને ખુશ કરી દીધો હતો.મેં અને કાગળો કરી મળતો સરકારી લાભ અપાવ્યો ..પણ એને પૈસા ની ક્યાં દરકાર હતી.. .એ તો એમ જ એની જિંદગી માં ખુશ હતો...
વર્ષો વિતતા વાર નથી લાગતી .મારી બદલી થઇ ,પ્રમોશન થયું .મારા પિતાશ્રીએ આપેલી શીખ પ્રમાણે હું ખંત થી મારા કામ માં રચ્યો પચ્યો રહેતો..જયારે પણ શંભુ નામ સાંભળતો મને એ ગામડા નો ભોળો માણસ યાદ આવી જતો.
દસ વર્ષ બાદ...
મારે પી .એચ . સી. ની વિઝીટ માં જવાનું થયું.વિઝીટ નું કામ પૂરું થતાં મેં દવાખાના નાં કેમ્પસ માં એક લટાર મારી. આમ પણ ઘણી જૂની યાદો આ સ્થળ સાથે જોડાયેલી હતી .સામે થી એક માણસ દોડતો આવ્યો. અને મને સલામ ભરી .મને એ માણસ ને ઓળખતા વાર નાં લાગી ..
“અરે શંભુ તું કેમ છે.... ભાઈ ?” મારા થી રીતસર ઉદગારો સરી પડ્યા.
“સાહેબ..મજામાં ..” એ હરખ ભેર બોલ્યો. સાથે એક નવ વર્ષ ની એક દીકરી હતી એને થોડે દુર તેની હમદમ બાકડા પર બેઠેલી હતી .
“તારી દીકરી ?”
“હા ,સાહેબ ,મારું રતન ...
“સાહેબ ,હું હમણાં આવ્યો ..” તેને દોટ મૂકી .હું સમજી ગયો.
ત્યાં હીરાએ આવી મને સઘળી વાત કરી .”સાહેબ,તમારા ગયા બાદ શંભુ ને ત્યાં દીકરી નો જન્મ થયો. થોડા વર્ષો બાદ તેની પત્ની ને પેરાલીસીસ થયો .હવે આ માણસ પોતાની પત્ની અને આ નવ વર્ષ ની દીકરી ની સાચવી રહ્યો છે .સાહેબ, કાલે એને ખબર પડી કે તમે આવવાના છો એટલે વેહલી સવારથી અહી જ બેઠો છે”
મારી સાથે નાં તબીબ મિત્રોએ જવાની ઉતાવળ કરી પણ મેં એને થોભાવ્યા .થોડા સમય બાદ શંભુ આવ્યો. મારા હાથ માં પેકેટ થમાવ્યું. અને બોલ્યો “માવા નાં પેંડા સાહેબ...”
મેં એને વચ્ચે જ અટકાવ્યો “ હા , શંભુ મને ખ્યાલ છે તું શું કેહવા માંગે છે ?”અમે શંભુ નો પ્રસાદ ગ્રહણ કર્યો .એ પોતાના નાના પરિવાર સાથે બાંકડે બેઠો બેઠો એ જ ગીત મમળાવી રહ્યો હતો.. હું તેને એકીટશે જોઈ રહ્યો.. આખા માર્ગે હું એ જ વિચારતો રહ્યો...
જીવન થી માણસ ને આખરે શું અપેક્ષા છે ? માણસ માટે સુખ ની વ્યાખ્યા શું છે ? ધન દોલત ,એશો- આરામ વાળા ઘણા મેં અંદરથી દુખી થતા જોયા છે .જયારે આ શંભુ ઘણું બધું ગુમાવ્યા બાદ પણ તેના હમદમ અને નાના પરિવાર સાથે સુખી છે. ખરેખર અસંતોષ એ જ દુખ નું મુખ્ય કારણ છે .જીવન નાં પ્રવાહ સાથે વહી જવું એ શાણપણ છે .બસ.. આજ તો છે જીવન ..જેનું રહસ્ય આજે પણ ઘણુંખરું એકબંધ છે .....
By:- Dr. brijesh D.Mungra
. .