"એય તે મારા ફળિયામાં પગ કેમનો મુક્યો???" એક સ્ત્રી સખત ગુસ્સામાં બોલી.
"બેન હું ફક્ત ઘરનો કચરો લેવા આવ્યો હતો. બીજું કંઈ જ નહીં" સામેવાળો ભાઈ આ બાઈનું પ્રચંડ સ્વરૂપ જોઈ બોલ્યો.
"મને પૂછ્યું તે? અહીં આવતા પહેલા? નીકળ અહીંથી. જ્યારે પણ કચરો લેવા આવે ત્યારે મને બુમ પાડવાની. હું જ આવીશ. એ સિવાય મારા ફળિયામાં પગ મૂક્યો તો પગ તોડી નાંખીશ. યાદ રાખજે." એ બાઈ પોતાની લાલ આંખો કરી ચેતવણીના સ્વરૂપમાં બોલી.
એ ભાઈ ત્યાંથી અપમાનિત થઈ આસપાસ ઉભેલા લોકોની દયામણી નજર સાથે ત્યાંથી નીકળી ગયો.
એની આસપાસ ઉભેલા બધા જ લોકો આ બાઈના સ્વભાવથી પરિચિત હતા. કોઈ એની સામે કંઈ જ બોલતું નહિ.
ટોળામાંથી એક જણ બોલ્યું, "ચલો.. ચલો.. આ તો રોજનું છે. ખાલી કરો રસ્તો, નહિતર આપણા પણ આ જ હાલ થશે."
કચરો લેવા આવનાર ભાઈને કોઈ ઓળખતું તો નહતું, પણ એ બાઈ ગીતાબેનના સ્વભાવથી પરિચિત હોઈ લોકોને ખ્યાલ આવી જ ગયો કે ભુલ કોની છે? પણ એમની સામે કોણ બોલે? એ વિચારી કોઈ બોલે નહિ.
મહાનગરોની આ જ પરિસ્થિતિ છે. ગામડાના સ્વચ્છ હવા-ઉજાસવાળા ઘરો છોડી જે અહીં નાનકડા મકાનમાં આવે, ધીમે-ધીમે એનું હૃદય પણ નાનું થઈ જાય છે. અને છેવટે એ વ્યક્તિ બધાને હડધૂત કરવા લાગે છે. સોસાયટીમાં આવ્યે હજુ આ પરિવારને એક મહિનો જ થયો હતો ને લોકો એ ઘરથી દૂર રહેવામાં જ પોતાની ભલાઈ સમજવા લાગ્યા, પતિ-પત્ની અને બે 12 અને 10 વર્ષના દીકરા ધરાવનાર ઘરના પુરુષ રમેશભાઈ અને પ્રીત, જીતને તો ભાગ્યે કોઈએ જોયા હશે. પણ ગીતાબેનથી સહુ પરિચિત થઈ ગયા હતા.
એ આવ્યા એ દિવસે ટેમ્પોમાં સામાન લાવનારની વારી પડી ગઈ. બીજા દિવસે પાણીની પાઇપ ટપકતી હોવાને કારણે બાજુવાળા પાડોશીની. અઠવાડિયા પછી એમની ઘર સામેથી પસાર થતી છોકરીની, જે માત્ર એના ઘર પાસેથી ઉધરસ ખાતા નીકળી કે બેનમાં મહાકાળીનો વાસ આવી ગયો. અડધો કલાક ચાલેલા એ યુદ્ધમાં છેવટે છોકરી કોલેજ જવાની જગ્યાએ રડતા-રડતા પોતાના ઘરે પાછી ગઈ.
સોસાયટીમાં રહેનાર સહુ કોઈ હવે એમના સ્વભાવથી પરિચિત થઈ ગયા હતા. શક્ય એટલું એમનાથી દૂર રહેતા. પણ કર્મની કઠણાઈ તો જુઓ, જેટલું આ બધાથી દૂર રહેવાની કોશિશ કરે એટલું જ વધુ હેરાન થાય. એવું પણ નહતું કે ગીતાબેન માત્ર ઝઘડો જ કરતા, એ 'સારા' કહેવાતા શબ્દોનો ઉપયોગ પણ કરતા. એક રીતે એમ કહી શકાય કે એક બિગ બોસ આ સોસાયટીમાં જ બેસી ગયા હતા. જેમાં પસાર થનાર દરેક વ્યક્તિ એમના ટાસ્કનો, ગુસ્સાનો અને ઝઘડાનો કોઈ સ્ક્રિપ્ટ વગર જ શિકાર બનતું.
23 માર્ચ, 2020.
ભારતમાં લોકડાઉન પછી તો પ્રધાનમંત્રી શ્રીના આપેલ ટાસ્ક અનુસાર સોસાયટીમાં બધા જ્યારે થાળી-ચમચી વગાડ્યા ત્યારે ગીતાબેનના શબ્દો પણ સાંભળ્યા. ગીતાબેનનો જ પ્રતાપ હતો કે ઘરમાં એમના પતિ કે છોકરા પણ રોકાવાનું ઓછું પસંદ કરતાં. લોકડાઉન થતા છોકરાઓનું તો બહાર જવાનું બંધ થયું. પણ એમના પતિ-પરમેશ્વરનું નહિ. એ જ પ્રતાપે એ એક મહિનામાં જ કોરોનાગ્રસ્ત થયા અને ઘરને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું.
આ બીજા દિવસની વાત હશે. ગીતાબેનના ઘરનો રસોડાનો દરવાજો અને પડોશીનો રસોડાનો દરવાજો પાછળ સામે-સામે જ હતો. આમ તો ગીતાબેન કોઈ દિવસ દરવાજો ખોલતા નહિ, પણ ઘરની બહાર નીકળી ન શકવાને કારણે એમણે દરવાજો ખોલ્યો. પતિ તો હોસ્પિટલમાં જ હતા. એમણે દરવાજો ખોલ્યો કે સામેવાળા પાડોશીબેને ચિંતાને વશ થઈ પૂછ્યું, "ગીતાબેન, રમેશભાઈને કેમ છે હવે? કઈ લાવવું હોય માર્કેટમાંથી કે કઈ જોઈએ તો કહેજો...."
બસ અને એ એમના જીવનની સૌથી મોટી ભૂલ, "તું હોય છે કોણ મને આ પૂછવાવાળી? મને જે જોઈતું હશે એ હું જાતે લઈ આવીશ. તું તારું કર." જેવા શબ્દોથી સ્વાગત કર્યા બાદ એમણે એમના 'સારા' શબ્દો વાપર્યા અને આ વખતે પાડોશીએ હંમેશ માટે રસોડાનો દરવાજો બંધ કરી દીધો.
બસ હજુ અઠવાડિયું થયું હશે, કે ખબર આવી, 'રમેશભાઈને કોરોના ભરખી ગયો.' ના તો કોઈ અંતિમ સંસ્કાર અને ન તો કોઈ બેસણું.... બસ એમ જ એ આ દુનિયામાંથી વિદાય લઈ જતા રહ્યા. ગીતાબેનનો સ્વભાવ જોઈ ના તો કોઈ પાડોશી એમને દિલાસો આપવા ગયું અને ના તો ક્વોરન્ટાઇન ટાઇમ પૂરો થયા બાદ કુટુંબનું કોઈ સદસ્ય એમને મળવા આવ્યું. અને બસ ગીતાબેન એકલા થઈ ગયા, એ બાદ ક્યારેય ન તો એમનો અવાજ એમના ઘરમાંથી બહાર આવ્યો, ન તો એ બહાર આવ્યા. અને લોકડાઉન ખુલતા જ પોતાનો સામાન લઈ પોતાના ગામ ભેગા થઈ ગયા.
(કહેવાય છે કે જેવું કર્મ કરો એવું ફળ મળે. પણ ઉપરવાળો એ બાબતમાં બહુ ચાલાક છે. એ એવું જ ફળ આપશે, જે આપણને સૌથી વધુ આઘાત પહોંચાડે. અને જ્યારે એ કસોટી શરૂ થાય અને જો તો પણ આપણે પોતાના કર્મોને ન સંભાળી શક્યા તો એ આઘાત જીવનભર જીરવો જ રહ્યો.)