Remembering 'zero' in Gujarati Poems by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | 'શૂન્ય'નું સ્મરણ

Featured Books
Categories
Share

'શૂન્ય'નું સ્મરણ

દિલમાં 'શૂન્ય'ની યાદનો રાજ્યાભિષેક છે.

શબ્દ સાધના પરિવાર, બનાસકાંઠા વૉટ્સ એપ ગૃપમાં કવિ શ્રી પરબતકુમાર નાયી 'દર્દ' એક સંદેશો મૂકે છે. 'દોસ્તો આપણા આદરણીય અને ગુજરાતી ગઝલના સોનેરી શિખર 'શૂન્ય' પાલનપુરી સાહેબની જન્મ જયંતી ૧૯ ડિસેમ્બરે છે. ગૃપના દરેક સભ્ય એ દિવસે 'શૂન્ય' સાહેબની ઓછામાં ઓછી એક રચના મૂકે.' આ સંદેશો જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે આ અવસરે 'શૂન્ય' સાહેબની ગઝલના મિસરા પર તરહી ગઝલ-પાદપૂર્તિ કરીએ તો કેવું? બસ આ વિચારને પરબતકુમાર નાયી'દર્દ'ને અંગત સંદેશા રુપે મૂક્યો અને એમણે મારા આ વિચારને વધાવી પાદપૂર્તિ માટે શૂન્ય સાહેબની ગઝલોના મિસરા અને પાદપૂર્તિ માટેના નિયમો ગૃપમાં મૂકયા.

આ વિચારને ગૃપના સભ્યોએ પણ ઉષ્માસભર આવકાર આપ્યો. એના પરિપાકરૂપે ' શૂન્ય'નું સ્મરણ નામે ઈ-પુસ્તક, જે પાલનપુરી ગઝલ ઘરાનાના અગ્રીમ શાયર 'શૂન્ય'સાહેબને શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠાના બનાસી કવિઓની એક વિનમ્ર સ્મરણાંજંલિ છે.'

શૂન્ય'નું સ્મરણ એ પુસ્તકમાં શૂન્ય સાહેબની જાણીતી ગઝલો ના મિસરા પર 15 તરહી રચનાઓ 13 કવિઓ તરફથી પ્રાપ્ત થઈ છે.આ રચનાઓને કોઈપણ માપદંડના ચોકઠાંમાં બેસાડવાનો પ્રયત્ન કર્યા વગર 'શૂન્ય' સાહેબ તરફના આદરને કારણે તેમના વારસ એવા બનાસી કવિઓના હ્દયમાં સ્ફૂરેલી ભાવાંજલિ ગણીને પુસ્તકમાં સ્થાન આપ્યું છે. શૂન્ય કહે છે તેમ

“એક મયખાનું ચાલે છે, આલમ મહીં

ચંદ્ર પણ જામ છે, સૂર્ય પણ જામ છે;

દ્રષ્ટિ વાળા ફક્ત પી શકે છે અહીં

ખાસ મહેફિલ છે પણ દાવતે- આમ છે.”

-શૂન્ય પાલનપુરી

આમ આ ઈ- પુસ્તકમાં કુલ 13 શાયરોની તરહી રચનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તે પૈકી 'પ્રેમમાં અવનવું કરી લેશું' એ મિસરા પર પાંચ, 'નજર મેળવીશું ને ખોવાઈ જાશું'આ મિસરા પર છ અને 'ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી' આ મિસરા પર ચાર રચનાઓ પ્રાપ્ત થાય છે. 'પ્રેમમાં અવનવું કરી લેશું'મિસરા પર તરહી ગઝલ રચતાં કવિશ્રી 'મંથન'ડીસાકર પ્રણય પંથેથી પાછાં હટવામાં માનતાં નથી.પ્રણયના કઠિન પંથ પર ચાલતાં પગમાં છાલા પડી જાય તો પણ તેઓ એ જ રસ્તે ફરી ફરી ચાલવાની વાત કરે છે.

પગમાં છાલા પડે ભલે પડતાં,

એ જ રસ્તો ફરી ફરી લેશું

-મંથન ડીસાકર

 

તો કવિશ્રી શરદ ત્રિવેદી આ જ મિસરા પર રચના આપતા શબ્દોને શ્વાસમાં ભરી, જિંદગીને ગઝલ બનાવવાની મથામણ કરતાં જણાય છે.

એ પછી જિંદગી ગઝલ થાશે

શબ્દને શ્વાસમાં ભરી લેશું

-શરદ ત્રિવેદી

તો કવિશ્રી 'અંશ' ખિંમતવી હળવા મિજાજમાં આ જ મિસરા પર તેમની રચનામાં જણાવે છે.

ખાસ એક વાત એ કહેવી છે,

'હા' કહે તો ફેરા ફરી લઈશું

-'અંશ' ખિંમતવી

તો કવિશ્રી ઈશ્વર ચૌહાણ તારલા થઈ ખરી જવાની વાત કરે છે.

પ્રેમમાં અવનવું કરી લેશું

તારલા થઇ પછી ખરી લેશું

- ઈશ્વર ચૌહાણ

તો કવિશ્રી ડૉ.અલ્પેશકુમાર વાળંદ પ્રિયતમાને પામીને ઘર બાંધવા માંગે છે.

પામવા ઈચ્છું તને હંમેશા હું

ને ઘર આગવું કરી લેશું

- ડૉ.અલ્પેશકુમાર વાળંદ

‘નજર મેળવીશું ખોવાઈ જાશું’ શૂન્ય સાહેબની આ બહુચર્ચિત ગઝલના મિસરા પર કવિ શ્રી રૂડાભાઈ બોચિયા સાહિત્યના કેટલાક પ્રકારો લુપ્ત થવા અંગે વેદના વ્યક્ત કરી, પોતે પણ ડાયનોસોરની જેમ લુપ્ત થવાની વાત વેધક રીતે રજૂ કરે છે.

થતાં લુપ્ત સાહિત્યના પણ પ્રકારો

બની ડાયનાસોર લોપાઈ જાશું

-રૂડાભાઈ બોચિયા

તો કવિશ્રી અનવર જુનેજા પ્રલયથી ડરતાં નથી,મોતથી ટકરાવાની વાત કરે છે.

પ્રલયથી ડરી જિંદગી કેમ છોડું?

અગર મોત આવે તો ટકરાઈ જાશું

-અનવર જૂનેજા

કવિ ની'મુરા પ્રેમને જ ખુદા-ઈશ્વર ગણે છે.તેથી જ તો કહે છે.

સજા પ્રેમમાં મોતનીયે મળે તો,

ખુદાને ધરીશું ને ખોવાઈ જાશું

- ની'મુરા

તો 'શિવમ્' વાવેચીને લોકવંચનાનો ડર લાગે છે.તે પોતાના પ્રિયજનને પ્રેમ માટે જીદ ન કરવા વિનંતી કંઈક આ રીતે કરતાં જણાય છે.

તમે જીદ કરો ના તમારા થવાની,

બધી બાજુએથી વગોવાઈ જાશું.

-શિવમ વાવેચી

તો ઘનશ્યામ પંડ્યા પૌરાણિક કથાનો હવાલો આપી પ્રિયપાત્રથી અલગ કરવાની કોશિશ કરનાર જમાનાને પડકારે છે.

અલગ પાડવાની કરે કોઈ કોશિષ!

જરાસંધની જેમ જોડાઈ જાશું.

-ઘનશ્યામ પંડ્યા

 

'ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી'મિસરા પર પોતાની ગઝલ રચનામાં સતત નિષ્ફળતાઓ છતાં મુશ્કેલીઓ સામે હિંમત ન હારવાની વાત કવિશ્રી ઈશ્વર ચૌધરી 'ઉડાન' કંઈક આ રીતે રજૂ કરે છે.

 

હજી પણ સ્વાદ ચાખી ના શક્યો કોઈ સફળતાનો,

છતાં ક્યારેય પણ હાર્યો ના હિંમત આપદાઓથી

- ઈશ્વર ચૌધરી'ઉડાન'

 

કવિશ્રી સુરેશ'શ્વાસ' બેહદ ચાહવા છતાં પ્રિયપાત્રની ઉપેક્ષાથી નારાજ છે.તેઓ હવે પ્રિયજનની અદાઓ પર પ્રાણ ન્યોછાવર કરવા નથી માંગતાં.

હું રોજ રોજ ચાહું એ ભલે નફરત કરે તો પણ

મરીને પણ હવે કેટલું મરવું એની અદાઓથી

- સુરેશ'શ્વાસ'

 

તો જેમની બળુકી કલમની નોંધ ગુજરાતના નામી ગઝલકારો અને માતબર સામાયિક લે છે તે કવિશ્રી પરબત કુમાર નાયી 'દર્દ' શૂન્ય સાહેબની અદાથી જ તબીબોને આઘા ખસી જવાનું જણાવે છે. સાથે સાથે મક્તાના શેરમાં 'દર્દ' તખલ્લુસને આબાદ રીતે વણી લે છે.

તબીબો મહેરબાની છે તમે આઘા ખસી જાઓ

પિછાણું 'દર્દ' હું મારું,પરિચય છે દવાઓથી

-પરબતકુમાર નાયી 'દર્દ'

 

આમ,અહીં બનાસી કવિઓએ 'શૂન્ય' સાહેબની ગઝલોના મિસરા પર પોતીકાં શબ્દો દ્વારા એક સ્મરણાજંલિ આપવાનો સતુત્ય પ્રયાસ કર્યો છે. ઈશ્વર પોતાના ભક્તની ભાવનાને જુએ છે.એ ભક્તના ગુણદોષમાં પડતો નથી. એ જ રીતે 'શૂન્ય' સાહેબ પણ પોતાના ભાવકો- ચાહકો-વારસો એવા બનાસી શાયરોની સ્મરણાંજલિ ચોક્કસપણે સ્વીકારશે એમાં બે મત નથી.'શૂન્ય' સાહેબ લખે છે તેમ

પ્રેમની પાછળ ફના થાનારની,

અન્યથા સાચી કબર મળશે નહીં;

'શૂન્ય'ના અવશેષ જોવા હોય તો,

શોધજો કો'પ્રેમીના અંતર મહીં!

-શૂન્ય પાલનપુરી

-'શૂન્ય'પાલનપુરી 'શૂન્ય'સાહેબના પ્રેમી એવા બનાસી શાયરોમાં 'શૂન્ય'ના અવશેષ જોવા મળે છે,એવા સંતોષ સાથે શૂન્ય સાહેબની જન્મ-જયંતીથી શરુ થયેલી આ સફર ઈ- પુસ્તક રુપે'શૂન્ય' સાહેબની પુણ્યતિથિ નિમિત્તે શૂન્યના ચાહકો-ભાવકો સમક્ષ મૂકતાં 'શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા આનંદની લાગણી અનુભવે છે.

 

શબ્દ સાધના પરિવાર વતી

આપનો સૌનો

શરદ ત્રિવેદી

તારીખ:17/03/2021

 

1.મંથન ડીસાકર

પ્રેમમાં અવનવું કરી લેશું,*

જળ ઉપર ચિત્ર ચીતરી લેશું.

 

જે નથી થઈ હજુ સુધી ક્યાંયે,

વાત એવી નવી કરી લેશું.

 

કાચનું દિલ શું સાચવી શકશું?

ક્યાંથી પથ્થરની ખાતરી લેશું?

 

આવડે કે ન આવડે તરતા,

હાથ પકડી અને તરી લેશું.

 

પગમાં છાલાં પડે ભલે પડતાં,

એ જ રસ્તો ફરી ફરી લેશું.

 

કવિનો પરિચય

મંથન ડીસાકર

વ્યવસાય: નિવૃત શિક્ષક

હાલ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ, પ્રૂફરીડિંગ, અનુવાદ

બી/1003, રાજરત્ન એન્કલેવ,પાલ આરટીઓ સામે, નિશલ સર્કલ પાસે, પાલ, સુરત

મો:98785 75135

 

2.શરદ ત્રિવેદી

પ્રેમમાં અવનવું કરી લેશું,*

દર્દ મળશે તો પણ સહી લેશુ.

 

જીવને શિવમાં ફરક ક્યાં છે,

ઝેર પિવડાવશો, જીરવી લેશું.

 

શોધશું ઈશ તને ગમે ત્યાંથી,

નભથી પાતાળ લગ ભમી લેશું.

 

એ પછી જિંદગી ગઝલ થાશે,

શબ્દને શ્વાસમાં ભરી લેશું.

 

જો શરદ હા તમે કહી દો તો,

પ્રેમ સાગર અમે તરી લેશું.

 

કવિનો પરિચય

ત્રિવેદી શરદકુમાર કિરીટકુમાર

વ્યવસાય: નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

સરનામું:ધરણીધર નગર ભાગ-2,

હડકાઈ માતાના મંદિર સામે,

થરાદ-385565

મો:7572921900

 

3.શરદ ત્રિવેદી

 

ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી;*

તો જ એ નીકળી શકશે ગમે તેવી જફાઓથી.

 

કશું એવું કરો કે દાખલો આપે તમારો સૌ,

જગત પણ પ્રેરણા લે આપણી સાહસ કથાઓથી.

 

ખુશીની એક પણ પળથી અમારે કયાં પરિચય છે?

ઘરોબો છે અને કાયમ રહેવાનો વ્યથાઓથી.

 

દિદારે યાર માટે જ હું આવું છું મહેફિલમાં,

નહીં તો દૂર ભાગું છું હું આ સરઘસને સભાઓથી.

શૂન્યનું સ્મરણ

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા,

કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું.

 

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો,

નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

-શૂન્ય પાલનપુરી

 

4.ઈશ્વર ચૌધરી 'ઉડાન'

ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી,

નથી ડર એને આંધીનો ડરે છે બુદબુદાઓથી.

 

હજી પણ સ્વાદ ચાખી ના શક્યો કોઈ સફળતાનો,

છતાં ક્યારેય પણ હાર્યો ના હિંમત આપદાઓથી.

 

વડીલોએ શિરે શું હાથ મૂક્યો ને પછી તો શું,

દવાઓથી થયું ના કામ એ થઈ ગ્યું દુવાઓથી.

 

ઘણા એવાય છે જે મોજ વિનાનું નથી રમતાં,

ઘણા એવાય છે જે રોજ ખેલે ભાવનાઓથી.

 

જે તારામાં છે બસ એને જ સાબિત કરને તું 'ઉડાન'

મુઝારો, બીજુ વળવાનું શું ખોટા તાયફાઓથી?

ચૌધરી ઈશ્વરભાઈ ગણેશભાઈ

વ્યવસાય : શિક્ષક

સરનામું: મુ. પો. થાવર, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા

મો: 9924381765

 

5.પરબતકુમાર નાયી ‘દર્દ’

ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી *

ઘણી મૂંઝાઈ ગઈ છે એ આ દંભી નાખુદાઓથી.

 

અવરના છાંયડામાં ચાલવું ફાવ્યું નથી સ્હેજે,

હું એથી દૂર ચાલું છું બધાંના કાફલાઓથી.

 

તમારા આ પ્રપંચોથી જ એને થાક લાગે છે,

નહીતર ક્યાં હરણને છે શિકાયત ઝાંઝવાઓથી.

 

તબીબો મ્હેરબાની છે તમે આઘા ખસી જાઓ,

પિછાણું 'દર્દ ' હું મારું, પરિચય છે દવાઓથી.

 

કવિનો પરિચય

પરબતકુમાર નાયી ‘દર્દ’

વ્યવસાય:આચાર્ય (HTAT)

સરનામું: બુકણા, તા:વાવ, જિ: બનાસકાંઠા

હાલનું સરનામું: મુ.પો.તા.: દિયોદર

જિ: બનાસકાંઠા-385330

 

6.ઈશ્વર ચૌહાણ

પ્રેમમાં અવનવું કરી લેશું.

તારલા થઈ પછી ખરી લેશું.

 

એકબીજાં તર્યાં - નવાઈ શું?

કોક ત્રીજા જણ્યે તરી લેશું.

 

આ જગતનાં બધાં સુખો પામી,

આભ વધ્યાં દુઃખે ફરી લેશું.

 

ઓર શું માંગવું પડ્યે ભૂલાં?

ચાહની સાથ ચાકરી લેશું.

 

આપના પ્રશ્ન ઉત્તરો બનશે,

અમે કસોટી જો આખરી લેશું.

 

કેદ કરવાં છે ક્યાં - તે મુઠ્ઠીમાં?

રહો ખુલ્લાં ખોબલે ભરી લેશું.

 

છે કથાકંથ સૌ જ જેવો ને,

એક વણપંખની પરી લેશું.

 

અબઘડી લો અમારું આ છોડ્યું,

કહો: ક્ષણે આંખમાં ભરી લેશું.

 

છો ને મુઠ્ઠી પકડ અક્કડ કરે,

રેતની જેમ અમે સરી લેશું.

 

કવિનો પરિચય

 

ઈશ્વર એચ.ચૌહાણ

વ્યવસાય: શિક્ષક

સરનામું: માલસણ, તા:વાવ

જિ: બનાસકાંઠા

મો. 9979413506

શૂન્યનું સ્મરણ

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી,

આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી.

******

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,

એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

-શૂન્ય પાલનપુરી

 

7.રૂડાભાઈ બોચિયા

નજર મેળવીશુંને ખોવાઈ જાશું,*

ના જડે એમ સંતાઈ જાશું.

 

અમે એકડા ઘૂંટવા માં રહી ગયા-

સફર શૂન્ય સેવા પરોવાઈ જાશું.

 

થતા લુપ્ત સાહિત્યના પણ પ્રકારો-

બની ડાયનાસોર લોપાઈ જાશું.

 

તમે દૂધ જેવા અમે છાશ થોડી-

ગઝલના વલોણે વલોવાઇ જાશું.

 

લખો નામ ઇતિહાસને એક પાને-

કરો પ્રીત એવી વગોવાઇ જાશુ.

કવિનો પરિચય

 

બોચીયા રૂડાભાઈ હેમભાઈ

વ્યવસાય:શિક્ષક

સરનામું: મુ.પો.રામપુરા, તા.થરાદ

જિ:બનાસકાંઠા

મો. ૯૫૧૦૧૦૩૩૪૨

 

8. ડૉ.અલ્પેશકુમાર એમ.વાળંદ

નજર મેળવીશું ને ખોવાઈ જાશું *

બની આંખ અંજન ને અંજાઇ જાશું

 

તને નિરખવાની જ ચાહતમાં જોજે

હવે ગામ આખા(માં) વગોવાઇ જાશું

 

તને પામવાને થયો જન્મ મારો

દહીં માફક બન્ને વલોવાઇ જાશું

 

તુ મોતી થઈ આવ મારામાં સાચ્ચા

બની દોર તારામાં પરોવાઇ જાશું

 

કવિનો પરિચય

 

ડો. અલ્પેશકુમાર એમ.વાળંદ

વ્યવસાય: શિક્ષક

સરનામું: અયોધ્યાનગર, તા.દિયોદર

જિ.બનાસકાંઠા

મો.9913012971

 

9. ડૉ.અલ્પેશકુમાર એમ.વાળંદ

પ્રેમમાં અવનવું કરી લેશું *

નોંધ લે દૂનિયા (તેવું)કરી લેશું

 

પામવા ઇચ્છુ તને હમેંશા હું

ને ઘર આગવું  કરી લેશું

 

ને ભળે જો તવ તાલ મારામાં

ગામને (પણ) નાચતું કરી લેશું

 

છે તને ચાહવા(માં) મુશ્કેલીઓ

તે છતા મારી તને કરી લેશું

 

ને  નદી જે મળે  દરીયાને

તેમ પ્રવાહો આપણા કરી લેશું

શૂન્યનું સ્મરણ

 

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,

એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

-શૂન્ય પાલનપુરી

 

10.અંશ ખીમતવી

પ્રેમમાં અવનવું કરી લઈશું*

વણ હલેશે નદી તરી લઈશું.

 

ખાસ એક વાત એ કહેવી છે,

'હા 'કહે તો ફેરા ફરી લઈશું !

 

બંધ બારી તરફ નજર માંડી,

આંસુઓથી નયન ભરી લઈશું!

 

વાત મરવાની જો કરી છે તો ,

એ ઘડી આખરી કરી લઈશું!

 

'અંશ'ની લાગણી જીવે એથી

હા નવી આજે ડાયરી લઈશું!

 

કવિનો પરિચય

અંશ ખીમતવી

વ્યવસાય: શિક્ષક

સરનામું: મુ.પો.ખીમત, તા:ધાનેરા

જિ: બનાસકાંઠા

મો: 9624399950

 

11.અનવર જૂનેજા

નજર મેળવીશું ને ખોવાઈ જાશું,

પ્રણયમાં અમે એમ બદલાઈ જાશું.

 

જતી આબરુ પણ ભલે વેદનાની,

વિખેરાઈ જઈને સમેટાઈ જાશું.

 

પરોવ્યા છે મોતી બનાવી નયનમાં,

જરા ચોટ સાથે જ વેરાઈ જાશું.

 

પ્રલયથી ડરી જિંદગી કેમ છોડું ?

અગર મોત આવે તો ટકરાઈ જાશું.

 

ગઝલ જો અમારી ગમી જાશે સૌને,

સભામાં તમારી યે ચર્ચાઈ જાશું.

 

કવિનો પરિચય

અનવર એસ.જુનેજા

વ્યવસાય- સફાઈ કામદાર (સરકારી તાલુકા પુસ્તકાલય વડગામ)

સરનામું: નવા માર્કેટ યાર્ડ નજીક, મુ.પો.તા.: વડગામ

જિ: બનાસકાંઠા

મો: 9429302240

 

12. શિવાજી રાજપૂત ‘શિવમ વાવેચી’

નજર મેળવીશુંને ખોવાઈ જાશું,*

સુવાસિત કરી જગ મુરજાઈ જાશું।

 

નથી ખેવના ક્યાંય કાયમ થવાની,

કદી હોઠ પર આવી મલકાઈ જાશું.

 

તમે જીદ કરોના તમારા થવાની,

બધી બાજુએથી વગોવાઈ જાશું.

 

સરળતા જ કાફી જીવનની સફરમાં,

ઘણી અવઢવોમાં તો ફંટાઇ જાશું.

 

ગઝલમાં અમારી શિવમ આ જ મૂડી,

ફક્ત શૂન્ય નામે જ ચર્ચાઇ જાશું.

 

કવિનો પરિચય

શિવાજી રાજપૂત ‘શિવમ વાવેચી’

વ્યવસાય: શિક્ષક

સરનામું: સોલંકીવાસ મુ.પો.તા: વાવ

જિ:બનાસકાઠા

મો: 9979061310

 

13.નીમુ’રા

નજર મેળવીશું ને ખોવાઇ જાશું.

જહનમાં ભળીશું ને ખોવાઇ જાશું.

 

સમજતા નથી આંખ કોરી છે જેની,

કરામત કરીશું ને ખોવાઇ જાશું.

 

તમારી અસરમાં જખમ પણ મળ્યા છે,

મરામત કરીશું ને ખોવાઇ જાશું.

 

ભલે ને! રઝળતા કરી દે જમાનો,

અદબથી મરીશું ને ખોવાઇ જાશું.

 

સજા પ્રેમમાં મોતનીયે મળે તો,

ખુદાને ધરીશું ને ખોવાઇ જાશું.

 

કવિનો પરિચય

નીતિન મુકેશભાઈ રાવલ

વ્યવસાય: સહાયક પ્રાધ્યાપક, સરકારી ઇજનેરી કોલેજ

સરનામું: મુ.પો.પસવાદળ, તા.વડગામ,જિ. બ.કાં.

હાલનું સરનામું: બ્લોક નંબર 257/4 'ચ' ટાઈપ સરકારી મકાન, સેક્ટર 29, ગાંધીનગર.

મો:9429716401

 

14.સુરેશ ‘શ્વાસ’

ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી,*

સહારો નાવને ના આપ બચવા દે દુવાઓથી.

 

હા પરિવારને તોડી સભ્યને પૂજયા તે હંમેશા,

થયા પાપી ખુદાને પણ જુદા પાડી ખુદાઓથી.

 

ઘડી છેલ્લી હશે તો શું થશે ઉપચારકોથી પણ,

ઘણું તો કેટલું જીવવું નકામી આ દવાઓથી.

 

હું રોજેરોજ ચાહું એ ભલે નફરત કરે તો પણ,

મરીને પણ હવે કેટલું મરવું એની અદાઓથી.

 

કવિનો પરિચય

નામ: ચૌધરી સુરેશભાઈ લાધાભાઈ

વ્યવસાય: આસી. મેનેજર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ

સરનામું: ગામ:ભરડાસર, તા:થરાદ, જિ. બનાસકાંઠા

મો: 8200840537

 

15. ઘનશ્યામ પંડયા

 

નજર મેળવીશું ને ખોવાઇ જાશું,

છતાં ના સરળતાથી ભૂલાઇ જાશું.

 

ભલે લાખ વાના કરીશું છુપાવા,

સનમ આપણે ખૂબ ચર્ચાઇ જાશું.

 

અલગ પાડવાની કરે કોઇ કોશિષ.!

જરાસંઘની જેમ જોડાઇ જાશું.

 

ચમન માં થશે વાત શબનમની જ્યારે,

વિચારે બની ફૂલ ભીંજાઇ જાશું.

 

તમારા નયનમાં નિહાળી ચમકને,

ખરેખર હવે દિલથી હરખાઈ જાશું.

 

કવિનો પરિચય

ઘનશ્યામ અજેસીભાઈ પંડ્યા

વ્યવસાય: નોકરી (ફાર્માસીસ્ટ)

સરનામું: નારણદેવી રોડ, મુ.પો.તા.- થરાદ

જિ:બનાસકાંઠા

મો: 9925637756

 

આભાર દર્શન

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,

એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

-શૂન્ય પાલનપુરી

 

જ્યાં સુધી ગુજરાત છે, ગુજરાતી છે અને ગઝલ છે ત્યાં સુધી શૂન્યનું સ્મરણ રહેવાનું છે.ઉત્તર ગુજરાતની સુકી ધરતીમાં શૂન્ય સાહેબે કવિતાનું જે મીઠું ઝરણું વહાવ્યું એનાથી ગુજરાતી ભાષા ન્યાલ થઈ ગઈ.

શૂન્ય સાહેબની યાદગીરીમાં એમની રચનાઓમાંથી તરહી રચનાઓનું સર્જન કરી આ નાનકડી ઈ બુક બનાવવાની પ્રેરણા આપનાર આદરણીય શરદભાઈ ત્રિવેદી સાહેબનો ખૂબ આભાર.

આ ઈ-બુકમાં તરહી રચનાઓ મોકલનાર સૌ કવિઓનો આભાર.

આ સરસ ઈ બુક બનાવવા બદલ શિવમભાઈ અને આ રચનાઓ એકત્ર કરવામાં મદદરૂપ થવા બદલ અંશ ખીમંતવી બંન્ને મિત્રોનો આભાર માનું છું.

 

-પરબતકુમાર નાયી ‘દર્દ’