થોડા સમય પહેલાં ધારી તાલુકાની ગર્લ્સ એકેડમી ઑફ ઇન્ડિયાની બહેનો સાથે ‘વ્યક્તિત્ત્વ વિકાસ’ અંગેના એક કાર્યક્રમ દરમ્યાન એક બહેને પ્રશ્ન પૂછ્યો કે, “સમાજ છોકરીઓને સ્વતંત્રતા કેમ આપતો નથી? છોકરાઓ ગમે ત્યાં અને ગમે તે સમયે હરી ફરી શકે. છોકરીઓને આવી છૂટ કેમ આપવામાં આવતી નથી? મોટાભાગની યુવતીઓના મનમાં આવો સવાલ અવશ્ય જાગે છે. સ્વતંત્રતાના ખ્યાલો ધીમે ધીમે આગળ વધે છે અને છેવટે એના સંતોષકારક જવાબો નથી મળતા ત્યારે કાં તો પોતાના નસીબને દોષ દે છે અથવા હતાશામાં સરી પડે છે.
સવાલ એ છે કે, હરવા ફરવાની સ્વતંત્રતાને જ આપણે સ્વતંત્રતા ગણીએ છીએ? ખરું જોતાં તો મોટા ભાગની યુવતીઓના મનમાં આવા પ્રશ્નો જાગવાનું કારણ નારીમુક્તિ આંદોલન અન્વયે પ્રચલિત થતી અવાસ્તવિક માન્યતાઓની છે. આજના યુગમાં સ્ત્રીને પુરૂષ પૂરતા અધિકારો મળવા જોઈએ અને એક માનવ તરીકેનું ગૌરવ જળવાવું જોઈએ એ વાતનો ઈન્કાર થઈ શકે નહીં. પરંતુ આવા આંદોલનો ચલાવનારાઓ આ આખી પ્રક્રિયાને ઊંધા રવાડે ચડાવી દે છે. સ્ત્રીઓને એમના અધિકારો મળવા જ જોઈએ એ વાતનો સ્વીકાર કર્યા પછી પણ સ્ત્રી માત્ર પુરૂષનું અનુકરણ કરે એ જીદમાં સરવાળે સ્ત્રી પુરૂષ તો ન બની શકે ઊલટાનું સ્ત્રીત્ત્વ પણ ગુમાવી બેસે, એવી નોબત આવી જાય છે. એટલે ખરો સવાલ સ્ત્રી અને પુરૂષના જૈવિક ભેદને જાળવી રાખવાનો છે. એ ભેદ વિવેકપૂર્વક જળવાય તો જ બંનેનું અસ્તિત્વ સાર્થક થાય.
જૈવિક રીતે સ્ત્રી અને પુરૂષ વચ્ચેના ભેદો બહુ સ્પષ્ટ છે. આ ભેદો જળવાય છે એથી જ આ સૃષ્ટિ ટકી રહી છે. આ જૈવિક ભેદોએ કેટલીક સામાજિક મર્યાદાઓ પણ સર્જી છે. અને સમાજને ટકાવી રાખવો હોય તો એની કેટલીક મર્યાદાઓનું પાલન કરવું પડે. પરંતુ સ્ત્રી સમાનતાના આગ્રહીઓ સ્ત્રીને એવી સામાજિક મર્યાદાઓમાંથી પણ મુક્ત કરાવવા મથે છે. આજે સ્ત્રીઓ પુરૂષો જેવા કપડાં પહેરતી થઈ છે, પુરૂષો જેવા વાળ રાખે છે. પુરૂષો જેવી જ અદાઓ અને છટાઓનું અનુકરણ કરે છે. તથા શક્ય તેટલી તમામ બાબતોમાં પુરૂષોની જ નકલ કરે છે. એનું પરિણામ એ આવે છે કે, સરેરાશ સ્ત્રી સ્ત્રી સહજ બનવાને બદલે પુરૂષ સહજ બને છે. આને જ જો આપણે વિકાસ કહેતા હોઈએ તો ક્યાંક આપણી ભૂલ થાય છે.
કુદરતે દરેક પ્રાણીમાં નર અને માદા એમ બે વિભાગો પાડ્યા છે. દરેક પ્રાણીની માદાનું એક ખાસ કર્તવ્ય પણ કુદરતે નક્કી કર્યું છે. એમાં બાળકને જન્મ આપવાની અને એને ઉછેરવાની વાત મુખ્ય છે. વિજ્ઞાન ગમે એટલી મથામણ કરે કે સ્ત્રી સ્વાતંત્ર્યતાના હિમાયતીઓ ગમે તેટલી માથાકૂટ કરે તો પણ તેઓ પુરૂષને માતૃત્ત્વ આપી શકે તેમ નથી. માતૃત્વની જવાબદારી સ્ત્રીએ અદા કરવાની હોવાથી સ્વાભાવિક રીતે જ કુટુંબના લાલનપાલનની જવાબદારી પણ સ્ત્રીના માથે જ આવે છે. બહુ બહુ તો આ જવાબદારી સ્ત્રી પોતાની સમજ અને મરજી મુજબ સ્વતંત્ર રીતે પાર પાડી શકતી હોવી જોઈએ એમ આપણે કહી શકીએ.
બીજી રીતે કહીએ તો સ્વતંત્રતાનો ખ્યાલ જ મૂળભૂત રીતે ભ્રામક છે. આ સમગ્ર પ્રકૃતિમાં કશું જ નિરપેક્ષ રીતે સ્વતંત્ર નથી. બધે જ પરસ્પરાવલંબન કામ કરે છે. એ ન્યાયે સ્ત્રીને સંપૂર્ણ મુક્ત થઈ જવાની શિખામણ આપવાને બદલે એને પરસ્પારવલંબિત થવાની શિખામણ આપવામાં આવે તે વધુ સાર્થક છે. સ્ત્રી અને પુરૂષ બે સામ સામા ધ્રુવ છે. અને વિજ્ઞાનના નિયમ મુજબ બે સમાન ધ્રુવ વચ્ચે સહ-અસ્તિત્વ સંભવતું નથી. પરસ્પર વિરોધી ધ્રુવ હોવા જ જોઇએ. પ્રાચીન પંડિતોએ સ્ત્રી અને પુરૂષને સંસાર રથનાં બે પૈડાં ગણાવ્યાં છે, એમાં તથ્ય છે.
કુદરતે સ્ત્રી અને પુરૂષમાં શરીર રચના સિવાય પણ કેટલાક ચોક્કસ ભેદ રાખ્યા છે. પુરૂષ સ્વભાવથી જ આક્રમક હોય છે. સ્ત્રી સ્વભાવથી ઋજુ હોય છે. પુરૂષનો સ્વભાવ આધિપત્યનો છે. સ્ત્રીનો સ્વભાવ સમધારણનો છે. પુરૂષ સ્વભાવથી અસહિષ્ણુ છે, જ્યારે સ્ત્રી સહનશીલ છે. નૃવંશ શાસ્ત્રનું મનોવિજ્ઞાન કહે છે કે પુરૂષ સ્થિર નથી. એટલે કે તે ભટકી પણ શકે છે અને રખડી પણ શકે છે. જ્યારે સ્ત્રી સ્થિર છે. ખરેખર તો આ વિરોધી દેખાતાં લક્ષણો જ સંસારચક્રને ગતિમાન રાખે છે. પુરૂષ ધારે તો એના જીવનકાળ દરમ્યાન હજારો બાળકોનું પિતૃત્વ ધારણ કરી શકે છે, પરંતુ સ્ત્રી માટે માતૃત્ત્વ મર્યાદિત છે.
કુદરતનો એક નિયમ છે કે દરેક વ્યક્તિ અથવા ચીજ પોતાની ભૂમિકા સુપેરે અદા ન કરે તો ચોમેર અરાજકતા જ ફેલાય. ગુલાબનું ફૂલ સુગંધ જ આપે, એમાંથી એમોનિયાની વાસ ન આવે. આંબાના વૃક્ષ પર કેરી જ પાકે, જાંબુ કે સફરજન ન પાકે. આ કુદરતે પાડેલા નિયમો છે. સ્ત્રી અને પુરૂષ પણ કુદરતે પાડેલા નિયમોનું જ અનુસરણ કરે છે. એ નિયમોને ઉલટસૂલટ કરીએ તો અરાજકતા જ ફેલાય.
એનો અર્થ એ નથી કે સ્ત્રીને એની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તક ન મળવી જોઇએ. જૈવિક મર્યાદાઓ જ્યાં આડે આવતી હોય ત્યાં કોઈ પણ દુરાગ્રહ રાખ્યા વિના સ્ત્રીને સમાન તક મળવી જ જોઈએ. વ્યવસાયના અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓનું આજે જે વર્ચસ્વ દેખાય છે તે વાજબી જ છે. છતાં દરેક વ્યવસાયમાં સ્ત્રીની વિશેષતાઓ અને મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો જ સ્ત્રીનો યોગ્ય વિકાસ થાય અને એ વિકાસનો એને પૂરતો લાભ મળે. પરંતુ માત્ર સ્પર્ધા કરવા ખાતર જ સ્પર્ધા કરવામાં આવે તો અસંખ્ય જોખમો ઊભા થાય.
સ્ત્રી અને પુરૂષની દેહ ધાર્મિક જરૂરિયાતો પણ અલગ છે. એ અલગ જરુરિયાતોને ધ્યાનમાં રાખવામાં ન આવે તો નબળી વ્યક્તિના વિકાસ પર અવળી અસર પડે. સમાજ આવી બાબતો પ્રત્યે અત્યાર સુધી વધુ પડતો સભાન હતો. હવે એ વધારાની સભાનતા ઓછી થઈ છે. પરંતુ એને સાવ નિર્મૂળ તો ન જ કરી શકાય.
આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીને પૃથ્વી તત્ત્વ તરીકે અને પુરૂષને આકાશ તત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષની કશુંક ભીતર સંઘરી રાખવાની ક્ષમતા મર્યાદિત છે. એથી જ પુરૂષના સંબંધો એટલા ચીર સ્થાયી નથી હોતા જેટલા એક સ્ત્રીના હોય છે. કોઈ પણ ભાવ યા લાગણીને સ્ત્રી મજબૂત રીતે ધારણ કરી શકે છે. એથી જ કેટલાક લોકો સ્ત્રી અને પુરૂષના આ સ્વભાવ ભેદને ધ્યાનમાં રાખીને કહે છે કે, જો આ વિશ્વમાં સ્ત્રી સ્ત્રી જ ન હોત તો ઘર પણ ન હોત! વધુમાં વધુ તંબુઓ હોત! પુરૂષની અસ્થિરતા જ મુખ્ય ભાગ ભજવતી હોત! આગળ વધીને કહીએ તો આજે આપણે જે સભ્યતા જોઈએ છીએ તેના મૂળમાં પણ સ્ત્રી જ છે. હવે જો સ્ત્રી તેની ખાસ લાક્ષણિકતાઓ ગુમાવી દે તો આ સૃષ્ટિમાં કેવી ગરબડો સર્જાય તે વિચારવા જેવું છે.
સ્ત્રી સ્વાતંત્રતા હિમાયતીઓ સ્ત્રીમાં શારીરિક કે સામાજિક ફેરફારો આણવામાં સફળ થાય તો પણ એની મૂળભૂત જૈવિક ખાસિયતો અને મૂળભૂત માનસિકતામાં પરિવર્તન આણવું એમના માટે બહુ દુષ્કર છે. એક જ ઉદાહરણ જોવા જેવું છે. દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, અરવિંદ, કૃષ્ણમૂર્તિ, રમણ મહર્ષિ, રજનીશ વગેરે અનેક પ્રબુદ્ધ પુરૂષોના નામો સાંભળવા મળે છે. એમાં ક્યાંય કોઈ સ્ત્રીનું નામ સાંભળવા મળતું નથી. એનો અર્થ એવો નથી કે ભારતમાં કોઈ સ્ત્રી એ કક્ષાઓ સુધી પહોંચી શકી નથી. હકીકતમાં ઘણી સ્ત્રીઓ પ્રબુદ્ધ બની છે.
પરંતુ સ્ત્રી જેટલી સહેલાઈથી સમર્પણ કરી શકે છે, એટલી સહેલાઈથી આધિપત્ય સ્થાપી શકતી નથી. એથી તેઓ ગુરૂપદે ભાગ્યે જ આવી શકે છે. મીરાંનું સમર્પણ જ તેને સંતની કક્ષાએ મૂકી શકે છે. જે સ્ત્રીઓ ગુરૂપદ સંભાળી ચૂકી છે, એ ભલે શારીરિક રીતે સ્ત્રી હોય, પરંતુ એમનામાં પુરૂષતત્ત્વ વિશેષ હોવાની સંભાવના છે. મનોવિજ્ઞાની કે. જી. યુંગના કહેવા મુજબ દરેક પુરૂષમાં સ્ત્રીનાં કેટલાંક લક્ષણો હોય છે તો દરેક સ્ત્રીમાં પુરૂષના કેટલાંક લક્ષણો હોય છે. વિપરીત લક્ષણોની માત્રા વધી જાય ત્યારે પુરૂષ સ્ત્રૈણ બને અને સ્ત્રી પૌરૂષ દાખવે એ શક્ય છે.
ભારતીય ઈતિહાસમાં આવું જ એક ઉદાહરણ પણ આવે છે. જૈનોના ચોવીસ તીર્થંકરોમાં એક સ્ત્રી હતી. એનું નામ મલ્લીબાઈ હતું. પરંતુ જૈનોનો દિગંબર સંપ્રદાય એમને સ્ત્રી માનવા તૈયાર નથી. તેઓ તો મલ્લીનાથ જ કહે છે. કદાચ તેઓ મૂળભૂત રીતે સાચા છે. એ નામ પૂરતી જ સ્ત્રી રહી હશે. બાકી એનામાં પુરૂષના લક્ષણોનું જ બાહુલ્ય હશે. તીર્થંકરના સ્થાન સુધી પહોંચવું એ એમને મન સ્ત્રી સહજ નથી. શ્વેતાંબર જૈનો ભલે કહેતા હોય કે એ સ્ત્રી જ હતી. પરંતુ તથ્યગત રીતે મલ્લીબાઈને બદલે મલ્લીનાથ જ યોગ્ય છે.
કુદરતે દુનિયામાં પુરૂષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સમાન ધોરણે જાળવી રાખી છે. એનો અર્થ એ કે પુરૂષ પુરૂષ જ રહે અને સ્ત્રી સ્ત્રી જ રહે એવું કુદરત પણ ઇચ્છે છે. તો પછી સ્ત્રીને પુરૂષ સામે હોડમાં મૂકીને આપણે કયું ગણિત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ?
સ્ત્રી એની સંપૂર્ણ સંભાવનાઓ સાથે સ્ત્રી જ બની રહે એમાં એના અસ્તિત્વની સાર્થકતા છે. સ્ત્રી પુરૂષ સમોવડી બનવાને બદલે સ્ત્રી સમોવડી બને અને પોતાની તમામ સંભાવનાઓ ચરિતાર્થ કરે એ જ વાજબી છે.