પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૧
જામગીરે જોયું કે નાગદા ક્યાંક જવા નીકળી છે. એ ક્યાં ગઇ અને શું કામ માટે ગઇ એની કલ્પના કરતા જામગીર અચાનક થોડે દૂર કોઇની હલનચલનથી ચોંકી ગયા. તે નવાઇથી જોતાં વિચારવા લાગ્યા. આટલી રાત્રે અંધારમાં કોણ હશે? એ શું કરે છે એના પર નજર રાખવી પડશે. જામગીર ઝાડની ઓથે છુપાઇને નાગદાના ઘર પર નજર રાખવા સાથે એ તરફ પણ નજર કરતા હતા જ્યાં કોઇ હોવાનો ભાસ ઊભો થયો હતો. એ વ્યક્તિ ઝાડની ઓથેથી બહાર આવી અને નાગદાના ઘર તરફ જવા લાગી. જામગીરને પહેલાં તો થયું કે આ નાગદા જ તો નહીં હોય ને? તે રૂપ બદલીને પોતાના જ ઘરમાં કોઇ કારણથી જઇ રહી હોય એમ પણ બને. એની ચાલઢાલ પરથી તે સ્ત્રી હોવાનું લાગી રહ્યું હતું. અંધારામાં એના વિશે અટકળ જ થઇ શકે એમ હતી.
એ સ્ત્રી ધીમે ધીમે ચાલતી હતી અને આમતેમ ફરીને પણ જોતી હતી. એ પરથી જામગીરને મનમાં પાકું થઇ ગયું કે આ સ્ત્રી નાગદા નથી. એ તો નાગદાની બહાર નીકળવાની રાહ જોતી હતી. એ નાગદાની કોઇ દુશ્મન તો નહીં હોય ને? અત્યારે ચૂપચાપ ખેલ જોવામાં જ ભલાઇ હતી.
એ સ્ત્રી આગળ વધતી નાગદાના ઘરની વાડ નજીક પહોંચી ગઇ. તે ચારે તરફ જોવા લાગી. કંઇક ખાતરી કરતી હોય એમ જોયા પછી એ સ્ત્રીએ મકાન ફરતેની વાડનો દરવાજો ખોલવા હાથ લગાવ્યો અને....એક ઝાટકો લાગ્યો હોય એમ દૂર ફેંકાઇ ગઇ.
જામગીરે ગભરાઇને ઝાડનું થડ પકડી લીધું. એમને એ વાત સમજાઇ ગઇ કે આ કોઇ અજાણી સ્ત્રી છે અને એ નાગદાના ઘરમાં જવા માગતી હતી પરંતુ નાગદાએ તેને અટકાવી છે. એ સ્ત્રીએ ફરી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. તે ફરી જમીન પર પડી ગઇ. આ વખતે તે ઊભી ના થઇ. જામગીરને થયું કે એ મદદ માટે જાય. પણ જો નાગદા આવી જાય તો પોતે ત્યાં ફસાઇ જાય. પોતે જ આ સ્ત્રીને લઇને આવ્યા છે એવી ધારણા બાંધી લે. પોતે તો કંઇ જાણતા નથી. એ સ્ત્રી થોડીવાર સુધી બેસીને નાગદાના ઘર તરફ મોં રાખીને બેસી રહી. પછી અચાનક એક સ્વર આવ્યો. જામગીરને એ તરફથી સ્ત્રી સ્વરમાં એક ગીત સંભળાવા લાગ્યું. એ સ્ત્રી હાથ લાંબો કરીને ગાઇ રહી હતી...
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
મને ભૂલી ના જાતો રે...
જન્મોજનમનો નાતો રે...
યુગોયુગો યાદ રહેશે....
તારી-મારી વારતા રે...
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
જામગીરને થયું કે આ સ્વર જાણીતો છે. અચાનક રેતાનો સ્વર ઓળખાઇ ગયો. તેમને નવાઇ લાગી. રેતા આટલી રાત્રે કેમ આવી? આ ગીત કેમ ગાઇ રહી છે. રેતા એના પતિને કંઇક યાદ અપાવી રહી છે. રેતાનો સ્વર હવે મોટો થતો જતો હતો. એ લાગણીશીલ બની રહી હતી. તેના અવાજમાં રુદન લાગતું હતું.
તારા વિના રહેવાશે નહીં,
આ જીવતર જીવાશે નહીં...
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
મને ભૂલી ના જાતો રે...
જન્મોજનમનો નાતો રે...
ઓ સાયબા રે......
રેતાના અવાજ પર રુદન હાવી થઇ ગયું. તે વધારે ગાઇ શકી નહીં. તેના ડૂસકાં સંભળાવા લાગ્યા.
રેતાના ગીતથી કોઇ ચમત્કાર થયો હોય એમ નાગદાના ઘરની બારી ખૂલી. ઘરમાં અંધારું હતું એટલે બારીમાં કોણ આવ્યું એનો અંદાજ આવતો ન હતો. બારીને ખૂલતી જોઇ રેતા ઉભી થઇ ગઇ. તેણે આંસુ લૂછી ખુશીથી બૂમ પાડી:"સાયબા...સાયબા....વિરેન..."
જામગીરને દૂરથી બરાબર દેખાયું નહીં. પણ રેતાનું અનુમાન વિરેન હોવાનું હતું. જામગીરને થયું કે બારીમાં વિરેન આવ્યો હોવો જોઇએ. તે વધારે કંઇ વિચારે એ પહેલાં બારીમાંથી ડોકિયું કરનારે કોઇ પ્રતિભાવ વગર બારીને બંધ કરી દીધી.
આશાનો દરવાજો બંધ થઇ ગયો હોય એમ રેતા ચીસ પાડીને બોલી ઊઠી:"વિરેન... વિરેન..."
રેતા થોડીવાર સુધી બૂમો પાડતી રહી પણ અંદર કોઇ અસર થતી દેખાઇ નહીં. તે હતાશ થઇને જમીન પર ફસડાઇ પડી. જામગીરે સમયસૂચકતા વાપરી. તે દોડીને તેની પાસે જઇ બોલ્યા:"રેતા...રેતા, જલદી અહીંથી ચાલ..."
અચાનક કોઇનો સ્વર સાંભળી રેતા ચોંકી અને જોયું તો જામગીરકાકા હતા. રેતાને એમણે ફરીથી કહ્યું:"રેતા, અહીં ઉભા રહેવામાં જોખમ છે. નાગદા ગમે ત્યારે આવી જશે. ચાલ જલદી..."
રેતાને પણ પોતાની ભૂલનું ભાન થયું હોય એમ ઝડપથી ઉભી થઇ અને જામગીર સાથે ચિલ્વા ભગતના ઘર તરફ ચાલવા લાગી. થોડું ચાલ્યા ત્યાં સુધી જામગીરે તેની સાથે કોઇ વાત ના કરી. રેતા વારંવાર પાછળ ફરીને નાગદાના ઘરની બારી તરફ આશાભરી નજર નાખી લેતી હતી.
અચાનક તે અટકી ગઇ અને જામગીરને એક ઝાડ પાસે લઇ જઇ કહેવા લાગી:"કાકા, આપણે થોડીવાર અહીં રાહ જોઇએ તો? વિરેન બહાર આવશે...બારીમાં મને એના જેવો જ પુરુષ દેખાયો... નાગદાએ એને કેદી બનાવી દીધો લાગે છે...."
"બેટા, હમણાં ત્યાં જવામાં જોખમ છે. રાત્રે ભૂત-પ્રેતની શક્તિઓ વધી જાય છે. નસીબ સારું છે કે નાગદા ક્યાંક ગઇ છે. જો તેની હાજરીમાં તું વિરેનને શોધવા એના ઘરમાં ગઇ હોત તો ન જાણે તારા પર કેવી આફત આવી હોત. અત્યારે આપણે વિરેનને બચાવવાનો છે. એમાં તું એની ચુંગાલમાં ફસાઇ જઇશ તો અમારું કામ મુશ્કેલ બની જશે..."
જામગીરની વાતથી રેતાને સમજાયું કે હમણાં ત્યાં જવામાં ભલાઇ નથી. તે જામગીરની પાછળ ચાલવા લાગી.
બંને ચિલ્વા ભગતના ઘર પાસે પહોંચ્યા. ત્યાં અપાર શાંતિ જોઇ દિલમાં ફડક પેઠી. ચિલ્વા ભગતનું મકાન ખુલ્લું હતું. તે હાજર ન હતો. બહાર અગ્નિકુંડ પણ બંધ હતો અને વેરવિખેર હતો. જામગીરે ડર સાથે કહ્યું:"રેતા, નક્કી જયના અહીં આવી હશે અને ભગત પર હુમલો કર્યો હશે. ભગત સલામત તો હશે ને?"
રેતાને થયું કે પોતે રાત્રે અહીં આવીને ભૂલ તો કરી નથી ને?
***
નાગદા ઘરમાંથી નીકળી ત્યારે વિરેન જાગતો જ હતો. તેણે ઉંઘવાનો ડોળ કર્યો હતો. નાગદાને તેણે ધીમા પગલે મકાનની બહાર નીકળતા જોઇ અને વિચારવા લાગ્યો:"રાત્રિના સમય પર એ ક્યાં ગઇ હશે? એ મારી પત્ની હોવાનો હક જતાવી રહી છે પણ મારું દિલ કેમ એને સ્વીકારી રહ્યું નથી? આ સ્ત્રી મને કોઇ વખત રહસ્યમય કેમ લાગે છે? કહે છે કે ગામના લોકો લાવરું લેવા આવ્યા હતા. એ વૃધ્ધ અને સ્ત્રીને નાગદાએ અંદર કેમ આવવા દીધા નહીં હોય? ગામવાસી તરીકે ઘરે પણ બોલાવી શકી હોત? નાગદાનું રૂપ મનમોહક છે. એના જેવી પત્ની આ દુનિયામાં કોઇની નહીં હોય છતાં મને એના પર ખાસ પ્રેમ કેમ ઉમટી રહ્યો નથી. એ સતત મને આહવાન કેમ આપતી રહે છે? શું અકસ્માતમાં મેં યાદશક્તિ ગુમાવી એ સાથે મારી કામશક્તિ પણ જતી રહી છે? નાગદા એટલી રૂપવતી છે કે કોઇપણ પુરુષ એને ભોગવવાનો મોકો છોડે નહીં. તો શું મારામાં ખરેખર કોઇ ખામી આવી ગઇ છે? ના-ના એ કેવી રીતે કહી શકાય? નરવીરને પોતાના વિચારો પજવવા લાગ્યા. તેનું માથું ચકરાવા લાગ્યું.
ઘણીવાર સુધી તે આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એની સામે નાગદાની કાયા જ તરવરતી રહી. એના અંગેઅંગ દિલમાં હલચલ મચાવવા લાગ્યા. ત્યાં કોઇ સ્ત્રીનો અવાજ સંભળાયો. તે ગીત ગાઇ રહી હતી.
ઓ સાયબા રે......ઓ સાયબા રે...
નરવીર ઊભો થયો. તેને નવાઇ લાગી કે કોઇ સ્ત્રી આટલી ભેંકાર રાત્રિમાં રડતાં રડતાં ગીત કેમ ગાઇ રહી છે? બારી ખોલીને જોયું તો કોઇ સ્ત્રીનું ગાયન બંધ થઇ ગયું. એણે પોતાની તરફ જોઇને બૂમ પાડી:"સાયબા...સાયબા....વિરેન..."
નરવીર વિચારવા લાગ્યો:"નક્કી કોઇ પાગલ સ્ત્રી છે. પોતાના સાયબાને બોલાવી રહી છે. કે પછી કોઇ ભટકતી આત્મા છે. નાગદા મને પ્રિયવર કહે છે એમ આ સ્ત્રી પોતાના પતિને સાયબા કહેતી હશે."
નરવીરે એના પર ધ્યાન ના આપ્યું અને બારી બંધ કરી અંદર જઇ ખાટલામાં આડો પડ્યો. તેને એ સ્ત્રીનો અવાજ પરેશાન કરવા લાગ્યો. થોડીવાર પછી એ બેઠો થઇ ગયો. તેને થયું કે 'સાયબા' ક્યાંક સાંભળ્યું હોય એવું કેમ લાગે છે?
વધુ બાવીસમા પ્રકરણમાં..